બામુલાહિઝા / ભારતીય 'બનિયા' પાર્ટીનું પુનરાગમન

Bharatiya Baniya Party's comeback

  • મોદી-શાહના રાજમાં ભાજપા ફરી એક વખત પોતાની વ્યાપારીવાળી માનસિક્તા તરફ પાછી ફરી રહી છે

શેખર ગુપ્તા

Jan 21, 2020, 07:35 AM IST
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પોતાના એ નિવેદન પર ઝડપથી સ્પષ્ટીકરણ આપ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, અમેઝનના સંસ્થાપક જેફ બેજોસ ભારતમાં રોકાણ કરીને કોઈ ઉપકાર નથી કરી રહ્યા. ગોયલ હવે કહે છે કે, બધા જ રોકાણકારોનું સ્વાગત છે, જ્યાં સુધી ભારતીય કાયદાનું પાલન કરે છે. તમે તેના પર ચર્ચા કરી શક્તા નથી. જો હકીકતો જોઈએ તો વ્યવસાયમાં એકાધિકાર પર દેખરેખ રાખનારા ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે થોડા દિવસો અગાઉ 'અનુચિત' વ્યાપારિક પ્રક્રિયા માટે અમેઝનના કાન આમળ્યા હતા. સ્વદેશી જાગરણ મંચ અને વ્યાપારી સંઘોએ પણ તેની ભરપૂર પ્રશંસા કરી હતી. આ કોઈ ષડયંત્ર નથી, પરંતુ સંપૂર્ણપણે રાજનીતિ છે. આ માત્ર એ બાબત દર્શાવે છે કે, ભાજપા વાણિયાવાદની પોતાની મૂળ પ્રવૃત્તિ તરફ પાછી ફરી રહી છે. તેને સ્પષ્ટ કરવાની જરૂર છે. રાજીવ ગાંધી પછી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ ભાજપને હિન્દુ પાર્ટી કહેવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે ઈન્દિરા ગાંધી આમ કહેવાથી બચતાં હતાં. આ અગાઉ આ જ કોલમમાં મેં આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઈઝરના પૂર્વ સંપાદક શેષાદ્રિચારીના હવાલાથી જણાવ્યું હતું કે, ઈન્દિરા ગાંધી ભાજપને બનિયા પાર્ટી કહેતાં હતાં.
અહીંથી જ સ્વદેશી ભાવ પેદા થાય છે. એટલે કે, જો કોઈને વેપાર અને ઉદ્યોગ સાહસિક્તાથી ફાયદો મળવાનો છે તો તે આપણાં લોકો હોવા જોઈએ. જો આપણે બહારના લોકોને પણ વેપાર કરવા દઈએ તો તેમણે આપણો ઉપકાર માનવો જોઈએ. સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) સૌથી પહેલા શીત યુદ્ધની સમાપ્તિ પછી 1990-91માં ફેશનમાં આવવાનું શરૂ થયું હતું. એ સમયે મધુ દંડવતે વી.પી. સિંહ સરકારમાં નાણા મંત્રી હતા. તેમણે ઉદ્યોગપતિઓની એક બેઠકમાં કહ્યું હતું કે, 'હું એફડીઆઈની વિરુદ્ધમાં નથી, પરંતુ હું તેને શોધવા પણ નહીં જાઉં.' તેનાથી વિદેશી રોકાણકારો આકર્ષિત થયા ન હતા. 1991ના સુધારા પછી સ્થિતિ બદલાઈ, પરંતુ દેશનું આંતરિક વલણ બદલાયું ન હતું. દેશના પ્રથમ ચાર દાયકા જ સમાજવાદી, સંરક્ષણવાદી, સ્વદેશી વ્યવસ્થામાંથી પસાર થઈ ગયા હતા, જેમાં નિકાસ સારી હતી અને આયાત ખરાબ. આધુનિક મુક્ત વેપારની દૃષ્ટિએ જોઈએ તો અટલ બિહારી વાજપેયી ભાજપના એકમાત્ર સુધારવાદી નેતા રહ્યા, પરંતુ તેમની પાસે સમય ઓછો હતો.
છેલ્લા સાડા પાંચ વર્ષમાં આપણે સંરક્ષણવાદ, આંતરરાષ્ટ્રીય કંપનીઓનો વિરોધ વગેરે જોયું. આ સરકાર આયાતની સરખામણીએ ભારતમાં બનેલી ચીજ-વસ્તુઓને 20 ટકા વધુ પ્રાથમિક્તા આપી રહી છે, જે જૂના યુગના પુનરાગમનના સંકેત છે. જેનો અર્થ એવો થયો કે, એક વિદેશી કંપની જો કોઈ ઉત્પાદનની સામગ્રી ટૂકડાઓમાં ભારતમાં લાવીને, અહીં તેનો માલ તૈયાર કરે અને જો તે એક ભારતીય કંપની સાથે નાની ભાગીદારી કરીને તેનું વેચાણ કરે તો આયાતની સરખામણીમાં તે ઘણી ઊંચી કિંમતે એ માલને વેચી શકે છે. એક પછી એક બજેટમાં આપણે જોયું કે, ટેરિફમાં વધારો કરાઈ રહ્યો છે, ક્ષેત્રવાર સંરક્ષણ વધારાઈ રહ્યું છે. લોખંડ તેનું ઉદાહરણ છે. નિયમકો સહિત તમામ સંગઠન વિદેશી રોકાણકારોની પાછળ પડેલા છે, ખાસ કરીને રીટેલ ક્ષેત્રમાં.
આ જ કારણે વૈશ્વિક વ્યાપારી સમુદાયનો મોદીના ભારત પ્રત્યેનો પ્રેમ ઘટી રહ્યો છે. જાહેરમાં તો કોઈ આ વાત સ્વીકારશે નહીં કે એવો વેપારી કોઈ નથી, જેમણે ભારતમાં રોકાણ કર્યું હોય કે જેના કર્મચારી કે અન્ય હિત ભારતમાં હોય. એક મજબૂત સરકાર સામે કોણ ટક્કર લેવા માગશે? વોડાફોન જેવી મજબૂત કંપનીના સીઈઓએ દુ:ખી થઈને ભારત છોડવાની વાત કરી હતી, પરંતુ પછી તેમને પોતાના શબ્દો પાછા ખેંચવા પડ્યા હતા. તેના વધુ પુરાવા જોઈએ તો 2014માં જેફ બેજોસની ભારત યાત્રા સમયે મોદી અને અન્યએ તેમનું કેવું સ્વાગત કર્યું હતું અને આ વખતે તેમને કેવી રીતે ઉપેક્ષિત કરાયા છે. મોદી સરકારના કાર્યકાળના છઠ્ઠા વર્ષમાં એ જોવાનું આકર્ષક છે કે તે નાગપુરની ઈચ્છાઓનું કેટલું બધું ધ્યાન રાખી રહી છે. ગાય, કલમ-370, સીએએ, ત્રણ તલાક, પાકિસ્તાનનો વિરોધ વગેરે બધા જ મોરચા પર તેનું ધ્યાન રખાયું છે. મોદી સરકારે તેની સાથે તાલમેલ બેસાડવામાં બે દાયકાના સુધારાની દિશા ફેરવી નાખી છે. વર્ષ 2014માં અને ત્યાર પછી 2019માં ભારતે એક મજબૂત સરકાર અને વડાપ્રધાન ચૂંટ્યો. આ સરકાર અનેક ક્ષેત્રોમાં મજબૂત અને નિર્ણાયક સાબિત થઈ. આતંકવાદી હુમલાના વિરોધથી માંડીને કલમ-370 અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી સુધી, પરંતુ આર્થિક મોરચે નહીં. જીએસટી અને આઈબીસી સિવાય કોઈ મોટો સુધારો દેખાતો નથી.
હવે આ અંગે વિચારો. મનમોહન સિંહ જેવી નબળી સરકાર પાસે પણ અમેરિકા સાથે પરમાણુ કરાર કરવાનું સાહસ હતું, જ્યારે મોદીની મજબૂત સરકાર અમેરિકાના એક નાનકડા વેપાર કરાર મુદ્દે પણ સઘર્ષ કરતી જોવા મળી રહી છે. વાજપેયીની નબળી સરકારે જીએમ બિયારણની મંજૂરી આપીને કપાસ ક્રાંતિ લાવવામાં મદદ કરી હતી. મોદીની મજબૂત સરકાર કૃષિ જૈવ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધવાનું સાહસ નથી કરી શકતી. અહીં એક જુની દલીલ સામે આવે છે, શું મજબૂત અને પૂર્ણ બહુમતની સરકારો સારી હોય છે કે પછી તે એ મુંઝવણમાં હોય છે કે ક્યાંક તેને નુકસાન ન થઈ જાય? તેની પાસે સૈદ્ધાંતિક આગ્રહો અને મજબુરીઓનું બહાનું હોતું નથી. તે સતત પોતાનો ચહેરો બચાવવાના દબાણમાં રહે છે. શું નબળી સરકારો વધુ નિર્ણાયક અને જોખમથી મુક્ત હોય છે, કેમ કે તેમનામાં વધુ લવચિક્તા અને વિનમ્રતા હોય છે?
X
Bharatiya Baniya Party's comeback

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી