વાર્તા- સંત કબીરદાસ કપડાંના વણાટનું કામ કરતાં હતાં. તેઓ આ કામ સાથે જ ભગવાનનું સ્મરણ પણ કરતાં રહેતાં હતાં. સવારથી સાંજ સુધી તેઓ આ બંને કામ સાથે જ કરતાં હતાં.
એક વ્યક્તિએ કબીરદાસને પૂછ્યું, તમે ભક્ત છો, તમારી ગતિવિધિ ધાર્મિક છે. પરંતુ હું જોવું છું કે તમે હંમેશાં કપડાંનું વણાટ કામ જ કરતાં રહો છો તો ઉપરવાળાના ક્યારે યાદ કરો છો, ભક્તિ ક્યારે કરો છો?
કબીરદાસ અન્યના પ્રશ્નોના ઉત્તર અલગ જ અંદાજમાં આપતાં હતાં. તેમણે તે વ્યક્તિને કહ્યું, ચલો આગળ ચાર રસ્તા સુધી ફરી આવીએ.
બંને સાથે ચાલવા લાગ્યાં. રસ્તામાં એક મહિલા પાણી ભરીને પાછી ફરી રહી હતી. તેના માથા ઉપર પાણીથી ભરેલો ઘડો હતો. તે પોતાની મસ્તીમાં ગીત ગાઇને ચાલી રહી હતી. તેણે ઘડાને પકડ્યો પણ નહોતો, પરંતુ ઘડો માથા ઉપર સ્થિર હતો અને ઘડાનું પાણી પણ છલકાતુ નહોતું.
કબીરદાસે તે વ્યક્તિને કહ્યું, આ સ્ત્રીને જોઇ રહ્યા છો? તે પોતાના ઘર માટે પાણી લઇને મસ્તીમાં ગીત ગાઇને જઇ રહી છે. તેનું ધ્યાન પોતાના ઘડા ઉપર પણ છે, પોતાના ગીત ઉપર પણ અને રસ્તા ઉપર પણ છે. બસ હું આ સિદ્ધાંતને જ પોતાના જીવનમાં અપનાવું છું. મારું મન ઈશ્વરમાં પણ મગ્ન છે અને હું દુનિયાદારીના કામ પણ છોડતો નથી.
બોધપાઠ- જીવન સંતુલનનું નામ છે. આપણે પણ ધન કમાવાની સાથે જ ભક્તિ પણ કરતાં રહીએ છીએ. ભક્તિથી મનની અશાંતિ દૂર થઇ શકે છે અને કર્મ કરવાની શક્તિ પણ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.