ભાસ્કર ઓરિજિનલ / પહેલા આર્ટીફિશીયલ હ્યુમન પાછ‌ળ ગુજરાતી દિમાગ

પ્રણવ મિસ્ત્રી અને પાલનપુર લખેલી તેમની કાર.
પ્રણવ મિસ્ત્રી અને પાલનપુર લખેલી તેમની કાર.

  • લાસ વેગાસમાં દુનિયા સમક્ષ મુકાયો ટેકનોલોજીનો મનુષ્ય અવતાર
  • NEONનો દેખાવ અને વર્તન વાસ્તવિક મા‌ણસ જેવા જ હોવાનો કંપનીનો દાવો

Divyabhaskar.com

Jan 08, 2020, 03:34 AM IST
લાસ વેગાસ: અમેરિકાના લાસ વેગાસમાં CES-2020 ( કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો)માં સેમસંગ સ્ટાર લેબ દ્વારા આર્ટિફિશિયલ હ્યુમન નીયોનને દુનિયા સમક્ષ મુકાયો છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાનો સૌથી પહેલો આર્ટિફિશિયલ હ્યુમન છે. આ ટેકનોલોજી પાછળ એક ગુજરાતીનું દિમાગ છે.સ્ટાર લેબના સીઇઓ પ્રણવ મિસ્ત્રી મૂળ પાલનપુરના છે. પ્રણવે પોતાની કારની નંબર પ્લેટ પર પણ પાલનપુર લખાવેલું છે.
આઇઆઇટી બોમ્બેમાં હું માસ્ટર્સ ભણ્યો. કેમ્બ્રિજ એમઆઇટીમાં પણ માસ્ટર્સ કર્યું-પ્રણવ મિસ્ત્રી
પ્રણવ મિસ્ત્રી, સીઈઓ, એનઈઓએન (સેમસંગ સ્ટાર લેબ)એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યુ કે, NEON આર્ટિફિશિયલ હ્યુમન છે. તેનો દેખાવ અને વર્તન વાસ્તવિક મા‌ણસ જેવા જ છે. તે લાગણી પણ વ્યક્ત કરી શકે છે અને પોતાની બુદ્ધિમત્તા પણ દર્શાવી શકે છે. તે નવી બાબતો શીખી શકે છે અને અનુભવો પરથી યાદો પણ ઊભી કરી શકે છે. એમ તો તે કોમ્પ્યુટર આધારિત જ છે પણ તે મિત્ર હોઇ શકે છે અને સહયોગી પણ. આ શોમાં અમે Neonનાં મોડેલ્સ રજૂ કર્યા હતા. સેમસંગ ટેકનોલોજી એન્ડ એડવાન્સ રિસર્ચ લેબ (સ્ટાર લેબ)નો છે. ઉત્તર ગુજરાતમાં આવેલું શહેર પાલનપુર મારું વતન છે. એટલે દેશ અને વતન પ્રત્યેનો પ્રેમ તો હોય જ. મારો જન્મ પણ ત્યાં થયો અને સ્કૂલ-કોલેજ સુધી હું અહીં જ ભણ્યો. આઇઆઇટી, બોમ્બેમાં હું માસ્ટર્સ ભણ્યો. કેમ્બ્રિજ એમઆઇટીમાં પણ માસ્ટર્સ કર્યું. 2012થી હું સેમસંગમાં છું.
અમે નવી ટેકનોલોજી SPECTRA પર કામ કરી રહ્યા છીએ-પ્રણવ મિસ્ત્રી
NEON શબ્દ NEO (new) + humaN પરથી આવ્યો છે. અત્યારે એનો કોઇ શારીરિક અવતાર નહીં હોય પણ ડિજિટલ અવતાર હશે. તે AI સહાયક નથી કે રોબોટ પણ નથી. તે એક પ્રકારે આભાસી જીવિત અવતાર હશે. હું અને મારી ટીમ આ પ્રોજેક્ટ પર બે વર્ષથી પણ વધારે સમયથી કામ કરતા હતા. ડિઝાઇનની દ્રષ્ટિએ ટેકનોલોજીને જોવી એ મને બહુ ગમે છે. મને તમે ડિઝાઇન એન્જિનિયર તરીકે ઓળખી શકો. નીયોન ખાસ બનાવેલી CORE R3 ટેકનોલોજી પર આધારિત છે. R3 એટલે રીઆલિટી, રીઅલ ટાઇમ અને રીસ્પોન્સીવ.આ ટેકનોલોજીથી નીયોન ક્ષણમાં જ રીએક્ટ કરશે. નીયોન માણસોને લક્ષ્યાત્મક કામગીરીમાં મદદરૂપ થશે. તે શિક્ષક તરીકે કામ કરી શકશે, ફાઇનાન્શિયલ એડવાઇઝર બનશે, તમારા આરોગ્યની સાર-સંભાળ રાખી શકશે, ટીવી એન્કર કે પ્રવક્તા પણ બની શકશે.
આર્ટિફિશિયલ હ્યુમન Neon હિન્દી, સ્પેનિસ સહિતની અનેક ભાષાઓ સમજી શકશે. અમે નવી ટેકનોલોજી SPECTRA પર કામ કરી રહ્યા છીએ, 2020ના અંત સુધીમાં પણ આવશે જે નીયોનને એક નવી જ ઉંચાઇએ લઇ જશે. નીયોન લોકો પાસે કેવી રીતે હશે તે અંગે પ્લાન અમલમાં મુકાઇ રહ્યો છે.
મારી કાર, મારું પાલનપુર
પ્રણવનો વતન પ્રેમ ત્યારે દુનિયાએ જોયો હતો જ્યારે તેમણે પોતાની એસ્ટોન માર્ટિન કારનો ફોટો મુક્યો હતો અને લખ્યું હતું કે, તમે ગમે ત્યાં જાવ, એ ના ભૂલવું કે ક્યાંથી આવો છે? મારી કાર, મારું પાલનપુર. કારની નંબર પ્લેટ પર પાલનપુર લખાવેલું છે. મિસ્ત્રીએ થોડા દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કરી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોથી હું એક અદ્યતન AI તકનીક પર કામ કરી રહ્યો છું. આ જાન્યુઆરીમાં, હું તેને વિશ્વ સમક્ષ જાહેર કરીશ. હું તેને NEON કહું છું. મને તમારા આશીર્વાદની જરૂર છે. (દિવ્ય ભાસ્કરના ઝુલ્ફીકાર તુંવર સાથે પ્રણવ મિસ્ત્રીની વાતચીતના આધારે.)
X
પ્રણવ મિસ્ત્રી અને પાલનપુર લખેલી તેમની કાર.પ્રણવ મિસ્ત્રી અને પાલનપુર લખેલી તેમની કાર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી