બામુલાહિજા / ઉગ્ર રાષ્ટ્રવાદના ઝંડાધારીઓ વાસ્તવિકતા સમજે

Fierce nationalist fighters understand reality

  • ભારત આજે એટલું શક્તિશાળી છે કે, તેને કોઈ દબાવી ના શકે, એટલે આપણે એવો ડર કાઢી નાંખવો જોઈએ

શેખર ગુપ્તા

Nov 05, 2019, 07:47 AM IST

ગૂગલ જણાવી રહ્યું છે કે, જો અસલી નેપોલિયન બોનાપાર્ટને પૂછવામાં આવે કે, સિંહાસન શું છે? તો તેણે આ સવાલને ફગાવી દેવા ઘણો જીવંત અને કલ્પનાશીલ જવાબ આપ્યો હોત! પરંતુ અહીં હું મારા સીમિત હેતુ માટે 1970ની ક્લાસિક ફિલ્મ ‘વોટરલૂ’માં નેપોલિયનની ભૂમિકા ભજવનારા અભિનેતા રોડ સ્ટેગરના એક સંવાદની વાત કરીશ. તેમણે સિંહાસન શું છે તે જવાબ આપ્યો હતો. તે એક મોંઘુ ફર્નિચર છે. 19મી સદીની શરૂઆત સુધી સિંહાસનનું વજુદ હતું. આજના આધુનિક વિશ્વમાં કદાચ જ ક્યાંક તેનું અસ્તિત્વ હશે. જોકે, એ પછીના વર્ષોમાં રાષ્ટ્રવાદે દેશમાં થોડા-ઘણાં અંશે વાપસી કરી છે. આમ છતાં, સિંહાસન, રાજમુગુટ, રાષ્ટ્રગાન અને ધ્વજ વગેરે આપણી ચેતનાથી ઘણાં દૂર છે. હા, તે બધું આપણાથી એટલું દૂર પણ નથી ગયું.

જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેતા ખેલાડી તેને ગંભીરતાથી લે છે. આજે આવા પ્રતીક અસ્તિત્વની તુલનામાં સ્મરણીય વધારે છે. આપણે આ તર્કનું અનુસરણ એક પ્રાસંગિક પ્રશ્નના માધ્યમથી કરી શકીએ છીએ કે, ધ્વજ શું છે? શું આજે નેપોયિલન હોત તો તેણે એવું કહ્યું હોત કે, તે કપડાનો એક મોંઘો ટુકડો છે? કદાચ નહીં. પરંતુ આજે તેના સૈનિક વેલિંગ્ટન સામે લડવા ધ્વજ ઉઠાવીને વોટરલૂ પણ ના પહોંચતા. હકીકતમાં સમયની સાથે લોકો અને પ્રતીક બદલાઈ જાય છે. ધ્વજ શું છે? આ પ્રશ્ન ઉઠાવવાનું કારણ એ છે કે, દેશના સૌથી જૂના, રક્તરંજિત અને ઉપદ્રવી વિસ્તાર નાગાલેન્ડની સમસ્યા સાથે જોડાયેલી વાટાઘાટો અંતિમ મુકામ પર છે. ભારત સરકાર અને નગા બંને માને છે કે, તેમણે એકબીજા સાથે ખોટું કર્યું છે અને હવે હિંસા કોઈ સમાધાન નથી.

નગા હજુ પણ પોતાનો ઝંડો ઈચ્છે છે, જે કોહિમાના આકાશમાં તિરંગાની સાથે લહેરાય. મોદી સરકાર તેની મંજૂરી આપવા નથી ઈચ્છતી. હવે આ વાત એ સ્તરે પહોંચી ગઈ છે કે, જ્યાં સરકારનું કહેવું છે કે નગા સમુદાય તેમના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમનો ધ્વજ લહેરાવી શકે છે. નગાઓનું કહેવું છે કે, આ તો કોઈ સંસ્થાનો પોતાનો ઝંડો હોય એવી વાત થઈ. પ્રસિદ્ધ બેંકર કે. વી. કામથે વાટાઘાટની કળા વિશે એક સરસ વાત કરી છે. તેઓ કહે છે કે, સૌથી સારી વાટાઘાટ એ છે કે, બંને પક્ષ થોડી નાખુશી સાથે વાટાઘાટ જ ખતમ કરે. એટલે કે બંને પક્ષ એવું કંઈક છોડે, જે તેઓ નથી છોડવા માંગતા. મુઈવાના નગાઓને ધ્વજની માંગ વિના સંધિ પૂરી થાય તે અપમાનજનક લાગે છે.

મોદી સરકાર માટે પણ આ મામલો એટલો જ કઠિન છે. પ્રતીકાત્મકતાના મામલામાં મોદીની ભાજપ સરકાર અને વાજપેયીની ભાજપ સરકારમાં ઘણો ફર્ક છે. મોદી સરકારનું વલણ કડક અને રાષ્ટ્રવાદ તરફ છે. થોડી છૂટ લઈએ તો તેમનો રાષ્ટ્રવાદ કઠોર છે. આ જ કારણ છે કે, એક રાજ્યનો ઝંડો ઉતરે તો જશ્ન મનાવાય છે, બીજાના ઝંડાની માંગનો વિરોધ કરાય છે અને ત્રીજા (કર્ણાટક)ના ઝંડાને કોઈ પણ રીતે સહન કરી લેવાય છે. સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ પાછો લીધા પછી પણ કોઈ સિનેમા હોલ રાષ્ટ્રગાન નહીં વગાડવાનું જોખમ નથી લેતું. આજનું ભાજપ પોતાના સંસ્થાપકોના એક વિધાન, એક નિશાન અને એક પ્રધાનના વિચારથી ઘણી નજીક છે. આ રીતે દેશની માનસિકતા 1960ના દસકામાં પાછી જઈ રહી છે.

જો મારી જેમ તમે પણ એ સમયે જન્મ્યા હોત તો આજે ભારત વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ હોત! આપણે ચાર યુદ્ધ અને બીજી અનેક નાની લડાઈઓ જોઈ છે. તેમાં ઈસ. 1961માં ગોવા અને 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈ પણ સામેલ છે. શું આપણી પેઢીએ વિચાર્યું હતું કે, 1971નું યુદ્ધ આગામી પાંચ દસકાનું અંતિમ યુદ્ધ છે? શું આપણે એ વિચાર્યું હતું કે, આ ગાળામાં દેશ તમામ અલગતાવાદી આંદોલનો ખતમ કરી નાંખશે? ભારત આજે રાજકીય, વ્યૂહાત્મક, સૈન્ય અને આર્થિક દૃષ્ટિએ ઈતિહાસના સૌથી સુરક્ષિત મોડ પર આવી ગયું છે. આવું 2014 પછી થયું છે. 2003ની આસપાસ ઓપરેશન પરાક્રમ પછી ભારતે દબાણની જે વ્યૂહરચના અપનાવી તે પરિવર્તનનો સમય હતો. એટલે કે સુરક્ષિત ભારતનો આ દોર વીતેલા 15 વર્ષમાં પરિપક્વ થયો છે. તેને સરળતાથી બદલી ના શકાય. આપણે ભારતીયોએ પણ સુરક્ષાની આ ભાવનાને અનુભવવી જોઈએ અને તેનો આનંદ લેવો જોઈએ, પરંતુ આપણે જૂની સુરક્ષાના ઘેરામાં છીએ.

તેનું કારણ તમને મોદી-શાહના ભાજપના રાજકારણમાં નજરે પડશે. તેને આ રીતે જુઓ. આ સરકારના ટીકાકારોનો આરોપ છે કે, સરકારે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કર્યું છે. એ સાચું છે, પરંતુ આજે ભારત એટલું મજબૂત છે કે તે આ આંતરરાષ્ટ્રીયકરણ સહન કરી શકે છે. 5 ઓગસ્ટે થયેલા ફેરફારના ત્રણ મહિના પછીયે, ત્રણ સિવાય એક પણ દેશે, એ નિર્ણયને પલટાવવાનો આગ્રહ નથી કર્યો. તેઓ તેને ભારતનો આંતરિક મામલો માને છે. હા, આવું હંમેશા ના ચાલે. કાશ્મીરની સ્થિતિ ઝડપથી સામાન્ય કરવી પડશે. તેના નેતાઓ અને અગ્રણીઓને લાંબા સમય સુધી બંદી ના રાખી શકાય અને કોમ્યુનિકેશન સેવા પણ ઝડપથી શરૂ કરવી પડશે. નહીં તો આંતરરાષ્ટ્રીય દબાણ વધશે અને ટ્રપ જેવી મિત્ર સરકારો પણ તેનાથી દૂર નહીં રહી શકે.

જો હાલત સામાન્ય થઈ જશે તો પણ કાશ્મીર રાષ્ટ્રીય ચેતના માટે એટલું જ મહત્ત્વનું રહેશે? કાશ્મીરમાં નવી સ્થિતિ સર્જવાનો અસલી પડકાર એ નથી કે, તેનું આંતરરાષ્ટ્રીયકરણ થયું છે. પરંતુ આ પહેલા તે ક્યારેય આ રીતે આંતરિક મામલો ન હતો. કાશ્મીર સમસ્યાનો અર્થ પાકિસ્તાન, કટ્ટર ઈસ્લામ અને જેહાદી આતંક વગેરેને સીધો પડકાર છે. અર્થતંત્રની ખસ્તા હાલત અને રોજગારીના અભાવના કારણે જ આ ઉગ્ર રાષ્ટ્રવાદને મજબૂત કરવાની જરૂરિયાત વધી છે. એ રીતે જોઈએ તો આ પ્રકારના મતદારોની સંખ્યા વધુ નથી, જે એવું કહે છે કે અમે બહુ સુરક્ષિત છીએ. ઈસ. 1972થી 2014 વચ્ચે ભારતીય રાષ્ટ્રવાદ ઘણો વધારે સહજ, સુરક્ષિત અને આશ્વસ્થ મનોદશામાં ઊભર્યો છે. હવે આપણને એ જૂના દિવસોમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એ ભયસ્થાનોને સામે લવાઈ રહ્યા છે, જેને આપણે 50 વર્ષ પાછળ છોડીને આવ્યા છીએ. રસપ્રદ વાત એ છે કે, આ મનોદશામાં બે વિપરીત ખેલ ખેલાઈ રહ્યા છે. એક તરફ એક ઝંડાને નકારવાનો રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યો છે, તો બીજા તરફ એક અન્ય પ્રદેશના ઝંડાને મંજૂર કરવો એ એક અસહજ અનિવાર્યતા છે. (આ વિચારો લેખકના છે.)

X
Fierce nationalist fighters understand reality

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી