તણાવ / કાશ્મીરની સ્થિતિ સામાન્ય ગણવામાં જોખમ છે

The Kashmir situation is in danger of being considered normal

  • સંદર્ભ : પ્રસાર માધ્યમો પરના પ્રતિબંધો હટાવવામાં મોડું થતાં કાશ્મીરીઓમાં આક્રોશ છે. હાલત બેકાબૂ બની શકે છે

Divyabhaskar.com

Oct 01, 2019, 07:36 AM IST

શું દુનિયાને કાશ્મીરની ચિંતા છે? શું દુનિયાને ત્યાંની સ્થિતિની કંઈ જાણકારી છે? તે જાણે છે કે, આ મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. તે તણાવ ક્યારેક પરમાણુ ધમકીના સ્તરે આગળ વધી જાય છે અને ત્યાર પછી લોકો એ જોવા માટે નકશામાં માથું નાંખે છે કે, કાશ્મીર આખરે છે ક્યાં?

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આનું શ્રેષ્ઠ ઉદાહરણ હોઈ શકે. ખાસ કરીને ત્યારે, જ્યારે તે ભારતીય ઉપમહાખંડની વાત કરતા પૂછે છે કે, 'બટન' અને 'નિપ્પલ' (ભુતાન અને નેપાળ માટે) શું છે? આમ છતાં, જુલાઈમાં ઈમરાન ખાન સાથે પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા કાશ્મીરને એવું સૌથી સુંદર સ્થાન કહેવું, જ્યાં દરેક જગ્યાએ બોમ્બ ફાટી રહ્યા છે તે ખૂબ મહત્ત્વનું છે. ટ્રમ્પનું જનરલ નોલેજ યુપીએસસી સ્તરનું નથી. એટલે એ નિવેદનથી સ્પષ્ટ છે કે, તેમના દિમાગમાં કાશ્મીર પહેલીવાર મોટા પાયે ત્યારે આવ્યું, જ્યારે ફેબ્રુઆરીમાં પુલવામા હુમલો થયો. એ તેમના અત્યાર સુધીના કાર્યકાળનો એકમાત્ર મોટો આતંકી હુમલો હતો.

આ બધું શું દર્શાવે છે? ભારતના વ્યૂહાત્મક અને રાજકીય હિતો માટે કાશ્મીરના કોઈ સમાચાર ન હોય એ સારા સમાચાર છે. કાશ્મીરમાં 30 વર્ષથી ચાલતા આતંકના દોરમાં આ મુદ્દે દુનિયાનું ધ્યાન 1991થી 1994માં ત્યારે આવ્યું, જ્યારે નરસિંહ રાવ સરકારે આતંકવાદ વિરુદ્ધ જોરદાર અભિયાન શરૂ કર્યું હતું. એ સમયે તમામ માનવાધિકાર સંગઠનો અને ક્લિન્ટન તંત્ર નારાજ થઈ ગયું હતું. તેને દૂર કરવા તેમણે કાશ્મીરમાં વિદેશી મીડિયાને જવાની મંજૂરી આપી હતી, પરંતુ માનવાધિકાર સંગઠનો પર પ્રતિબંધ યથાવત રાખીને ભારતે 1993માં પોતાનું જ માનવાધિકાર પંચ રચી દીધું. ત્યાર પછી તેમણે પ્રયાસ કર્યો કે, કાશ્મીરના મુદ્દાને વધુ માઇલેજ ન મળે. એક ઇન્ટરવ્યૂમાં મેં તેમને પૂછ્યું હતું કે, તમે કાશ્મીર મુદ્દાને કઈ રીતે જુઓ છો? તેમણે ઉપરછલ્લો જવાબ આપતા કહ્યું કે, ભાઈ, તેઓ કંઈ કરશે, તો અમે કંઈ કરીશું અને હિસાબ બરાબર થઈ જશે. શિમલા સંધિ પછી અટલબિહારી વાજપેયી સહિત તમામ ભારતીય નેતાઓએ કાશ્મીરીને વધુ પડતું મહત્ત્વ નહીં આપવાની નીતિ અપનાવી હતી.

આ નીતિએ લાંબા સમય સુધી સફળતાપૂર્વક કામ કર્યું. 9/11 પછી અમેરિકા પાકિસ્તાનને પટાવવા આવ્યું તોપણ કાશ્મીર મુદ્દે કોઈ વાત ન થઈ. જો પાકિસ્તાન ક્યારેય અધીરું પણ થયું તો અમેરિકા અને તેના સાથીદારોએ તેને શાંત રહેવાની સલાહ આપી. આ પ્રક્રિયાના ત્રણ દુષ્પરિણામ આવ્યાં. પહેલું, દુનિયાને લાગ્યું કે, બંને દેશે વ્યૂહાત્મક સંતુલન હાંસલ કરી લીધું છે અને જો કોઈ મુશ્કેલી હોય તો તે યુદ્ધનીતિ સ્તરે હશે. બીજું, પાકનું ડગમગતું અને ભારતના વધતા અર્થતંત્રના કારણે બંનેનું હિત યથાસ્થિતિ જાળવી રાખવામાં છે. ત્રીજું, બંને દેશના યુવા એલઓસીને જ વાસ્તવિક રેખા માનીને આગળ વધવા લાગ્યા છે.

એ કહેવું આકર્ષક લાગી શકે છે કે, ભારતે મોદી સરકાર આવ્યા પછી આકસ્મિક લાભની નીતિ છોડીને યથાસ્થિતિ ખતમ કરી દીધી છે, પરંતુ એવું કરનારી મોદી સરકાર પહેલી નથી. પાકિસ્તાને જ્યારે જોયું કે, કાશ્મીર મુદ્દે અપ્રાસંગિક થઈ રહ્યો છે તો તેમણે 26/11ને અંજામ આપ્યો અને મોદી શાસનમાં પઠાણકોટ-પુલવામા હુમલા થયા. પાકિસ્તાનની નીતિ હતી કે, યુદ્ધ જેવી હાલત પેદા કરીને કડક ધમકી આપવામાં આવે, જ્યારે દુનિયા વિચલિત થાય ત્યારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવે. આ વખતે મોદી સરકારે બીજી વાર સત્તામાં આવ્યા પછી નિર્ણાયક રીતે યથાસ્થિતિ ખતમ કરવાનો નિર્ણય લીધો. હવે યુદ્ધની ધમકી આપવાનો વારો પાકિસ્તાનનો હતો, કેટલાક સમય સુધી તેણે એવું કર્યું પણ ખરું, પરંતુ બાદમાં એ છોડી દીધું. તેણે પોતાની સૈન્ય શક્તિ પણ માપી લીધી હતી. ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સમાં ઈમરાન ખાને છંછેડાઈને કહ્યું પણ ખરું કે, આ સિવાય અમે કરી પણ શું શકીએ? અમે ભારત પર હુમલો નહીં કરી શકીએ.

આ બધી સારી વાતો છતાં જટિલતા શરૂ થઈ ગઈ છે. માનો કે ન માનો, આશરે અડધી સદી પછી હવે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. તે પાકિસ્તાને નહીં, ભારતે કર્યું છે. જો આપણે આપણા પક્ષની વાત કરીએ તો ચીન અને તૂર્કી સિવાય કોઈ પણ દેશે 5 ઓગસ્ટે કરેલા ફેરફારને ભારતનો આંતરિક મામલો ગણવા સામે વાંધો નથી ઉઠાવ્યો અને ન તો પહેલા જેવી સ્થિતિ જાળવી રાખવાની માગ કરી છે. આમ છતાં, તસવીર આદર્શ નથી. અમેરિકા સહિત અનેક દેશ કાશ્મીરમાં ત્યાર પછી જે કંઈ થયું તેનાથી ચિંતિત છે. કોઈ પણ ઈમરાન ખાનની એ વાત પર વિશ્વાસ નથી કરતું કે, ત્યાં જનસંહાર થઈ રહ્યો છે. આ સિવાય શ્રીનગરમાં હાલત દેખાડનારી ડ્રોનની તસવીર પર પણ કોઈને વિશ્વાસ નથી. પણ હા, ખીણને એક રીતે બંધક બનાવીને રખાઈ છે. જ્યાં હજારો લોકો આરોપ અને કેસ વિના અટકાયતમાં લઈ લેવાયા છે. તેનાથી દુનિયાની ધીરજ ઝડપથી તૂટી શકે છે.

પાકિસ્તાનને કેવી રીતે અલગ-થલગ પાડવામાં આવ્યું, એ મુદ્દે રાજકીય વિજયનો ઉત્સવ મનાવાશે. મોદી ન્યૂયોર્કથી વધુ સારા સકારાત્મક સમાચારો સાથે પાછા ફર્યા છે. ટ્રમ્પે પણ મોદી સાથે વાતચીત કર્યા પછી તેમની સાથે ફક્ત કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ જાળવવા અને કાશ્મીરના લોકોને આપેલાં વચન પાળવાનો આગ્રહ કર્યો, નહીં કે, 5 ઓગસ્ટ પહેલા જેવી સ્થિતિ જાળવી રાખો એવું કહ્યું. પરંતુ કાશ્મીરે પાકિસ્તાનને દુનિયાની નજરમાં આવવા અને પોતાને પીડિત તરીકે રજૂ કરવામાં તેને મદદ કરી છે.
જો ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાનની વાર્ષિક 'તુતુમૈંમૈં'ના આ વખતના મુકાબલામાં કાશ્મીરને ભારતનો આંતરિક મામલો સ્વીકારાયો એ જ મોટી સિદ્ધિ છે.

તેના ભવિષ્ય અને ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રહિતની ચાવી પણ તેમાં જ છે. એક અઠવાડિયા પછી કાશ્મીરમાં કોમ્યુનિકેશન સર્વિસ બંધ કર્યાને બે મહિના પૂરા થઈ જશે. તેના ફરી ચાલુ કરવામાં મોડું થવાથી કાશ્મીરીઓનો ગુસ્સો વધી રહ્યો છે. જેટલું મોડું થશે, ગુસ્સો ભડકવાનો, હિંસા અને ખૂનખરાબો થવાનો ખતરો ઓર વધી જશે. દુનિયા કાશ્મીર પર કંઈ બોલતી નથી, પરંતુ તે ચિંતિત છે. આ મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. 5 ઓગસ્ટથી ચાલતી આ બંધીને સામાન્ય બાબત કે નવી યથાસ્થિતિ માની લેવી ખતરનાક સાબિત થશે.

X
The Kashmir situation is in danger of being considered normal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી