આજનો જીવનમંત્ર:ધનવાન લોકોમાં દયાનો ભાવ હોવો જોઈએ અને તેઓ અન્ય લોકોની મજબૂરીને પણ સમજે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- એકવાર મહાત્મા ગાંધીને થોડા લોકોએ પૂછ્યું કે દુનિયામાં અનેક એવા લોકો છે જેઓ તમને ગુરુ બનાવવા ઇચ્છે છે. તમારા પણ કોઈ ગુરુ હશે?

ગાંધીજી વિનોદી સ્વભાવના હતાં, તેઓ મજાક-મજાકમાં અનેક સારા સંદેશ આપતા હતાં. ગાંધીજીએ એક કિસ્સો સંભળાવ્યો. ગાંધીજીએ કહ્યું કે મેં કોઈને ગુરુ બનાવ્યાં નથી, પરંતુ મને અનેક ગુરુ મળ્યાં છે. તે બધામાં મને યાદ રહેનાર એક ગુરુનું નામ રાજ ચંદ્ર ભાઈ છે, જેઓ બોમ્બેના જ્વેલર્સ હતાં. તેમણે એક વેપારી સાથે સોદો કર્યો હતો. રાજ ચંદ્રજી પાસે અઢળક ધન-સંપત્તિ હતી. સોદામાં એવું નક્કી થયું હતું કે ચોક્કસ સમયગાળામાં વેપારી તેમને સંપૂર્ણ રકમ પાછી આપી દેશે.

થોડા સમય પછી જ બજારમાં ઉતાર-ચઢાવ થઈ ગયો અને તે વેપારીની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે તે વેપારી નક્કી થયું હતું એ પ્રમાણે ચોક્કસ સમયગાળામાં રાજ ચંદ્રજીને રકમ પાછી નહીં આપે તો તેનું બધું જ વેચાઈ જશે. એક દિવસ તે વેપારી રાજ ચંદ્રજી પાસે પહોંચ્યો અને કહ્યું, તમારી રકમ હું હાલ પાછી આપી શકીશ નહીં. નક્કી થયું હતું એમ ચોક્કસ તારીખે હું તમને રૂપિયા પાછા આપીશ તો બધું જ નષ્ટ થઈ જશે. હું ખૂબ જ ચિંતામાં છું, પરંતુ હું વચન આપું છું કે તમારા રૂપિયા ચોક્કસ પાછા આપી દઈશ.

રાજ ચંદ્રજીએ કહ્યું, જેટલાં ચિંતિત તમે છો, તેટલો જ હું પણ ચિંતિત છું. તમે એ વાત માટે ચિંતા કરી રહ્યા છો કે તમારી પાસે ધન નથી. હું આ વાત માટે ચિંતા કરી રહ્યો છું કે જો હું તમારી પાસેથી ધન લઈશ તો તમે બરબાદ થઈ જશો. આ ચિંતાને દૂર કરો અને હવે નવો સોદો કરીએ.

રાજ ચંદ્રજીએ તે વેપારીને બેસાડ્યો અને જે કાગળિયા ઉપર સોદો નક્કી થયો હતો તે વેપારીની સામે ફાડી નાખ્યાં અને કહ્યું, બધી જ ચિંતા આ કાગળિયામાં હતી. જે હવે દૂર થઈ ગઈ છે. હવે તમારે મને રૂપિયા આપવા હોય તો લો અને મારે લેવા હશે તો લઈશ.

વેપારીએ તેમને પ્રણામ કર્યા અને ત્યાંથી જતો રહ્યો.

ગાંધીજીએ આગળ કહ્યું, અહીં મેં તેમને ગુરુ જેમ જ માન્યાં, કેમ કે રાજ ચંદ્રએ તે વેપારીને ખૂબ જ સારી વાતો જણાવી હતી કે હું દૂધ પી શકું છું, પરંતુ કોઈનું લોહી પી શકું નહીં. આ વાતે મને ખૂબ જ પ્રભાવિત કર્યો હતો.

બોધપાઠ- સમય ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે જો આપણે ધનવાન છીએ અને આપણે કોઈને ધન ઉધાર આપ્યું છે તો દયાનો ભાવ પણ હોવો જોઈએ. જો ઉધાર લેનાર વ્યક્તિ આપણું ધન પાછું આપવામાં અસમર્થ હોય તો થોડું ધૈર્ય રાખવું જોઈએ. કોઈના ઉપર એટલું પણ દબાણ કરવું નહીં કે તે સંપૂર્ણ રીતે તૂટી જાય.