• Home
  • Db Original
  • Today is World Tourism Day, a tourism road show will be held across the country to invite tourists to Gujarat

ભાસ્કર ઓરિજિનલ / આજે વિશ્વ પર્યટન દિવસ, પ્રવાસીઓને ગુજરાતમાં બોલાવવા દેશભરમાં ટૂરિઝમ રોડ શો થશે

રાણ કી વાવની ફાઇલ તસવીર
રાણ કી વાવની ફાઇલ તસવીર

  • પ્રવાસન મંત્રીએ જણાવ્યો ટૂરિઝમનો રોડમેપ, વિવિધ રાજ્યોના ટૂર ઓપરેટર સાથે પ્રવાસન મંત્રી વન ટુ વન બેઠક કરશે 
  • ટ્રેડ શોમાં પણ જગ્યા મેળવવામાં આવશે, પ્રવાસનમાં રોજગારી વધી હોવાનો પણ દાવો 
  • 11 મહિનામાં 26 લાખ લોકોએ સ્ટેચ્યૂ નિહાળ્યું, 45 લાખ લોકોએ સોમનાથ મંદિરના દર્શન કર્યા
  • રૈયોલી ખાતેનો ડાયનાસોર પાર્ક, લોથલ સાઇટ તથા ધોળાવીરાને નવેસરથી વિકસાવાશે
  • રાજ્યમાં 2018-19માં 5.75 કરોડ પ્રવાસી, હવે રાજ્યની વસતી જેટલા પ્રવાસીઓને આવકારવાનું લક્ષ્યાંક 

Divyabhaskar.com

Sep 27, 2019, 02:51 AM IST

અર્જુન ડાંગર, રાજકોટ: ગુજરાત રાજ્ય ટૂરિઝમ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. હજુ વધુ પ્રવાસીઓ આકર્ષાય તેવી ઘણી ક્ષમતા ગુજરાતમાં છુપાયેલી છે. આ માટે રાજ્યના પ્રવાસન વિભાગે અન્ય રાજ્ય તેમજ દેશના પ્રવાસીઓ ગુજરાતમાં મોટી સંખ્યામાં આવે તે માટે મોટા પાયે આયોજન હાથ ધર્યું છે. આ માટે સરવે થયા અને અભ્યાસો કરાયા બાદ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે જેના માટે અન્ય રાજ્યોમાં રોડ શો સુધીના કાર્યક્રમ થઇ રહ્યા છે.


‘કુછ દિન ગુજારીએ ગુજરાત મે’ હિટ કેમ્પેઈનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાયા
આ સમગ્ર પ્રયાસો વિશે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ દિવ્ય ભાસ્કર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રવાસન ઉદ્યોગ જેટલી રોજગારી સર્જન બીજું કોઇ સેક્ટર કરી શકતું નથી આ માટે તેનો વિકાસ ખૂબ મહત્ત્વનો છે. પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા પ્રવાસન ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો. આ માટે કચ્છનું રણ, ગીર અભયારણ્ય, સોમનાથ મંદિર, દ્વારકા, હેરિટેજ સાઈટ વગેરેના વિકાસ કરવામાં આવ્યા હતા અને ‘કુછ દિન ગુજારીએ ગુજરાત મે’ હિટ કેમ્પેઈનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાયા છે. ગત વર્ષે ગુજરાતમાં 5.75 કરોડ પ્રવાસીઓ નોંધાયા છે અને આ વર્ષના અંત સુધીમાં જેટલા ગુજરાતીઓ છે તેટલા જ પ્રવાસીઓ એટલે કે 6.50 કરોડ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લે તેવો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે રાજ્ય બહાર પ્રવાસનનો બહોળો પ્રચાર શરૂ કરાયો છે. બંગાળમાં રોડ-શો મારફત ગુજરાતની તમામ ટૂરિઝમ સર્કિટ બતાવવામાં આવી હતી. લોકો આ રોડ શોથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત અન્ય રાજ્યોના ટૂર ઓપરેટર અને ગુજરાતના ટૂર ઓપરેટરોને સાથે રાખીને પ્રવાસન મંત્રીએ વન ટુ વન બેઠકોના દોર ચાલુ કરી સંકલિત પ્રવાસન વ્યવસ્થા ઊભી કરવાની પહેલ કરી છે.


જૂનાગઢનાં સ્મારકો માટે પ્રયાસો થશે હેરિટેજના દરજ્જા માટે પ્રયત્ન કરાશે

જૂનાગઢ હજારો વર્ષોનો ઈતિહાસ સંઘરીને બેઠું છે. સૌથી વધુ હેરિટેજ સાઈટ ધરાવે છે છતાં તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો નથી મળ્યો. જૂનાગઢમાં ઘણી સાઈટનો વિકાસ કરવાનો બાકી છે તે થઇ જાય એટલે હેરિટેજના દરજ્જા માટે પ્રયાસ કરાશે.


પ્રવાસી કોણ? ગાઇડલાઇનમાં નિર્દેશ
પ્રવાસી કોને કહેવાય તે માટે સરકારની એક ગાઈડલાઈન છે. કોઇ રાજ્ય બહારની વ્યક્તિ જે તે વિસ્તારમાં રાત્રિ રોકાણ કરે અને તે પણ હોટેલ જેવા વ્યવસાયિક સ્થળે હોય તો જ તેની પ્રવાસી તરીકે નોંધ થાય છે. ધર્મશાળા કે કોઇના ઘરે રહેનારા બીજા રાજ્યોના લોકોના રેકર્ડ નથી હોતા.


ભારતીયોને મલ્ટિ એક્ટિવિટી જ્યારે વિદેશીઓને સિંગલ એક્ટિવિટી ગમે
સરકારના સરવે મુજબ વિદેશથી આવતા પ્રવાસીઓને સિંગલ એક્ટિવિટી વધુ ગમે જેમ કે તેઓ ગીર આવ્યા હોય તો વાઈલ્ડ લાઈફ જ જૂએ તેમજ કચ્છ ગયા હોય તો તે જ કલ્ચર ગમે. તેનાથી વિરુદ્ધ ભારતીય પ્રવાસીઓને વિવિધતા જોવામાં બહુ રસ હોય છે જેમ કે ગીરમાં તેઓને જંગલ પણ જોવું હોય છે અને મેળામાં પણ મહાલવું હોય છે. સૌથી વધુ સંખ્યા ધાર્મિક સ્થળોએ નોંધાઈ છે.


વિશ્વના શ્રેષ્ઠ 10 બીચમાં શિવરાજપુર
દ્વારકાથી 40 કિલોમીટર દૂર શિવરાજપુર બીચ આવેલો છે. આ બીચને વિશ્વના ટોપ-10 બીચમાં સ્થાન મળ્યું છે તેમ જવાહર ચાવડાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્લાસ્ટિક ફ્રી બીચ છે. જે રીતે વિશ્વના અગ્રણી બીચની જાળવણી થાય છે તે રીતે જ અહીં થાય છે. આ બીચનો ઘણો વિકાસ કરવાનો બાકી છે માળખું તૈયાર થયા બાદ પ્રચાર કરાશે.


આપણા વારસાનો ગર્વ અનુભવાય તેવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે
પહેલા કોઇ મહેમાન આવતા એટલે તેમને પોતાના શહેરનો વારસો બતાવવા હોંશભેર લોકો લઇ જતા હવે તે પ્રમાણ ઘટ્યું છે. લોકોને પોતાના વારસાનો ગર્વ હોવો જોઇએ અને તે અનુભવાય તે માટે સરકાર એક પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે.

X
રાણ કી વાવની ફાઇલ તસવીરરાણ કી વાવની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી