રાજનીતિ / ચીન અંગે નીતિ બદલવાનો સમય

DivyaBhaskar.com | Updated - Mar 13, 2019, 08:28 AM
article by shashi tharoor

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સર્જાયેલા સંકટે એક ત્રીજા દેશ ચીન પર અલગ પ્રકાશ પાડ્યો છે. પુલવામા હુમલાએ સમગ્ર દેશમાં રોષ પેદા કર્યો, જેનાથી બંને દેશો વચ્ચે સંકટ ઘેરું બન્યું હતું. તેણે હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદને ચીનના સંરક્ષણ પર સવાલ ઊભા કર્યા છે. જૈશ વડા મસૂદ અઝહર અંગે ભારતનો અપમાનજનક ઈતિહાસ છે. 1999માં અપહરણ કરી કંધાર લઈ જવાયેલા વિમાનના પ્રવાસીઓની મુક્તિ માટે અન્ય બે સાથે અઝહરને ભારતીય જેલમાંથી છોડવો પડ્યો હતો (છોડાયેલો એક આતંકી પાછળથી અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યામાં સામેલ હતો). પછી જૈશે ભારત પર અનેક આતંકી હુમલા કર્યા, જેમાં ઉરી સ્થિત સૈન્ય છાવણીઓ પર હુમલાનો પણ સમાવેશ થાય છે, ત્યાર પછી આતંકી ઠેકાણાં પર બહુપ્રચારિત સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ હતી.
ત્રાસવાદને પાક.ના આશરાના કારણે મસૂદ અઝહર અને જૈશ ખુલ્લેઆમ બહાવલપુરના તેમનાં મુખ્ય ઠેકાણાંથી નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. બાલાકોટ (જેને 26 ફેબ્રુ.એ ભારતીય વાયુદળે નિશાન બનાવ્યું) સહિત અનેક જગ્યાઓ પર તે આતંકી કેમ્પ ચલાવે છે. પાક.ની ફોજે તેમના કરતાં ઘણા મોટા પ્રતિસ્પર્ધી ભારત વિરુદ્ધ આતંકવાદને ‘અસમાન યુદ્ધ’ના વલણમાં ચાલુ રાખ્યું છે, જ્યારે તે પોતે કટ્ટરપંથી ઈસ્લામી આતંકીઓ (તેમાં પાકિસ્તાન તાલિબાન ઉલ્લેખનીય છે, જે પાક. સરકારને જ ઉખાડી ફેંકવા માગે છે) સામે લડી રહ્યું છે. તે આતંકી જૂથોને રૂપિયા, તાલીમ અને હથિયાર આપે છે, જે તેના રણનીતિક લક્ષ્યો મુજબ ભારત, અફઘાનિસ્તાન અને ઈરાનમાં હુમલા કરે છે. અઝહર ખુલ્લેઆમ તોઈબાના વડા અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ જેવા અન્ય આતંકી વડાઓ સાથે તેની આતંકી ઓળખની ડંફાસ મારતો રહે છે.
ભારત સલામતી પરિષદની દરખાસ્ત 1267 હેઠળ તેને સંયુક્ત રાષ્ટ્રમાં બ્લેકલિસ્ટમાં નાંખવાનો પ્રયાસ કરતું રહ્યું છે. આમ થવાથી તેનાં બેન્ક ખાતાં ફ્રીઝ થઈ જશે અને પાક.ની બહાર આવાગમન પર પણ લગામ લાગી જશે. પરંતુ, સલામતી પરિષદના 15માંથી 14 સભ્યોનું સમર્થન ધરાવતા આ પ્રસ્તાવને ચીન વારંવાર અટકાવી દે છે. સલામતી સમિતિમાં ચીને સર્વસંમતિના અભાવની વાત આગળ કરીને અઝહરને બ્લેકલિસ્ટમાં નાંખવાના ત્રણ પ્રયાસો નિષ્ફળ કર્યા છે. બેઈજિંગના આ જડ વલણને સમજવું મુશ્કેલ નથી. તે પાક.ને ભારત વિરુદ્ધ એવું ઉપયોગી મહોરું સમજે છે જે બેઈજિંગના વિશાળ (અને વધતા) દક્ષિણી પડોશીની મહત્વાકાંક્ષાઓ પર લગામ લગાવે છે.

પછી પાક. બેઈજિંગના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં મુખ્ય ભાગીદાર છે. તેનો એક મુખ્ય ભાગ ચીનને પાક.ના બલુચિસ્તાન તટ પર સ્થિત ગ્વાદર પોર્ટ સાથે જોડનારા ચીન-પાક આર્થિક કોરિડોર (સીપીઈસી) છે. 66 અબજ ડોલરનો સીપીઈસી પ્રોજેક્ટ જ્યારે પૂરો થશે તો તે વિદેશમાં ચીનની સૌથી મોટી વિકાસ પરિયોજના હશે. તેનાથી અખાતી દેશોને ચીન સાથે આયાત-નિકાસમાં મદદ મળશે અને તેનો પરિવહન ખર્ચ અડધાથી પણ ઓછો થઇ જશે. બેઇજિંગ માટે આ પ્રતિષ્ઠાની સાથોસાથ આર્થિક રીતે પણ મહત્વનો પ્રોજેક્ટ છે. તેનાથી આવનારા લાંબા સમય સુધી ચીનના ભૌગોલિક વ્યૂહાત્મક ગણિતમાં પાક.ની અનિવાર્યતા સુનિશ્ચિત થાય છે. જોકે, ચીને પુલવામા હુમલાની ટીકા કરવામાં દુનિયા સાથે સૂર પૂરાવ્યો પણ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ ગુઆંગે સંયુક્ત રાષ્ટ્રની ‘પ્રક્રિયા’નો હવાલો આપીને પોતાની સરકારના વલણની ફરી પુષ્ટિ કરી.
એપ્રિલમાં રાષ્ટ્રીય ચૂંટણીનો સામનો કરવા જઇ રહેલા નરેન્દ્ર મોદી પર નિર્ણાયક કાર્યવાહી માટે ઘણું ઘરેલુ દબાણ હતું અને પુલવામાની ઘટના પછી એક જાહેર ફંક્શનમાં તેમણે કહ્યું લોકોમાં ઘણો ગુસ્સો છે, તેમનું લોહી ઉકળી રહ્યું છે... અમે જડબાતોડ જવાબ આપીશું. સંકટ બંને દેશને યુદ્ધના આરે લઇ આવ્યું પણ ભારત જાણે છે કે તેના મુખ્ય વિકલ્પ રાજદ્વારી જ છે. આતંકવાદ મુદ્દે પાક.ને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવાના ભારતના પ્રયાસ ચીનના અડિયલ વલણના કારણે સફળ ન થયા. ભારત સામે આ પડકાર છે, કેમ કે પાક.ને એકલું પાડવા માટે વિવિધ દેશોના દ્વિપક્ષી કારણ છે.

ચીનનાં વ્યૂહાત્મક હિતો ઉપરાંત અમેરિકાને પણ ઇસ્લામાબાદ સમર્થિત અફઘાન તાલિબાન સાથે મંત્રણા માટે પાક.ની જરૂર છે. જ્યાં સુધી મોટા દેશો પાક.ની હરકતોની ઉપેક્ષા કરશે ત્યાં સુધી એક નીતિ તરીકે રાજદ્વારી રીતે પાક.ને એકલું પાડવાની પોતાની મર્યાદા છે. પાક.ને ચીનનું સમર્થન મોદી માટે શરમનું કારણ છે, કેમ કે તેમણે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે ગત વર્ષે ચીનમાં શિખર બેઠક બાદ ‘વુહાન ભાવના’ કાયમ કર્યાનો મોટો દાવો કર્યો હતો. 2014માં ચૂંટણીપ્રચારમાં તેમણે ચીનના કથિત તુષ્ટિકરણ બદલ ત્યારની સરકારની ખૂબ ટીકા કરી હતી પણ સત્તામાં આવીને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતનો પ્રવેશ રોકવા, પાક.ના કબજાવાળા કાશ્મીરના વિવાદિત ક્ષેત્રમાં સીપીઇસીના નિર્માણ કે અરુણાચલ પર ચીનના દાવા અંગે તેઓ ખાસ કંઇ કરી શક્યા નથી. જો ‘વુહાન ભાવના’ ક્યારેય પ્રેસ રિલીઝ કે ફોટો ઓપર્ચ્યુનિટીથી આગળ ગઇ હોય તો પણ આજે તે વેર‌વિખેર થઇ ચૂકી છે.
ગત વર્ષે વિદેશ બાબતો અંગેની સંસદીય સમિતિ (જેનો હું ચેરમેન છું)એ ભારત-ચીન સંબંધો અંગે એક રિપોર્ટ જારી કર્યો હતો, જેમાં ચીનની સંવેદનાઓ અંગે જરૂરિયાતથી વધુ સતર્કતા દાખવવા બદલ મોદી સરકારની ટીકા કરાઇ હતી. તેમાં દલીલ કરાઇ હતી કે નવી દિલ્હી ચીન પ્રત્યે વિનયની પરંપરાગત નીતિ જારી ન રાખી શકે. અમેરિકાએ તત્કાળ પાક.ને આતંકીઓને શરણ અને સમર્થન બંધ કરવા કહ્યું, બ્રિટન અને ફ્રાન્સ બેઇજિંગના વાંધા છતાં ભારતનો પ્રબળ પક્ષ લઇને આત્મઘાતી હુમલા તથા જૈશના ત્રાસવાદની ટીકા માટે સુરક્ષા પરિષદમાં અધ્યક્ષીય નિવેદન જારી કરવા સક્રિય થયા. તેમણે મસૂદ અઝહરને બ્લેકલિસ્ટમાં નાખવાની પ્રક્રિયા ફરી શરૂ કરી છે. તેમાં સભ્યોએ આજે એટલે કે 13 માર્ચ સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું છે. તેમાં શંકા નથી કે ચીનની નજર અન્ય 14 દેશનું વલણ કેવું રહેશે તેના પર હશે.

X
article by shashi tharoor
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App