રાજકારણ / મોદી સરકારમાં હવે ટોચ પર બે વ્યક્તિ

Two people at the top now in the Modi government

  • બીજી ઇનિંગમાં દરેક મહત્ત્વના નિર્ણયોમાં શાહની છાપ, જે દર્શાવે છે પાવર મેનેજમેન્ટમાં વૈચારિક પરિવર્તન

Divyabhaskar.com

Sep 20, 2019, 07:26 AM IST

મોદી સરકારના 100 દિવસ પૂરા થઈ ગયા છે, પરંતુ એનડીએ 1 અને 2માં સૌથી મોટો ફર્ક શું છે? આ સવાલનો જવાબ વડાપ્રધાન કાર્યાલયમાં નહીં, પરંતુ નોર્થ બ્લોકની ગલિયોને પાર છે. મોદીના પહેલા અવતારમાં શક્તિનું કેન્દ્ર ફક્ત એક હતું, હવે બે છે. અમિત શાહનું ગૃહ મંત્રીની ભૂમિકામાં આવતા જ સ્પષ્ટ થઈ ગયું છે કે, મોદી સરકારમાં હવે શિખર પર બે વ્યક્તિ છે. સત્તાના ગલિયારામાં ગૂંજતો એક સવાલ છે કે, મોદી પછી કોણ? તેનો જવાબ પણ આ 100 દિવસમાં મળી ગયો છે. બીજી ઈનિંગમાં મોદી સરકારના દરેક મહત્ત્વના નિર્ણયો પર અમિત શાહનો પ્રભાવ સૌથી વધુ છે અને તેનું દેખીતું ઉદાહરણ કલમ 370 છે. એ સ્પષ્ટ રીતે એવું કામ હતું, જેને ગૃહ મંત્રાલયે જ અંજામ આપ્યો અને તે નિર્ણયને વડાપ્રધાનનું પણ સંપૂર્ણ સમર્થન હતું. પછી તે ગેરકાયદે ગતિવિધિઓ કાબૂમાં રાખવાનો કાયદાનો મુદ્દો હોય, તેમાં પણ વડાપ્રધાન કાર્યાલય બહાર અમિત શાહ એકમાત્ર વ્યક્તિ છે, જેમની પાસે મહત્ત્વના નિર્ણયો લેવાની શક્તિ છે.

આ વાત અસામાન્ય પણ નથી. 2002માં ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ પહેલીવાર સત્તામાં વાપસી કરી, ત્યારે પણ તેમણે અમિત શાહને જ ગુજરાતના ગૃહ મંત્રી બનાવ્યા હતા, પરંતુ એક સમયે તેઓ ઓછામાં ઓછા 12 મંત્રાલય સંભાળતા હતા. એ વખતે તેઓ મુખ્યમંત્રી મોદીના આંખ અને કાન તરીકે ઓળખાતા હતા. રાજ્યનું રોજિંદુ કામકાજ કરવાની જવાબદારી પણ અમિત શાહ પર હતી. એ પરસ્પર વિશ્વાસનો સંબંધ હતો અને તેમણે આશરે દસ વર્ષ ખૂબ જ પ્રભાવશાળી રીતે કામ કર્યું. ત્યાં સુધી કે, 2010માં એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને જેલ ના જવું પડ્યું.

મોદી-શાહની જોડી અદ્વિતિય છે. ત્યાં સુધી કે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની પણ તેની સાથે તુલના ના કરી શકાય. 1998થી 2004 સુધી વાજપેયી સરકારમાં તેઓ પણ વડાપ્રધાન અને ગૃહ મંત્રી જ હતા. તેમના માટે પણ વિકાસપુરુષ અને લોહપુરુષ જેવા વિશેષણોનો ઉપયોગ થતો હતો. ગઠબંધન સરકારમાં વાજપેયી થોડા ઉદાર અને સ્વીકાર્ય હતા, જ્યારે અડવાણી રાજકીય હિંદુત્વના પ્રતીક હતા. તે બંનેના રાજકીય વિચારોમાં પણ ફર્ક હતો. આ જ કારણસર એક સમયે સરકારમાં ક્યાંક ટકરાવની સ્થિતિ પણ સર્જાઈ હતી.

બીજી તરફ, મોદી-શાહની જોડી પણ ગુજરાતમાં કંઈક એવા જ સમાન સંજોગોમાં બની, પરંતુ તેમાં વ્યક્તિગત પ્રતિદ્વંદિતાનું કોઈ તત્ત્વ ન હતું. વાજપેયી અને અડવાણીની તુલનામાં મોદી અને શાહ જુદી પેઢીના છે. અમિત શાહ વડાપ્રધાનથી 15 વર્ષ નાના છે. અમિત શાહ પોતાની રાજકીય સફળતાનો શ્રેય મોદીને આપે છે અને સ્વીકારે છે કે, તેમના વચ્ચે ગુરુ-શિષ્ય જેવો સંબંધ છે. કોઈ પણ સ્તરે અમિત શાહે ક્યારેય મોદીથી ઊંચા દેખાવાનો પ્રયાસ નથી કર્યો. જ્યારે સંસદના બંને ગૃહમાં કલમ 370 સંબંધિત પ્રસ્તાવ પસાર થઈ ગયા, તો મોદી શાહને શુભેચ્છા આપવા આવ્યા અને ગૃહમંત્રી કૃતજ્ઞતાથી વડાપ્રધાન સામે ઝૂકી ગયા. 2019ના વિજય પછી જ્યારે બંને સામે આવ્યા તો અમિત શાહે સતર્કતાપૂર્વક એક પગલું મોદીની પાછળ રાખ્યું. ગૃહ મંત્રી સત્તાનું સમાંતર કેન્દ્ર હોય છે, પરંતુ આ એવી ભૂમિકા છે, જેને તેઓ વડાપ્રધાનના સુપ્રીમ નેતા તરીકેના દરજ્જાને ઓછો કર્યા વિના નિભાવે છે. .શાહની તાજપોશીને માત્ર પરસ્પર સહયોગ માટેનું સત્તા સંચાલન ન માની શકાય.

આ મોદી 2.0માં શાસન ચલાવવાની પદ્ધતિમાં એક વૈચારિક પરિવર્તન દર્શાવે છે. ખાસ કરીને સરકારના નિર્ણયોમાં રાષ્ટ્રવાદ એક નવી ઊંચાઇ પર આવી ગયો છે. આસામમાં શાહનો દાવો જુઓ કે તેઓ નાગરિકો માટે નેશનલ રજિસ્ટર (એનઆરસી) બનાવવાનું અભિયાન દેશભરમાં લાગુ કરવા ઇચ્છે છે. કાશ્મીરમાં જારી પ્રતિબંધ હોય કે પછી અયોધ્યામાં રામ મંદિર બને તેટલું જલદી બનાવવાનો મુદ્દો હોય, દરેકમાં એક ધાર્મિક-રાષ્ટ્રવાદી ઉત્સાહ નજરે પડે છે અને આ બહુમતી દ્રષ્ટિકોણથી પ્રેરિત લાગે છે, જેમાં બંધારણીય નૈતિકતાની જગ્યા ઘણી ઓછી હોય છે.

સત્તાની વહેંચણીની આ નવી વ્યવસ્થાથી ફરી એક વાર એ જ ખતરો દેખાય છે કે જે મોદી 1.0માં હતો. એટલે કે શક્તિઓનું એક સ્થળે સમેટાઇ જવું, જ્યાં બાકીની કેબિનેટ અને સંસદીય વ્યવસ્થા બિનપ્રભાવી દેખાવવા માંડે છે. આનાથી ફરી એક વાર એ પ્રકારની જ ભૂલો થવાની સંભાવના વધી થાય છે કે જેવી મોદી 1.0માં નોટબંધી જેવો મનસ્વી નિર્ણય લેતી વખતે થઇ. પૂરો સમય માત્ર રાજનીતિ કરનારા અને જોખમ પચાવવાની ક્ષમતા ધરાવતા મોદી અને શાહ આજે સરકારના નિર્ણયોને ખચકાટ વિના લાગુકરી શકે છે. આ એકતરફી વલણના કારણે મોટા નિર્ણયો પૂર્વે વાતચીત કે સર્વસંમતિની ગુંજાશ પણ ઘટી જાય છે. આવી સ્થિતિમાં કોઇ પ્રકારની નારાજગી કે મામૂલી ટીકા પણ અધિકારોને પડકાર આપવા બરાબર ગણાય છે. આ અધિનાયકવાદી પ્રવૃત્તિ વધી શકે છે અને વાતચીત માટે ગુંજાશ ઓછી થઇ જાય છે, જ્યારે લોકશાહી માટે વાતચીત મહત્ત્વની છે.

ગુજરાત જેવા નાના રાજ્યમાં મોદી-શાહની જોડી અસરકારક ઢબે કામ કરી શકી, કેમ કે ત્યાં પૂરી રાજકીય અને બ્યૂરોક્રેટિક વ્યવસ્થા તેમના પ્રત્યે કૃતજ્ઞ હતી પણ કેન્દ્રની પ્રતિસ્પર્ધી હિતોવાળી વિવિધતાપૂર્ણ રાજનીતિમાં બે વ્યક્તિને થોપવાનો પ્રયાસ સફળ થાય એ જરૂરી નથી. આજે મોદી અને શાહના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી રાજકારણ પર ભાજપનો પૂરો દબદબો છે પણ એક સમય એવો આવશે કે જ્યારે સરકારના કામકાજની ગુણવત્તાને ચૂંટણી સફળતાથી અલગ કરવી પડશે. તે ક્યારે થશે એ ખબર નહીં પણ આજે કાશ્મીર અને અર્થતંત્ર મુદ્દે મોદી-શાહ મોડલની કસોટી છે.

ફરી એકવાર: જ્યારે મોદી સરકાર 100 દિવસ પૂરા કરી રહી હતી ત્યારે વડાપ્રધાન હરિયાણામાં હતા અને હકારાત્મકતાથી ઇસરોની ભાવનાને જગાવી રહ્યા હતા. બીજી તરફ શાહ આસામમાં હતા અને એનઆરસી તથા નાગરિકતા કાયદા અંગે કઠોર વાતો કરી રહ્યા હતા. મોદી ચંદ્ર પર પહોંચવાની વાત કરી રહ્યા હતા જ્યારે શાહ ધરતી પર વૈચારિક એજન્ડા આગળ વધારી રહ્યા હતા. ઝડપી બોલર જોડમાં શિકાર કરે છે, લાગે છે કે નેતાઓ પણ આવું કરે છે!

X
Two people at the top now in the Modi government
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી