તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવે મધ્યમ વર્ગના ભોગે ગરીબોનું ભલું થશે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર

નરેન્દ્ર મોદી સરકારે બજેટમાં વર્ષે રૂ. બે કરોડ કમાતા અમીરો પર ટેક્સના સર્વોચ્ચ દરને વધારી દીધો છે. વર્ષે રૂ. પાંચ કરોડથી વધુ કમાતા લોકો માટે કરાયેલો વધારો તો તેનાથી પણ ઊંચો છે. આ સર્વોચ્ચ દર હવે 42.3 ટકા થઈ ગયો છે. આપણા જેવા લોકો તેને ઈન્દિરા ગાંધીની 'અમીરો કો ચૂસો' શૈલીનું રાજકારણ કહેશે. અનેક લોકો આવાં ઉદાહરણો આપીને તેનું સ્વાગત પણ કરશે કે, મોદીએ કટોકટી પછી બંધારણની પ્રસ્તાવનામાં દર્શાવેલા સમાજવાદના આદર્શોને સંપૂર્ણ રીતે અપનાવી લીધા છે. પછી ભલેને તેઓ સૌથી સ્થિર જમણેરી સરકારના નેતા કેમ ના હોય. જોકે, આ પ્રકારનું રાજકારણ ખોટું છે કારણ કે, મોદી સરકાર હકીકતમાં ધનિકોને નહીં પણ મધ્યમ વર્ગને લૂંટી રહી છે, જે તેની સૌથી મોટી મતબેન્ક પણ છે. સવાલ એ છે કે તેમની વફાદારીના કારણે જ સરકારને તેમની સાથે આવું વર્તન કરવામાં સરળતા રહે છે?છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારે કદાચ સૌથી કુશળતાપૂર્વક રાષ્ટ્રીય સંપત્તિને ગરીબોના પક્ષમાં પુન:વિતરણ કર્યું છે. એકદમ સટીક આંકડાનું અનુમાન કરવું તો અઘરું છે પરંતુ આવાસ, ટોઈલેટ, રાંધણગેસ અને મુદ્રા લોન જેવાં માધ્યમોથી રૂ. 9થી 11 લાખ કરોડ ગરીબોમાં વહેંચાયા છે. એવું મનાય છે કે તેમાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર થયો છે અને જાતિ-ધર્મના આધારે ભેદભાવ પણ નથી થયો. તેનાથી મોદીને બીજી વાર જનાદેશ હાંસલ કરવામાં પણ મદદ મળી છે, પરંતુ આ પૈસા આવ્યા ક્યાંથી? તાત્કાલિક આપણા મગજમાં એ જ આવશે કે તે અમીરો પાસેથી આ‌વ્યા હશે, પરંતુ એવું નથી. કાચા તેલની કિંમતો ઘટ્યા પછી પણ સરકાર ઈંધણ પર ટેક્સ વધારીને નફો પોતાના ખિસ્સામાં નાંખતી રહી. આ મોટા ભાગની રકમ પોતાનાં વાહનોનો ઉપયોગ કરતા મધ્યમ વર્ગ પાસેથી આવી. તમે નિષ્કર્ષ કાઢી શકો છો કે ગરીબોને સંપત્તિનું હસ્તાંતરણ થયું, પરંતુ આ પૈસા ધનિકો પાસેથી નહીં, તમામ સ્તરે મધ્યમ વર્ગ પાસેથી આવ્યા. એ પછી અહેસાનમંદ ગરીબોના એટલા મત પણ મળ્યા અને તેમની શાનદાર જીત થઈ.

એક્ઝિટ પોલના આંકડા કહે છે કે મહાનગરોથી લઈને શહેરીકરણમાંથી ગુજરતાં રાજ્યોમાં મધ્યમ વર્ગે ભાજપના પક્ષમાં જબરદસ્ત મતદાન કર્યું. તીવ્ર શહેરીકરણમાંથી પસાર થઈ રહેલું હરિયાણા રાજ્ય તેનું ઉદાહરણ છે, જ્યાં ગરીબોની સંખ્યા ઓછી છે. ભાજપ 2014માં ત્યાં હાંસિયામાં હતી. હવે આ રાજ્યમાં ભાજપને 58 ટકા મત મળ્યા છે. મોદીએ જે રીતે પોતાનું અર્થતંત્ર ચલાવ્યું, એ આ બાબતનું સૌથી મહત્ત્વનું પાસું છે. ભાજપે મધ્યમ વર્ગથી લઈને સૌથી નીચલા વર્ગને કંઈ આપ્યું, અને હવે બંને એકસરખા ઉત્સાહથી તેમને મત આપી રહ્યા છે. મધ્યમ વર્ગ તેમની સૌથી મજબૂત મતબેન્ક તરીકે ઊભરી છે. તેઓ ખુશીથી સરકારને કિંમત ચૂકવી રહ્યા છે. હવે તાજા બજેટની વાત કરીએ તો ફરી એકવાર અમીરો પાસેથી લેવાનો દેખાડો કરી લીધો, પરંતુ તેની અમીરોને ચિંતા થવી જોઈએ?

સીબીડીટીના ડેટા પ્રમાણે છેલ્લા નાણાવર્ષમાં ફક્ત 6,351 લોકોએ રૂ. પાંચ કરોડથી વધુની આવક દર્શાવી છે, જેમાં સરેરાશ આવક રૂ. 13 કરોડ છે. તેનાથી કેટલી વધારે રેવન્યૂ મળશે? આશરે રૂ. પાંચ હજાર કરોડ. આઈપીએલના ટર્નઓવરથી કંઈ ખાસ વધારે નહીં. ગરીબો રોમાંચિત થઈ જશે કે ધનિકો પાસેથી વસૂલાત થઈ રહી છે. હકીકતમાં જે લોકો ધનવાન છે, તેઓ ગણગણાટ કરીને ફરિયાદો કરશે, પરંતુ બેનામી ચૂંટણી બોન્ડ ખરીદીને એક લેટર બોક્સમાં નાંખતા રહેશે. તમે સમજી શકો છો કે કયું બોક્સ. કારણ કે, તેઓ આવું નહીં કરે તો આવકવેરા અધિકારી તેમના સુધી પહોંચી જશે. 

આ રીતે રોમાંચ અને મનોરંજન કરીને ગરીબોને સહેલાઈથી મૂર્ખ બનાવી શકાય છે, પરંતુ અસલી મજાક તો મધ્યમ વર્ગની થઈ છે કારણ કે, 2014-19ની જેમ તેઓ પણ ગરીબોની સંપત્તિના હસ્તાંતરણમાં યોગદાન આપશે. નાણામંત્રીએ તેમને પેટ્રોલ-ડીઝલ પર વધારાના ટેક્સની ભેટ આપી છે અને તે પણ કાચા તેલની કિંમતના ઘટાડાની 'ભરપાઈ' કરવા. ત્યાર પછી બહુ બધી એવી નીતિઓ છે જેનાથી અમીરોને નહીં, 'મધ્યમવર્ગને ચૂસો' કહી શકાય. મોદીશાસનમાં ઈક્વિટી પર લાંબા ગાળાનો કેપિટલ ગેઇન ટેક્સ લગાવાયો, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ લગાવાયો, રૂ. 50 લાખ અને એક કરોડ વચ્ચેની આવક પર સરચાર્જ વધારાયો (જોકે, તમે તેને આજના અત્યંત ધનિક વર્ગમાં ના ગણો), રાંધણગેસ સહિત અનેક સબસિડી ઘટાડાઈ અને પાછી ખેંચી લેવાઈ. ફાલતુ સબસિડીને હટાવતા હોવ તો સ્વાગત છે, પરંતુ યાદ રહે કે કિંમત કોણ ચૂકવી રહ્યું છે. ઊભરતા અને ફેલાઈ રહેલા મધ્યમ વર્ગ સાથે મોદી અને ભાજપનો આ વ્યવહાર સતત ચાલુ છે, જે દર્શાવે છે કે તેમણે આ વર્ગને સરસ રીતે પોતાના પક્ષમાં કરી લીધો છે. ભાજપની વફાદારી આર્થિક વર્ગ સાથે નહીં, પરંતુ ભારતીય રાષ્ટ્રવાદના હિન્દુ અને બાહુબલી રૂપ સાથે છે, જેને ખુદ તેઓ લઈને આવ્યા છે. તેમાં મુસ્લિમો માટે નાપસંદ ઉમેરી દો. તેમાંથી અનેક લોકોને ટોળાં દ્વારા કરાતી હત્યા બિભત્સ લાગે છે પરંતુ મુસ્લિમોને સત્તાના દાયરામાંથી સંપૂર્ણ રીતે બહાર જોઈને કેબિનેટ ખુશ છે. ઉચ્ચ સરકારી હોદ્દે અને સંસદમાં પણ તેમની સંખ્યા ઓછી છે. 

મારા સાથીદાર અને રાજકીય સંપાદક ડી. કે. સિંહે ભાજપના નાણામંત્રીઓ દ્વારા પોતાના બજેટ ભાષણોમાં મધ્યમ વર્ગ માટે કરેલા ઉલ્લેખોની નોંધ કરી છે. સામાન્ય રીતે સરેરાશ પાંચ છે. પીયૂષ ગોયલના ઇન્ટરીમ બજેટમાં આ આંકડો અચાનક 13 સુધી પહોંચી ગયો હતો કારણ કે એ ચૂંટણીનો સમય હતો. હવે નિર્મલા સીતારામનના ભાષણમાં તે આંકડો ત્રણ સુધી આવી ગયો . તેઓ ફેબ્રુઆરીમાં ગોયલે આપેલાં તમામ વચનો ભૂલી ગયાં. જેમ કે, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો, ટીડીએસની મર્યાદા નક્કી કરવી અને ટેક્સ સ્લેબમાં લાભ આપવો વગેરે. આપણા પ્રત્યે પ્રેમથી વશીભૂત થઈને તમે અમને મત આપવાના જ છો, તો અમે તમારી ચિંતા કેમ કરીએ? વળી, ગરીબો તો અહેસાનો માનીને અમને મત આપી જ રહ્યા છે. દસકા સુધી ધર્મનિરપેક્ષ પક્ષોએ મુસ્લિમોનો આ જ રીતે ઉપયોગ કર્યો. તેમને ખબર હતી કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપથી ગભરાઈને મુસ્લિમો તેમને મત નહીં આપે, જે મતોને જાળવી રાખવા છેતરપિંડી જેવું હતું. તેમણે મુસ્લિમો માટે કંઈક કરવાની જરૂર જ ના સમજી. હવે એવું જ ભાજપને લાગે છે કે બહુમતી મધ્યમ વર્ગ તેમને મત આપવા મજબૂર છે એટલે આપણે તેમને મોદીના 'મુસ્લિમ' કહી શકીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો