રાજકારણ / આવું જ ચાલશે તો આ દેશ ગાંધીજીનો નહીં રહે

If this is the case, this country will not belong to Gandhiji

  • સરકારે અત્યાર સુધી જે બિનપરંપરાગત ઉકેલ રજૂ કર્યા છે તેનાથી ફાયદો ઓછો અને નુકસાન વધારે થયું છે

Divyabhaskar.com

Oct 04, 2019, 07:55 AM IST

નરેન્દ્ર મોદી સરકારે ભારે ધામધૂમ વચ્ચે તેના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા કરી લીધા છે. સરકારના નબળા પ્રદર્શન છતાં મોદી જબરદસ્ત રીતે લોકપ્રિય રહ્યા છે. આ ભારતીય લોકશાહી માટે સારું નથી. મુસ્લિમોમાં તત્કાળ તલાકની પ્રથા તલાક-એ-બિદ્દતને ગુનાઇત ગણવા જેવા દમનકારી કાયદાને મોદીના સમર્થકો દ્રઢતાનું પ્રતીક ગણાવી રહ્યા છે. આ જ રીતે ભારતીય બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને સમગ્ર રાજ્યમાં બંધ જેવી સ્થિતિ વચ્ચે ખતમ કરી દેવાયો, નેતાઓની ધરપકડ કરાઇ, ટેલીફોન અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ. એ કહેનારું કોઇ નથી કે આ પ્રતિબંધો દૂર થશે ત્યારે શું થશે? તેમ છતાં મોટા ભાગના ભારતીયોએ આનું સમર્થન કર્યું છે.

મોદીના સમર્થકો પાસે સતત ગગડી રહેલા અર્થતંત્ર અને વિવિધ સમુદાયો વચ્ચે તણાવપૂર્ણ થઇ રહેલા સંબંધો વિશે કહેવા જેવું બહુ ઓછું હોય છે. તેઓ 100 દિવસ પૂરા થયાની ખુશીમાં ચંદ્ર પર માનવરહિત લેન્ડિંગ માટે શેખી મારવાની આશા રાખીને બેઠા હતા પણ અંતિમ ક્ષણોમાં રોવર સાથે સંપર્ક તૂટી ગયો અને તે ચંદ્રની સપાટી પર ક્રેશ થઇ ગયું. મોદીની વધતી લોકપ્રિયતા તેમના ટીકાકારોને ચોંકાવી શકે છે. તેમણે અત્યાર સુધીમાં જેટલા પણ આઉટ ઓફ ધ બોક્સ સમાધાન રજૂ કર્યા છે તેમનાથી ફાયદો ઓછો અને નુકસાન વધારે થયું છે. દાખલા તરીકે, ભારતની 86 ટકા કરન્સીને નોટબંધી દ્વારા ચલણમાંથી બહાર કરવાના તેમના નિર્ણયે ભારતીય અર્થતંત્રને સ્વતંત્રતા પછીનો કદાચ સૌથી મોટો આંચકો આપ્યો, જેના કારણે લાખો નોકરીઓ ગઇ અને આર્થિક વૃદ્ધિ નબળી પડી ગઇ.

પરંતુ આનાથી તેમનો મતદાર જરાય ચિંતિત ન થયો. તેમના માટે મોદી એક નિર્ણાયક અને પરંપરાઓ તોડીને દેશમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે સાહસિક પગલાં ભરવાનો પ્રયાસ કરનારા નેતા છે. આ પ્રતિક્રિયાએ ભારતમાં ઘણા લોકોને માથું ખંજવાળવા મજબૂર કરી દીધા છે. આપણા વડાપ્રધાન એવા છે કે જેમણે ભારતીય રાજકારણની દરેક સભ્ય પરંપરા તોડી નાખી છે. તેમણે મામૂલી આરોપોની તપાસ માટે વિપક્ષી નેતાઓની પાછળ સરકારી એજન્સીઓને મોકલી દીધી, એવા મંત્રીઓને મહત્ત્વ આપ્યું કે જેમના વિભાજનકારી નિવેદનોના કારણે મુસ્લિમો તથા અન્ય લઘુમતીઓ ડર હેઠળ જીવી રહ્યા છે. મીડિયાને એ હદે ડરાવી દીધું છે કે તેમના વહીવટીતંત્રનું પ્રેસ કવરેજ ભારતની લોકશાહી સંસ્કૃતિ માટે શરમજનક લાગવા માંડ્યું છે.

એટલું જ નહીં, ભારતના ઇતિહાસમાં પહેલી વાર મોદી સરકારે વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષનું પદ મુખ્ય વિપક્ષના કોઇ નેતા (હું અગાઉ આ પદ પર રહી ચૂક્યો છું)ને આપવાની પરંપરાને પણ ખતમ કરી દીધી. તેના બદલે મોદીના ભારતીય જનતા પક્ષે નક્કી કર્યું છે કે તે જ પોતાની સરકારને જાતે જવાબદાર ઠેરવશે. મોદીના ઘણા બધા પ્રશંસકોને આ પ્રકારની અધિનાયકવાદી પરંપરાનું પ્રદર્શન ચિંતિત નથી કરતું. તેમની નજરે અનેક દાયકાના નરમ લોકતંત્ર અને ગઠબંધનવાળી સરકારો પછી એક કઠોર ભારતીય નેતાની લાંબા સમયથી જરૂર હતી. ભારતની લોકતાંત્રિક વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતાં આપણા જેવા લોકોને હવે અફસોસ થવા લાગ્યો છે કે તેના મૂળ તેનાથી પણ ઊંડા હોઈ શકે છે જેટલું આપણે વિચારતાં હતાં.

ભારત આજે જોશીલા રાષ્ટ્રવાદની વેદનામાં છે જ્યાં દેશની કોઈ વાસ્તવિક કે આભાસી સિદ્ધીનું જોરદાર ગુણગાન કરાય છે અને તેનાથી થોડીક પણ રાજકીય અસંમતિ કે વિરોધને રાષ્ટ્રવિરોધી કે રાષ્ટ્રદ્રોહ ગણાવી દેવાય છે. લગભગ દરેક સ્વતંત્ર સંસ્થાને ખોખલી બનાવી તેને સરકારના પ્રભુત્વવાળા સાધનમાં બદલી દેવાયું છે. ટેક્સ સંબંધિત સંસ્થાઓ વિશે આ ઓછું આશ્ચર્યજનક છે પણ હવે નાણાંકીય ગરબડની તપાસ, કાયદા લાગુ કરતી અને ગુપ્ત સૂચના એકત્રિત કરતી મશીનરી સહિત ચૂંટણી પંચ અને ન્યાયપાલિકા જેવી સ્વાયત્તશાસી સંસ્થાઓ પણ આ ચિંતાથી મુક્ત નથી.

મોદી હેઠળ રાજકીય સ્વતંત્રતાને હવે ગુણ ન મનાય. હવે સામાજિક વ્યવસ્થાના નવા માપદંડ (અધિકારીઓ દ્વારા) અને અનુપાલન(દરેક માટે) છે. ભાજપ શાસનમાં સાંપ્રદાયિક સંબંધ નાટકીય રીતે ખરાબ થયા છે. ભારતના મુસ્લિમોમાં અલગતાવાદની ભાવના એટલી હદે વધી ગઈ છે કે સરકારના કટ્ટર સમર્થક પણ તેને સ્વીકારે છે. 3000 વર્ષ સુધી ભારત બધા મતો અને દેશો માટે સ્વર્ગ હતું. આજે તે મ્યાનમારથી આવેલા રોહિંગ્યા શરણાર્થીઓને નકારે છે અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ બનાવે છે, જેનાથી 1971 પછી આવેલા શરણાર્થીઓ તથા તેમના ભારતમાં જન્મેલા બાળકોને બહાર કરાયા છે.

તેમાં મોટાભાગના મુસ્લિમો છે. આ વાતની પણ ચર્ચા છે કે લઘુમતીઓના પર્સનલ લૉને પણ સમાપ્ત કરવાની તૈયારી છે અને મિશની પ્રવૃત્તિઓ પર રોકના ઉદ્દેશ્ય સાથે ધર્માંતરણ વિરોધી કાયદો પણ લવાઈ રહ્યો છે. તમારી આંખો સામે જ ભારતના મૂળ ચારિત્રયને આવી સરકાર દ્વારા બદલાઈ રહ્યું છે જેની નજરોમાં ન તો સંસ્થાઓ અને ન તો સ્વતંત્રતાના સમયે અપનાવાયેલી પ્રક્રિયાઓ પ્રત્યે સન્માન છે. એવું લાગે છે કે બોલ્ડનેસ જ બધુ છે અને તે મહત્ત્વ ધરાવે છે.

મારા જેવા ઉદાર લોકતંત્રવાદી માટે સૌથી ચિંતાની વાત એ છે કે ભાજપના કુશળ પ્રોપોગેન્ડાને લીધે ભ્રમિત સામાન્ય ભારતીય નાગરિકો અને સામાન્ય ભણેલા લોકો એવું ઈચ્છે છે. વિદ્વાન અને ટિપ્પણીકાર પ્રતાપ ભાનુ મહેતાએ તાજેતરમાં કહ્યું હતું કે શું કોઈ હદ સુધી સત્તાની આ ઉમંગ, નિયંત્રણ અને રાષ્ટ્રવાદ અમારી ગાઢ ઈચ્છાઓની પૂર્તિ છે? કોઈપણ રૂપે જો મોદી સરકારના આ પહેલા સો દિવસ તેમના બીજા પાંચ વર્ષના કાર્યકાળ વિશે કોઈ સંકેત આપે છે તો ભારત જલદી જ એ દેશ તરીકે નહીં રહે જેને સ્વતંત્ર કરાવવા માટે મહાત્મા ગાંધીએ સંઘર્ષ કર્યુ હતું.

X
If this is the case, this country will not belong to Gandhiji
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી