સંદર્ભ / વિપક્ષે સ્વીકારી લીધું છે કે મોદી અજેય છે 

The opposition has accepted that Modi is unbeatable

  • વડાપ્રધાનના સમર્થકો માને છે કે તેમણે કોંગ્રેસને તેની જ રમતમાં ખૂબ જ સારી રીતે હરાવી દીધી છે

શેખર ગુપ્તા

Jul 02, 2019, 07:39 AM IST

ધ્રુવીકરણના આ સમયમાં એક વાત એવી છે જેના પર મોદીના ચાહકો અને ટીકાકારો બંને સંમત છે કે તે અજેય છે. ભાજપના વફાદારોને લાગે છે કે 2024 સુધી મોદીને સત્તા પરથી કોઈ હલાવી શકે તેમ નથી. મોટા ભાગે તે 1952થી 1989 સુધીના કોંગ્રેસના શાસનકાળના સમાન હશે, જે માત્ર 1977 અને 1979માં થોડાક સમય માટે સત્તા પરથી હટી હતી. તે માને છે કે ધર્મનિરપેક્ષ ડાબેરીઓએ આઝાદી પછી દેશનું પોતાની જે રીતે નેતૃત્વ કર્યું તેવી જ રીતે રાષ્ટ્રવાદી દક્ષિણપંથીઓને પણ પોતાની રીતે દેશનું નેતૃત્વ કરવાનો અધિકાર છે.

પાંચ વર્ષમાં મોદી બતાવી ચૂક્યા છે કે જૂનું સામાજિક રાજકીય સમીકરણ કેટલું નબળું હતું, ખાસ કરીને કઠોર ધર્મનિરપેક્ષતાનું તેમજ સમાજવાદ અને જન-કલ્યાણવાદને જૂના ડાબેરી મધ્યથી લેવા કેટલા સરળ છે. એટલા માટે લેવા કે તેનો વધુ સારી રીતે અમલ કરીને તેને વધુ સારી ડિલિવરીથી ગરીબોના મતમાં બદલી શકાય. તેમનું માનવું છે કે મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં 2025 સુધી તે પોતાના ઘણા વૈચારિક લક્ષ્ય હાંસલ કરી લેશે. તે માને છે કે આગામી છ મહિનામાં આ જ બંધારણના દાયરામાં તે દેશને હિન્દુ રાષ્ટ્રની તેમની અવધારણામાં ઢાળી દેશે. 2025 આરએસએસની સંસ્થાપનાનું શતાબ્દી વર્ષ પણ છે. તે માને છે કે નહેરુ અને ઈન્દિરાની જેમ તેમણે દેશના ગરીબો સાથે સામાજિક સંબંધ સ્થાપિત કરી લીધો છે. તેમનું માનવું છે કે તેમણે હિન્દુ રાષ્ટ્રવાદ મારફત નહીં, જૂના કોંગ્રેસવાદમાં વધુ સારો સુધારો કરીને કોંગ્રેસને ખતમ કરી. એટલે કે જન-કલ્યાણવાદ, રાષ્ટ્રીય સુરક્ષા અને મોદીની કદાવર છબી મારફત તેમણે આ કામ કર્યું. તેમને લાગે છે કે ગરીબો સાથે સામાજિક સંબંધે મોદીને અજેય બનાવી દીધા છે.

શ્રેષ્ઠતમ સૈન્ય પણ હારી શકે છે, પરંતુ વિજયમાં જેવી તેમની પરીક્ષા હોય છે તેવી જ પરીક્ષા વ્યવસ્થિત રીતે પાછા ફરવામાં પણ હોય છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ એ જ રીતે આત્મઘાતમાં પાછું હટી રહ્યો છે, જાણે સૌથી પહેલાં ભાગનારા ડરપોક જનરલો અને અનાડી રાજનેતાઓ દ્વારા સંચાલિત 1962ના આપણા સૈન્યે પીછેહઠ કરી હતી. મૂડ મતદારો પ્રત્યે વિપક્ષની નારાજગીથી દેખાય છે. કોંગ્રેસ માને છે કે મોદી જીત્યા છે, પરંતુ ભારત હારી ગયું છે. કોંગ્રેસના સહયોગી અને અન્યોનું વલણ તો વધુ ખરાબ છે. જેમ કે નોકરી માગનારા સામે કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ઉશ્કેરાઈ જતા કહ્યું, 'મોદીને મત આપ્યા છે તો તેમની પાસે જ નોકરી માગો.' માયાવતી તો સહયોગી અખિલેશ યાદવને પોતાની હારનો દોષ આપી રહ્યાં છે. ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને ડાબેરીને તેમની સાથે આવવાનું મમતા બેનરજીનું આહવાન નૈતિકરૂપે દેવાળિયા, રાજકીયરૂપે અજીબ અને ચૂંટણી સમીકરણની દૃષ્ટિએ બુદ્ધિશાળી નથી. આ તો રાજ્યની આગામી ચૂંટણી પહેલાં જ પરાજય માની લેવા જેવું છે.

વિપક્ષનું કહેવું છે કે જો જનતા ચૂંટાયેલી તાનાશાહી પસંદ કરે છે તો શું કરી શકીએ છીએ? ઐતિહાસિકરૂપે રાજીવ ગાંધી પછી કોંગ્રેસનું આ જ વલણ રહ્યું છે. તેને નકારનારા લોકોનો તે એટલો તિરસ્કાર કરે છે કે પાછી ફરીને પૂછતી પણ નથી કે તેમણે આવું કેમ કર્યું. ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ચોંકાવનારી હકીકત જોઈ છે કે વોટ શેર 20 ટકાથી નીચે ગયા પછી તે રાજ્યમાં કોંગ્રેસ ક્યારેય પુનરાગમન કરતી નથી. જાણે કહી રહી હોય કે અમને તમારા જેવા કૃતઘ્ન લોકો નથી જોઈતા. પરિવારના વફાદાર ગઢ રહેલા અમેઠીને ગુમાવ્યાનાં પાંચ સપ્તાહ પછી પણ રાહુલની ત્યાં ન જવાની આ જ વ્યાખ્યા છે. આ રીતે મોદી વિરોધનું કામ 'ઉદારવાદી' આંદોલનકારીઓ, બુદ્ધિજીવીઓ અને જનહિત અરજીઓના યોદ્ધાઓ પર છોડી દેવાયું છે. રાજકીય ઉલટફેરનો પડકાર હવે 'પ્રતિરોધ'માં મર્યાદિત થઈ ગયો છે.

પરંતુ હકીકત એ છે કે રાજકારણમાં લાંબા સમય સુધી સ્થિરતા નથી હોતી. શક્ય છે કે પૈડાં ફરવામાં વધુ સમય લાગે જેમ નહેરુ-ગાંધી પરિવારના કિસ્સામાં થયું. લોકતંત્રોનો ઈતિહાસ જણાવે છે કે જેમણે પોતાનો પરાજય અથવા વિજય ખૂબ જ વહેલા જાહેર કરી દીધા તે બંને આત્મવિનાશના શિકાર થઈ ગયા. પરંતુ, એવા પણ લોકો હતા જેમણે પરાજય માનવાનો ઈનકાર કર્યો, આઘાત સહન કર્યો, બોધપાઠ શીખ્યા અને ધીરજ સાથે પુનર્નિર્માણ કર્યું. ઈમર્જન્સી પછી ઈન્દિરાની કોંગ્રેસ અને અડવાણી-વાજપેયીની ભાજપ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. ઈન્દિરા ગાંધીએ અઢી વર્ષમાં પુનરાગમન કર્યું. જ્યારે તેમને જનતા સરકારમાં ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં નબળાઈનો ખ્યાલ આવ્યો તો તેમણે હુમલો કર્યો અને સફળ રહ્યાં.

1980માં જનતા પાર્ટી (જેમાં જનસંઘ સામેલ હતું) વિખરાઈ ગઈ અને ઈન્દિરા ગાંધીએ જોરદાર વિજય મેળવ્યો. પરંતુ વાજપેયી-અડવાણીની જોડીએ પોતાના પરાજિત સૈનિકોને એકત્ર કરી નવો પક્ષ, ભાજપ બનાવ્યો. ચાર વર્ષની અંદર તેને ત્યારે ફટકો પડ્યો જ્યારે 1984ની કોંગ્રેસ લહેરમાં પક્ષના બે સાંસદો સુધી સમેટાઈ ગઈ. તે હતાશ ન થયા. ત્યારે રાજીવે 414 બેઠકો પર વિજય મેળવ્યો હતો. મોદી તો આજે પણ 303 જ જીતી શક્યા છે. ત્રણ વર્ષની અંદર તે પરાજિત વિપક્ષે રાજીવ ગાંધીની સ્થિતિ ખરાબ કરી દીધી. ભાજપે કોંગ્રેસના અસંતુષ્ટોને સાથે લીધા અને એ વિપક્ષી નેતાઓને પણ તેમની સામે મુકાબલો હતો.

મીડિયા અને સામાજિક કાર્યકરોની સાથે મળીને બોફોર્સ સહિત તમામ કૌભાંડ સામે લાવ્યા. ભાજપ 1998માં સત્તા પર પાછો આવી શક્યો, કારણ કે તેની પાસે રામમંદિર અને નવા હિન્દુત્વના રૂપમાં એવા મુદ્દા હતા જેનો સામનો કોંગ્રેસ અને સમાજવાદીઓ કરી શકે તેમ નહોતા. ભલે તમને પસંદ ન હોય પરંતુ વૈકલ્પિક વિચારની જરૂર હતી. 35 વર્ષ લાગ્યાં, પરંતુ આજે ભાજપનો એવો જ દબદબો છે જેવો એક સમયે કોંગ્રેસનો હતો. મોદી ભલે અજેય દેખાતા હોય, પરંતુ તે પણ માણસ છે.

2014ના જબરદસ્ત વિજયના કેટલાક મહિનાની અંદર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં તેમના પક્ષ ભાજપને 67-3થી હરાવ્યો હતો. તે સમયે 'આપ' એક નવો વિચાર હતો. આ ક્રિકેટની મોસમ છે અને હું મોદી અંગે અસદુદ્દીન ઓવેસીની શાનદાર ટિપ્પણી રજૂ કરીશ : 'તે વિવિયન રિચર્ડની જેમ સંસદમાં પ્રવેશ કરે છે, બોલરો પ્રત્યે અવગણનાથી ભરપૂર. પરંતુ ઈંગ્લેન્ડે ઉકેલ શોધી કાઢ્યો. તેણે દૂર-દૂર ફિલ્ડર ઊભા કરીને રક્ષાત્મક ફિલ્ડિંગ ગોઠવી જેથી તે બેટ ફેરવે અને શોટ લગાવતા કંટાળી જાય અને ભૂૂલ કરે.' અંતહીન ધીરજ, પોતાનો બચાવ અને સામેવાળાની ભૂલની રાહ જોવી. આ પણ એક રણનીતિ છે. પરંતુ પહેલી શરત એ છે કે બુદ્ધિ કરતાં પણ વધુ ઈચ્છાશક્તિ અને કંઈક કરી બતાવવાનો જુસ્સો જોઈએ.

X
The opposition has accepted that Modi is unbeatable

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી