સંદર્ભ / શું આ નવા ભારતનું  વચન આપ્યું હતું?

Did this promise of new India, latest article by shashi tharoor

વૈવિધ્યની જગ્યાએ સમરૂપતા, દેશભક્તિના બદલે અંધ રાષ્ટ્રવાદ અને એક વ્યક્તિના શાસનનું લોકતંત્ર

divyabhaskar.com

Jun 05, 2019, 07:51 AM IST

વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના પુન:જાગરણનું વિઝન બતાવીને ચૂંટણી જીત્યા હતા. એક એવું ભારત જે હાઈ ટેક્નોલોજીથી સજ્જ મેન્યુફેક્ચરિંગ હબ હશે, જે વધી રહેલી યુવા વસતીની આકાંક્ષાઓને પૂરી કરશે. મોદીએ મતદારોને વચન આપ્યું હતું કે, અમારી સરકારમાં ‘મિનીમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’, સર્વસમાવેશક વિકાસ (સબ કા સાથ, સબ કા વિશ્વાસ), રોજગારી તેમજ વધતી આર્થિક વૃદ્ધિ-સમૃદ્ધિ સાથે ‘અચ્છે દિન’ આવશે. મતદારોએ મોટા પાયે તેમનામાં વિશ્વાસ મૂક્યો, પરંતુ હાલની ચૂંટણીઓમાં તેમણે આ કોઈ વાત ન દોહરાવી. તેઓ સારી રીતે જાણે છે કે, ખોખલાં વચનો (અને એ બધા વચનો પૂરા કરવામાં મળેલી ઘોર નિષ્ફળતા) તેમને પરેશાન કરી દેશે.

આ વખતે મોદીએ એક જુદા જ પ્રકારનું અભિયાન ચલાવ્યું. તેમને દાવો કર્યો કે, ભારત અંદર અને બહારથી દુશ્મનોથી ઘેરાયેલું છે. ફક્ત તેઓ જ એક બાહુબલી રાષ્ટ્રવાદી છે અને તેમના સતર્ક ચોકીદાર જ દેશને આતંકીઓ, ઘૂસણખોરો અને ‘દેશદ્રોહીઓ’થી સુરક્ષિત રાખી શકે છે. આ લોકો હિંદુ રાષ્ટ્રને ખોખલું કરવા ઈચ્છે છે, જેનું તેઓ નિર્માણ કરવા ઈચ્છે છે. આ ચૂંટણી પ્રચાર કામ કરી ગયો. મોદીના આ ‘ખાખી’ પ્રચાર અભિયાને તેમને 2014થી પણ મોટી જીત અપાવી. તેમને 303 બેઠક મળી અને આ ઉપરાંત 50 સાથી પક્ષોની બેઠક પણ તેમના ખાતામાં આવી ગઈ. 2019ની ચૂંટણી એક કેસ સ્ટડી હોઈ શકે છે કે કેવી રીતે એક પરંપરાગત ધારણાને ઉલટાવી શકાય છે, અને, સત્તામાં બેઠેલી એક વ્યક્તિનું આકલન તેમણે આપેલા વચનોથી કે તેમના સારા પ્રદર્શનના રેકોર્ડથી નથી થતું.

મોદીએ જે કંઈ કહ્યું હતું, તે પૂરું કરવામાં તેઓ સરેઆમ નિષ્ફળ રહ્યા. તો તેમણે ગોલપોસ્ટ જ બદલી નાંખી અને એક એવા રમતમાં મોટા ગોલ મારી દીધા જે પહેલા કરતા અલગ હતા. આમ છતાં, મતદારોએ તેમને વધાવી લીધા. કેમ?તેનું એક જ સ્પષ્ટીકરણ હોઈ શકે, જેની શરૂઆત આધુનિક ભારતના ઈતિહાસમાં અસામાન્ય વ્યક્તિ પૂજાથી થઈ. સોશિયલ મીડિયાના હજારો યોદ્ધા, ડરાવેલું-ધમકાવેલું મેઈન સ્ટ્રીમ મીડિયા, દરેક સ્થળે હાજર કેમેરામેન અને 24 કલાક ચાલતી પબ્લિસિટી મશીનરીએ મોદીને પૂજ્ય બનાવીને જબરદસ્ત અનુયાયી વર્ગ ઊભો કર્યો. આ બધા માટે કરદાતાઓની રૂ. 56 અબજ જેટલી રકમનો ખર્ચ કરાયો. આ રીતે તેમના દરેક પગલાંને પ્રમોટ કરાયું. તેઓ ખરેખર ‘પ્રાઈમ મિનિસ્ટર વિથ ડિફરન્સ’ હતા, પરંતુ એ રીતે નહીં જેવો આ નારાનો અર્થ છે.

તેઓ પહેલા વડાપ્રધાન હતા, જેમણે પોતાના મૂળ વ્યક્તિત્વથી ઘણો મોટો પડછાયો છોડ્યો હતો. આ તમામ કવાયતને પક્ષનો પણ સાથ મળ્યો. ‘મિસ કોલ’થી ભરતી કરાયેલા લાખો સભ્યોને (મિસ કોલ મળતા જ લોકોએ કોલ કર્યો તો ભાજપમાં ભરતી કરનારા પહોંચી ગયા) ચૂંટણીથી બહુ પહેલેથી સક્રિય પોલિંગ બુથ સમિતિ, લાખો ‘પાના પ્રમુખ’ (એવા ભાજપ કાર્યકરો, જેમાંથી દરેક ચૂંટણી રજિસ્ટરના એક પાનાં પર હાજર મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે જવાબદાર હતા), દરેક શાખામાંથી આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જમીની કાર્યકરો, જેમને સંવેદનશીલ બેઠકોની જવાબદારી સોંપાઈ હતી અને મતદારો પાસે જનારા પ્રચાર દળો વગેરેનો સાથ હતો. આ રીતે સતત મિથ્યા પ્રચારનો બોમ્બમારો અને પાર્ટી મશીનરીના અસરદાર સંદેશના કારણે ભારતના 37.4 ટકા મતદારોએ નક્કી કર્યું કે, મોદી જ તેમના સપનાંના રાષ્ટ્રનું મૂર્ત સ્વરૂપ છે અને તેમને મત આપવો આપણી ફરજ છે. જરૂરી નથી કે, આ મત નિસ્તેજ, તકવાદી અને ચહેરાહીન ઉમેદવારોને મળ્યા હોય. આ મત મોદીને મળ્યા હતા. ભારતની સંસદીય પ્રણાલીને અધ્યક્ષીય પ્રણાલી બનાવવાનું કામ આ રીતે પાર પડાયું.

શું તેનો અર્થ એ છે કે, મુદ્દાનું કોઈ મહત્ત્વ જ નથી, પર્ફોર્મન્સ અપ્રાસંગિક છે અને ભારતીય મતદારોને સંપૂર્ણ રીતે વ્યક્તિત્વના આધારે ઠગી લેવાયા છે? આવું એ રાજ્યોમાં લાગે છે, જેમણે ભાજપ પર વિશ્વાસ કર્યો, પરંતુ કેરળ, તમિલનાડુ અને પંજાબ (જ્યાં હિંદુઓની વસતી બહુ વધારે નથી)ના શિક્ષિત મતદારો આટલી સરળતાથી બહુસંખ્યક સૈન્યવાદના ગાળિયામાં ના આવ્યા. અહીં નોંધવા જેવું છે કે, 37 ટકા મતદારોએ મોદીને 56 ટકા બેઠક આપી દીધી. જે કંઈ થયું, પણ નિયમ પ્રમાણે જીત તો જીત છે, અને બહુ જ મોટી જીત છે. એ અસામાન્ય વાત છે કે, ભાજપ લોકોને પોતાના હિતોના બદલે પૂર્વગ્રહોના આધારે મત આપવા પ્રેરી શક્યો કારણ કે, 2014માં રોજગારીની આશાએ મોદીને મત આપનારા યુવાનો 2019માં તેમને ફરી કેમ મત કેમ આપે, જો તે હજુયે બેકાર હોય તો?હા, તે એવું એટલા માટે કરે છે કારણ કે, તે ડરેલો છે અને મોદીમાં તેમને સંરક્ષક નજરે પડે છે.

આ ડરને શરૂઆતમાં મુસ્લિમ, કોઈ ઘાતક પાકિસ્તાની જનરલ કે તેમના દ્વારા મોકલેલા આતંકીઓના રૂપમાં બતાવવામાં આવે છે, જેનો સામનો કોઈ શક્તિશાળી શાસક જ કરી શકે. અનેક ભારતીય ઉદારવાદીઓની ચિંતા એ છે કે, ધાર્મિક, વંશીય, ભાષા અને જાતિગત વૈવિધ્યના આધારે વિકસેલા સૌમ્ય, સર્વસમાવેશક દેશનું જે સપનું લાંબા સમયથી જોવાઈ રહ્યું છે, તે ધ્વસ્ત થઈ રહ્યું છે. તેના બદલે ભારત ઊભરી રહ્યું છે, તે વૈવિધ્યતાને ઓછું સ્વીકારનારું, ઓછું સર્વસમાવેશક અને દેશભક્તિના બદલે અંધ રાષ્ટ્રવાદ પોષનારું અને ઓછું સહિષ્ણુ છે. વૈવિધ્યની જગ્યાએ સમરૂપતા અને દેશભક્તિના બદલે અંધ રાષ્ટ્રવાદ આવી આવી ગયો છે. સ્વતંત્ર સંસ્થાઓ હાવી થઈ જતી સરકાર સામે ઝૂકી જાય છે અને લોકતંત્રને એક વ્યક્તિના શાસનનો નવો આકાર અપાય છે. તેને જ મોદી ખુશ થઈને ‘નવું ભારત’ કહે છે. આ એક એવું વિઝન છે, જે અનેક આશંકિત ભારતીયોમાં જૂના વિઝનની તડપ જગાવે છે.

X
Did this promise of new India, latest article by shashi tharoor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી