ડીબી ઓરિજિનલ / સરકારી બેન્કોએ ખર્ચ વધવાના કારણે 10,800 મશીનો બંધ કર્યા

Government banks closed 10,800 machines due to cost overruns

  • સરકારી બેન્કોએ દોઢ વર્ષમાં 10,809 ATM બંધ કર્યા, ખાનગી બેન્કોએ 3,975 નવા ATM શરૂ કર્યા
  • દેશમાં એક લાખ લોકો પર ફક્ત 22 ATM, બ્રિક્સ દેશોમાં સૌથી ઓછા

Divyabhaskar.com

Aug 02, 2019, 02:52 PM IST

નવી દિલ્હીઃ ટેકનોલોજીના યુગમાં ડિઝીટલ ટ્રાન્જેક્શનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે બજારમાં રોકડ વ્યવહાર વધી રહ્યો છે. ચોંકવનારી વાત તો એ છે કે દેશમાં જેમ જેમ એટીએમનો ઉપયોગ કરનારા વધી રહ્યા છે તેમ તેમ સરકારી બેન્કો એટીએમની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. સાથે જ ખાનગી બેન્કોના એટીએમ બિલાડીની ટોપની જેમ ફુટી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં સરકારી બેન્કોએ 10,809 એટીએમ બંધ કર્યા છે. તો તેની સામે ખાનગી બેન્કોએ 3,975 નવા એટીએમ બનાવ્યા છે. ટેકનોલોજી અપગ્રેડેશન અને કેશ અંગેના RBIના નિયમો કારણે એટીએમનો ખર્ચ વધી રહ્યો છે. જેના કારણે સરકારી બેન્કોએ એટીએમ બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું છે.

RBIના રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બર 2017માં દેશમાં કુલ 2 લાખ 21 હજાર 553 એટીએમ હતા. માર્ચ 2019 સુધી એટીએમની સંખ્યા વધીને બે લાખ 21 હજાર 703 થઈ ગઈ હતી. સરકારી બેન્કોના એટીએમ જેટલા ઘટ્યા,તો સામે ખાનગી બેન્કોના એટીએમમાં એટલો જ વધારો થયો છે.

 

સરકારી બેન્ક એટીએમની સંખ્યામાં ઘટાડો કેમ કરી રહી છે?- ભારતમાં એટીએમ ઈન્ડસ્ટ્રીની સંસ્થા કન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી પ્રમાણે એટીએમની સર્વિસ, મેન્ટેનન્સ અને અપગ્રેડેશન ઘણું ખર્ચાળ છે. તાજેતરમાં RBIએ હાર્ડવેર અને સોફ્ટવેર , અપગ્રેડ કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ અને કેશ લોડિંગ મેથડ અંગે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ જ કારણે એટીએમનું સંચાલન ખુબ જ ખર્ચાળ બન્યું છે.

બેન્કિંગ નિષ્ણાત એસએસએ કાજમીએ ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, બેન્ક માટે એટીએમનું મેન્ટેનેન્સ ખુબ જ ખર્ચાળ હોય છે. સામાન્ય રીતે એક એટીએમમાંથી પ્રત્યેક દિવસે 150થી 200 ટ્રાન્જેક્શન થાય તો જ બેન્ક પોતાની કિંમત વસુલી શકે છે. આનાથી ઓછા ટ્રાન્જેક્શન થાય તો બેન્કને પણ પોસાતું નથી. સાથે આ જે તે વિસ્તારના બેન્કના ગ્રાહકોની સંખ્યા પર પણ આધારિત છે.

RBIના રિપોર્ટ પ્રમાણે, બેન્કોએ એટીએમના ખર્ચ અને અન્ય કારણોસર આ નિર્ણય કર્યો છે. જેમાં સૌથી વધારે સરકારી બેન્કોના એટીએમ બંધ કરવામાં આવ્યા છે. જો કે તેની પાછળ ડિઝીટલ બેન્કિગ પણ જવાબદાર છે. મહારાષ્ટ્ર, ગુજરાત , ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં દોઢ વર્ષમાં મોટી સંખ્યામાં સરકારી બેન્કોના એટીએમ બંધ થયા છે. તેની સામે ખાનગી બેન્કોએ અહીં સૌથી વધારે એટીએમ ખોલ્યા છે.

 

નવી નોટોના કારણે 3,000 કરોડથી વધુનું ભારણઃ CATMI પ્રમાણે, નોટબંદી બાદથી 2000,500,200 અને 100 રૂપિયાની નવી નોટો ચલણમાં આવી છે. આ નોટોની સાઈઝ પણ જુની નોટોથી અલગ છે. જેથી નવી નોટો માટે એટીએમના સેટઅપને બદલાયો હતો. જેના કારણે એટીએમ ઈન્ડસ્ટ્રી પર અંદાજે 3,000 કરોડ રૂપિયાનું વધારે ભારણ આવ્યું હતું. હવે ફરી નવા ફેરફારોને કારણે એટીએમ ખર્ચાળ બન્યું છે.

દેશમાં એક લાખની વસ્તીએ 22 એટીએમ, બ્રિક્સ દેશોમાં સૌથી ઓછાઃ એટીએમ લગાવવાના મામલામાં ભારતે ભલે પ્રગતિ કરી રહ્યું હોય પણ વસ્તીને ધ્યાનમાં રાખીને તેની ટકાવારી ઘણી ઓછી છે. દેશમાં 1 લાખની વસ્તી પર 22 એટીએમ છે. એટલે કે એક એટીએમ પર અંદાજે 4,545 લોકો નિર્ભર છે. 2012માં એક એટીએમ પર 10,832 લોકો નિર્ભર હતા. જો કે, 2012થી 2017 વચ્ચે તેમાં બમણો વધારો થવાથી નિર્ભરતાનો આંકડો ઘટ્યો છે. બ્રિક્સ દેશોમાં પ્રતિ એક લાખની વસ્તી પર એટીએમની સંખ્યાના મામલામાં રશિયા સૌથી આગળ છે. જ્યાં એક લાખની વસ્તી પર 164 એટીએમ છે, એટલે કે 609 લોકો પર એક એટીએમ.

 

સરકારી યોજનાઓના પૈસા સીધે સીધા ખાતામાં આવવાથી પણ ATMની જરૂરિયાતમાં વધારો થયોઃ 2014માં વડાપ્રધાન મોદીના સત્તામાં આવ્યા બાદ અંદાજે 36 કરોડ લોકોને બેન્કિગ સિસ્ટમ સાથે ક્નેક્ટ કરવામાં આવ્યા હતા. કેન્દ્રએ સરકારી યોજનાઓના પૈસા તેમના ખાતામાં સીધા મોકલવાની વ્યવસ્થા કરી છે. આ જ કારણે પણ ATMની જરૂરિયાત અને વપરાશ વધ્યો છે.

જાણો કોણી પર ATM બંધ થવાની માઠી અસર પડશેઃ સામાન્ય રીતે સરકારી બેન્કોના એટીએમ બંધ થશે તો સૌથી વધારે અસર ગ્રામ્ય વિસ્તારના લોકોને થશે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો પર કારણ કે તેઓ મોટાભાગે સરકારી બેન્કો પર આધારિત છે. આ ઉપરાંત વિવિધ યોજનાઓની રકમ સીધે સીધી ખાતામાં આવવાના કારણે પમ ગ્રામ્ય વિસ્તારોમાં એટીએમ પર ટ્રાન્જેક્શન વધી રહ્યું છે. જેથી એટીએમ બંધ થવાની સૌથી વધારે માઠી અસર ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગને પડશે.

X
Government banks closed 10,800 machines due to cost overruns
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી