• Home
  • Dvb Original
  • Gandhiji was the ideal of social equality, harmony, we should all adopt him in our life: Mohan Bhagwat

ભાસ્કર ઓરિજિનલ / ગાંધીજી સામાજિક સમતા, સમરસતાના આદર્શ પક્ષકાર હતા, આપણે બધાએ તેમને આપણા આચરણમાં ઉતારવા જોઈએ:મોહન ભાગવત

Gandhiji was the ideal of social equality, harmony, we should all adopt him in our life: Mohan Bhagwat

  • પહેલીવાર કોઈ ગુજરાતી અખબાર માટે સંઘ પ્રમુખ મોહન ભાગવતની કલમે
  • ડૉ. કેશવ બલિરામ હેડગેવાર કહેતા હતા- ‘પુણ્ય પુરુષ’ ગાંધીજીની કથની અને કરણીમાં કોઈ અંતર નથી... 

Divyabhaskar.com

Oct 02, 2019, 12:29 PM IST

ડૉ. મોહન ભાગવત, સર સંઘચાલક, RSS: ભારત દેશના આધુનિક ઈતિહાસ અને સ્વતંત્ર ભારતના ઉત્થાનની ગાથામાં જે વિભૂતિઓના નામ હંમેશા માટે અંકિત થઈ ગયાં છે, જે સનાતન કાળથી ચાલતી ભારતીય ઈતિહાસની ગાથાનું એક પર્વ બની જશે, તેમાં પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ પહેલી હરોળમાં છે. ભારત આધ્યાત્મિક દેશ છે અને આધ્યાત્મિક આધારે જ તેનું ઉત્થાન થશે, તેને આધાર બનાવીને ભારતીય રાજનીતિને આધ્યાત્મિક પાયા પર ઊભી કરવાનો પ્રયોગ ગાંધીજીએ કર્યો હતો.
વિકારોના આધારે ચાલનારી દેશાન્તર્ગત અને વૈશ્વિક રાજનીતિને સંપૂર્ણપણે અમાન્ય ઠેરવી
ગાંધીજીના પ્રયાસ ફક્ત સત્તાના રાજકારણ પૂરતા સીમિત ન હતા. સમાજ અને તેના નેતૃત્વનું સાત્વિક આચરણ થાય તેના પર તેઓ વધુ ભાર મૂકતા હતા. મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થથી પ્રેરિત થઈને અહંકાર અને વિકારોના આધારે ચાલનારી દેશાન્તર્ગત અને વૈશ્વિક રાજનીતિને તેમણે સંપૂર્ણપણે અમાન્ય ઠેરવી હતી. સત્ય, અહિંસા, સ્વાવલંબન અને મનુષ્ય માત્રની સાચી સ્વતંત્રતા પર આધારિત ભારતનું જનજીવન હોય કે પછી દેશ અને માનવતા માટે પણ તેમનું આ જ સપનું હતું. ગાંધીજીનું આ ચિંતન તેમના જીવનમાં પૂર્ણત: સાકાર થતું હતું.
ગુલામીની માનસિકતા કેટલી હાનિકારક હોય છે, તે ગાંધીજી જાણતા હતા
1922માં ગાંધીજીની ધરપકડ પછી નાગપુર શહેર કોંગ્રેસે એક જનસભાનું આયોજન કર્યું હતું. વક્તા તરીકે એ સભામાં ડૉ. હેડગેવારે ‘પુણ્ય પુરુષ’ વિશેષણથી સંબોધન કરતા કહ્યું હતું કે, ગાંધીજીની કથની અને કરણીમાં કોઈ અંતર નથી. જીવનમાં ધીરજ અને પોતાના વિચારો માટે સર્વસ્વ ત્યાગ કરવાની તેમની સંપૂર્ણ તૈયારી છે. ફક્ત ગાંધીજીનું ગુણવર્ણન કરવાથી ગાંધીજીનું કામ આગળ નહીં વધે. ગાંધીજીના ગુણોનું અનુકરણ કરીને જીવનમાં આગ‌ળ વધશો તો ગાંધીજીનું કામ આગળ વધતું રહેશે. પરાધીનતાના કારણે થતી ગુલામીની માનસિકતા કેટલી હાનિકારક હોય છે, તે ગાંધીજી જાણતા હતા. એ માનસિકતાથી મુક્ત, શુદ્ધ સ્વદેશી દૃષ્ટિથી ભારતના વિકાસ અને આચરણનું એક સ્વપ્નચિત્ર તેમણે ‘હિંદ સ્વરાજ’ના રૂપમાં લખ્યું. એ સમયે દુનિયામાં સૌની નજરમાં ચકાચૌંધ કરી નાંખનારી ભૌતિકતાને લઈને વિજયી પાશ્ચાત્ય જગત- આખી દુનિયામાં પોતાની જ પદ્ધતિ અને શૈલીને, સત્તાના બળે શિક્ષણને વિકૃત કરીને તેમજ આર્થિક દૃષ્ટિને બધાને આશ્રિત બનાવવાની ચેષ્ટા આગ‌ળ વધારતું હતું. એવા સમયે ગાંધીજી દ્વારા થયેલો આ પ્રયાસ સ્વત્વના આધારે જીવનના તમામ તબક્કે એક નવો વિચાર આપનારો બહુ જ સફળ પ્રયોગ હતો. પરંતુ ગુલામીની માનસિકતા ધરાવતા લોકો વગર વિચાર્યે પશ્ચિમથી આવેલી વાતોને જ પ્રમાણભૂત માનીને પોતાના પૂર્વજો, પૂર્વ ગૌરવ અને પૂર્વ સંસ્કારોને હીન માનીને આંધળું અનુકરણ અને ચાંપલૂસીમાં વ્યસ્ત હતા. તેમનો બહુ મોટો પ્રભાવ આજેય ભારતની દશા અને દિશા પર દેખાય છે.
આવનારી પેઢીઓ માટે વિશ્વાસ કરવો અઘરો હશે
અન્ય દેશોના સમકાલીન મહાપુરુષોએ પણ ગાંધીજીના ભારતકેન્દ્રિત ચિંતનના કેટલાક અંશો ગ્રહણ કરીને પોતપોતાના દેશોની વિચાર સંપદામાં યોગદાન આપ્યું. આઈન્સ્ટાઈને તો ગાંધીજીના મૃત્યુ સમયે કહ્યું કે આવનારી પેઢીઓ માટે એ વિશ્વાસ કરવો અઘરો હશે કે આવી કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર જીવન વિતાવીને જતી રહી. આટલું પવિત્ર આચરણ અને વિચાર ગાંધીજીએ પોતાના જીવનના ઉદાહરણથી આપણી સામે આપ્યું છે.
સંઘ શાખામાં ગાંધીજીનો બૌદ્ધિક વર્ગ પણ યોજાયો હતો
ગાંધીજી 1936માં વર્ધા પાસે આયોજિત સંઘની શિબિરમાં પધાર્યા હતા. આગલા દિવસે ગાંધીજીના નિવાસ સ્થાને તેમની અને ડૉ. હેડગેવારની મુલાકાત થઈ. ગાંધીજી સાથે તેમણે પ્રશ્નોત્તરી કરી, જે હવે અપ્રકાશિત છે. વિભાજનના રક્તરંજિત દિવસોમાં દિલ્હીમાં તેમના નિવાસ સ્થાન પાસે લાગતી શાખામાં પણ ગાંધીજીનું આવવાનું થયું હતું. સંઘ શાખામાં તેમનો બૌદ્ધિક વર્ગ પણ યોજાયો હતો. તેનો એક લેખ 27 સપ્ટેમ્બર, 1947ના ‘હરિજન’માં છપાયો છે. સંઘના સ્વયંસેવકોની શિસ્ત અને જાતિભેદની વિભેદકારી સંવેદનાનો તેમાં સંપૂર્ણ અભાવ જોઈને ગાંધીજીએ ખુશી વ્યક્ત કરી હતી. ‘સ્વ’ના આધારે ભારતની પુન:રચનાનું સ્વપ્ન જોનારા, સામાજિક સમતા અને સમરસતાના સંપૂર્ણ પક્ષકાર, પોતાની કથનીનું સ્વયં આચરણથી ઉદાહરણ આપનારા, તમામ લોકો માટે આદર્શ પૂજ્ય ગાંધીજીને આપણે સૌએ જોવા, સમજવા અને આચરણમાં ઉતારવા જોઈએ. તેમના આ જ સદગુણોના કારણે ગાંધીજીના વિચારો સાથે મતભેદ રાખનારા લોકો પણ તેમને શ્રદ્ધાથી જુએ છે. તેમના જન્મના 150મા વર્ષમાં તેમનું સ્મરણ કરતા આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે, તેમના પવિત્ર, ત્યાગમય, પારદર્શક જીવન અને સ્વ આધારિત જીવન દૃષ્ટિનું અનુસરણ કરીને આપણે પણ વિશ્વગુરુ ભારતની રચના માટે આપણા જીવનમાં સમર્પણ અને ત્યાગની ગુણવત્તા લાવીએ.
સંઘમાં પ્રતિ દિન સવારે પ્રાર્થનામાં ગાંધીજીનું નામ લેવાય છે
સંઘમાં રોજ સવારના એક સ્તોત્ર દ્વારા મહાપુરુષોની પરંપરાનું સ્મરણ કરવાની પ્રથા સંઘના સ્થાપના કાળથી ચાલી આવે છે. 1963માં તેમાં કેટલાંક નવા નામ જોડાયાં હતાં. ત્યાં સુધી પૂજ્ય ગાંધીજી દિવંગત થઈ ચૂક્યા હતા. પછી તેમનું નામ પણ જોડાયું. સંઘમાં તેને ‘એકાત્મક સ્તોત્ર’ કહે છે. સંઘના સ્વયંસેવક રોજ સવારે આ સ્તોત્રમાં ગાંધીજીનું નામ ઉચ્ચારીને ઉપરોક્ત ગુણોથી યુક્ત તેમના જીવનનું સ્મરણ કરે છે.

X
Gandhiji was the ideal of social equality, harmony, we should all adopt him in our life: Mohan Bhagwat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી