આજનો જીવનમંત્ર:માત્ર શાસ્ત્ર વાંચવાથી કે યોગ કરવાથી અશાંતિ દૂર થતી નથી, શાંતિ ઇચ્છો છો તો માનવ સેવા કરો

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સ્વામી વિવેકાનંદ પાસે એક યુવક પહોંચ્યો અને કહ્યું, હું અનેક સાધુ-સંતોને મળું છું. અનેક મંદિરમાં ગયો, અનેક આશ્રમમાં પણ ગયો, પરંતુ હું જે ઇચ્છું છું તે મને આજ સુધી મળ્યું નથી.

વિવેકાનંદજીએ કહ્યું, ભાઈ, તમે શું ઇચ્છો છો?

યુવકે કહ્યું, હું શાંતિ ઇચ્છું છું. શાંતિ મેળવવા માટે મેં અનેક કોશિશ કરી છે, પરંતુ હું એટલો જ અશાંત છું. શું તમે મને કોઈ સમાધાન જણાવી શકો છો?

વિવેકાનંદજીએ કહ્યું, તમે જણાવો, અત્યાર સુધી તમે કઈ-કઈ કોશિશ કરી છે?

યુવકે કહ્યું, મેં એક મહાત્માજીનો સત્સંગ સાંભળ્યો ત્યારે તેના દ્વારા હનુમાનજી પ્રત્યે મારી આસ્થા જાગી ગઈ. હવે હું હનુમાનજીની સાધના કરું છું. તેના પછી મનને શૂન્ય કરવા માટે ધ્યાન-યોગ કરું છું. પછી મેં એક સંતને સાંભળ્યા કે શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ તો હું એક એકાંત રૂમમાં મોટા-મોટા શાસ્ત્રો વાંચું છું. વાંચતી સમયે કોઈને મળતો નથી. પરંતુ મને શાંતિ મળી નથી.

વિવેકાનંદજીએ કહ્યું, સૌથી પહેલાં એક કામ કરો, તમારા ઘરમાં જે એકાંત રૂમ છે, જેમાં તમે શાસ્ત્રોનો અભ્યાસ કરો છો, યોગ-ધ્યાન કરો છો, તેના બધા જ દરવાજા ખોલી દો, તેના પછી તમારા ઘરના બધા દરવાજા ખોલી દો. બહાર જાવ અને તે લોકોને જુઓ જે ખૂબ જ દુઃખી છે, બીમાર છે, ગરીબ છે અને આ બધાના કારણે તેઓ ખૂબ જ લાચાર છે. આવા અનેક લોકો તમને મળી જશે. આ લોકો તમને ઘરની બહાર જ મળશે, કોઈ આશ્રમ કે મંદિરમાં મળશે નહીં. તે લોકોની સેવા કરો. જો ધનથી સેવા કરી શકો નહીં તો તનથી સેવા કરો. તેમને સમજાવો, તે લોકોની મદદ કરો, જેમને પ્રેરિત કરી શકો છો, બની શકે છે કોઈ અજ્ઞાની હોય, અભણ હોય, તેમને ભણાવો. એક મહિનો આવું કરો અને પછી મારી પાસે આવો.

એક મહિના પછી તે યુવક પાછો આવ્યો ત્યારે તે બદલાઈ ગયો હતો. યુવકે સ્વામીજીને કહ્યું, તમારા કહેવાથી મેં અસહાય લોકોની મદદ કરી ત્યારે મને શાંતિ મળી ગઈ.

વિવેકાનંદજીએ કહ્યું, હવે તમે શાસ્ત્રોનો અભ્યાસ પણ કરો અને યોગ-ધ્યાન પણ કરો, પરંતુ પીડિત લોકોની સેવા પણ કરો. માનવ સેવા કરવાથી આપણને શાંતિ મળે છે.

બોધપાઠ- આપણી આસપાસ અનેક લોકો એવા છે, જેમને અનેક વસ્તુઓની જરૂરિયાત હોય છે, પરંતુ તેમની પાસે રૂપિયા નથી. હાલ તહેવારોનો સમય છે, અનેક લોકો પોત-પોતાના ઘર માટે નવી વસ્તુઓ ખરીદી રહ્યા છે પરંતુ થોડા લોકો એવા પણ છે, જેમની પાસે ખરીદવા માટે કશું જ નથી. તેમન મદદ કરો. આવું કરવાથી તમને શાંતિ મળશે.