મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાની લીલાઓ પૂર્ણ કરીને આ સંસારથી પોતાના લોક જવાની તૈયારી કરી રહ્યા હતાં. શ્રીકૃષ્ણ જે પણ કામ કરતા હતાં, તે ખૂબ જ યોજનાબદ્ધ રીતે કરતાં હતાં.
શ્રીકૃષ્ણએ યદુવંશના બધા લોકોને કહ્યું કે તમે બધા પ્રભાષ ક્ષેત્ર જતાં રહો. બધા લોકો શ્રીકૃષ્ણનો આદેશ માનીને પોતાની યાત્રાની તૈયારી કરવા લાગ્યાં હતાં. તે સમયે શ્રીકૃષ્ણના પ્રિય ઉદ્ધવજી ત્યાં પહોંચ્યાં. ઉદ્ધવજી સંબંધમાં શ્રીકૃષ્ણના ભાઈ હતાં અને તેઓ ખૂબ જ વિદ્વાન હતાં. ઉદ્ધવ શ્રીકૃષ્ણ જેવા જ દેખાતા હતાં.
ઉદ્ધવજીએ જોયું કે યદુવંશી કઇ વાતની તૈયારી કરી રહ્યા છે? તેમને જાણ થઈ કે આ શ્રીકૃષ્ણનો આદેશ છે કે સમય પૂર્ણ થઈ ગયો છે, હવે અહીંથી જવાનું છે. ઉદ્ધવજી શ્રીકૃષ્ણ પાસે ગયા અને કહ્યું, હું સમજી ગયો છું કે તમે યદુવંશનો સંહાર કરીને, તેને સમેટીને આ લોકનો પરિત્યાગ કરી દેશો. હવે તમે જતાં રહેશો. મારું એક નિવેદન છે કે મને પણ તમારી સાથે તમારા ધામ લઇને જાવ. મેં તમારી સાથે લાંબો સમયગાળો વિતાવ્યો છે. આપણે આખું જીવન દરેક ક્ષણ સાથે રહ્યાં છે. મારી દરેક ઇચ્છા તમારી સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં તમે મને છોડીને કઇ રીતે જઈ શકો છો? તમે છોડશો નહીં, મને તમારી સાથે લઇને જાવ.
શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીનો હાથ પકડ્યો અને કહ્યું, શું તમે આ દુનિયામાં મારી સાથે આવ્યાં હતાં, કે તમે મારી સાથે જશો. આ દુનિયામાં બધા એકલાં આવે છે અને એકલાં જ જાય છે. હું મારું જ્ઞાન તમને આપીશ અને તમારા માધ્યમથી આ સંસારને આ જ્ઞાન મળશે. લોકો મારા જ્ઞાનને મારી લીલાઓ પાછળના સંદેશને સમજશે.
બોધપાઠ- આપણાં ઘર-પરિવારમાં જ્યારે કોઈ વ્યક્તિ આ સંસારને છોડીને જાય છે ત્યારે આપણને દુઃખ થાય છે, પરંતુ શ્રીકૃષ્ણએ જણાવ્યું કે જે આવ્યું છે, તે એક દિવસ ચોક્કસ જશે. જેને જન્મ મળ્યો છે, તેમનું મૃત્યુ પણ ચોક્કસ થશે. એટલે જન્મ-મૃત્યુને સમજો અને પોઝિટિવ વિચાર સાથે જીવન જીવવું જોઈએ. ઘર-પરિવારના જે લોકો આ સંસાર છોડીને ગયા છે, તેમની સારી વાતો અને જ્ઞાનને આપણે આપણાં જીવનમાં ઉતારવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.