કલમ 370 / કાશ્મીર અંગે જમણેરીઓના પાંચ ઘાતક ભ્રમ

Right-wing five deadly illusions about Kashmir

  • સંદર્ભ : ચીન અને ઇઝરાયલના ઉદાહરણથી નહિ, વાજપેયીની પદ્ધતિથી જ કાશ્મીરનું કોકડું ઉકેલી શકાશે 

શેખર ગુપ્તા

Aug 27, 2019, 07:57 AM IST

અગાઉ આ કોલમમાં આપણે જમ્મુ-કાશ્મીર મુદ્દે દેશના ઉદારવાદી જૂથોના પાંચ મહત્ત્વની ધારણાનું વિશ્લેષણ કર્યું હતું. હવે જમણેરી રાષ્ટ્રવાદીઓની ધારણાઓને પણ પારખવી યોગ્ય રહેશે. નરેન્દ્ર મોદી અને ભાજપના જનાધારને જોતા આ ખૂબ જ મોટો સમૂહ છે. તેઓનું માનવું છે કે, કલમ 370 ને કાશ્મીરી નેતાઓનો વિશ્વાસઘાત વધુ મોટી મુશ્કેલી છે. આ ધારણા ભલે ડાબેરી, જમણેરી કે મધ્યમમાર્ગીઓની હોય, તેનાથી દેશહિત નહીં થાય અને તેમાં કાશ્મીરનું હિત પણ સમાયેલું છે. ધારણાઓ તથ્યાત્મક ના હોય તો ખતરનાક હોય છે. કાશ્મીર મુદ્દે જમણેરીઓની પાંચ પસંદગીની ધારણા આ પ્રમાણે છે.

1. પહેલી અને મહત્ત્વની ધારણા એ છે કે, કલમ 370 અને રાજ્યને મળેલો વિશેષ દરજ્જો જ સમસ્યાનું મૂળ છે. હવે તે ખતમ થઈ ગયું તો સમસ્યા પણ ઉકેલાઈ જશે, પરંતુ હકીકત એ છે કે 69 વર્ષ પછી એક હંગામી કલમનો મૂળ હેતુ જ નહોતો બચ્યો.

સંભવત: વિશ્વનાથ પ્રતાપ સિંહને છોડીને દેશના દરેક મુખ્યમંત્રીએ કલમ 370ને શિથિલ કરી. આ મહિનાની શરૂઆતમાં મોદી સરકાર દ્વારા ભંગ કરતી વખતે તે ફક્ત ઔપચારિક રહી ગઈ હતી. પહેલાની સુરક્ષા, વિદેશ, નાણા અને સંચારના મામલા સાથે બંધારણની 395માંથી 290 કલમ કાશ્મીરમાં સીધી લાગુ હતી. હા, કેટલીક અડચણો બાકી હતી, જેમાં સામાન્ય ભારતીયોને કાશ્મીરમાં સંપત્તિ અને રોજગારીનો હક ના હોય એ સૌથી મોટી મુશ્કેલી હતી. આ સિવાય બિન-કાશ્મીરી વ્યક્તિ સાથે લગ્નથી આવેલા બાળકોને કાશ્મીરીનો દરજ્જો ના મળવો, ત્રણ તલાક અને દંડ સંહિતાની કલમ 37નો પ્રદેશમાં લાગુ ના થઈ શકે, એ તેના ઉદાહરણ છે. આ અન્યાય છે, પરંતુ તે અલગતાવાદનું મૂળ કારણ તેને માનવું બરાબર નથી. આગલી બે મહત્ત્વની ધારણાનો સંબંધ પાકિસ્તાન સાથે છે.

2. જમણેરી રાષ્ટ્રવાદીઓ 1948થી કહે છે કે, જો ભ્રમિત નહેરુ કાશ્મીર મુદ્દાને યુએનમાં ના લઈ ગયા હોત તો ભારતીય સેના ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત સમગ્ર કાશ્મીર પાકિસ્તાન પાસેથી છીનવી લેત. જોકે, હકીકત જુદી છે એટલે બદલાઈ નહીં જાય. 1947-48માં બે લડાઈ પછી ઠંડીમાં ગતિરોધ આવી ગયો હતો. બંને દેશની સેનાનું સાહિત્ય વાંચીએ તો સમજી શકાય છે કે, કેવી રીતે ભૌગોલિક સ્થિતિ, જમીની હાલત, સૈન્ય શક્તિ, પુરવઠાની આપૂર્તિ અને સ્થાનિક સમુદાયોની સ્થિતિના કારણે કોઈ પણ માટે આગળ વધવું અશક્ય હતું. નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે પહેલા તબક્કાની લડાઈ શરૂઆતના દોરમાં હતી, ત્યારે કદાચ ભારત ઉરીને પેલે પાર મુઝફ્ફરાબાદ પહોંચી શકતું હતું. પરંતુ જ્યાં સુધી આગળના રસ્તા બરફથી બંધ હતા, ત્યાં સુધી સૈનિકોને હવાઈ કે જમીન માર્ગે પહોંચાડવા અશક્ય હતા.

ભારત અને પાકિસ્તાન બંને પક્ષ દાવો કરે છે કે, 1948માં જીત શક્ય હતી, પરંતુ એ કપોળ કલ્પના છે. ત્યારે બંને સેનાનું નેતૃત્વ બ્રિટીશ વડા પાસે હતો. ભારતનું સૈન્ય એ વખતે પણ વધારે મજબૂત હતું. 1947-48માં બંને સેનામાં એટલું અંતર ન હતું કે, હિમાલયને પાર તેમને જીત મળી જાય. શું હવે પાકિસ્તાનને તેના કબજાવાળા કાશ્મીરમાંથી બહાર નીકાળી શકાય? બહુ વિનમ્રતાથી કહીશ કે, એ શક્ય નથી. 1948થી આપણે અનેક લડાઈઓ અને અથડામણોના સાક્ષી રહી ચૂક્યા છીએ, જેમાં બંને પક્ષે હજારોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ 1971ને છોડી દઈએ તો બંને પક્ષની સેના બરાબરી પર રહી. પાકિસ્તાની સેના રક્ષાત્મક યુદ્ધમાં ઘણી સક્ષમ છે. એવામાં 1948માં વિસ્તાર 'ગુમાવવા' અને બાંગ્લાદેશ યુદ્ધની તર્જ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પાછું લેવું અતાર્કિક ધારણા છે.

3. પાકિસ્તાનના દુષ્પ્રચારથી ફેલાયેલું વૈચારિક પ્રદૂષણનો ઈસ્લામિક ઉગ્રવાદ છોડી દઈએ તો, કાશ્મીરના લોકો સામાન્ય રીતે વિનમ્ર, શાંતિપ્રિય અને દેશભક્તો છે. કાશ્મીર વિશે પહેલા આવું કહેવાતું હતું, પરંતુ હવે એવું ના કહી શકાય. 30 વર્ષના ઉપદ્રવના શરૂઆતના તબક્કામાં મોટા ભાગના સશસ્ત્ર વિદ્રોહી પાકિસ્તાનના હતા. સ્થાનિક કાશ્મીરીઓ તેમને નફરત કરતા, જ્યારે છેલ્લા દસકાઓમાં મોટા ભાગના ઉપદ્રવી સ્થાનિકો છે. સરેરાશ યુવાન કાશ્મીરીમાં ગુસ્સો છે અને તેઓ અપમાનિત મહેસૂસ કરી રહ્યા છે. તેઓ હથિયાર ઉઠાવવા તૈયાર છે. ખીણમાં એટલા હથિયાર મોજુદ છે કે, નાના આતંકી જૂથો ગતિવિધિ ચાલુ રાખી શકે. પાકિસ્તાન પણ પુરવઠો પહોંચાડવાનું ચાલુ રાખશે. કલમ 370નો ખાત્મો, પોલીસ પર નિયંત્રણ સાથે કેન્દ્રનું સીધું શાસન સુરક્ષાને મજબૂત કરશે, પરંતુ આતંકવાદ ખતમ નહીં થાય.

4. કાશ્મીરીઓને ફક્ત રોકાણ અને આર્થિક વિકાસ જોઈએ છે. કોઈ પણ પ્રકારનો આર્થિક વિકાસ, કેન્દ્રની સહાયતા વગેરે લોકોના દિમાગ ત્યાં સુધી નહીં બદલી શકે, જ્યાં સુધી તેમનો સામૂહિક ગુસ્સો, પીડા અને અલગાવની ભાવના દૂર નહીં થાય. સંપત્તિ ખરીદીને અને અહીંની મહિલાઓ સાથે લગ્ન કરીને કાશ્મીરની વસતીનું ચરિત્ર બદલવાની મૂર્ખતાભરી અને દંભી વાતોથી માહોલ ઓર ખરાબ થઈ રહ્યો છે. જ્યાં સુધી ખીણમાં લોકો સાથે નથી, ત્યાં સુધી કશું નવું નથી થવાનું.

5. વસતીનું ચરિત્ર બદલવાની વાત કરનારા લોકોએ ઈઝરાયેલમાંથી શીખ લેવી જોઈએ. ઈઝરાયેલ દસકાઓથી આતંક નિયંત્રણ કરવામાં લાગ્યું છે, પરંતુ નિષ્ફળ છે. ઈઝરાયેલ યહૂદી દેશ છે, જ્યારે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. આ મામલો જૂની દિલ્હીના બે મહોલ્લા, ચંદીગઢ કે ગુરુગ્રામના કોઈ સેક્ટરની વસતીનું ચરિત્ર બદલવા જેવો નથી. આ માટે કરોડો હિંદુઓને ખીણમાં વસાવવા પડે. આ ચીન નથી, જ્યાં તમે લાખો લોકોને એકથી બીજી જગ્યાએ જઈને વસાવી શકો. આમ છતાં, ચીન તિબેટ કે શિનજિયાંગમાં શાંતિ સ્થાપી નથી શક્યું. ના તો ઈઝરાયેલને આવું કરીને સુરક્ષા નસીબ થઈ છે. આ દેશોની દૃઢતા આપણને પ્રભાવિત કરે છે, પરંતુ ભારત પાસે જુદી ક્ષમતા છે. આપણે વિવિધતાને આસાનીથી અપનાવી શકીએ છીએ. કાશ્મીર માટે એ જ સૌથી સારું હશે. દિલ અને દિમાગની લડાઈ હજુ પણ એ જ છે. શું ભારતની રજૂઆત પાકિસ્તાનથી સારી છે? એ પણ તેમના આત્મસન્માન, ગરિમા અને ઓળખની સુરક્ષા સાથે? કલમ 370માંથી છુટકારો સારી વાત છે, જે લાંબા સમયથી પેન્ડિંગ હતું. હવેનો માર્ગ વાજપેયીની રીતથી નીકળશે, નહીં કે ચીનના પ્રમુખ શી જિનપિંગના.

X
Right-wing five deadly illusions about Kashmir

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી