આજનો જીવનમંત્ર:એકબીજા સાથે સ્પર્ધા કરવી યોગ્ય છે, પરંતુ અન્ય લોકોને પરાજિત કરવા માટે ખોટા કામ કરવા નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- શિવપુરાણની કથા છે. એકવાર વિષ્ણુજી વિશ્રામ કરી રહ્યા હતાં, તે સમયે બ્રહ્માજી તેમની પાસે પહોંચ્યાં. વિષ્ણુજીને સૂતેલાં જોઈને બ્રહ્માજીને થયું કે આ મારું અપમાન છે.

બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા અને તેમણે વિષ્ણુજી માટે અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું. વિષ્ણુજીએ પણ જવાબ આપ્યો. આપણાં બંનેમાં શ્રેષ્ઠ કોણ છે, આ વાતને લઇને બંને વચ્ચે વિવાદ વધી ગયો. ઝઘડો એટલો વધી ગયો કે બંનેએ એકબીજા માટે શસ્ત્ર હાથમાં લઈ લીધા અને યુદ્ધની પરિસ્થિતિ બની ગઈ.

યુદ્ધ શરૂ થયું, બંને બાજુથી એવા શસ્ત્ર ચલાવવામાં આવી રહ્યા હતા કે જો યુદ્ધ ચાલતું રહે તો બ્રહ્માંડ નષ્ટ થઈ જાય, આ વિચારીને બધા દેવતાઓ શિવજી પાસે પહોંચ્યાં અને કહ્યું, આ યુદ્ધને તમે જ પૂર્ણ કરાવો.

શિવજી એક અગ્નિ સ્તંભ સ્વરૂપમાં બ્રહ્મા અને વિષ્ણુજીની વચ્ચે પ્રકટ થયાં. અગ્નિ સ્તંભે બંનેને જોઈને યુદ્ધ રોકી દીધું અને વિચારવા લાગ્યાં કે તેનો મહિમા જાણવામાં આવે તો તે નક્કી થઈ જશે કે શ્રેષ્ઠ કોણ છે.

વિષ્ણુજીએ શૂકર એટલે ડુક્કરનું શરીર લઇને તે અગ્નિ સ્તંભમાં નીચેથી પ્રવેશ કર્યો. બ્રહ્માજીએ હંસ સ્વરૂપ લઇને પ્રવેશ કર્યો. બંને તે અગ્નિ સ્તંભમાં ફરતા રહ્યાં, પરંતુ તેમને સ્તંભ અંગે કશું જ જાણવા મળ્યું નહીં, તેઓ તેનો મહિમા જાણી શક્યા નહીં.

સ્તંભની અંદર બ્રહ્માજીને કેતકી નામનું એક ફૂલ મળ્યું. વિષ્ણુજી સ્તંભથી બહાર આવી ગયા હતાં. બ્રહ્માજીએ વિચાર્યું કે વિષ્ણુ હારી ગયા છે, તેઓ આ અંગે જાણકારી મેળવી શક્યા નથી અને હું પણ જાણી શક્યો નથી. બ્રહ્માજીએ કેતકી ફૂલને કહ્યું, જ્યારે આપણે બહાર જઈએ ત્યારે તમે મારી તરફથી એવું સૂચન આપજો કે મને આ સ્તંભનું રહસ્ય જાણ થઈ ગયું છે.

સ્તંભથી બહાર આવીને કેતકીએ બ્રહ્માજીએ જેવું જણાવ્યું હતું તેવું જ કર્યું. તે સમયે જ શિવજી ત્યાં પ્રકટ થયા અને તેમણે બ્રહ્માજીને કહ્યું, તમે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે અસત્યની મદદ લીધી છે, હવે તમારી કોઈ સ્થાને પૂજા થશે નહીં. વિષ્ણુ તમે દરેક જગ્યાએ પૂજવામાં આવશો, કેમ કે તમે સત્યનો સાથ આપ્યો છે.

બોધપાઠ- પ્રતિસ્પર્ધા સારી વાત છે, પરંતુ અન્ય લોકોને પરાજિત કરવા માટે ખોટા રસ્તાનો કે અસત્યનો સહારો લેવો જોઈએ નહીં. અસત્ય એક દિવસ ખરાબ પરિણામ આપે છે.