વાર્તા- ઘટના મહાત્મા ગાંધી સાથે જોડાયેલી છે, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરી રહ્યાં હતાં. ગાંધીજી સાદગીથી જીવન પસાર કરવામાં વિશ્વાસ કરતાં હતાં. એક દિવસ તેમણે પોતાના ઘરનું બજેટ બનાવ્યું ત્યારે જોયું કે, કપડાં ધોવડાવવા માટે ઘણાં રૂપિયા ખર્ચ થાય છે. વકીલ હતાં, તો તેઓ પોતાના શર્ટની ઉપર કોલર બદલી-બદલીને પહેરતાં હતાં.
ગાંધીજીએ વિચાર્યું, શર્ટને રોજ ધોવાની જરૂરિયાત નથી, પરંતુ કોલર તો રોજ ધોવી જ પડે. તેના માટે ધોબીને ઘણાં રૂપિયા આપવા પડે છે, તો હવે હું જ મારા કપડાં જાતે ધોવાનું શરૂ કરીશ.
કોલરમાં સ્ટાર્ચ લગાવવો પડતો હતો, જેના દ્વારા તે કડક રહે. ગાંધીજીએ કપડાં ધોવાનું નવું કામ શીખ્યું હતું ત્યારે એક દિવસ કોલર ઉપર સ્ટાર્ચ વધારે લાગી ગયો. આવો કોલર લગાવીને તેઓ કામ પર જતાં રહ્યાં.
ગાંધીજીના સાથી વકીલોએ જોયું કે, તેમની કોલરમાંથી કઇંક પડી રહ્યું હતું. આ વાતનો બધા જ વકીલોએ મજાક ઉડાવ્યો અને કહ્યું કે, આપણે ત્યાં ધોબીઓનો અકાળ પડી ગયો છે. ત્યારે ગાંધીજીએ કહ્યું, પોતાના કપડાં જાતે ધોવા કોઇ નાની વાત નથી. કોઇપણ નવું કામ શીખવામાં આવે તો જીવનમાં તે આપણને કામ આવે છે.
ગાંધીજી થોડાં જ સમયમાં કપડાં ખૂબ જ સારા ધોવા લાગ્યાં અને તેઓ પ્રેસ પણ ખૂબ જ સારી રીતે કરવા લાગ્યાં હતાં. ઘણાં સમય પછી તેમને ફાયદો પણ મળ્યો.
એકવાર ગોપાલકૃષ્ણ ગોખલેને દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં સન્માન સમારોહમાં જવાનું હતું. ત્યાં ગોખલેજીનું સન્માન થવાનું હતું. તે સમયે તેમની પાસે એક જ ચાદર હતી. આ ચાદર તેમને સ્વ. મહાદેવ ગોવિંદ રાનડેએ આપી હતી. જેના કારણે તેઓ આ ચાદરને ખૂબ જ સંભાળીને રાખતાં હતાં.
ગોખલેજી તે ચાદર ઓઢીને સન્માન સમારોહમાં જવાનું ઇચ્છતાં હતાં, પરંતુ ચાદર ઉપર કરચલીઓ પડી રહી હતી. તે સમયે ત્યાં કોઇ ધોબી હતો નહીં. ત્યારે ગાંધીજીએ કહ્યું કે, આ ચાદર મને આપો, હું તેને પ્રેસ કરી દઇશ.
ગોખલેજીએ મજાક ઉડાવતાં કહ્યું, તમારી વકીલાત ઉપર તો હું વિશ્વાસ કરી શકું છું, પરંતુ ધોબીગિરી ઉપર વિશ્વાસ કરી શકું નહીં. તમે મારી પ્રિય ચાદર ખરાબ કરી દેશો.
ત્યારે ગાંધીજીએ આ વાતની જવાબદારી લીધી કે ચાદર ખરાબ થશે નહીં. તે પછી ગાંધીજીએ ચાદરને ખૂબ જ સારી રીતે પ્રેસ કરી. ચાદર જોઇને ગોખલેજીએ કહ્યું, ગાંધી તમે સાચે જ અનન્ય છો, જે પણ કામ કરો છો, પૂર્ણ મન સાથે કરો છો.
બોધપાઠ- પોતાના અંગત કામ જાતે જ કરવા જોઇએ. પોતાના કામ જાતે કરવાનો અર્થ ગરીબીમાં જીવવું નથી. પોતાની બધી જ વસ્તુઓનો ઉપયોગ યોગ્ય કરવો અને પોતાના કામ જાતે જ કરવા સાદગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.