આજનો જીવનમંત્ર:જે ઘરમાં વાસના, ગુસ્સો અને લાલચ જેવા અવગુણો છે, ત્યાં સુખ-શાંતિ રહેતી નથી

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

રામાયણમાં રાજા દશરથની ત્રણ રાણીઓ હતી, કૌશલ્યા, કૈકયી અને સુમિત્રા. દશરથે નિર્ણય કરી લીધો હતો કે રામજીને અયોધ્યાના રાજા બનાવવાના છે અને રામના રાજ તિલકની આ સૂચના સૌથી પહેલાં તેઓ કૈકયીને આપવા ઇચ્છતા હતાં. કૈકયી રામને ખૂબ જ પ્રેમ કરતી હતી અને રામને રાજા બનાવવા માટે દશરથ અનેકવાર કહી ચૂક્યા હતાં.

દશરથ કૈકયીના મહેલમાં પહોંચવાના હતાં, તેના પહેલાં દાસી મંથરાએ કૈકયીને કઇંક એવી રીતે સમજાવ્યું કે જે કૈકયી રામને સૌથી વધારે પ્રેમ કરતી હતી, તે જ રામની વિરોધી થઈ ગઇ. કૈકયીએ તૈયારી કરી લીધી હતી કે રામને વનવાસ મોકલવાના છે અને મારા દીકરા ભરતને રાજા બનાવવાના છે.

અહીં દાસી મંથરા એક એવી પ્રવૃતિ છે જે ઘરના લોકો વચ્ચે ક્લેશ કરાવે છે. મંથરા જેવી વૃત્તિ જે વ્યક્તિની અંદર આવી જાય છે, તે પોતાના ઘરમાં આવું જ કરે છે.

જ્યારે દશરથ કૈકયી સામે પહોંચ્યા ત્યારે કૈકયી ગુસ્સામાં હતી. મંથરાએ કૈકયીના મનમાં લોભના બીજ વાવ્યા હતાં. કૈકયીને ગુસ્સામાં જોઈને દશરથે પોતાની રાણીની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું.

દશરથ શ્રૃંગાર રસથી ભરપૂર શબ્દ બોલી રહ્યા હતાં. તેમની ઉંમર એવી હતી નહીં કે તેઓ પત્ની સાથે આ રીતે વાત કરે. તેમના ઘરમાં બીજા દિવસે રામનું તિલક થવાનું હતું. જ્યારે ઘરમાં શુભ કામ થવાનું હોય ત્યારે આપણું આચરણ સંયમિત હોવું જોઈએ અને વાણી મર્યાદિત હોવી જોઈએ.

દશરથની પ્રશંસાની કોઈ અસર રાણી કૈકયી ઉપર થઈ નહીં. કૈકયી જિદ્દ ઉપર અડગ રહી અને રાજા પાસે પોતાની વાત મનાવી લીધી. આ કારણે અયોધ્યામાં રામ રાજ્ય ચૌદ વર્ષ માટે આગળ વધી ગયું.

બોધપાઠ- આ કથા આપણને બોધપાઠ આપી રહી છે કે પતિ-પત્ની વચ્ચે વાસના, ગુસ્સો અને લાલચ આવી જાય તો પરિવારની સુખ-શાંતિ દૂર થાય છે.