વાર્તા- સંબંધ કેવી રીતે નિભાવવામાં આવે છે, તે આપણે શ્રીકૃષ્ણ પાસેથી જાણી શકીએ છીએ. શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધના લગ્નની ઘટના છે. તે સમયે યદુવંશી વરઘોડો લઇને ભોજકટ નગર ગયાં હતાં. લગ્ન સમયે શ્રીકૃષ્ણના સાળા એટલે રૂક્મણીના ભાઈ રૂક્મીએ બલરામને જુગાર રમવા માટે બોલાવી લીધો.
બલરામને જુગાર રમતાં આવડતું નહતું, પરંતુ તેને રમવું ગમતું હતું. તેઓ પણ ચોસર રમવા બેસી ગયાં. બલરામ શરૂ-શરૂમાં હારી રહ્યા હતાં. આ કારણે રૂક્મી બલરામનો મજાક ઉડાવતો હતો.
થોડીવાર પછી રમતમાં બલરામ જીતી ગયો. ત્યારે રૂક્મીએ મજાક ઉડાવતાં કહ્યું, તું ગોવાળિયો શું જીતીશ
રૂક્મી પોતાનો પરાજય સ્વીકારવા તૈયાર હતો નહીં. ત્યાં હાજર અન્ય રાજા પણ રૂક્મીના પક્ષમાં હતાં. બધા બલરામનું જ અપમાન કરી રહ્યા હતાં. શ્રીકૃષ્ણ દૂરથી આ બધું જોઇ રહ્યા હતાં.
પોતાની જીતને અપમાનિત થતાં જોઇને બલરામને ગુસ્સો આવી ગયો. તેણે હથોડો હાથમાં લીધો અને રૂક્મીના માથા ઉપર વાર કર્યો. હથોડો વાગતાં જ રૂક્મી મૃત્યુ પામ્યો.
લગ્ન પ્રસંગમાં હત્યા થઇ ગઇ. ત્યાં હાજર બધા લોકો પરેશાન થવા લાગ્યાં કે હવે શું થશે? કોઇપણ પ્રકારે બધાએ એકબીજાને સમજાવ્યાં. પરિસ્થિતિને સામાન્ય કરવાની કોશિશ કરી.
તે સમયે સૌથી મોટી પરેશાની શ્રીકૃષ્ણ સામે હતી. તેના ભાઈએ પત્નીના ભાઈની હત્યા કરી દીધી હતી. જો તે ભાઈના પક્ષમાં બોલે તો રૂક્મણીને ખરાબ લાગે અને જો તે પત્નીના ભાઈના પક્ષમાં બોલે તો બલરામને ખરાબ લાગે. તે સમયે શ્રીકૃષ્ણ મૌન રહ્યાં. કોઇના પક્ષ કે વિપક્ષમાં કશું જ બોલ્યાં નહીં.
શ્રીકૃષ્ણ જાણતાં હતાં કે, પરિવારમાં ક્યારેય આ પ્રકારની ઘટના બને તો સમય પસાર થવા દેવો જોઇએ. સમય જ બધા પ્રકારના ઘાવ ભરી શકે છે. થોડાં દિવસ પછી જ્યારે બધું જ શાંત થયું, ત્યારે શ્રીકૃષ્ણએ બલરામ સાથે વાત કરી.
શ્રીકૃષ્ણએ કહ્યું, જ્યારે લગ્નનો માંગલિક અવસર હતો, ત્યારે ભાઈ તમારે ખોટું કામ કરવું જોઇએ નહીં. તમે જુગાર રમવા બેસી ગયાં. લગ્ન સમયે આ પ્રકારના ખરાબ કામ કરવા જોઇએ નહીં.
તે પછી તેમણે પત્ની રૂક્મણીને કહ્યું, આપણે વરઘોડો લઇને તમારા ભાઈના ઘરે આવ્યાં હતાં. તમારા ભાઈએ મહેમાનોનું અપમાન કર્યું. આપણે મહેમાનોનું સન્માન કરવું જોઇએ.
બોધપાઠ- અહીં શ્રીકૃષ્ણએ સમજાવ્યું છે કે ઘર-પરિવારમાં મતભેદ થાય ત્યારે સમજદારીથી કામ લેવું જોઇએ. જ્યારે મામલો એકદમ ગરમ થાય ત્યારે શાંતિથી કામ લેવું જોઇએ. સમય સાથે બધું જ ઠીક થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.