આજનો જીવનમંત્ર:સાધુ પ્રવૃત્તિના લોકો કોઈની શારીરિક સુંદરતાથી મોહિત થતાં નથી, તેઓ મનુષ્યોમાં ભેદ કરતા નથી

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ઉપગુપ્ત એક બૌદ્ધ ભિક્ષુ હતાં. તેમના પિતા અત્તરનો વેપાર કરતાં હતાં. ઉપગુપ્ત યુવા અવસ્થામાં ખૂબ જ સુંદર હતાં, પરંતુ યુવાનીમાં જ તેમના મનમાં વૈરાગ્ય જાગી ગયું હતું.

એક દિવસ ઉપગુપ્ત મથુરાની ગલીઓમાં ભિક્ષા માગવા માટે પસાર થઈ રહ્યા હતાં, તે સમયે ત્યાં પ્રખ્યાત નર્તકી વાસવ દત્તાએ ઉપગુપ્તને જોયો અને તેમની સુંદરતા જોઈને મોહિત થઈ ગઈ.

વાસવ દત્તાએ તેમને બોલાવ્યાં તો ભિક્ષા લેવા માટે ઉપગુપ્ત ત્યાં જ રોકાઈ ગયાં. વાસવ દત્તાએ કહ્યું, હું તમારા પ્રત્યે આકર્ષિત છું, ભિક્ષા તો શું હું મારું બધું જ તમને આપવા ઇચ્છું છું. તમે મારી સાથે મારા ઘરે આવો.

ઉપગુપ્ત સમજી ગયા કે તેની દૃષ્ટિ દેહ ઉપર છે. તેમણે કહ્યું, હું તમારી પાસે ચોક્કસ આવીશ, પરંતુ અત્યારે નહીં.

વાસવ દત્તાએ કહ્યું, પરંતુ તે સમય ક્યારે આવશે?

ઉપગુપ્તે કહ્યું, સમય જ તેનો જવાબ આપશે.

આવું કહીને ઉપગુપ્ત ત્યાંથી જતાં રહ્યાં. થોડા વર્ષ પછી મથુરાના એક માર્ગ ઉપર એક મહિલા બેઠી હતી. તે મહિલાના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી, તે ખૂબ જ બીમાર હતી, તેના કપડાં ફાટી ગયા હતાં, તે મહિલા વાસવ દત્તા જ હતી. દુરાચારના કારણે તેને ભયંકર રોગ થઈ ગયો હતો. હવે તેની પાસે કશું જ બચ્યું નહોતું. તે માર્ગથી ઉપગુપ્ત પસાર થઈ રહ્યાં હતાં, તેઓ વાસવ દત્તાને ઓળખી ગયાં. તેમણે મહિલાના માથા ઉપર હાથ રાખ્યો અને કહ્યું, વાસવ દત્તા તમે મને પૂછ્યું હતું ને હું ક્યારે આવીશ, આજે હું આવી ગયો.

બીમાર વાસવ દત્તાએ પૂછ્યું, તમે કોણ છો?

ઉપગુપ્તે પોતાનો પરિચય આપ્યો, તેના શરીરની ઈજાને ઠીક કરી, તેને કપડા પહેરાવ્યાં તો વાસવ દત્તાએ રડતા-રડતાં કહ્યું, ઉપગુપ્ત તમે અત્યારે આવ્યાં છો? હવે મારી પાસે યૌવન પણ નથી અને સૌંદર્ય પણ નથી, બધું જ નષ્ટ થઈ ગયું છે.

ઉપગુપ્તે કહ્યું, ભિક્ષુના આવવાનો આ સમય જ હોય છે, હું યોગ્ય સમયે આવ્યો છું.

બોધપાઠ- સાધુ પ્રવૃત્તિના લોકો કોઈપણ વ્યક્તિની બહારની સુંદરતાથી મોહિત થતાં નથી. જ્યારે કોઈ વ્યક્તિ ભૌતિક વસ્તુઓના કારણે દુઃખી અને અશાંત થઈ જાય છે, ત્યારે સાધુ-સંત આવા લોકોની મદદ કરે છે, તેમના દુઃખ, અશાંતિને દૂર કરીને તેમના મનને શાંતિ તરફ લઈ જાય છે. આ જ સાધુતા છે.