A Son Who Sanctifies The Clan Like The Devotee Prahlad Is Born In The Clan Is Saved For 21 Generations, Prahlad Performed Navadha Bhakti To Vishnu.
હોળી સ્પેશિયલ:ભક્ત પ્રહ્લાદ જેવો કુળને પવિત્ર કરનારો પુત્ર જે કુળમાં પેદા થાય છે તેની 21 પેઢીઓનો થાય છે ઉદ્ધાર, પ્રહ્લાદે નવધા ભક્તિ કરી વિષ્ણુને કર્યા પ્રસન્ન
3 મહિનો પહેલા
કૉપી લિંક
હોળીની પૌરાણિક કથા પ્રમાણે ભક્ત પ્રહ્લાદને મારવા આગથી ક્યારેય ન બળવાનું વરદાન ધરાવતી ફોઈ હોળીકા પ્રહ્લાદને લઈને બળતી આગમાં બેસી ગઈ હતી. પરંતુ વિષ્ણુભક્ત પ્રહ્લાદ નવધા ભક્તિના બળે આગથી બચી જાય છે અને હોળીકા બળીને ભસ્મ થઈ જાય છે આ હતી ભક્ત પ્રહ્લાદની નવધા ભક્તિની શક્તિ. આજે આ પ્રહ્લાદની આ ભક્તિ વિશે અમે તમને જણાવીશું..
પ્રહલાદ હિંદુ ધર્મની પુરાણ કથાઓનું એક પાત્ર છે,જે તેની ભગવાનવિષ્ણુ પ્રત્યેની અદ્વિતિય ભક્તિ માટે પ્રસિદ્ધ છે, શ્રીમદ્ ભાગવત સાતમાં સ્કંધમાં પ્રહલાદ ભક્તનું આખ્યાન આવેલું છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે કે હિરણ્યકશ્પુને ચાર પુત્રો હતા. સંહલાદ, હલાદ, અનુહલાદ અને પ્રહલાદ. આ ચાર પુત્રો અને સિહિકા નામની એક પુત્રી હતી (૬-૧૮-૧૩)માં આ નામોનો ઉલ્લેખ છે.
તેમાં પ્રહલાદ સૌથી નાનો છતાં ગુણોમાં સૌથી મોટો હતો. સૌમ્ય સ્વભાવનો હતો. હલાદ એટલે આનંદ, પ્રહ્લાદ એટલે પ્રશિષ્ટ આનંદ પુષ્કળ આનંદ. પ્રહ્લાદ અસુર પુત્ર હોવા છતાય તેનામાં આસુરી સંપત્તિનો લેશમાત્ર અંશ ન હતો. એ સાત્વિક આનંદથી ભર્યો પૂર્યો હતો. એ સર્વગુણ સંપન્ન છતાં નિરાભિમાની પ્રભુનો ભક્ત હતો.
તેના પિતા હિરણ્યકશિપુ તેની ભક્તિનાં તદ્દન વિરોધી હતા. તેને ભગવાન વિષ્ણુ નામ જ પ્રિય ન હતું. તેથી તેણે પ્રહલાદને તેમાંથી મુક્ત કરવા મારવા અનેક ત્રાસ ગુજાર્યા, પર્વત ઉપરથી ફેંક્યો, અંધારી ઓરડીમાં પૂર્યો, હાથીના પગ નીચે કચડાવ્યો, શમ્બાસૂર પાસે અનેક માયાવી પ્રયોગો કરાવ્યાં, વિષનાગથી કરડાવ્યો, સમુદ્રમાં નાખ્યો. આગમાં (હોળીમાં) નાખ્યો પરંતુ પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. જેનો બચાવનારો હરિ હોય તેને કોણ મારી શકે?
આસૂરી વૃત્તિ નાશ કરવા એ સાત્વિક વૃત્તિને બચાવવા આજે પણ હોળી તહેવારને પ્રેરણા રૂપે સાત્વિક ભાવોના રક્ષણ માટે આને તહેવાર રૂપે ઉજવીએ છીએ.
આયુર્વેદની દ્રષ્ટિએ શિયાળામાં શરીરમાં જામેલા કફને ઓગાળવા તથા કફનો નાશ કરવા માટે હોળી તાપીએ છીએ અને કફ વિરોધી ધાણી, દાળીયા, હળદર, કોપરું વગેરેનો ઉપયોગ કરીએ છીએ.
શ્રવણ કરવું, કિર્તન કરવું, સ્મરણ કરવું, પંડિતો તથા પ્રભુનો સ્પર્શ કરવો અને અર્ચના કરવી, વંદન કરવા દાસપણાનો ભાવ રાખવો, અને આત્મનિવેદન કે સમર્પણ આવી નવધા ભક્તિ પ્રહલાદે આપણને સહુને આપી છે.
પ્રહ્લાદે આપેલાં ભક્તિમય જીવન સૂત્રો
પ્રહલાદજીએ ભક્તિનાં નવ ભેદો આપ્યા છે, શ્રવણ કરવું, કિર્તન કરવું, સ્મરણ કરવું, પંડિતો તથા પ્રભુનો સ્પર્શ કરવો (પાદસેવ નમઃ) અર્ચના કરવી, વંદન કરવા દાસપણાનો ભાવ રાખવો અને આત્મનિવેદન કે સમર્પણ આવી નવધા ભક્તિ પ્રહ્લાદે આપણને સહુને આપી છે. આ નવમાંથી કોઈપણ પ્રકારની ભક્તિ વિષ્ણુ ભગવાનની સમર્પણ ભાવથી કરવી જોઇએ.
ભક્તિ તો ઘડપણમાં ન થાય. પ્રહલાદ કહે છે કે પાછલી ઉમરે તો સંન્યાસ લેવાય, ભક્તિતો નાનપણથી જ ચાલુ થાય. મુકુંદગોવિંદના ચરણાર વિંદનો આશ્રય લીધા સિવાય પ્રાણીનું ક્ષેમ કલ્યાણ ન થાય.
સુખ અને દુઃખ સહજમાં આવે છે. સુખની આકાંક્ષા જ દુઃખની જનેતા છે. માટે સુખ માટે વલખાં મારવા જોઇએ નહીં.
દરેક પ્રાણી માત્ર ઉપર દયા ભાવ રાખવો. દેવ, દાનવ અને માનવમાં દેવતાઓમાં કામ વધારે છે. દાનવોમાં ક્રોધ વધારે છે. માનવોમાં લોભ વધારે છે. જો દેવો કામનું દમન કરે, દાનવો દયા કરે અને માનવો દાન કરે તો તે અનુક્રમે કામ-ક્રોધ અને લોભને જીતે તો તેનું કલ્યાણ થાય.
પ્રહલાદ અસુરને ત્યાં જન્મ્યો હોવા છતા એનામાં આસુરી વૃત્તિ જરાય નહોતી. પ્રહલાદને ભગવાનમાં સ્વાભાવિક પ્રેમ પ્રગટ થયેલો.
હરિ વ્યાપક છે, જે સર્વદા અને સર્વત્ર છે. ધગધગતા સ્તંભમાં પણ તે છે.
હે હરિ ! આપ ધનથી, રૂપથી, તેજથી, બળથી, પૌરુષથી, જ્ઞાનથી પણ પ્રસન્ન થનાર નથી, માત્ર ભક્તિથી જ આપ પ્રસન્ન થાઓ છો. પ્રાણી માત્ર ઉપર પ્રસન્ન થનારા છો.
સર્વ શક્તિમાન પ્રભુ આપ્તકામ ખુદપવિત્ર હોવાને લીધે તેમને કોઈ પવિત્ર કરી શક્તો નથી. તેમને કોઇની સેવા પૂજાની જરૂર નથી. છતાં કરૂણા વશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમનાવડે કરાયેલી પૂજા તમો સ્વિકારી લ્યો છો.
હે નાથ ! હું સર્વથા અયોગ્ય અને અનાધિકારી હોવા છતાંય નિઃશંકપણે, પોતાની બુદ્ધિ અનુસાર સર્વ પ્રકારે ભગવાનના મહિમાનું વર્ણન કરી રહ્યો છું. આ મહિમાના ગાનનો જ એવો પ્રભાવ છે કે અવિદ્યાને લીધે સંસારના ચકરાવમાં પડેલો જીવ તત્કાલ પવિત્ર થઇ જાય છે.
હે ભગવાન ! આપ સત્વગુણનાં આશ્રય છો આ બ્રહ્મા વગેરે દેવો આપના આજ્ઞાંકિત ભક્તો છે. તેઓ અમારા દૈત્યોની જેમ આપની સાથે દ્વેષ કરતા નથી, હે પ્રભુ ! આપ મોટા મોટા સુંદર સુંદર અવતાર ગ્રહણ કરીને આ જગતનાં કલ્યાણ અને અભ્યુદય માટે અને તેમને આત્માનંદની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની લીલાઓ કરો છો.
જે અસુરને મારવા માટે આપે ક્રોધ કર્યો હતો તે મરાઈ ચૂક્યો છે.હવે આપ પોતાનો ક્રોધ શાંત કરો. જેમ ઉપદ્રવ કરનારા વીંછી અને સાંપને મારવાથી સજ્જનો પણ સુખી અને આનંદિત જ થાય છે. તેવી રીતે આ દૈત્યનો સંહાર કરવાથી બધા જ લોકોને ઘણું સુખ મળ્યું છે. હવે બધા આપના શાંત સ્વરૂપને નીરખવા ઇચ્છે છે. આથી હે નરસિંહ દેવ ! ભયથી મુક્ત થવા માટે આપનાં આ રૂપને ભક્તજનો સ્મરણ કરશે.
હે સર્વ શક્તિમાન પ્રભુ ! માયા અને સોળ આરા વાળા સંસાર ચક્રમાં નાખી શેરડીની જેમ પીસી રહી છે. આપ પોતાની ચૈતન્ય શક્તિથી, બુધ્ધિનાં સમસ્ત ગુણોને અને પોતાનાં કાળ-રૂપથી સમસ્ત સાધ્યો અને સાધનોને પોતાને આધિન રાખો છો ! હું આપના શરણમા આવ્યો છું આપ મને બધાથી બચાવી લો અને પોતાના સાનિધ્યમાં ખેંચી લો.
હે ભગવન ! આ સંપૂર્ણ જગત એક માત્ર આપનું જ સ્વરૂપ છે. કારણ કે તેના આદિમાં આપ જ કારણભૂત હતા, અંતમાં આપ જ અવધિરૂપ હશો, અને મધ્યમા એની પ્રતીતિ રૂપે પણ માત્ર આપ જ છો. બધુ આપ જ છો.
હે વૈકુંઠપતિ ! મારૃં મન ઘણુ દુર્દશાગ્રસ્ત છે. તે પાપ અને વાસનાઓથી દૂષિત છે. હર્ષ, શોક ભય તેમજ લોક-પરલોક, ધન, પત્ની, પુત્ર વગેરેની ચિંતાઓથી વ્યાકુળ રહે છે. તેને આપની લીલા કથાઓનો રસાનુભવ થતો નથી. તેને લીધે હું દીન થઇ રહ્યો છું. આવા મનથી હું આપનું ચિંતન કેવી રીતે કરી શકું ? આપ જ મારા ઉપર કૃપા કરી તમારી તરફ મને ખેંચો.
હે પરમ પૂજ્ય ! આપની સેવાનાં છ અંગો છે. નમસ્કાર - સ્તુતિ - સમસ્ત કર્મોનું સમર્પણ સેવા પૂજા ચરણ કમળોનું ચિંતન અને આપની લીલા કથાઓનું શ્રવણ આપ જ પોતાના પરમ પ્રિય ભક્તજનોનું પરમહંસોનું સર્વસ્વ જ છો.
ભક્તિ જનઃ પરમ હંસગતૌ લભેત્ ।
(શ્રીમદ ભાગવત સ્કંધ ૭.૯.૫૦)
આ પ્રમાણેની સ્તુતિથી શ્રીનરસિંહ ભગવાન પ્રસન્ન થઇને બોલ્યા - હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહ્લાદ તારૃં કલ્યાણ થાઓ હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું. હે ! આયુષ્યમાન, જે મને પ્રસન્ન કરી લેતો નથી તેને મારા દર્શન પ્રાપ્ત થવા અત્યંત મુશ્કેલ છે. પરંતુ જ્યારે મારા દર્શન થઇ જાય છે પછી પ્રાણીના હૃદયમાં કોઈ પણ પ્રકારનો તાપ રહેતો નથી. હું સમસ્ત મનોરથોને પુરા કરનારો છું તેથી જ બધા મને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.
અસુરકુળનાં ભૂષણ પ્રહ્લાદજી ભગવાનનાં અનેક પ્રલોભનો આપવા છતા તેમણે કંઇ માંગવાની ઇચ્છા કરી નહીં.
છતાય આપ આગ્રહ કરો છો તો મારા ઉપર એવી કૃપા કરો કે ''મારા હૃદયમાં કોઇ ને કોઇ કામનાઓને તેનાં અંકુરને ઉખેડી નાખો અને નિર્મળ કરી નાખો જેથી મને બીજી કોઈ ઇચ્છા ન રહે. હું એટલું જ માગું છું કે તમારો દાસ કોઈપાસે કંઇ માગે નહી. હે નારાયણ ! આપના સિવાય મને કંઇ જોઇતું નથી."