બામુલાહિજા / સાવરકર મુદ્દે કોંગ્રેસ ઇન્દિરા પાસેથી પાઠ શીખે

learns lessons from Congress Indira on the Savarkar issue

  • સંદર્ભ : ઇન્દિરાએ હિંદુ ઓળખનો ક્યારેય ત્યાગ ન કર્યો અને ન તો રુદ્રાક્ષની માળા, પૂજા જેવાં ધાર્મિક પ્રતીકોથી અંતર રાખેલું

Divyabhaskar.com

Oct 22, 2019, 07:53 AM IST

સાવરકરને ભારત રત્ન આપવાની માંગ મુદ્દે સર્જાયેલા વિવાદમાં સૌથી રસપ્રદ કોંગ્રેસની દુવિધા છે. કોંગ્રેસે સાવકરને નાઝી અને ધર્માંધથી લઈને ગાંધી હત્યાના ષડયંત્રકાર સુદ્ધાં કહ્યા છે, પરંતુ તેઓ ટેકનિકલી તેમાંથી દોષમુક્ત હતા. બીજી તરફ, મનમોહન સિંહે દબાયેલા શબ્દોમાં કહ્યું કે, 'અમે સાવરકરજીનું સન્માન કરીએ છીએ, પરંતુ તેમની વિચારધારા સાથે સંમત નથી.' મનમોહનની સતર્ક, પરંતુ સમજદારીભરી ટિપ્પણીના એક દિવસ પછી કોંગ્રેસે પોતાને આ વિવાદથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો. મનમોહને જે કહ્યું, કોંગ્રેસ શરૂઆતથી આ લાઈન પર જઈ શકતી હતી.

ખાસ કરીને એવી સ્થિતિમાં, જ્યારે સાવરકર સમર્થક ઈન્દિરા ગાંધીએ 1970માં સાવરકરના સન્માનમાં જારી કરાવેલી ટપાલ ટિકિટ અને તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે કહેલા શબ્દો (સાવચેતીથી પસંદ કરેલા) તમારી સામે છે. એવું પણ કહેવાય છે કે, ઈન્દિરા ગાંધીએ સાવરકરના જીવન પર ડોક્યુમેન્ટ્રી બનાવડાવી હતી અને તેમની સ્મૃતિમાં બનેલા કોષ માટે રૂ. 11 હજારનું દાન આપ્યું હતું, જે આજના રૂ. પાંચ લાખ બરાબર છે. ઈન્દિરા ગાંધી પીવી નરસિંહરાવ ન હતા, જેમને કોંગ્રેસની નરમ ધર્મનિરપેક્ષતાના કારણે હાંસિયામાં ધકેલી દેવાયા હતા. કોંગ્રેસમાં કોઈ પણ ઈન્દિરા ગાંધી પર હિંદુત્વ પર નરમી દાખવવાનો આરોપ લગાવવાની હિંમત ના કરી શકે. કટોકટી અને બાંગ્લાદેશની રચના તેમની સખ્તીના કારણે જ થયું હતું. કટોકટી વખતે અટકાયતમાં લેવાયેલા 60થી 70 ટકા આરએસએસ અને જનસંઘના લોકો જ હતા. મારું માનવું છે કે, તેઓ આરએસએસ અને જનસંઘના વિરોધી હતા. એટલે જ તેઓ નહોતા ઈચ્છતા કે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા કોઈ પણ લોકો તેમના જૂથમાં આવી જાય. તેઓ આરએસએસ પર હંમેશા આરોપ મૂકતા કે, તેમનું આઝાદીની લડાઈમાં કોઈ યોગદાન નથી અને તેઓ અંગ્રેજો સાથે તેમની મિલિભગત હતી.

સાવરકર આરએસએસના નજીકના વ્યક્તિ હતા, પરંતુ તેમની અનેક ખામીઓ છતાં સ્વતંત્રતા આંદોલનમાં તેમની ભૂમિકા હતી. જોકે, ઈન્દિરા ગાંધી સાવરકર આરએસએસને ભેટમાં આપવા નહોતા માંગતા. તેમના વિચાર સમજવા માટે એ જોવું પડશે કે, મોદી અને શાહનો ભાજપ આજે કોંગ્રેસની વિભૂતિઓને લઈને કેવું વલણ રાખી રહ્યો છે. આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે, સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના નાયકો નહીં હોવાથી આરએસએસ અને ભાજપ કેવી મુશ્કેલી અનુભવતા હતા? ભગત સિંહ અને સુભાષ ચંદ્ર બોઝ જેવી બિન-કોંગ્રેસ વિભૂતિઓ પણ ભાજપની વિચારધારાથી દૂર છે. એટલે તેમણે કોંગ્રેસના નેતાઓને 'આયાત' કરવા પડી રહ્યા છે.

સરદાર પટેલને તો બહુ પહેલા અપનાવી લેવાયા હતા, પરંતુ વર્તમાન સરકાર તેમને ભારતીય ગણરાજ્યના સંસ્થાપકના રૂપમાં નહેરુથી મોટું કદ આપવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, પટેલ આરએસએસને પસંદ નહોતા કરતા. મહાત્મા ગાંધીની હત્યા પછી તેમણે આરએસએસ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. પરંતુ નહેરુ સાથે તેમના મતભેદ ઊંડા અને દસ્તાવેજ પર હતા, એટલે ભાજપે કોંગ્રેસ પાસેથી તેમને છીનવી લીધા. એ પછીનો નંબર લાલ બહાદુર શાસ્ત્રીનો હતો. અન્ય જૂના કોંગ્રેસીઓમાં મદન મોહન માલવિય જેવા કટ્ટર હિંદુવાદી નેતાઓની પસંદગી પણ સરળ હતી. આ બધું ઈન્દિરા યુગ પછી શરૂ થયું હતું. છેલ્લા ત્રણ દસકા બીજી પણ એક વાત માટે ચર્ચિત છે. કોંગ્રેસે ઝડપથી ડાબેરી વિચારધારા અપનાવી લીધી છે. અગાઉ તે મધ્યમમાર્ગી ડાબેરી ધરાવતી હતી.

ઈન્દિરા ગાંધીએ લોકલુભાવન સમાજવાદી આર્થિક વિચારોનો પ્રયોગ કર્યો, પરંતુ તેમને પોતાના રાજકારણ પર હાવી ના થવા દીધા. તેમણે પોતાની હિંદુ ઓળખ ક્યારેય ત્યાગી નહોતી અને ના તો રુદ્રાશની માળા, પૂજા, સાધુઓ અને તાંત્રિકો જેવા ધાર્મિક પ્રતીકોથી અંતર રાખ્યું હતું. એ સમયે કોઈ ક્રાંતિકારી દરબારીએ આ મુદ્દે સવાલ નહોતો ઉઠાવ્યો. આજે રાજકારણીઓ અને બુદ્ધિજીવી ડાબેરી નેતાઓ રાહુલ ગાંધીની મંદિર યાત્રાઓ પર સવાલ ઉઠાવે છે અને સાવરકર મુદ્દે મનમોહનના વિચારોને હિંદુત્વ સામે હથિયાર હેઠા મૂકી દીધા, એવું કહે છે ત્યારે આપણે કડવું સત્ય સ્વીકારવું જોીએ કે ઈન્દિરા ગાંધીએ સાવરકરને દુશ્મન કે આતંકી નહોતા માન્યા.

આરએસએસના બુદ્ધિજીવીઓ અને 'ઓર્ગેનાઈઝર'ના પૂર્વ સંપાદક શેષાદ્રિ ચારીના કહેવા પ્રમાણે, ઈન્દિરા ગાંધીએ ક્યારેય જનસંઘ કે ભાજપને હિંદુ પક્ષ નથી કહ્યો. તેઓ દેશની બુહમતીઓની આસ્થાને પોતાના સૌથી મોટા હરીફના હવાલે કરવા નહોતા ઈચ્છતા. તેઓ તેને 'બનિયા પાર્ટી' કહીને ફગાવી દેતા. જો તમે તેમને હિંદુ કહો તો તેમાં એક મોટો રાજકીય વર્ગ સામેલ છે, જ્યારે બનિયા રાજકીય રીતે હાંસિયામાં રાખી શકાય એવો નાનકડો વર્ગ છે. આ વર્ગ ધનવાનો, નફો કરનારા લોકો અને મહાજનોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના લોકો તેની સાથે લાગણીથી નથી જોડાતા. ચારીના કહેવા પ્રમાણે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ભાજપ સામેની લડાઈ બનિયાના બદલે હિંદુત્વના વિરોધમાં બદલી નાંખી.

ઈન્દિરા ગાંધી પહેલાની અને પછીની કોંગ્રેસમાં આ જ અંતર છે. તેમણે ડાબેરી બુદ્ધિજીવીઓને દરબારી બનાવી રાખ્યા અને તેમના વિચારોનો રાજકારણમાં ઉપયોગ કર્યો. સોનિયા ગાંધીના સમયમાં કોંગ્રેસે એ ડાબેરી બુદ્ધિજીવીઓને પોતાના રાજકારણ પર હાવી થવા દીધા. કોંગ્રેસનો 2019નો ચૂંટણી ઢંઢેરો જુઓ, જેમાં રાજદ્રોહનો કાયદો હટાવવાનો, સશસ્ત્ર દળોને વિશેષાધિકારનો અધિનિયમ હટાવવાનો અને કાશ્મીરમાં સૈનિકો ઘટાડવાનો ઉલ્લેખ છે. ઈન્દિરા હયાત હોત તો તેમણે આ બધું ફગાવી દીધું હોત અથવા સવાલ કર્યો હોત કે, ચૂંટણી ભારતમાં થઈ રહી છે કે જેએનયુમાં? નહેરુ સમાજવાદી હતા અને તેમની છબિ બૌદ્ધિક તરીકેની હતી. તેમને કોઈની મદદ નહોતી જોઈતી.

જયપાલ રેડ્ડી કહેતા કે, જો નહેરુ પર ગાંધીનો પ્રભાવ ના હોત તો તેઓ માર્ક્સવાદી હોત. ઈન્દિરા બૌદ્ધિક ન હતા, એટલે તેમને બહારી લોકોની જરૂર પડી. તેમણે રાષ્ટ્રવાદ અને સમાજવાદનું ઘાતક મિશ્રણ કર્યું, જેને કોઈ બનિયા પાર્ટી ના હરાવી શકે. હવે આ ગણિત પલટાઈ ચૂક્યું છે. તેમના વારસોનો સામનો મોદી-શાહના ભાજપ સામે છે, જેમની પાસે રાષ્ટ્રવાદ, ધર્મ અને સમાજવાદનું ઘણું ઘાતક રાજકીય ત્રિશૂળ છે. સોનિયા-રાહુલની કોંગ્રેસ તેનો જવાબ કેવી રીતે આપશે, તે સબરીમાલા, ત્રણ તલાક અને અયોધ્યા મુદ્દે કોંગ્રેસની દુવિધા પરથી સમજી શકાય એમ છે. જો ડાબેરીઓ સમાજવાદ પર જોર આપે છે તો રાષ્ટ્રવાદ અને ધર્મ-સંસ્કૃતિનો મુદ્દો ભાજપના હાથમાં રહેશે. આ સ્થિતિમાં લોકસભામાં તેમને 52 બેઠક મળે તો પણ સૌભાગ્યની વાત ગણાશે. ડૉ. મનમોહન સિંહ જેવા નોન-પ્રોફેશનલ નેતા પણ આ વાત સમજે છે, પરંતુ કોંગ્રેસ તેમની વાત સાંભળતી જ નથી.

X
learns lessons from Congress Indira on the Savarkar issue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી