મુદ્દો / રાહુલ-કોંગ્રેસે નવા રૂપમાં ઢળવું જરૂરી 

Rahul gandhi & Congress need to embrace the new form

  • દુષ્કાળનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં 100 દિવસની પદયાત્રા યોજીને નવા પ્રયોગની શરૂઆત થઈ શકે 

Divyabhaskar.com

Jun 07, 2019, 07:30 AM IST

રાહુલ ગાંધી હોવું સહેલું નથી. તેઓ ફક્ત વંશ પરંપરાના નેતા નથી, પરંતુ આવી પાંચમી પેઢીના નેતા છે. હવે રાહુલ ગાંધી લોકતાંત્રિક રીતે ચૂંટણીમાં હારની જવાબદારી લઈને રાજીનામું આપવાની રજૂઆત કરે છે તો તેને ગરિમામય રીતે સ્વીકારવાના બદલે કોંગ્રેસે એજ રાગ આલાપ્યો કે, નહેરુ-ગાંધી પરિવાર વિના અમને નહીં ચાલે. ક્યારેય સ્વતંત્રતા આંદોલનની અગ્રણી શક્તિ રહેલી કોંગ્રેસ છેલ્લાં 50 વર્ષથી 'પરિવાર રાજ'ની કેદી બનીને રહી ગઈ છે. શું કોંગ્રેસનું કામ ખરેખર નહેરુ-ગાંધી પરિવાર વિના ના ચાલી શકે? અનેક લોકો આવું કહે છે.

50 વર્ષમાં બે વાર કોંગ્રેસનું નેતૃત્વ નહેરુ-ગાંધી પરિવારની બહારની વ્યક્તિએ કર્યું અને એ બંને કાળ અનિશ્ચિતતાના રહ્યા. નરસિંહ રાવે ભલે 1991-96 વચ્ચે સફળતાપૂર્વક સરકાર ચલાવી, પરંતુ ત્યારે પક્ષનું પતન જ નહીં વિભાજન પણ થયું. આ ઉપરાંત અર્જુન સિંહ અને એન.ડી. તિવારી જેવા નેતા જુદા રસ્તે ચાલવા લાગ્યા. વિડંબના એ હતી કે, તેમણે ગાંધી પરિવાર દ્વારા કથિત દુર્વ્યવહારને એ માટેનું કારણ ગણાવ્યું. રાવ પછી સીતારામ કેસરી પક્ષ પ્રમુખ બન્યા.

તેમનું મહત્ત્વ કામચલાઉ વ્યવસ્થાથી વધુ ન હતું, પરંતુ જે રીતે તેમને રાતોરાત બહાર કઢાયા તે કોઈ તખ્તાપલટથી કમ ન હતું. પછી સોનિયા ગાંધીનું રાજ શરૂ થયું. તેઓ સૌથી લાંબો સમય કોંગ્રેસ અધ્યક્ષા રહ્યા. પરંતુ શું તેમના 19 વર્ષમાં કોંગ્રેસનું નસીબ બદલાયું? હા, કોંગ્રેસને ગઠબંધન યુગમાં લઈ જવાનો શ્રેય તેમને આપી શકાય. આ દરમિયાન સોનિયાએ તેમના વિદેશી મૂળ પર વાંધો ઉઠાવનારા શરદ પવાર જેવા નેતા સાથે પણ ગઠબંધન કર્યું અને એ રીતે ઉચ્ચ હોદ્દા પર સ્થિરતા સુનિશ્ચિત કરી. એક જનનેતા અને મત આકર્ષિત કરવાની પોતાની મર્યાદા તેઓ જાણતા હતા. તે ભરપાઈ કરવાની દિશામાં પણ તેમણે કામ કર્યું. 1999માં પહેલીવાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ કરીને 114 બેઠક જીતવાથી લઈને 2014માં ફક્ત 44 બેઠક જીતવા સુધી, સોનિયા ગાંધી કોંગ્રેસના પતનને રોકી ના શક્યા. અપવાદ ફક્ત 2009નો છે, પરંતુ એ વખતે ત્યાં કોંગ્રેસને ભાજપ દ્વારા વયોવૃદ્ધ નેતા અડવાણીને પ્રોજેક્ટ કરવાની અયોગ્ય રણનીતિનો લાભ મળ્યો. ત્યારે ભારત-અમેરિકા પરમાણુ કરાર પર દૃઢતા બતાવવા બદલ મનમોહન સિંહની છબિને બળ પણ મળ્યું હતું. હકીકત તો એ છે કે, ત્રણ દસકાથી વધુ સમયથી કોંગ્રેસ ક્રમશ: પતનની અવસ્થામાં રહી.

શક્ય છે કે, 1984માં ઈન્દિરા ગાંધીની દુ:ખદ હત્યા ના થઈ હોત તો પક્ષ 1980ના મધ્યમાં જ જમીન ખોઈ નાંખત. વૈચારિક પતન, સંગઠનનો અભાવ, હાઈ કમાન્ડ સંસ્કૃતિ અને ઉત્સાહહીન કાર્યકરો જેવા અનેક પરિબળોએ કોંગ્રેસને નબળી પાડવામાં યોગદાન આપ્યું. આ પતનની સાથે પક્ષ સામે વાજપેયી, અડવાણીના પ્રબળ હિંદુત્વના કારણે વિકસી રહેલો ભાજપ અને મોદી-શાહની અજેય ચૂંટણી મશીનનો પડકાર આવ્યો, જેના કારણે કોંગ્રેસનું પતન વધારે મજબૂતીથી શરૂ થયું.

શું રાહુલ ગાંધી ખરેખર 2014 પછીના પાંચ વર્ષમાં પક્ષને ઉપર લાવવામાં સક્ષમ રહ્યા કે વંશ પરંપરાના કારણે મળેલા સર્વોચ્ચ હોદ્દે બેસીને સમસ્યાનું અંગ જ બની ગયા? કારણ કે, કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં રાહુલ ગાંધીની હાજરીના કારણે જ મોદીનું પ્રચાર મશીન પૂરજોશમાં 'કામદાર વિરુદ્ધ નામદાર'ની ચર્ચા શરૂ કરી શક્યું. કોંગ્રેસનું સંકટ તેમના નેતાઓના કારણે પણ છે. તેઓ ઓળખના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે, જેનો હાલ તેઓ સામનો કરવા નથી માંગતા. કોંગ્રેસ જાણીતા નામો ધરાવતી શક્તિશાળી બ્રાન્ડ છે, પરંતુ દરેક બ્રાન્ડને સમય પ્રમાણે નવું રૂપ આપવું જરૂરી છે.

કોંગ્રેસ એક એવો પક્ષ હતો કે જે વારસાના બદલે યોગ્યતાને અને જન આંદોલનોમાં કાર્યકરોની મહત્તમ ભાગીદારીને પ્રોત્સાહન આપતો હતો. આમ છતાં, શક્ય છે કે ઉચ્ચ હોદ્દે નહેરુ-ગાંધી પરિવારના કોઈ સભ્ય વિના કોંગ્રેસની હાલત વધુ ખરાબ થાય. પરંતુ આપણે એ નહીં ભૂલવું જોઈએ કે, કોંગ્રેસના પતનની આ પ્રક્રિયા ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર, બંગાળમાં મમતા બેનરજી અને આંધ્રમાં જગન રેડ્ડી, એવા સ્થાનિક નેતાઓની યાદી લાંબી છે, જે 'મધર બ્રાન્ડ'માંથી બહાર આવ્યા પછી ફક્ત ટકી ના રહ્યા, પરંતુ ફૂલ્યાફાલ્યા પણ ખરાં. એટલે આ તબક્કે રાહુલ ગાંધીનો રાજીનામું આપવાનો નિર્ણય એટલો પણ ખરાબ નથી. આવું થશે તો તેમને પોતાને અને કોંગ્રેસને પોતાનું રૂપ બદલવાની તક મળશે. તેઓ નહેરુ-ગાંધી પરિવારમાંથી એવા પ્રગતિશીલ સભ્યના રૂપમાં સામે આવશે, જે હોદ્દાનું બલિદાન આપવા તૈયાર છે અને બીજી બાજુ કોંગ્રેસ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સક્ષમ નેતાઓની ઓળખ કરીને તેમને અજમાવી શકે છે. તેઓ મહારાષ્ટ્રથી પ્રયોગની શરૂઆત કરી શકે છે, જે ક્યારેક કોંગ્રેસનો ગઢ હતો.

ઉત્તર પ્રદેશથી વિપરીત મહારાષ્ટ્રમાં પક્ષનું પતન હાલની જ ઘટના છે અને કોંગ્રેસ-એનસીપી પાસે હજુયે 30 ટકાથી વધુ મત છે. ત્યાં ઓક્ટોબરમાં ચૂંટણી થવાની છે અને રાજ્યના અનેક હિસ્સામાં દુકાળ છે. રાહુલ ગાંધી રાજ્યમાં 100 દિવસની પદયાત્રા પર કેમ નથી જતા, જેથી ખેતીના સંકટને પોતાની સાથે જોડીને ઓળખ ઊભી કરી શકે? યાદ રાખો કે, 3500 કિલોમીટરની પદયાત્રા કરીને જ જગન રેડ્ડીએ પોતાની રાજકીય કારકિર્દી બદલી નાંખી છે. શું રાહુલ આવું કરીને કોંગ્રેસને પુન:જીવિત કરવાનો પડકાર ઝીલી શકે છે કે તેઓ અસમંજસના શિકાર શેક્સપિયરના નાયક બનીને કોંગ્રેસની મુશ્કેલીઓને ઓર વધારશે?

અને છેલ્લે: કોંગ્રેસની હારના એક દિવસ પછી પક્ષના એક વરિષ્ઠ નેતાએ અંગત વાતચીતમાં સ્વીકાર્યું હતું કે, મોદીના પડકારનો સામનો કરવામાં રાહુલ નિષ્ફળ રહ્યા, જે માટે વધુ સુનિયોજિત વ્યૂહરચના ઘડવાની જરૂર હતી. એ પછીના દિવસે તેઓ એ નેતાઓની હરોળમાં સૌથી આગળ હતા, જે રાહુલને રાજીનામું નહીં આપવાનું કહી રહ્યા હતા.

X
Rahul gandhi & Congress need to embrace the new form
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી