નીતિ / આર્થિક મહાસત્તા બનવાની વાતો બંધ કરો

Stop talking about becoming an economic superpower

  • કરદાતાઓની તુલનામાં જ્યાં સુધી ગરીબ મતદારો વધુ હશે ત્યાં સુધી તે જ આર્થિક નીતિઓના કેન્દ્રમાં હોવા જરૂરી

શશિ થરૂર

Oct 23, 2019, 07:26 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓ પલટીને ઉલટી દિશામાં જઈ રહી છે, જેમાં સૌથી ઉલ્લેખનીય છે આર્થિક નીતિઓ. ભાજપે 2014ના ચૂંટણી પ્રચારમાં જમણેરી નીતિઓનો રાગ આલાપીને 'લોક-કલ્યાણવાદ'ની ટીકા કરી હતી. કેટલાકે તેને કોંગ્રેસનો 'ગરીબીવાદ' કહીને ટીકા કરી હતી. એ વખતની નીતિઓને ગરીબી વધારનારી ગણાવીને તેની ટીકા કરાઈ. ખુદ મોદી પણ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી સ્કિમ (મનરેગા)ને ધિક્કારતા હતા. ત્યાંથી શરૂ થઈને હવે આપણે એ જગ્યાએ પહોંચ્યા છીએ, જ્યાં ગરીબો માટે ટોઈલેટ બનાવવા, ગ્રામીણ મહિલાઓ માટે ગેસ સિલેન્ડર ઉપલબ્ધ કરાવવા તેમજ એ જ મનરેગા માટે વહેંચવામાં આવતી રકમ વધારવી- તે મોદી સરકારની આર્થિક સિદ્ધિઓ ગણાય છે. ટૂંકમાં આર્થિક નીતિઓ બદલાઈને ફરી ત્યાં પહોંચી ગઈ છે. કારણ સીધુસાદું છે અને તે મોદીથી પણ આગળ જાય છે. ક્યારેક ક્યારેક તો તેમને સાંભળીને એવું લાગે છે કે, જાણે તેઓ એવું માને છે કે, ભારતીય આર્થિક વિકાસનો ઈતિહાસ તેમનાથી જ શરૂ થાય છે. આ કારણ આપણા અર્થતંત્રના ચરિત્રમાં છે, જે ઈતિહાસની ઉપજ છે.

ભારતનો આર્થિક વિકાસ અનોખો છે કારણ કે, ભારત મહત્ત્વનું કદ ધરાવતું વિશ્વનું એકમાત્ર અર્થતંત્ર છે, જે લોકતંત્રના રૂપમાં એકદમ તળિયેથી વિકસ્યું છે. આપણે લગભગ શૂન્યથી શરૂઆત કરી હતી. ભારત ઈસ. 1700માં દુનિયાનો સૌથી ધનવાન દેશ હતો, જ્યારે વૈશ્વિક જીડીપીમાં ભારતનું યોગદાન 27 ટકા હતું. પરંતુ 1947માં અંગ્રેજ જ્યારે ભારતમાંથી ગયા તો તેમણે વૈશ્વિક જીડીપીમાં ફક્ત 3 ટકા યોગદાન સાથે આપણને ત્રીજા વિશ્વના ગરીબીનું પોસ્ટર ચાઈલ્ડ બનાવીને મૂકી દીધા. ત્યારે સાક્ષરતા દર ફક્ત 16 ટકા (મહિલાઓનો 8.8 ટકા) અને સરેરાશ આયુષ્ય દયનીય રીતે 27 વર્ષનું હતું.

90 ટકા વસતી એવી દારૂણ સ્થિતિમાં રહેતી હતી કે, જેને આપણે આજે ગરીબી રેખા કહીએ છીએ. આ ભીષણ સ્થિતિમાંથી અર્થતંત્રને વિકસાવવું એ કોઈ સામાન્ય કામ ન હતું, પરંતુ લોકશાહી દેશે જે કરી બતાવ્યું તે અસામાન્ય હતું. ત્યારની દારૂણ ગરીબીને જોતા ઝડપથી નિર્ણયો લેવા જરૂરી હતા, પરંતુ આપણે અપેક્ષાથી ધીમી નિર્ણય પ્રક્રિયાવાળી લોકશાહી પદ્ધતિ અપનાવીને આર્થિક પરિવર્તન કરી બતાવ્યું. આ અનોખી વાત હતી.

જ્યારે કોઈ લોકતંત્રમાં આર્થિક નીતિના વિકલ્પ પસંદ કરાય છે, તો એ યાદ રાખવું જોઈએ કે, તેમાં મતદારોના હિતોનું પ્રભુત્વ હોવું જોઈએ અને ભારતમાં આપણે આવા જ લોકતંત્રમાં રહીએ છીએ, જેમાં બહુમતી મતદારો ગરીબ છે. આજે પણ દરેક લોકસભા સાંસદ એવા મતદાર વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં મોટા ભાગના મતદારો વિશ્વ બેંકે નક્કી કરેલી પ્રતિ દિન 2 ડૉલર (રૂ. 140)થી ઓછી આવક એટલે કે ગરીબી રેખાની નીચે જીવે છે. એટલે સ્વાભાવિક રીતે જ આપણી આર્થિક નીતિઓ તેમને અનુકૂળ અને ગરીબોનું ભલું થાય એ દિશામાં હોવી જોઈએ.

મોટા ભાગની બીજી લોકશાહીએ પહેલા વિકાસ કર્યો અને પછી લોકતંત્ર અપનાવ્યું. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન જ્યારે મોટા ભાગના પશ્ચિમી લોકતંત્રોએ ફૂલવા ફાલવાનું શરૂ કર્યું ત્યારે મતદાનનો સાર્વભૌમિક અધિકાર ન હતો. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી પશ્ચિમી દેશોએ મહિલાઓને મતદાનનો અધિકાર પણ નહોતો આપ્યો.

અમેરિકામાં અશ્વેતો અને બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિના ઘણાં સમય પછી જ્યારે તેઓ વિકસિત દેશ તરીકે પ્રસ્થાપિત થઈ ગયા ત્યારે ગરીબોને મતદાનનો અધિકાર આપ્યો. 19મી સદીના ઉત્તરાર્ધમાં 20મી સદીના પૂર્વાર્ધના અન્ય ઔદ્યોગિક દિગ્ગજો, જેમ કે જર્મની અને જાપાન, વિકસિત થઈ રહ્યા હતા ત્યારે ત્યાં લોકતંત્ર ન હતું. સ્પષ્ટ છે કે, તીવ્ર આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ હાંસલ કરવા માટે તેમણે લોકતાંત્રિક પદ્ધતિ યોગ્ય ના લાગી અને તેમણે પહેલા સમૃદ્ધિ હાંસલ કરી. ત્યાર પછી લોકતંત્રને સંપૂર્ણપણે અપનાવ્યું.

મોટા ભાગના લોકતંત્રોમાં આર્થિક નીતિઓ કરદાતાઓની ઈચ્છાથી સંચાલિત થાય છે અને તેમના પૈસા કેવી રીતે ખર્ચ કરાય, તેમાં તેઓ પોતાની વાત મનાવવા ઈચ્છે છે. આમ પણ એ દેશોમાં મોટા ભાગના મતદારો કરદાતા હોય છે. જ્યારે ભારતમાં આર્થિક નીતિઓ મોટા પાયે કરદાતાના બદલે ગરીબોના હિતોના હિસાબથી નક્કી થાય છે કારણ કે, કરદાતા તુલનાત્મક રીતે થોડાક જ (કુલ મતદારોના પાંચ ટકાથી ઓછા) હોય છે. એટલું જ નહીં, કર નહીં ભરનારા મતદાર વધુ હોય છે. લોકતંત્રમાં રાજનેતાની જવાબદારી લઘુમતી કરદાતાઓના બદલે બહુમતી મતદારો તરફ હોય છે. આમ, ભારતીય આર્થિક નીતિનું એક વિશિષ્ટ ચરિત્ર છે. એટલે મોદીએ પોતાની આર્થિક નીતિઓ બદલવી પડી છે.

તેમના નારા અને વાક્પટુતા દેશને ક્યાંય નથી લઈ જતી. જો તમારે ચૂંટણી જીતવી છે તો તમારી પ્રાથમિકતામાં ગરીબ હોવો જોઈએ. બેશક, જેમ જેમ અર્થતંત્ર વિસ્તરશે અને કરદાતાઓના આધાર વધશે, તેમ તેમ આ સ્થિતિ બદલાશે. ભારતના સમૃદ્ધ હિસ્સામાં કરદાતાઓ આર્થિક નીતિ નિર્ધારણ પર વધુ પ્રભાવ નાંખવા સક્ષમ થશે કારણ કે, ચૂંટણીની દૃષ્ટિએ તેમની સંખ્યાનું મહત્ત્વ વધી જશે. પરંતુ તે બહુ લાંબા ગાળાની વાત છે. હાલ તો આર્થિક મહાશક્તિ બનવાની બધી વાતો બંધ કરી દેવી જોઈએ. આપણે આજેય મહા-ગરીબ છીએ અને જો આપણી સરકારોએ ટક્યા રહેવું હશે અને ચૂંટાવું હશે, તો આ વાતને ઝડપથી સમજી લેવી જ યોગ્ય રહેશે.

X
Stop talking about becoming an economic superpower

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી