રુદ્રાક્ષનો મહિમા અને આધ્યાત્મિક મહત્ત્વને સમજ્યા પછી આજે રુદ્રાક્ષમાં રહેલી શક્તિઓની વિસ્તારથી વાત કરીશું. રુદ્રાક્ષ માત્ર ફળ જ નથી પરંતુ અદ્ભુત ચમત્કારિક ઊર્જાનો સ્ત્રોત છે. આ વાતનો પુરાવો આપણા શાસ્ત્રો જ નહીં પણ વિજ્ઞાનમાં પણ જોવા મળે છે.
રુદ્રાક્ષમાં વિદ્યુત તરંગો રહેલા છે. જે અત્યાધિક સહજ રીતે કોઈપણ વસ્તુમાં કે તત્વમાં રહેલી ઊર્જાને સરળતાથી સમજી શકવામાં સક્ષમ છે. કેટલાંક વાસ્તુશાસ્ત્રી તેમજ આધ્યાત્મિક ગુરુઓ રુદ્રાક્ષની મદદથી કોઈ જગ્યા, વસ્તુ કે તત્વની ઊર્જા સમજવાનો પણ પ્રયાસ કરતા હોય છે. માત્ર આટલું જ નહીં પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર રક્તચાપ અને હૃદયરોગમાં પણ રુદ્રાક્ષ અદ્ભુત સાબિત થયું છે. આપણા શાસ્ત્રોમાં રુદ્રાક્ષના અનેક મહત્ત્વો અને ફાયદા લખેલા છે. રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ ઘણાં બાળકોમાં સ્મરણશક્તિનો સારો વિકાસ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને શિવ સમાન માનવામાં આવે છે. અન્ય ઘણાં ધર્મના લોકો તેમજ વિદેશીઓ પણ રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે. આનાથી તેમને ચમત્કારિક ફાયદા થયા હોવાનો પણ તેઓ દાવો કરતા હોય છે.
આદ્યાત્મિક તેમજ ભૌતિક વિજ્ઞાનના મતથી રુદ્રાક્ષ ચમત્કારિક અને કલ્યાણકારી છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ રુદ્રાક્ષને કેવી રીતે ઓળખવો તે હાલ મુશ્કેલીભર્યું બન્યું છે. તેનું કારણ આજના સમયમાં દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વધતી જતી રુદ્રાક્ષની માગને કારણે બજારમાં ખોટા કે પ્લાસ્ટિકના રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષનું મોટાભાગનું ઉત્પાદન નેપાળ, શ્રીલંકા, આસામમાં થાય છે. રુદ્રાક્ષને ઓળખવા માટે આમ તો ઘણાં ભિન્ન ભિન્ન પ્રયોગ થાય છે, પણ જેવી રીતે એક હીરાની ઓળખ સાચો ઝવેરી જ કરી જાણે તે રીતે એક રુદ્રાક્ષની ઓળખ પણ જાણકાર વ્યક્તિ એક નજરે જ કરી લે છે.
હવે જો રુદ્રાક્ષના પ્રકારોની વાત કરીએ તો તેના પર રહેલી ધારીઓ મુજબ તેના મુખ નક્કી થાય છે. જેમ કે, એક ધારી હોય તો એકમુખી રુદ્રાક્ષ હોય તેમ કહેવાય. આવી જ રીતે બે, ત્રણ, પાંચ, અગિયાર અને અન્ય રુદ્રાક્ષ કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો રુદ્રાક્ષ નામ માત્ર જ કલ્યાણકારી છે, પરંતુ નિશ્ચિત પ્રકારના લાભ મેળવવા માટે અમુક પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા રહેલો છે. તમામ રુદ્રાક્ષના પ્રકાર અનુસાર થતા લાભની ચર્ચા આગામી લેખમાં કરીશું.
રુદ્રાક્ષ બૌદ્ધિક ક્ષમતાને સારી બનાવે છે
વૈજ્ઞાનિકો મુજબ રુદ્રાક્ષમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ગુણોના લીધે અદ્ભુત શક્તિ હોય છે. તેની ઔષધીય ક્ષમતા વિદ્યુત ચુંબકીય પ્રભાવથી ઉત્પન થાય છે.
ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ફ્લોરિડાના વૈજ્ઞાનિક ડોક્ટર ડેવિડ લીના જણાવ્યા મુજબ રુદ્રાક્ષ વિદ્યુત ઉર્જાના સંગ્રહ કરે છે. જેનાથી તેમા ચુંબકીય ગુણ વિકસિત થાય છે. આ ઉર્જા મસ્તિષ્કના અમુક કેમિકલ્સને પ્રોત્સાહિત કરે છે જેનાથી શરીરમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદો થાય છે. કદાચ આ કારણથી જ રુદ્રાક્ષનો શરીરને સ્પર્શ થવાથી વ્યક્તિને સારું લાગે છે.
રુદ્રાક્ષ બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને સારી બનાવે છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી ચિંતા અને તણાવ સંબંધી પરેશાની દૂર થાય છે. ઉત્સાહ અને ઉર્જામાં વધારો થાય છે. લોહીનું પરિભ્રમણ અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે. ક્રમશઃ
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા (modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.