રાજકારણ / હિન્દુત્વથી આગળ નવી ફોર્મ્યુલા અંગે મોદી વિચારે

Modi thinks of a new formula beyond Hinduism

  • શિવસેનાથી અલગ થવું એ તકવાદ હોઈ શકે પણ સરકાર સમક્ષ સાથીઓને જોડાયેલા રાખવાનો પડકાર

Divyabhaskar.com

Nov 22, 2019, 07:44 AM IST
આવિડંબણા છે કે ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તે અયોધ્યા અંગેનો સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યો ને તેના થોડા દિવસમાં જ શિવસેનાએ ભાજપ સાથેનું જોડાણ તોડી નાંખ્યું. રામ જન્મભૂમિ આંદોલન તેની ચરમસીમાએ હતું ત્યારથી થયેલું આ જોડાણ વાસ્તવમાં હિન્દુત્વનું અસલી જોડાણ હતું. તે બંનેના હિતમાં હતું. ભાજપ રથયાત્રાની લહેર પર સવાર થઈને 1984ના કારમા પરાજયમાંથી ઊગરી અને દિલ્હીમાં સત્તા સુધી પહોંચ્યું. જ્યારે શિવસેના અયોધ્યાકાંડ પછી 1992-93માં મુંબઈમાં થયેલા તોફાનો દરમ્યાન હિન્દુઓના રક્ષક તરીકે સ્થાપિત થઈ ગઈ. સેના સુપ્રીમો બાળઠાકરે બાબરીધ્વંસ પછી જાહેરમાં એવું કહ્યું હતું કે તેમને તેમના બાળકો પર ગર્વ છે. એટલું જ નહીં તેમણે તેમના પક્ષને તેમાં જોડવા અંગે કોઈ જાતનું રંજ પણ દર્શાવ્યો નહતો. બાબરીધ્વંસના કૃત્ય અને ત્યારપછી થયેલી હિંસા વિના આ બે પક્ષમાંથી ભાગ્યે જ કોઈ દિલ્હી કે મુંબઈમાં સત્તા પર ગંભીર દાવો કરી શક્યો હોત.
તો શું આ જોડાણ તૂટવાથી ઉગ્ર હિન્દુત્વના રાજકારણનો અંત આવી જશે અથવા ફરી એ વાત સાબિત કરવાનો પ્રયાસ થશે કે તકવાદ જ રાજકારણમાં સૌથી સફળ વાદ છે? માત્ર છ મહિના પહેલા ભાજપે ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી અને તેમના રાષ્ટ્રવાદ, બહુમતીઓ અને કલ્યાણવાદના ત્રિશૂળ પર સવાર થઈને ભારે બહુમતી મેળવી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના જોડાણને 48માંથી 41 લોકસભાની બેઠક મળી હતી.
તેને વિધાનસભાની 230 બેઠક પર બહુમતી મળી હતી. જો તેઓ વિધાનસભા ચૂંટણીમાં તેમના આ દેખાવનું પુનરાવર્તન કરી શક્યા નથી તો તેનો અર્થ એ છે કે રાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા ઘણીવાર રાષ્ટ્રીય એજન્ડા પર ભારે પડે છે. ઉદાહરણ તરીકે અયોધ્યાના મંદિર-મસ્જિદના વિવાદને લઈએ. કદાચ ભાજપના પ્રતિબધ્ધ મતદાતાને તેણે પ્રેરિત કર્યા પણ તેનો સૂર સામાજિક અને પ્રાદેશિક સ્તરે હંમેશા સીમિત રહ્યો અને તે સમય આધારિત પણ રહ્યો. તેણે પ્રારંભમાં ભાજપને 20 ટકાથી વધુની પાર્ટી બનાવી. પરંતુ દેશની સૌથી અસરકારક પાર્ટી તરીકે તે છેલ્લા પાંચ વર્ષમાં જ સ્થાપિત થઈ. 2009ની ચૂંટણીમાં ભાજપને 18 ટકા વોટ મળ્યા હતા. પરંતુ એક દાયકામાં તે બમણા થઈ 37 ટકા થઈ ગયા. તેનું મુખ્ય કારણ કોંગ્રેસનો પરાજય અને મોદી નંબર-1 નેતા તરીકે ઊભર્યા તે છે.
ભાજપના વોટમાં આ વધારો રામમંદિર, 370 કે કોમન સિવિલકોડના કારણે નહીં પણ જેનું કારણ મોદીના નેતૃત્ત્વથી લોકોમાં આશા અને રાષ્ટ્રીય વિકલ્પો તરફ વધેલી નિરાશા છે. મોદીયુગમાં ભાજપે બંને રથો પર સવારી કરવાનો પ્રયાસ કર્યો તેમાં પ્રથમ રથ વિકાસનો અને બીજો હિન્દુત્વનો છે. અટલબિહારી વાજપેયીએ વિવાદિત મુદ્દે સંમતિનો પ્રયાસ કર્યો ત્યાં મોદી અને અમિત શાહ આ પ્રકારનું કોઈ દબાણ અનુભવી રહ્યા નથી.
મોદી-2ના છ મહિનાની અંદર જ સરકારે કલમ - 370 હટાવી દીધી, વિવાદિત સ્થળે રામમંદિર નિર્માણ માટે મંજૂરી મેળવી લીધી અને ત્રિપલ તલાકને ગુનાહિત કૃત્ય બનાવીને કોમન સિવિલ કોડ તરફ એક સંભવિત પગલું ભર્યું. અન્ય અેક સુધારો નાગરિકત્વ ધારા અંગેનો પણ છે. એક ભગવાધારી સંતને દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યના મુખ્યમંત્રી બનાવી ખુલ્લેઆમ ધાર્મિકતાનું વિસ્તરણ કરવામાં સરકારી શક્તિનો ઉપયોગ કરી મોદી-શાહની જોડીએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે હવે ભારતની હિન્દુ ઓળખ પ્રભાવશાળી રીતે દરેક સ્તર પર મુખ્ય પ્રવાહમાં છે. રાષ્ટ્રવાદનો રથ તો કોઈપણ અડચણ વિના આગળ વધી રહ્યો છે પણ વિકાસનો રથ ધીમો પડવાની સાથે ખોરંભે છે.
થોડા મહિના પહેલા જણાવાયું હતું કે ફાઈવ ટ્રિલિયન અર્થતંત્રનું સપનું ખોડંગાતી વૃદ્ધિ, રોજગાર સંકટ, તનાવપૂર્ણ બેંકિંગ સિસ્ટમ અને રોકાણકારોમાં આત્મવિશ્વાસની તકથી ફસાયેલું નજરે પડે છે. સમસ્યાનો સ્વીકાર કરવાને બદલે મોદી સરકારે અર્થતંત્રને પણ તેમના રાજકીય એજન્ડાની જેમ જ લેવાનું શરૂ કર્યું છે. એટલે કે સંસ્થાઓની દંભપૂર્ણ ઉપેક્ષાની જેમ આથી જ્યારે એનએસઓના લીક થયેલા ડેટામાં ગ્રામીણક્ષેત્રમાં ગ્રાહકખર્ચમાં ઘડાટાના ગંભીર આંકડા સામે આવ્યા તો તેની પ્રતિક્રિયામાં સંપૂર્ણ ડેટા શાંતિથી એક ખૂણામાં મૂકી દીધા.આ કારણે મોદી સરકાર અર્થતંત્રને પાટે ચડાવવા માટે કામે લાગવાના બદલે વારંવાર પોતાના રાજકીય એજન્ડાની શરણમાં પહોંચી જાય છે. રાજકારણમાં એક ચતુર હેડલાઈન મેનેજમેન્ટની તક હોય છે અને લોકોને તે ભાવનાત્મક રીતે વ્યસ્ત રાખે છે. એક દિવસ કલમ-370, બીજા દિવસે અયોધ્યાથી મોદી સરકારની છબી મેનેજ કરનારા લોકોને આશા છે કે વોટ એક સ્થાયી ઉત્સાહમાં છે તેનાથી ધ્રુવીકરણ તો થાય છે પણ તે પ્રભાવ પણ ફેંકે છે. સરકારી સૂત્રોનું માનીએ તો એક વિશાળ રામમંદિરનું નિર્માણ પણ એટલો જ પ્રભાવી મુદ્દો છે.
આગામી વર્ષે રામનવમીની આસપાસ રામમંદિરના શિલાન્યાસની યોજના છે. ત્યારપછી મંદિર નિર્માણના પવિત્ર કાર્યમાં લોકોની ભાગીદારી વધારવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન થશે. જે 2022માં યોજાનારી ઉત્તરપ્રદેશની ચૂંટણી પહેલાં ખરેખર નિર્માણ શરૂ થશે ત્યાં સુધી ચાલશે. અનુમાન એ છે કે રામભક્તિમાં મતદાર એટલા ડૂબી જશે કે તેઓ રોટીની પરવાહ નહીં કરે. ધાર્મિક રાષ્ટ્રવાદના રાજકારણની આ પોતાની મર્યાદા છે. કાશ્મીરના અત્યારના ઘટનાક્રમને કારણે મોદી સરકારની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચ્યું છે. શિવસેનાનો વિદ્રોહ તકવાદી હોઈ શકે છે પણ એનાથી સ્પષ્ટ છે કે માત્ર હિન્દુત્વ જ સાથે રાખવા માટે પૂરતું નથી અને આર્થિક સંકટ પણ અસરકારક સૂત્રો પાછળ વધુ સમય સુધી છુપાઈ શકશે નહીં. આ પરિસ્થિતિમાં મોદી સરકારે જલ્દીથી પોતાના સાથીઓ અને ડગમગતા મતદારોને જોડી રાખવા માટે એક નવી ફોર્મ્યુલાની જરૂર છે.
ફરી એકવાર : સંસદના શિયાળુસત્રના પ્રથમ દિવસે શિવસેનાએ ખેડૂતોના મુદ્દે વોકઆઉટ કર્યો. પાછલી બેઠક પર બેસનારા શિવસેનાના સાંસદો કહી રહ્યા હતા કે પહેલાં ખેડૂત પછી ભગવાન રામ. સ્પષ્ટ છે કે સમય બદલાઈ ગયો છે.
X
Modi thinks of a new formula beyond Hinduism
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી