હકીકત / તથ્ય, કલ્પના અને કાશ્મીરની નવી વાસ્તવિકતા

Fact, imagination and the new reality of Kashmir

  • સંદર્ભ : કાશ્મીરના જટિલ અને વિવાદિત ભૂતકાળથી આગળ વધવા માટે નવી હકીકત સ્વીકારવી પડશે 

Divyabhaskar.com

Aug 20, 2019, 07:26 AM IST

કાશ્મીરની સમસ્યાનો ઉકેલ શોધતા પહેલાં આપણે તેને યોગ્ય રીતે સમજવી પડશે. યોગ્ય તપાસ કર્યા વિના તેનું નિદાન કરવાનું કામ ફક્ત હકીમો જ કરી શકે. આ હકીમોને ત્રણ જુદા જુદા વર્ગમાં વહેંચી શકાય. એક, ભારતમાં સત્તાધારી પક્ષનું વલણ. તેઓ એવું માને છે કે, કાશ્મીરની એકમાત્ર સમસ્યા પાકિસ્તાન છે, જેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. તેઓ કાશ્મીરમાં રાઈફલો, રોકેટ લોન્ચરો અને આરડીએક્સની મદદથી કટ્ટર ઈસ્લામનો પ્રચાર કરે છે.

તેમના કહેવા પ્રમાણે, પાકિસ્તાનીઓને ખદેડીને ડાલ સરોવર પર 'કશ્મીર કી કલી'નો બીજો ભાગ શૂટ કરી શકાય છે. બે, તેનાથી વિપરીત પાકિસ્તાન સરકાર એવું માને છે કે કાશ્મીરને પાકિસ્તાનનો છઠ્ઠો પ્રાંત બનાવી શકાય છે. તેમને લાગે છે કે, તેમણે અફઘાનિસ્તાનમાં સોવિયેત અને અમેરિકનોને હરાવ્યા તો ભારતની શું વિસાત છે? ત્રીજી શ્રેણી એ ઉદારવાદીઓની છે, જે સ્પષ્ટ રીતે પોતાની વાત કરે છે અને તેઓ સાહસિક છે. તેઓ માને છે કે, આ મામલામાં કાશ્મીરીઓની ઈચ્છા અંતિમ છે, જે હજુ સુધી સાંભળવામાં આવી નથી. ભારત રાજ્યોનો સ્વૈચ્છિક સંઘ છે. આ સ્થિતિમાં લોકોને સાથે રહેવા કેવી રીતે મજબૂર કરી શકાય? આ વિચારને મૂળભૂત ઉદારવાદીઓ અને બૌદ્ધિક વર્ગના યુવાનોનું પણ સમર્થન મળ્યું છે.

આ લોકો સાથે ચર્ચાના જોખમોને હું જાણું છું કારણ કે, તેમનો દૃષ્ટિકોણ જ તેમને નૈતિક ઊંચાઈ આપે છે, પરંતુ આપણે ખતરાઓમાં જ જીવીએ છીએ. ઉદારવાદીઓની હાલની સ્થિતિ પાંચ સ્તંભ પર ટકેલી છે.

1. ભારતે 1947-48માં યુએન સુરક્ષા પરિષદમાં કાશ્મીરમાં જનમત સંગ્રહની વાત કરી હતી. ભારત અને પાકિસ્તાન બંનેએ આ પ્રતિબદ્ધતા દાખવી હતી, પરંતુ બંને દેશે એ વચન તોડ્યું છે. જો તમે એ પ્રસ્તાવ (47)ને વાંચો તો તમને ત્રણ તબક્કાની પ્રક્રિયા નજરે પડશે. એક, પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાંથી સેના અને અન્ય લોકો (આપણે તેમને જેહાદી કહીશું)ની દખલ દૂર કરવી. બીજા બે તબક્કા હતા, ભારત દ્વારા સૈનિકોની સંખ્યા ઘટાડવી અને સર્વપક્ષીય સરકાર બનાવીને યુએન દ્વારા નિયુક્ત ગવર્નરને આધીન જનમત સંગ્રહ કરવો. પાકિસ્તાને પણ પહેલું પગલું ના લીધું અને ભારત પણ એ પહેલા કશું કરવા તૈયાર ન હતું.

2. મોટા ભાગના કાશ્મીરીઓ આઝાદી ઈચ્છે છે. તેને કેવી રીતે ઠુકરાવી શકાય? જો તમે આ પ્રસ્તાવ બીજી વાર વાંચો તો માલુમ પડશે કે, તેમાં આઝાદીનો વિકલ્પ નથી. ભારત કે પાકિસ્તાન સાથે રહેવાનો જ વિકલ્પ છે. કાશ્મીરની આઝાદી માટે પાકિસ્તાનનું સમર્થન છેતરપિંડી છે, પરંતુ ગોબેલ્સની જેમ વારંવાર બોલીને એક છળ ઊભું કરવામાં સફળતા મળી છે. જોકે, તેઓ આખા કાશ્મીર પર દાવો કરે છે, તો તેમણે જમ્મુ કાશ્મીરને પોતાનો પ્રાંત ના કહેવો જોઈએ? તેઓ એવું નહીં કરે કારણ કે, એવું કરવાથી પાકિસ્તાનનું કાશ્મીરને હડપ કરવાનું પાખંડ ઉજાગર થઈ જશે. તમને પાકિસ્તાનના એક પણ નેતાનું એવું નિવેદન નહીં મળે, જેમાં તેઓ આઝાદીની વાત કરતા હોય.

3. શું તમે કોઈ ભૂ-ભાગ અને વસતીને સૈન્ય શક્તિથી હંમેશા પોતાની સાથે રાખી શકો? તેનો જવાબ તેનાથી વિપરિત સવાલમાં છે. શું તમે સૈન્ય શક્તિથી કોઈ દેશની વસતી કે ભૂ-ભાગને છીનવી શકો છો? પાકિસ્તાને 1947-48 અને 1965માં આવા પ્રયાસ કર્યા. 1989 પછી પ્રોક્સી વૉર શરૂ કર્યું. 1999માં તેમણે કારગીલમાં પાગલપન દેખાડ્યું. આપણે 1953ના મધ્યથી આગળ યુએનના પ્રસ્તાવને લઈને નહેરુના વલણમાં આવેલા બદલાવને સમજવો પડશે. એ સમયે શીતયુદ્ધે જોર પકડ્યું હતું. કાશ્મીર બે મહાશક્તિ વચ્ચે ફસાઈ જાત. આ સંકટ જોઈને નહેરુએ 1953માં શેખ અબ્દુલ્લાની ધરપકડ કરીને કાશ્મીરને ભારતમાં સામેલ કર્યું. આગલા બે વર્ષમાં પાકિસ્તાન અમેરિકન નેતૃત્વવાળા બગદાદ કરાર, બેઠકો વગેરેમાં સામેલ થઈ ગયું. સૈન્ય સંતુલન તેમના પક્ષમાં આવવા લાગ્યું. નહેરુના આ પગલાના કારણે કાશ્મીર સૈન્ય કબજાથી બચી ગયું. પાકિસ્તાને પૂરતી સૈન્ય શક્તિ ભેગી કરી ત્યાં સુધી રાહ જોઈ અને 1962ની લડાઈ, નહેરુની મોત, અન્ન સંકટના કારણે નબળા પડેલા ભારત પર હુમલો કર્યો. એ પછી ઘણું બધું ઝડપથી બદલાયું. ચોથી વાત અહીંથી જ નીકળે છે.

4. મોદી સરકાર કાશ્મીરને શિમલા કરાર પ્રમાણે કેમ સૂલઝાવી રહી છે, જ્યારે હવે ઈમરાન ખાન પણ આવી વાત કરી રહ્યા છે. જવાબ માટે સિમલા કરાર વાંચો, જેમાં કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બધી સમસ્યા દ્વિપક્ષીય છે, એટલે કે કાશ્મીરને યુએન સાથે કોઈ લેવાદેવા નથી. આ કરાર હેઠળ યુદ્ધ વિરામ રેખાને નિયંત્રણ રેખા (એલઓસી) નામ અપાયું અને પોતાના લોકોને એ જ સરહદ માનવા પ્રેરિત કરવાની વાત કરાઈ. આ વાત સ્પષ્ટ રીતે કેમ ના કરાઈ એ એક રહસ્ય છે, પરંતુ યુદ્ધબંદીઓ પાછા મળતા જ પાકિસ્તાને કરાર તોડી નાંખ્યો. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ પોતાના દેશનું ઈસ્લામીકરણ (હા, ઝિયાએ નહીં, તેમણે) શરૂ કર્યું. તેમણે લાહોરમાં ઈસ્લામિક દેશોના સંગઠનની બેઠક બોલાવી. ઈસ્લામિક બોમ્બ માટે પૈસા ભેગા કરવાના પ્રયાસમાં તેમણે લાહોર ક્રિકેટ સ્ટેડિયમનું નામ મુઅમ્મર કજ્જાફીના નામે રાખઈ દીધું. 1989 આવતા સુધી પાકિસ્તાને કાશ્મીરને ફરી બળપૂર્વક હડપી લેવાના પ્રયાસ કર્યા. શિમલા કરારનું ઉલ્લંઘન ફક્ત પાકિસ્તાને કર્યું.

5. પરંતુ કાશ્મીરીઓ તમારી સાથે રહેવા નથી ઈચ્છતા. તો તમે શું કરી શકો? કાશ્મીરીઓ કોણ છે? જમણેરી રાષ્ટ્રવાદીઓ જ્યારે કહે છે કે, ખીણના 10 જિલ્લા સમગ્ર પ્રાંતનો અવાજ નથી, ત્યારે તેઓ આ સમસ્યાને ઝીણવટથી સમજતા જ નથી. આ જ દસ જિલ્લા બહુમતીનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદારવાદીઓની દલીલમાં તો ગરબડ છે. જો ખીણના મુસ્લિમોની વાત રાજ્યના લઘુમતીઓ પર ભારે પડે છે, તો બાકીના 99.5 ટકા ભારતીયોનું શું કરશો? શું એવો લોકતાંત્રિક તર્ક ચાલશે કે બહુમતી એક જગ્યાએ ચાલે છે અને બીજી જગ્યાએ નથી ચાલતી?

તમે મોદીને પસંદ કરો કે નહીં, પરંતુ તેમણે શિમલા કરાર પછીની યથાસ્થિતિ તોડી નાંખી છે. પાકિસ્તાન માટે પ્રોક્સી વૉરની કાર્યવાહીનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. આ નવી સ્થિતિ છે. કાશ્મીરમાં ગુસ્સો, અલગ પડી જવું વગેરે મુશ્કેલીઓ છે, જેના પર ધ્યાન આપવું પડશે. શરૂઆત એ સ્વીકારવાની સાથે થવી જોઈએ કે, ભારત અને પાકિસ્તાનની હાલની સરહદ જ કાયમી સરહદ છે. આ વાત સમજવા આપણને બિલ ક્લિન્ટનની જરૂર નથી. આ ક્ષેત્રમાં ફરી એકવાર લોહીથી નકશા ખેંચી ના શકાય. એક વાર આ હકીકત સ્વીકાર્યા પછી જ ભવિષ્ય વિશે વાત કરી શકાય.

X
Fact, imagination and the new reality of Kashmir
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી