ચંદ્રયાન-2 બાદ ઈસરો 10 વર્ષમાં 6 મિશન મોકલશે, સ્પેસ સેક્ટરમાં રોકાણ અને રોજગારી વધશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરે બે અંતરિક્ષ વૈજ્ઞાનિકો સાથે ચંદ્રયાન-2, ઈસરોના આવનારા મિશન અને ભારતના સ્પેસ સેક્ટર પર ચર્ચા કરી
  • અંતરિક્ષ વૈજ્ઞાનિક ડો. ચૈતન્ય ગિરીના જણાવ્યા પ્રમાણે, હવે સ્પેસ પ્રોગ્રામમાં પ્રાઈવેટ સેક્ટરની રૂચિ વધશે
  • અંતરિક્ષ વૈજ્ઞાનિક ડો. પીએસ ગોયલે જણાવ્યું કે, ચંદ્રયાન-2ની ટેકનિક અને તેની ગણતરી આગામી મિશનમાં મદદગાર સાબિત થશે
  • 25 લાખ કરોડ રૂપિયાની ગ્લોબલ સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં હાલ ભારતની 2% ભાગીદારી, ત્રણ વર્ષમાં 6286 કરોડની કમાણી

નવી દિલ્હીઃ ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા 2.1 કિમીના અંતરથી ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેમ છતા મિશન 99.5% સફળ છે. લેન્ડર સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય કક્ષામાં ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે. જે આગામી 1 વર્ષ સુધી પોતાના 8 પેલોડના આધારે ચંદ્રના વાતાવરણ અને સપાટી વિશે માહિતી મોકલતું રહેશે. અંતરિક્ષ વૈજ્ઞાનિકો પણ વિક્રમ લેન્ડિંગની પુષ્ટી ન થઈ હોવા છતા આ મિશનને ભારતની એક મોટી સિદ્ધી માને છે. ઈસરો આવનારા 10 વર્ષમાં 6 મોટા મિશનને મોકલશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આનાથી ભારતના સ્પેસ સેક્ટરમાં રોકાણ અને ગ્લોબલ સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ભારતની ભાગીદારી વધશે.

ઈસરોના મિશનમાં 80% હાર્ડવેર ખાનગી ક્ષેત્રે બને છે 
 યૂરોપિયન સ્પેસ એજન્સીના રોસેટા મિશનના સભ્ય રહી ચુકેલા ડો. ચૈતન્ય ગિરીના જણાવ્યા પ્રમાણે, ઈસરોની સિદ્ધીઓએ ભારતના મોટા મોટા ઉદ્યોગપતિઓનું ધ્યાન સ્પેસ સેક્ટર તરફ ખેંચ્યું છે. ઘણા વર્ષો સુધી  ગણી ગાંઠી ઈન્ડસ્ટ્રીઓ જેવી કે એલએન્ડટી, ગોદરેજ, એરોસ્પેસ જ ઈસરો સાથે જ કામ કરે છે. હવે નવી કંપનીઓ પણ આમા રસ લઈ રહી છે. ચંદ્રયાન-2ની સફળતા બાદ આ રુચિ વધશે.ઈસરો ઉપગ્રહના નિયામક રહી ચુકેલા ડો. પીએસ ગોયલના જણાવ્યા પ્રમાણે, મિશન માટે 80% હાર્ડવેર કંપીનઓમાં જ બને છે. સ્પેસ પ્રોગ્રામ વધશે, તો કંપનીઓની ભાગીદારી પણ વધશે. 

સ્પેસ સેક્ટરમાં રોકાણ અને રોજગાર પણ વધશે 
 ડો. ચૈતન્યના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સેટેલાઈટનું માસ પ્રોડક્શન આવનારા વર્ષોમાં ઘણું વધશે. સરકાર પ્રાઈવેટ સેક્ટરને પણ આમા જોડી રહી છે. પ્રાઈવેટ સેક્ટરને જ્યારે વિશ્વાસ થશે કે સરકાર, સાઈંટિસ્ટ અને એન્જિનીયર્સ તેમની સાથે છે, સરકારની અંતરિક્ષ પ્રત્યેની નીતિ તેમના અનુકુળ છે, ત્યારે તે રોકાણ પણ વધારશે. જે ભારતમાં થઈ પણ રહ્યું છે. આવું થયું તો પ્રાઈવેટ કંપનીઓ ઈસરોના મિશનમાં ભાગીદારી સાથે પોત પોતાના સ્પેસ પ્રોગ્રામ પણ લોન્ચ કરી શકશે. જેનાથી ભારતમાં સ્પેસ સેક્ટરમાં રોકાણ વધશે. ઘણી નવી નોકરીઓ મળશે. સરકાર અને કંપનીઓને એક મોટો ભાગ નફાના રૂપમાં પણ મળશે. પીએસ ગોયલ પણ માની રહ્યાં છે કે ભારતમાં આવનારા સમયમાં કંપનીઓ સેટેલાઈટ પણ બનાવશે અને લોન્ચ વ્હીકલ પણ તૈયાર કરશે. અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં પ્રાઈવેટ સેક્ટરનો સ્પેસ પ્રોગ્રામ માટે છૂટ મળેલી છે. જેમાં ચીન પણ સામેલ છે. આ દેશોમાં પ્રાઈવેટ કંપનીઓ પોતાનું રોકેટ અને સેટેલાઈટ પણ તૈયાર કરી શકે છે અને લોન્ચ પણ કરી શકે છે. 

ચંદ્રયાન-3 આગામી મિશનમાં રોબોટ મોકલી શકે છે 

  • ચૈતન્ય ગિરીના જણાવ્યા પ્રમાણે, કોઈ સ્પેસ એજન્સી કોઈ ગ્રહ પર મિશન મોકલે છે તો તે ત્રણ સ્ટેજમાં હોય છે. પહેલા ઓર્બિટર મિશન હોય છે. બીજા અથવા ત્રીજામાં સપાટી પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવે અને પછી બીજા સેમ્પલમાં રિટર્ન મિશન હોય છે.જેમાં ત્યાંની માટીને રોબોર્ટ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવશે. જો આવનારા દિવસોમાં વિક્રમ લેન્ડરની સફળ લેન્ડીંગની પૃષ્ટી થઈ જશે તો ચંદ્રયાન-3માં આપણે ચંદ્રની સપાટી પરનું મટેરિયલ આપણી લેબોરેટરીમાં લાવીને તેનું પરીક્ષણ કરી શકીએ છીએ.
  • પીએસ ગોયલે જણાવ્યું કે, ચંદ્રયાન-2 પાસેથી મળેલા અનુભવ આગામી સ્પેસ પ્રોગ્રામમાં મદદગાર સાબિત થશે. દરેક સ્પેશ મિશન માટે આમ તો અલગ અલગ મોડલ હોય છે,પરંતુ ઘમી વસ્તુઓ એક બીજા સાથે જોડાયેલી હોય છે. તેઓ કહેતા હતા કે, જેની ગણતરી અને ટેકનીક એક સ્પેસ મિશનમાં ઉપયોગ થાય છે, તે બીજામાં પણ કામ આવે છે. એવામાં કોઈ મિશન સફળ થાય કે ન થાય, તેનાથી બીજા મિશનને મોટી મદદ મળી જશે.

 ગગનયાનમાં અંતરિક્ષ યાત્રિઓને સુરક્ષિત પાછા લાવવાનો પડકાર, તો શુક્રયાનમાં એસિડિક વાતાવરણ એક મોટો પડકાર હશ

  • અંતરિક્ષ વૈજ્ઞાનિક પીએસ ગોયલના જણાવ્યા પ્રમાણે, ગગનયાન-1 હેઠળ ભારત અંતરિક્ષમાં પહેલી વખત માનવીઓને મોકલશે. જે આગામી મિશમમાં સૌથી મોટું હશે. અંતરિક્ષ યાત્રીઓને લઈ જવા અને સુરક્ષિત પાછા લાવવા એક મોટો પડકાર હશે. જો કે, તેને સફળ કરવા માટે ઈસરો સક્ષમ છે. પરંતુ આમા રહેલી ટાઈમફ્રેમ એક મોટો પડકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશન માટે 15 ઓગસ્ટ 2022ની તારીખ નક્કી કરી છે. એટલે કે હવે આપણી પાસે 3 વર્ષ છે.
  • ચૈતન્ય ગિરીના જણાવ્યા પ્રમાણે, આવનારા તમામ મિશનો પડકારજનક છે. ગગનયાન અને સ્પેસ સ્ટેશન પ્રોગ્રામમાં અંતરિક્ષ યાત્રિઓની સુરક્ષા અને કાર્યક્ષમતાને ચાલુ રાખવી એ એક મોટો પડકાર છે. મંગળયાન-2 અને શુક્રયાન તો ઓર્બિટર મિશન હશે, પરંતુ તેમના બીજા સ્ટેજ એટલે કે મંગળયાન-3 અને શુક્રયાન-2માં આપણે ત્યાં લેન્ડ કરાવવાનો પ્રયાસ કરીશું. ચંદ્રની જેમ મંગળ પર સોફ્ટ લેન્ડીંગ એક પડકાર રહેશે. શુક્રની સપાટી પર ઉતરવામાં પડકાર એ હશે કે ત્યાં હવામાં એસિડનું પ્રમાણ વધારે છે. આપણે નવા પ્રકારનું મટેરિયલ તૈયાર કરવું પડશે, જે શુક્ર ગ્રહ પર થોડાક કલાકો સુધી રોકાઈ શકે.

ઓછા બજેટ અને ઓછા મેનપાવરમાં ઈસરો સૌથી સારું કામ કરી રહ્યું છે 
 પીએસ ગોયલના જણાવ્યા પ્રમાણે, અમેરિકા અને ચીન જેવા દેશોમાં સ્પેસ એજન્સીઓ માટે બજેટ અને મેનપાવર વધારે હોય છે. ચીનમાં જ આપણા કરતા પાંચ ગણું બજેટ અને મેનપાવર છે. તેમ છતા ઓછા બજેટ અને મેનપાવરમાં આપણે ઘણું સારુ કામ કરી રહ્યાં છીએ. સેટેલાઈટનું લોન્ચિંગ જેવી વતો આપણે શ્રેષ્ઠ છીએ, પણ ઘણી વાતોમાં અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોથી ઘણા પાછળ છીએ. કારણ કે આ જ અમેરિકા-રશિયા-ચીન સ્પેસમાં વર્ષો પહેલા માનવ મિશન મોકલી ચુક્યા છે. 

25 લાખ કરોડ રૂપિયાની ગ્લોબલ સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં હાલ ભારતની 2% ભાગીદારી 
હાલ ગ્લોબલ સ્પેસ ઈન્ડસ્ટ્રી 25 લાખ કરોડ રૂપિયાની છે. જેમાં અમેરિકાની 40%ની ભાગીદારી છે. સાથે જ 50 હજાર કરોડ રૂપિયા સાથે ભારતની તેમાં 2%ની ભાગીદારી છે. માનવામાં આવી રહ્યું છે કે 2030 સુધી દુનિયાભરમાંથી 17 હજાર નાના સેટેલાઈટ મોકલવામાં આવશે. ઈસરો પણ નાના સેટેલાઈટનું લોન્ચ વ્હીકલ તૈયાર કરી રહ્યું છે, જે આ ક્ષેત્રમાં દેશની ભાગીદારી વધારી દેશ. છેલ્લા 3 વર્ષમાં ઈસરોની વ્યવસાયિક કંપની એન્ટ્રૂક્સ કોર્પોરેશને 239 સેટેલાઈટ મોકલ્યા છે. જેનાથી તેને 6289 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. દુનિયાની બાકી સેટેલાઈટ લોન્ચિગ એજન્સીઓની તુલનામાં ઈસરોનું લોન્ચિગ 10 ગણું સસ્તું છે. 

ભારતમાં વૈજ્ઞાનિકોની સંખ્યા વધશે તો વધુ સારા પરિણામો મળશે 
જો છેલ્લા 20 વર્ષોને જોવામાં આવે તો વૈજ્ઞાનિકોના અભાવના કારણે આપણે જેને ચંદ્રયાન-1 પર કામે લગાવ્યા,તેમને જ 5 વર્ષ બાદ મંગળયાન પર અને ફરી તેના પાંચ વર્ષ પછી ચંદ્રયાન-2 પર કામે લગાવ્યા છે. આપણે વૈજ્ઞાનિકોની સંખ્યા વધારવી જોઈએ જેથી અલગ અલગ મિશન પર અલગ અલગ વૈજ્ઞાનિકોની ટીમ કામ કરી શકે. અમે ઈચ્છીએ છીએ કે 100-200 વૈજ્ઞાનિકોનો એક સમૂહ હોય, જે ફક્ત ચંદ્ર પર કામ કરે.