આર્થિક શક્તિ / દેશનું સૌથી પ્રભાવશાળી હથિયાર નબળું પડ્યું

The country's most powerful weapon weakened

  • સંદર્ભ : ધીમું પડેલું અર્થતંત્ર દેશના જુસ્સાને નબળો પાડી રહ્યું છે, કાશ્મીર પરની પ્રતિક્રિયાઓ તેનો પુરાવો છે

શેખર ગુપ્તા

Sep 10, 2019, 07:34 AM IST

દેશ હાલના સંજોગોમાં નવા રાજકીય ખતરાનો સામનો કરી રહ્યો છે. આ ખતરો અંકુશરેખા પર પાકિસ્તાને નવી બ્રિગેડ તૈનાત કરી હોય કે મિસાઈલ પરીક્ષણ કર્યું હોય તેનો નથી. ના તો ચીને કોઈ નવી ઘૂસણખોરી કરી છે. આ ખતરો આર્થિક છે. તેનાં કારણો આંતરિક છે. આ ખતરો છેલ્લા બે દસકાની મહેનત પછી મેળવેલી આપણી વૈશ્વિક શાખને નષ્ટ કરી શકે છે. મુંબઈ પર થયેલા આતંકી હુમલા પછી વૈશ્વિક સ્તરે આપણી છબિ સુધરી છે. તેમાં સૌથી મોટી ભૂમિકા વધતી આર્થિક શક્તિની છે.

જ્યારે અર્થતંત્ર આઠ ટકા કે વધુના દરથી વધતું હોય ત્યારે તમારા સાત ખૂન માફ છે. સાત ટકાના દરે તમારા પાંચ ખૂન માફ હોય છે, પરંતુ પાંચ ટકાથી નીચે ઉતરતા જ સ્થિતિ બગડી જાય છે. એક ઉભરતું અર્થતંત્ર, ત્રીજા વિશ્વના બેકાર અર્થતંત્રમાં, બદલાવા લાગે છે. એ બેકાર અર્થતંત્રમાં પ્રતિ વ્યક્તિ આવક માંડ 2000 ડૉલર છે. (શ્રીલંકાની પ્રતિ વ્યક્તિ આવક આપણાથી બમણી છે.)1991ના આર્થિક સુધારા પછીનાં 25 વર્ષમાં ભારત દુનિયાના પસંદગીના દેશના રૂપમાં ઉભર્યો હતો.

ભારતની સામાજિક-રાજકીય ખાસિયતો, દુનિયાના મોટા ભાગના દેશો જે વૈવિધ્ય સામે સંઘર્ષ કરી રહ્યા છે, તેમાં ફૂલવા-ફાલવાની ભારતની કાબેલિયત તેમજ લોકતંત્ર અને સેનાના સ્તરે જાળવી રાખેલા સંયમે ભારતના વૈશ્વિક કદમાં વધારો કર્યો છે. કારગિલ, ઓપરેશન પરાક્રમ અને મુંબઈ હુમલા પછી દુનિયામાં ભારતને મળેલું સમર્થન તેની સાબિતી છે.

જોકે, આપણી સૌથી મોટી તાકાત આર્થિક હતી. દુનિયાભરમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં અર્થતંત્રોમાં ભારતનું સ્થાન બીજું રહ્યું છે અને ટેક્નોલોજીના સ્તરે વધતી ક્ષમતા, ઈનોવેશન, વિદેશી મૂડીને લઈને અનુકૂળતા, સ્થિર બજાર અને કર વ્યવસ્થાના કારણે પણ તેને વૈશ્વિક ઓળખ મળી છે. 2008ના વૈશ્વિક આર્થિક સંકટમાંથી ઉગરવા માટે પણ ભારતનાં વખાણ થયાં. ચીન સહિત મોટા દેશ અને તેમની કંપનીઓ ભારતની સ્થિરતા અને સુરક્ષામાં પોતાનું હિત જુએ છે. એટલે દેશનો સૈન્ય ખર્ચ ઓછો હતો તેમજ તે આધુનિકીકરણની ગતિ અને દિશા ખોઈ બેઠો હતો. આમ છતાં, દેશનું અર્થતંત્ર તેની સૌથી મોટી તાકાત રહ્યું. જો કોઈ મોટી તાકાત તમારા સાર્વભૌમત્વ કે કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે તો તે નથી ઈચ્છતા કે તેનું કોઈ પગલું કે નીતિ તમને અસ્થિર કરે.

ત્યાં સુધી કે, ચીનનો 60 અબજ ડૉલર સુધી વધેલો વેપાર સરપ્લસ પણ મોટા ભાગે ભારત પર નિર્ભર રહ્યો. તે ભારતને બહુ જ બધી મશીનરી, વીજ ઉત્પાદનનાં ઉપકરણો અને એન્જિનિયરિંગ સામાન વેચે છે, પરંતુ દુનિયામાં બીજો કયો દેશ હશે જે અબજો ડૉલરની કિંમતનો ઓછી ગુણવત્તા ધરાવતો અને લગભગ ટેક્નોલોજી વિનાનો કચરો ખપાવી શકે. દેશના મધ્યમ દરજ્જાનાં શહેર અને ગ્રામીણ બજાર ચીનનાં રમકડાં, ચંપલ, ફર્નિચર, પૈરાસોલ, અગરબત્તી, પ્લાસ્ટિકની બંગડીઓ વગેરેથી ભરેલાં હોય છે.

ભારતની વિશાળ આયાત ક્ષમતા પર ચીનની નિર્ભરતા ભારતની વ્યૂહાત્મક મિલકત છે. 1999માં કારગિલ, 2001-02માં સંસદ પર હુમલો, 2008માં મુંબઈ હુમલા પછી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે ચીનની પ્રતિક્રિયા સારી રહી હતી. ત્યાં સુધી કે 2009માં દલાઈ લામાની તવાંગ યાત્રાને લઈને સર્જાયેલા તણાવને પણ શાંતિથી સંભાળી લેવાયો.

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ઘણા સમય સુધી વિકાસની ગતિ જળવાઈ રહી, પરંતુ 2012-14માં ગતિ ધીમી પડ્યા પછી તેમાં ફરી તેજી આવી, જેનો લાભ ભારત અને નરેન્દ્ર મોદી બંનેને મળ્યો. વૈશ્વિક નેતાઓ વચ્ચે તેમનું કદ વધ્યું, પરંતુ નોટબંધી કરીને તેમણે ગરબડ કરી દીધી. ત્યારથી અર્થતંત્રની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. તેની અસર ભારતના વૈશ્વિક કદ પર પડી રહી છે. કલમ 370 હટાવવા મુદ્દે આવેલી પ્રતિક્રિયાઓ તેનો પુરાવો છે. એ સાચું છે કે, 1971ના યુદ્ધ પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે ભારતે આ પ્રકારની આક્રમકતા બતાવી હોય. જોકે, ઘટતા વિકાસદરના નબળા વ્યૂહાત્મક પાસાનો સંકેત પણ આ ગાળામાં જ મળ્યો, જ્યારે ટ્રમ્પે ઈમરાન ખાનની હાજરીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી દીધી.

ટ્રમ્પ તો ટ્રમ્પ છે પણ ભારતનું અર્થતંત્ર પહેલાંની જેમ તેજ હોત, તેમની કંપનીઓ નીતિગત નિર્ણયોનો વિરોધ કરવાના બદલે કમાણી કરી રહી હોત, તો તેઓ કદાચ આવું ના કરતા. કરવેરા સિવાય જમાવેલી નીતિઓમાં અચાનક બદલાવ વોલમાર્ટ, એમેઝોન, મેડિકલ અને દવા ઉત્પાદકો બધા જ ફરિયાદો કરી રહ્યા છે. આજે બ્રિટનની નબળી સરકાર પણ કાશ્મીર મુદ્દે યુએન સુરક્ષા પરિષદમાં દુશ્મનની જેમ જ નહીં, પરંતુ લગભગ ફિટકારના અંદાજમાં વાત કરી રહી છે. ભારતના સારા દિવસોમાં ટોની બ્લેરની લેબર સરકારે વધુ વિવેક દાખવ્યો હતો. જ્યારે ઈમરાન ખાન સાથે ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા તો તેમના દિમાગમાં વ્યૂહાત્મક સાથીદારના બદલે ચીડાયેલો વેપારી પ્રતિસ્પર્ધી છવાયેલો હતો.

વ્યૂહાત્મક મોરચે જોઈએ તો તે ચીનને નારાજ કરવા ઈચ્છતા હતા કારણ કે, અફઘાનિસ્તાનમાં તેમનાં હિત અમેરિકા સાથે જોડાયેલાં છે. કાશ્મીરમાં આજે હાલત ખરાબ છે, પરંતુ સૌથી ખરાબ પાસું એ નથી. 1991-94માં ખીણની હાલત સૌથી વધારે ખરાબ હતી. ટોર્ચર કેન્દ્રો પણ ઉભર્યાં હતાં, વિદેશી પત્રકારોને જવા પર રોક હતી અને અથડામણોમાં મોત સામાન્ય હતાં. પંજાબમાં પણ આગ લાગી હતી અને રોજ અનેક હત્યાઓ થતી હતી. એ સમયે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ પણ નારાજગીથી ભરેલી રહેતી અને ભારતનો કોઈ મિત્ર ન હતો.

બિલ ક્લિન્ટનના નેતૃત્વવાળું અમેરિકન તંત્ર ભારત પર સતત દબાણ નાંખતું. વૈશ્વિક સ્તરે એકલા પડી ગયેલા પી.વી. નરસિંહરાવ દેશમાં આક્રમકતાથી આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ભાજપ યોગ્ય સમયે તેમને ભારત રત્ન પણ આપશે. તે કદાચ તેમને સૌથી મોટી સિદ્ધિ માટે અપાશે. તેમણે આર્થિક સુધારા કર્યા અને બજાર, જીડીપી અને વેપારમાં પ્રગતિ સાથે જ આપણા અનેક મિત્રો ઊભા થઈ ગયા. ક્લિન્ટન પહેલાંના અને બીજા કાર્યકાળમાં આવેલા એ ફર્ક પર ધ્યાન આપો. પહેલા કાર્યકાળમાં સહાયક વિદેશમંત્રી રોબિન રાફેલે કાશ્મીરના ભારતમાં વિલય પર સવાલ ઉઠાવ્યો હતો, જ્યારે બીજા કાર્યકાળમાં ક્લિન્ટને કહ્યું હતું કે, ઉપમહાદ્વીપ દેશોમાં સરહદો સમય સાથે ના બદલી શકાય. જો એક તેજ વિકસી રહેલું અર્થથંત્ર 1990ના દસકામાં વ્યૂહાત્મક મિલકત હતું, તો 2019માં ધીમું અર્થતંત્ર જરૂર બોજ માનવું પડે.

X
The country's most powerful weapon weakened

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી