• Home
  • Db Original
  • Narendra Modi Jammu Kashmir Report Card, Steps of Modi government on Kashmir Before Kashmir Article

ડિબી ઓરિજિનલ / કાશ્મીર પર મોદી સરકારના 10 પગલાઃ આતંકી ઘટનાઓમાં 66%નો ઘટાડો, અલગાવવાદીઓ પર કડક કાર્યવાહી કરાઈ

Narendra Modi Jammu Kashmir Report Card, Steps of Modi government on Kashmir Before Kashmir Article

  • 24 કલાકમાં પુનર્ગઠન બિલ પસાર કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા હતા.
  •  નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં કાશ્મીરની 18 વખત મુલાકાત કરી હતી

Divyabhaskar.com

Aug 09, 2019, 04:40 PM IST

નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી હિલચાલ અંગે અનુમાન લગાવવામાં આવતા હતા કે મોદી સરકાર રાજ્યના લોકોને વિશેષઅધિકાર આપતો દરજ્જો 35A હટાવી શકે છે. પરંતુ કેન્દ્ર તો એક સ્ટેપ આગળ જ ચાલી રહ્યું હતું કેન્દ્રએ તો રાજ્યને વિશેષઅધિકાર આપતા અનુચ્છેદ 370ને જ ખતમ કરી દીધો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયા છે. ભાજપ સરકારે બીજી વખત સત્તામાં આવ્યા બાદ 17મી લોકસભાના પહેલા જ સત્રમાં કાશ્મીર પર નિર્ણય સ્પષ્ટ કરી લીધો છે.

1. પહેલા કાર્યકાળમાં પીએમ મોદીએ 18 વખત કાશ્મીરની મુલાકાત કરીઃ મે 2014માં વડાપ્રધાન પદના શપથ લીધાની તરત પછી મોદીએ ગૃહમંત્રી બનેલા રાજનાથ સિંહ સાથે 9 મિનીટ રાષ્ટ્રપતિ ભવનમાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી. ત્યારબાદ જૂલાઈ 2014માં મોદીએ કાશ્મીરની મુલાકાત કરી. 2014માં તેમણે રાજ્યની 9 વખત મુલાકાત લીધી હતી. પહેલા કાર્યકાળમાં મોદીએ 18 વખત જમ્મુ કાશ્મીરની મુલાકાત કરીને સ્પષ્ટ કરી જ દીધું હતું કે, જમ્મુ કાશ્મીર તેમના એજન્ડામાં ટોપ પર છે.

2. શ્યામા પ્રસાદ મુખર્જીની નીતિ અપનાવીઃ જમ્મુ કાશ્મીર વિધાન પરિષદના પૂર્વ સભ્ય અને ભાજપ નેતા વિબોધ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, મોદી સરકારની કાશ્મીર નીતિ એ જ રહેશે, જે શ્યામા પ્રસાદ મુખર્જીની હતી. શ્યામા પ્રસાદ મુખર્જી કહેતા હતા કે, એક દેશમાં બે વિધાન, બે નિશાન નહીં ચાલે. આ જ ભાજપના એજન્ડામાં રહેશે. અનુચ્છેદ 370 નાબૂદ થવાથી કાશ્મીર હવે સાચા અર્થમાં આઝાદ થયું છે. હવે મોદી સરકારનું બીજું લક્ષ્ય નવા જમ્મુ કાશ્મીરનું નિર્માણ કરવાનું છે. એવું કાશ્મીર જ્યાં વિકાસ હોય, પર્યટન હોય, પ્રાઈવેટ સેક્ટર હોય, સારી હોસ્પિટલ્સ હોય. અત્યાર સુધી અનુચ્છેદ 370 અને 35Aના કારણે આ બધુ શક્ય ન હતું. પરંતુ હવે આ તમામ શક્ય છે.

બંધારણના નિષ્ણાત રાકેશ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે,અનુચ્છેદ 370 ખતમ થવાની ઘણા સમયથી રાહ જોવાતી હતી. આ એક ઐતિહાસિક પગલું છે. હવે આ અનુચ્છેદની કોઈ જરૂર નથી. ઈતિહાસ જણાવે છે કે, કાશ્મીરે ક્યારે ઈસ્લામ માટે દરવાજા બંધ નથી કર્યા ,તો હવે નોકરીઓ અને વિકાસ માટે પણ દરવાજાને બંધ ન કરવા જોઈએ.

સેનાને ખુલ્લી છૂટઃ મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં જ સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ઘાટીમાં આતંકવાદ ઓછો કરવા માટે ઓપરેશન ઓલઆઉટ ચલાવાયું હતું, જેમાં આતંકીઓ વિરોધી ખુલ્લી કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષોમાં ઘાટીમાં 838 આતંકી સુરક્ષા બળોની કાર્યવાહીમાં ઠાર મરાયા હતા. ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે ,2016થી 2018 વચ્ચે બે વર્ષમાં સેનાએ ઘેરાબંદી અને તપાસ અભિયાનમાં 97 આતંકીઓની ધરપકડ કરી હતી. આ સાથે જ બે વર્ષમાં 29 એવા ઠેકાણાઓની પણ ભાળ મળી જ્યાં આતંકીઓ છુપાયેલા હોય છે.

આતંકી ઘટનાઓમાં 5 વર્ષમાં 66% ઘટાડો થયોઃ 1990થી 2018 સુધી જમ્મુ કાશ્મીરમાં 70,673 આતંકી ઘટનાઓ બની ચુકી છે. આ ઘટનાઓમાં 22,400 આતંકીઓના ઠાર મરાયા હતા.આ દરમિયાન 13 હજારથી વધારે સામાન્ય નાગરિકોના પણ મોત થયા છે, જ્યારે 5 હજારથી વધારે જવાન શહીદ થયા છે. 2004થી 2014 સુધી 9,739 આતંકી ઘટનાઓ બની હતી. એટલે કે દર વર્ષે સરેરાશ 900થી વધુ ઘટનાઓ બની. છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 300થી વધારે ઘટના બની છે. ભારતીય સેનાએ વર્ષ 2014થી 2019ના સાડા પાંચ વર્ષની અંદર 951 આતંકીઓને ઠાર માર્યા હતા.

 

સર્જિકલ અને એર સ્ટ્રાઈકઃ ઉરી હુમલા બાદ 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ POKમાં 3 કિમી અંદર જઈને આતંકીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આવું પહેલી વખત બન્યું છે કે ભારતે આતંકીઓ વિરોધી પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરમાં ઘુસીને કાર્યવાહી કરી છે. આ હુમલામાં 40થી 50 આતંકી ઠાર મરાયા છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2019માં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલા બાદ વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાતે POKમાં ઘુસીને બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદ પર બોમ્બ ફેંક્યા હતા. આ હુમલામાં અંદાજે 300 આતંકીઓ ઠાર મરાયા હતા.

અલગાવવાદીઓ અને હુર્રિયત નેતાઓના વિરોધમાં કેન્દ્ર સરકારઃ મોદી સરકારે શરૂઆતથી જ કાશ્મીર મુદ્દે અલગાવવાદીઓ અને હુરિયત નેતાઓ સાથે વાત કરવાના વિરોધમાં હતી. લોકસભામાં અનુચ્છેદ 370ને નાબૂદ કરવાના સંકલ્પને રજુ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાન પાસેથી પ્રેરણા લેનારાઓ સાથે અમે વાત નથી કરતા. જમ્મુ-કાશ્મીર વિધાન પરિષદના પૂર્વ સભ્ય વિબોધના જણાવ્યા પ્રમાણે, NIAએ હુર્રિયત અને અલગાવવાદીયો પર કાર્યવાહી કરી છે. તેમના ઘરો પર દરોડા પાડ્યા, તેમની સંપત્તિનો હિસાબ માગ્યો હતો. આતંકવાદને પ્રોત્સાહન આપનારા જેકેએલએફ અને જમાત-એ-ઈસ્લામી જેવા સંગઠનો પર પણ કડક કાર્યવાહી કરાઈ હતી. જેના પરિણામે ઘાટીમાં પથ્થરબાજીની ઘટનાઓ ઓછી થઈ હતી. કારણ કે આ જ લોકો યુવાનોને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે ઉશ્કેરતા હતા.

પથ્થરમારાની પ્રવૃત્તિમાં ઘટાડોઃ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનના કમાંડર બુરહાન વાનીના મોત બાદ રાજ્યમાં મોટી સંખ્યામાં યુવાનો ઉગ્રવાદ તરફ નમ્યા હતા. આ સાથે જ રાજ્યનાં પથ્થરમારાની ઘટનાઓ પણ વધતી ગઈ હતી. કાશ્મીરમાં સેના જ્યારે પણ આતંકીઓ વિરોધી કાર્યવાહી કરવા માટે જતી તો આ સ્થાનિક લોકો આડે આવી જતા જેથી આતંકીઓને ભાગવામાં મદદ મળી જતી હતી. એપ્રિલ 2017માં પથ્થરબાજોએ સેનાની ગાડીને રોકી હતી. ત્યારે સેનાએ પથ્થરમારા માટે લોકોને ઉશ્કેરી રહેલા ફારુખ અહેમદ ડારને જીપમાં આગળ બાંધીને ત્યાંથી લઈ ગયા હતા. સેનાના આ પગલાને ખુલ્લી છૂટ તરીકે જોઈ શકાતું હતું. જો કે, અલગાવવાદીઓ અને માનવાધિકાર સંગઠનોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

PDP સાથે સરકાર બનાવવાનો દાવઃ 2014માં વિપરીત વિચારધારા વાળી PDP સાથે સરકાર બનાવીને ભાજપે બધાને ચોંકાવી દીધા હતા. મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા, તેમના નિધન બાદ મહેબૂબા મુફ્તી સીએમ બન્યા તો ભાજપે તેમને ઘાટીમાં ફ્રી હેન્ડ ન આપ્યા અને પરિસ્થિતી પોતાની પક્ષમાં આવતાની સાથે સરકાર પાડી દીધી હતી. જેમાં સંઘમાંથી ભાજપમાં આવેલા રામમાધવની મહત્વની ભૂમિકા રહી હતી. ભાજપની ફેબ્રુઆરીમાં જ અનુચ્છેદ 370 અંગે બિલ લાવવાની તૈયારી હતી, પરંતુ પુલવામાં હુમલાના કારણે ટળી ગયું હતું.

રક્ષા મામલાના નિષ્ણાત મેજર જનરલ જી ડી. બખ્શીના જણાવ્યા પ્રમાણે, પહેલા સરકારમાં દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાબળોની તહેનાતીનો ફેસલો મહેબૂબા મુફ્તીના હાથમાં હતો, ત્યારે મહેબૂબા કહ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરમાં ભારતની ફૌજ કેમ છે? અને તરત જ ત્યાંથી ફૌજને હટાવી દેવાઈ. આ પછી અહીં બુરહાન વાની અને જાકીર મૂસા જેવા આતંકીઓ પેદા થયા. હવે ત્યાં સુરક્ષાબળોની તહેનાતી છે. અનુચ્છેદ 370 હટવાના કારણે ત્યાં શાંતિ થશે તો ચૂંટણી પ્રક્રિયા પણ અન્ય રાજ્યોની જેમ શાંતિપૂર્ણ કરાશે.

ફરી સરકાર બનતાની સાથે અનુચ્છેદ 370 પર કામ શરૂ કરાયું હતુંઃ 2019માં જ્યારે ભાજપને 2014 કરતા પણ મોટી બહુમતી મળી તો ગૃહમંત્રી અમિત શાહે અનુચ્છેદ 370 હટાવવાની યોજના પર કામ શરૂ કરી દીધું હતું. સરકાર રાજ્યમાં ચૂંટણી પહેલા જ અનુચ્છેદ 370 પર નિર્ણય લેવા માંગતી હતી ત્યારબાદ તેની પર રાજકીય અને કાયદાકીય યોજના પર જૂનથી જ કામ શરૂ કરવામાં આવ્યું હતું.

દેશને 35A પર નિર્ણયની આશા હતી, સરકારે તો અનુચ્છેદ 370ને જ નાબૂદ કરી દીધોઃ અમિત શાહ 26મી જુને બે દિવસીય મુલાકાત માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું. શાહની મુલાકાતના એક મહિના બાદ 24 જુલાઈના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છુપા મિશન માટે શ્રીનગર ગયા. ડોભાલ જેવા જ પાછા આવ્યા તેવા જ સરકારે ત્યાં 10 હજારથી વધારે જવાનોને તહેનાત કરી દીધા હતા. અમરનાથ યાત્રિઓ અને પર્યટકોને તાત્કાલિક ફરવાના આદેશ આપવામાં આવ્યા. દરેકને લાગી રહ્યું હતું કે 35A અંગે કંઈક તો રંધાઈ રહ્યું છે,પરંતુ મોદી સરકારે તો કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નાબૂદ કરી દીધો હતો. આ સાથે 24 કલાકમાં પુનર્ગઠન બિલ પસાર કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા હતા.

X
Narendra Modi Jammu Kashmir Report Card, Steps of Modi government on Kashmir Before Kashmir Article
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી