PM મોદીએ મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું:આકાશના સ્વામી તારકલિંગ, પાતાળના હાટકેશ્વર અને મૃત્યુલોકના સ્વામી મહાકાલ છે, મહાકાલેશ્વરની 10 ખાસ વાત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે (11 ઓક્ટોબર)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર લોકનું લોકાર્પણ કર્યું હતું. મહાકાલ મંદિરની આસપાસ 856 કરોડ રૂપિયાના ખર્ચે મહાકાળ લોક 2 ફેઝમાં બનાવવામાં આવી રહ્યું છે, જેના બીજા ફેઝનું કામ હાલ ચાલુ છે. ભક્ત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવા માટે 946 મીટર લાંબા કૉરિડોરથી પસાર થઈને ગર્ભગૃહ સુધી પહોંચશે. ભક્તો કૉરિડોરમાં મહાકાલનાં વિવિધ સ્વરૂપોનાં દર્શન કરી શકશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પં. મનીષ શર્મા પાસેથી જાણો મહાકાલેશ્વર મંદિર સાથે જોડાયેલી ખાસ વાત...

1. બાર જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વર મંદિરનું સ્થાન ત્રીજું છે
દેશભરમાં શિવજીનાં 12 જ્યોતિર્લિંગ છે, જ્યાં શિવજી જ્યોતિ સ્વરૂપમાં વિરાજિત છે. સોમનાથ, મલ્લિકાર્જુન પછી ત્રીજા નંબરે મહાકાલેશ્વર મંદિર આવે છે. આ મંદિર મધ્યપ્રદેશમાં ઇન્દોર પાસે ઉજ્જૈનમાં સ્થિત છે. મંદિરથી થોડે જ દૂર શિપ્રા નદી વહે છે.

2. મૃત્યુલોકના સ્વામી મહાકાલ
આકાશે તારકેલિંગમ્, પાતાળે હાટકેશ્વરમ્। મૃત્યુલોક અને મહાકાલમ્, ત્રયલિંગમ્ નમોસ્તુતે।। શિવજીના આ મંત્ર પ્રમાણે ત્રણ લોક જણાવવામાં આવ્યા છે. આકાશ, પાતાળ અને મૃત્યુ લોક. આકાશ લોકના સ્વામી તારકલિંગ, પાતાળના સ્વામી હાટકેશ્વર અને મૃત્યુલોકના સ્વામી મહાકાલ.

3. માત્ર મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની ભસ્મ આરતી થાય છે
બાર જ્યોતિર્લિંગમાં માત્ર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની જ ભસ્મ આરતી કરવામાં આવે છે. શિવપુરાણ પ્રમાણે કપિલા ગાયના ગોબરથી બનેલાં છાણાં, શમી, પીપળો, પલાશ, વડ, અમલતાસ અને બોરના ઝાડનાં લાકડાંને બાળીને ભસ્મ તૈયાર કરવામાં આવે છે. મંત્ર-જાપ કરીને ભસ્મને શુદ્ધ કરવામાં આવે છે. એ પછી આ ભસ્મને કપડાથી ચાળવામાં આવે છે અને પછી આ ભસ્મથી મહાકાલની આરતી કરવામાં આવે છે.

4. એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર
બાબા મહાકાલના જ્યોતિર્લિંગ દક્ષિણમુખી છે, જે આ શિવલિંગની સૌથી ખાસ વાત છે. આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે, જેનું મુખ દક્ષિણ દિશામાં છે.

5. મંદિરના ઉપરના માળમાં નાગચંદ્રેશ્વર પ્રતિમા છે
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ઉપરના માળે મરાઠાકાલીન નાગચંદ્રેશ્વર ભગવાનની પ્રતિમા છે. આ પ્રતિમાના દર્શન વર્ષમાં માત્ર એક જ વાર નાગપાંચમના દિવસે થાય છે.

6. શ્રાવણ-ભાદરવા મહિનામાં મહાકાલની સવારી કાઢવામાં આવે છે
દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે અને ભાદરવા મહિનાના એક પક્ષના સોમવારે મહાકાલની સવારી કાઢવામાં આવે છે. બાબા મહાકાલને ચાંદીની પાલખીમાં વિરાજિત કરવામાં આવે છે, એ પછી બાબાની પાલખીને શિપ્રા નદીના ઘાટ પર લઈ જવામાં આવે છે અને ત્યાંથી ઉજ્જૈનનું ભ્રમણ કરીને બાબા ફરી પોતાના મંદિરમાં પાછા ફરે છે.

7. કાલ એટલે સમયના સ્વામી મહાકાલ
મહાકાલ શબ્દનો એક અર્થ છે મહા+કાલ એટલે સમયના સ્વામી. ઉજ્જૈનને કાલગણનાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ કારણે ઉજ્જૈનમાં બનેલાં પંચાંગનું ખૂબ જ મહત્ત્વ છે.

મહાકાલ મંદિરની આસપાસ 856 કરોડ રૂપિયાના ખર્ચે મહાકાલ લોક બે ફેઝમાં બનાવવામાં આવી રહ્યો છે. તેના બીજા ફેઝનું કામ હાલ ચાલી રહ્યું છે.
મહાકાલ મંદિરની આસપાસ 856 કરોડ રૂપિયાના ખર્ચે મહાકાલ લોક બે ફેઝમાં બનાવવામાં આવી રહ્યો છે. તેના બીજા ફેઝનું કામ હાલ ચાલી રહ્યું છે.

8. જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એકબીજાની પાસે
ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગથી થોડે જ દૂર માતા હરસિદ્ધિનું મંદિર છે. હરસિદ્ધિ મંદિર દેવીના 51 શક્તિપીઠમાંથી એક છે. શિવ અને શક્તિનું મંદિર એકબીજાની પાસે હોવાથી એનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે.

9. હજારો વર્ષ જૂનો મંદિરનો ઇતિહાસ
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. મંદિરનો સંબંધ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય સાથે પણ છે. વિક્રમાદિત્યના નામથી જ વિક્રમ સંવત ચાલી રહ્યું છે. ગુડીપડવાથી હિંદી પંચાંગ પ્રમાણે સંવત 2079 હાલ ચાલી રહ્યું છે, એટલે 2079 પહેલાં રાજા વિક્રમાદિત્યનું શાસન હતું. માન્યતા છે કે વિક્રમાદિત્યએ મંદિર પરિસરનો વિસ્તાર કર્યો હતો.

10. શ્રીકૃષ્ણનું શિક્ષા સ્થળ અને સાસરિયું ઉજ્જૈન છે
દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ ઉજ્જૈનના ઋષિ સાંદીપનિ અહીં શિક્ષા ગ્રહણ કરવા આવ્યા હતા. અહીં શ્રીકૃષ્ણની મિત્રતા સુદામા સાથે થઈ હતી. મહાકાલેશ્વર દર્શન માટે આવનારe શ્રદ્ધાળુઓ સાંદીપનિ આશ્રમનાં દર્શન પણ કરે છે. ઉજ્જૈન શ્રીકૃષ્ણનું સાસરિયું પણ છે. શ્રીકૃષ્ણની એક મુખ્ય પટરાણી મિત્રવૃંદા ઉજ્જૈનની રાજકુમારી હતાં.

અન્ય સમાચારો પણ છે...