મહારાષ્ટ્ર / ભાજપના ડરમાંથી સર્જાયો 'પવાર પાવર'

'Pawar Power' created out of fear of BJP

  • વ્યક્તિગત અને રાજકીય મતભેદોથી ઉપર રહેલા એનસીપી અધ્યક્ષે ક્યારેય વિચારધારાનો બોજ નથી ઉઠાવ્યો

Divyabhaskar.com

Dec 06, 2019, 08:04 AM IST
ભારતીય રાજકારણમાં બહુ ઓછા નેતા શરદ પવાર જેટલા રહસ્યમય હશે. મુંબઈમાં એક જૂની રાજકીય કહેવત છે કે, 'પવાર જે વિચારે છે, જે કહે છે અને જે કરે છે, તે ત્રણેય એકબીજાથી બિલકુલ અલગ હોય છે.' એટલે આજે પણ કોઈ એ નથી કહી શકતું કે, ગયા મહિને મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય નાટકમાં પવારની વાસ્તવિક ભૂમિકા શું હતી? શું એનસીપી પ્રમુખને ખરેખર એ વાતની જાણકારી ન હતી કે તેમના ભત્રીજા અજિત પવાર ભાજપ સાથે શું વાત કરતા હતા? કે પછી તેઓ એક સારા રાજકીય સોદા માટે બંને જૂથ સાથે ખેલ ખેલી રહ્યા હતા? સંપૂર્ણ સત્ય ભાગ્યે જ સામે આવશે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે 80માં વર્ષમાં પ્રવેશેલા પવાર મહારાષ્ટ્રની શતરંજના અસલી ખેલાડી સાબિત થયા છે. કેટલાક મહિના પહેલા સુધી પવાર એક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.
તેમના પક્ષના એક ડઝનથી વધુ નેતા અને એક સાંસદ ચૂંટણી પહેલા પક્ષપલટો કરી ચૂક્યા હતા અને તેમના પરિવારમાં પણ તિરાડ હતી. આ ઉપરાંત ઈડીની ચાર્જશીટમાં પણ તેમનું નામ હતું. આ દેવેન્દ્ર ફડણવીસની સૌથી મોટી ભૂલ હતી. તેનાથી મહારાષ્ટ્રના રાજકારણના સૌથી વૃદ્ધ પ્રાદેશિક નેતા અને એક ઊભરતા સિતારા વચ્ચે ખુલ્લી લડાઈ છેડાઈ ગઈ. હકીકત એ છે કે, પવાર ક્યારેય રાજ્યવ્યાપી નેતા નથી રહ્યા, જેવા મીડિયાએ તેમને પ્રચારિત કર્યા છે. તેમનો આધાર પશ્ચિમ મહારાષ્ટ્ર સુધી સીમિત હતો અને મરાઠા પર તેમનું નિયંત્રણ હતું. તેઓ ક્યારેય એનસીપી કે કોંગ્રેસમાં બહુમતી લાવનારા નેતા નથી રહ્યા.
પવારે ચૂંટણી પછી ગઠબંધનો કે તૂટીને આવતા જૂથો મારફતે જ રાજ્યમાં જગ્યા સ્થાપિત કરી હતી. તેમણે ક્યારેય મહારાષ્ટ્ર બહાર પણ પ્રભાવ નથી વધાર્યો. વડાપ્રધાન બનવાના તેમના તમામ પ્રયાસ દિલ્હી દરબારની જટિલ રાજકીય ગલીઓમાં નાકામ થઈ ગયા. આમ છતાં, તેઓ થાક્યા વિના મજબૂત અને ચાલાક રાજકીય સોદાબાજ તરીકે જળવાઈ રહ્યા. તેમનો સિદ્ધાંત રહ્યો છે કે, 'રાજકારણમાં ના તો ક્યારેય સ્થાયી મિત્ર હોય છે, ના તો સ્થાયી દુશ્મન, પરંતુ હિત હંમેશા સ્થાયી હોય છે.' આ જ કારણથી તમામ પક્ષમાં તેમના મિત્રો અને સાથીદારોનું મોટું નેટવર્ક છે. 2015માં જ્યારે તેઓ 75 વર્ષના થયા, એ પ્રસંગે આયોજિત સમારંભમાં નરેન્દ્ર મોદીથી લઈને સોનિયા ગાંધી સુધીના દિગ્ગજ નેતાઓ હાજર હતા.
વ્યક્તિગત અને રાજકીય મતભેદોથી ઉપર રહેવાની તેમની ક્ષમતાના કારણે વર્ષોથી 'પવાર પાવર' જળવાઈ રહ્યો છે. તેઓ ગઠબંધન યુગના અસલી નેતા છે. 1978માં તેમની પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રંટ (પીડીએફ)ના નેતૃત્વવાળી સરકારમાં જનસંઘ અને સોશિયાલિસ્ટ એક જ બેનર નીચે હતા. એ પ્રયોગ બે વર્ષ ચાલ્યો, પરંતુ તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે, પવાર એક એવા નેતા છે જેમણે ઊંડી વિચારધારાનો બોજ ક્યારેય નથી ઉઠાવ્યો. શિવસેના સાથે રાજકીય હરીફાઈ છતાં તેમણે ક્યારેય એક હદથી વધુ બાળ ઠાકરેને લક્ષ્યાંક નથી બનાવ્યા. પરસ્પરના સન્માન કે સુવિધાનું પવાર-ઠાકરે રાજકીય સમીકરણ મહારાષ્ટ્રની ઓળખ રહ્યું છે. તે ક્યારેય બંગાળ કે તમિલનાડુ જેવું નથી રહ્યું, જ્યાં રાજકીય લડાઈ વ્યક્તિગત સ્તરે પહોંચી જાય છે.
મોદી, અમિત શાહ અને ફડણવીસના કટ્ટર હરીફાઈના રાજકારણે મહારાષ્ટ્રમાં અપેક્ષા પ્રમાણે સ્થાયી ઈકો-સિસ્ટમ હલાવી દીધી છે. રાજકીય હરીફો પર ભ્રષ્ટાચારના આરોપો અને એફઆઈઆરના કારણે ત્યાંના રાજકીય વર્ગમાં ડરનો માહોલ સર્જાયો હતો. જે લોકો ભાજપમાં આવી ગયા તેમને 'સુરક્ષા'નું આશ્વાસન મળી ગયું અને જે ના આવ્યા તેમને ઈડીના અધિકારીઓએ નિશાન બનાવવાનું શરૂ કર્યું. તેનાથી ભાજપની લાંબા સમયથી સાથીદાર રહેલી શિવસેનાને પણ લાગવા માંડ્યું કે, તેમને ખતમ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. જેવી રીતે શાહના 'કોંગ્રેસમુક્ત ભારત'ના નારાથી કોંગ્રેસ હલી ગઈ હતી.
બસ, આ જ ડરનો ઉપયોગ કરીને પવાર એક રીતે એ પ્રોજેક્ટ પૂરો કરવામાં સફળ રહ્યા, જે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો પછી અશક્ય લાગતો હતો. તે 'મોદીત્વ'નો વિરોધ ન હતો, પરંતુ મોદી, અમિત શાહ અને ફડણવીસની ત્રિપૂટીને ડર હતો કે, ત્રણેય પક્ષ એક થઈ જશે, જેમાં ભાગ્યે જ કશું સમાન છે, સિવાય કે તે ત્રણેયને પોતાનું અસ્તિત્વ બચાવવાની જરૂર હતી. આ ગઠબંધનનું ભવિષ્ય ભલે અનિશ્ચિત હોય, પરંતુ તેણે સ્થાનિક પક્ષોને ભાજપના પ્રભાવ વિરુદ્ધ એક આઈડિયા જરૂર આપી દીધો છે. વડાપ્રધાન ભલે કો-ઓપરેટિવ સંઘવાદની વાત કરતા હોય, પરંતુ સાચું એ છે કે ભાજપે સ્થાનિક શક્તિઓને નબળી પાડવામાં કોઈ કસર નથી છોડી, જેનાથી તેના ગઠબંધન તૂટી ગયા છે. પહેલા તેલુગુ દેશમ અને હવે શિવસેના સાથે આવું થયું. હવે જદ(યુ)નો વારો પણ આવી શકે.
ભાજપ એવો દાવો કરી શકે છે કે, મહારાષ્ટ્રની ચૂંટણી નરેન્દ્ર-દેવેન્દ્રના ડબલ એન્જિનના મુદ્દે લડાઈ અને ચૂંટણી પરિણામ પછી પક્ષ બદલીને શિવસેનાએ વિશ્વાસઘાત કર્યો. સવાલ એ છે કે, તેમને પોતાના જૂના સાથીદાર સાથે સત્તાની ભાગીદારી કરવાની વાત કરતા કોણે રોક્યા હતા? મોદીનો ઉદ્ધવ ઠાકરેને એક ફોન કે અમિત શાહની ઠાકરે નિવાસની મુલાકાતથી સ્થિતિ બદલાઈ શકતી હતી. એ બરાબર છે કે, શિવસેના મુખ્યમંત્રી પદ મેળવવા આતુર હતી, પરંતુ તેનું કારણ ભાજપ દ્વારા પાંચ વર્ષ સુધી તેને સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલી દેવાય એ હતું.
ભાજપના 'બંને નેતા'ને રાજકારણના ચાણક્યના રૂપમાં જોવાય છે, પરંતુ નાના પક્ષોને ડરાવવા-ધમકાવવા ચાણક્યનીતિ નથી. કોઈ સાથીદારના અહંકારને શાંત કરવા કંઈક લેણદેણ કરીને સમાયોજિત કરવાની જરૂરિયાત હોય છે. રાજકીય હરીફોને કચડવા માટે સત્તાનો દુરુપયોગ કરવાથી શંકા અને દુશ્મની સર્જાય છે. મોદી-શાહને પવાર પાસેથી શીખવું જોઈએ કે, વાસ્તવિક રાજકારણ ફક્ત છડી (દમન)થી નહીં, પરંતુ ક્યારેક ગાજર (લાલચ)થી પણ થાય છે.
ફરી એકવાર: મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મેં પવારને પૂછ્યું હતું કે, શું તેમણે ક્યારેય સંન્યાસ લેવા વિશે વિચાર્યું છે? તેમનો જવાબ હતો- 'હજુ તો હું જવાન છું.' આ કહાનીનો બોધપાઠ એટલો જ છે કે, રાજકારણમાં સત્તાની ખુશ્બુ જ યુવાન રહેવાનું શાશ્વત અમૃત છે. (આ વિચારો લેખકના છે.)
X
'Pawar Power' created out of fear of BJP
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી