• Home
 • Dvb Original
 • 56% of working Divyang people in the government, private sector are deprived of employment benefits

ભાસ્કર ઓરિજિનલ / સરકારી, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા 56 ટકા દિવ્યાંગ કર્મચારીઓ નોકરીઓમાં મળવાપાત્ર લાભથી વંચિત

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

 • ગુજરાત યુનિ.એ શહેરમાં સરકારી, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા 150થી વધુ દિવ્યાંગ કર્મચારીઓ પર રિસર્ચ કર્યું
 • ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતાં દિવ્યાંગ કર્મચારીઓમાંથી 96 ટકાના મતે તેમને કોઈ પણ પ્રકારના લાભ અપાતા નથી

Divyabhaskar.com

Dec 10, 2019, 03:22 AM IST
પ્રતીક ભટ્ટ, અમદાવાદ: સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા મૂક, બધિર, પ્રજ્ઞાચક્ષુ તથા 40 ટકા કરતાં વધુ શારીરિક ખોડખાપણ ધરાવતા દિવ્યાંગોની સ્થિતિ તથા તેમની સામાજિક, આર્થિક બાબતોની ચકાસણી માટે ગુજરાત યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું છે. અભ્યાસમાં જણાયું કે, સરકારી નોકરીની તુલનાએ પ્રાઇવેટમાં દિવ્યાંગજનોને મળવાપાત્ર લાભો આપવામાં ઉદાસીનતા છે. બંને સેક્ટરમાં નોકરી કરતા 56 ટકા દિવ્યાંગજનો મળવાપાત્ર લાભ, કાયદાથી અજાણ છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા દિવ્યાંગજનોમાંથી 96 ટકાના મતે તેમને કોઈ લાભ અપાતા જ નથી.
માસ્ટર ઓફ લેબર વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાંથી ડો. સ્નેહા એચ. શાહે સોશિયો લીગલ સ્ટડીઝ ઓન ડિફરન્ટલી એબલ્ડ એમ્પલોઇઝ ઇન સિલેક્ટેડ ઓર્ગેનાઇઝેશન્સ ઇન અમદાવાદ વિષય પર પ્રો. ડો. સુજાતા સોની ઓનટ્ટુ ઉન્નટ્ટુના માર્ગદર્શનમાં કરેલા રિસર્ચમાં શહેરમાં સરકારી, પ્રાઇવેટ ક્ષેત્રમાં ઉચ્ચ પદાધિકારીથી લઈને પ્યૂન (ક્લાસ 1થી 4)ની પોસ્ટ પર કામ કરતા આશરે 150 જેટલા દિવ્યાંગ કર્મચારી-પદાધિકારીઓનો અભ્યાસ કર્યો હતો.
ટ્રાન્સપોર્ટેશન અને શિફ્ટિંગ જોબ કરિયરમાં સૌથી મોટી સમસ્યા
 • 59% કર્મચારીઓએ જણાવ્યું, તેઓ પોતાનાં વાહનોમાં ઓફિસ જાય છે.
 • 52% કર્મચારીઓએ કહ્યું, તેમને ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ અપાયું નથી.
 • 13% કર્મચારીઓએ કહ્યું, ઓફિસમાં દિવ્યાંગોને પૂરતા પ્રમાણમાં વાહન પાર્કિંગની સવલત મળી નથી.
 • 52% દિવ્યાંગ કર્મચારીઓનું કહેવું છે કે, સંસ્થામાં નોકરીમાં સારી કામગીરી બદલ પ્રોત્સાહિત કરાયા નથી.
 • 80% દિવ્યાંગજનોએ કહ્યું, આટલા પ્રશ્નો હોવા છતાં તેઓ સ્ટિક, બ્રેઇલ, વ્હીલચેર, વોકર જેવાં સાધનોથી મોટા ભાગની મુશ્કેલીઓ હળવી કરે છે.
4 બાબતો સુધરે તો સમસ્યા ઉકેલાય
 • અવગણના : પ્રમોશનની તકોના સંદર્ભમાં સરકારી અને ખાનગી ક્ષેત્રે કામ કરતાં કર્મચારીઓમાં તફાવત.
 • અજાણ : સરકારી ક્ષેત્રોની તુલનાએ ખાનગી નોકરીમાં કાયદાકીય જોગવાઈઓની જાગૃતિ લાભોની જાણકારી ઓછી.
 • અભાવ : સમાજમાં દિવ્યાંગજનોના હિતના જતન માટેની જાગૃતિનો અભાવ હોવાથી સંવેદનાપૂર્ણ વ્યવહારનો અભાવ.
 • અવરોધ : દિવ્યાંગજનોને સંપૂર્ણ અડચણરહિત પરિસરનો અભાવ ઉપરાંત સામાજિક અવરોધોનો સામનો કરવો પડે છે.
દિવ્યાંગજનોના પ્રશ્નો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી રિસર્ચ
કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકાર અંગેનો ખરડો 2011માં રજૂ કર્યો હતો. આ ખરડાને 2016માં કાયદાનું સ્વરૂપ અપાયું હતું. આ ખરડાના અનુસંધાનમાં સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં રોજગારી મેળવતા વિકલાંગજનોમાં પ્રવર્તતી સમસ્યાઓ, કાયદાકીય જોગવાઈઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ શકે તે હેતુસર આ સંશોધન કર્યું છે, જેનો મૂળભૂત હેતુ દિવ્યાંગજનોની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે જાગૃત્તિ તથા નિરાકરણ લાવવાનો છે.-પ્રો. ડો. સુજાતા સોની ઓનટ્ટુ, ગાઈડ, એમએલડબ્લ્યૂ ડિપાર્ટમેન્ટ, યુનિવર્સિટી
ઓફિસ અને બહાર સ્થિતિ આ રીતે સુધારી શકાય
 • બિનસરકારી સેવાભાવી સંસ્થાઓને સામેલ કરી સંવેદનશીલ કાર્યક્રમોનો વધુ સફળ બનાવી શકાય.
 • દિવ્યાંગજનો સરળતાથી અવરજવર કરી શકે, કામના સ્થળે યોગ્ય રીતે કામકાજ કરી શકે તે માટે સંપૂર્ણ અડચણરહિત બાંધકામને લગતી માળખાકીય સવલતોની વ્યવસ્થા કરવી જોઈએ.
 • વિવિધ કાયદાકીય જોગવાઈઓનું સરકાર દ્વારા યોગ્ય રીતે અમલીકરણ થાય તે જરૂરી છે. ખાનગી ક્ષેત્રમાં નોકરીમાં પ્રમોશનની તકો, દિવ્યાંગજનો સાથે થતા ભેદભાવોને અટકાવવા જોઈએ.
 • સમાજમાં દિવ્યાંગજનો પ્રત્યે સામાન્ય લોકોના વલણમાં પરિવર્તન લાવવું પણ જરૂરી છે.
રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 (આરપીડબલ્યૂડી એક્ટ)માં આ સુવિધાઓ મળે તેવી જોગવાઈ છે
 1. વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને માટે કામકાજના સ્થળે લિફ્ટ, રેમ્પ તથા વ્હીલચેર જઈ શકે તેવા ટોઇલેટ, બાથરૂમ હોવાં જોઈએ.
 2. પ્રજ્ઞાચક્ષુઓને લિફ્ટમાં બેસતી વખતે પ્રોપર અવાજ સંભળાય તેની વ્યવસ્થા કરવી જોઈએ.
 3. સરકારી નોકરી, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશનમાં નોકરીમાં ભરતીમાં પાંચ ટકા અનામત છે.
 4. નોકરીના સ્થળે અડચણરહિત પરિસર, પાર્કિંગ હોવું જોઈએ.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી