મુદ્દો / સંસદમાં અસહજતા અનુભવતું લોકતંત્ર

Democracy in the Parliament

Divyabhaskar.com

Jun 21, 2019, 09:30 AM IST

17મી લોકસભાના પહેલા દિવસે સેન્ટ્રલ હૉલમાં ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે સાંસદ તરીકે શપથ લીધા પછી એક વિપક્ષી સાંસદે ખેદભર્યા અવાજમાં કહ્યું કે, ‘એવું લાગે છે કે મોદી સરકાર માટે આ દસ વર્ષનો જનાદેશ છે.’ આશ્ચર્ય નથી કે સાંસદના અવાજમાં હતાશા હતી. વિપક્ષની બેન્ચ સૂમસામ હતી અને અનેક પરિચિત ચહેરા પર નિરાશા હતી. જો લોકસભા આપણાં ગણરાજ્યનો અરીસો છે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આપણે એકધ્રૂવીય ભારતમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જ્યાં વૈવિધ્યની જગ્યા ભગવો રાજકારણ લઈ રહ્યું છે. ભારતના સંસદીય ઈતિહાસમાં કદાચ ભાગ્યે જ વિપક્ષ આટલો દયનીય લાગી રહ્યો છે. 1984માં પણ નહીં, જ્યારે રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને મોદી કરતાં પણ મોટો જનાદેશ મળ્યો હતો. ત્યારે સંસદમાં અને બહાર પણ વાજપેયી, અડવાણી, ફર્નાન્ડિસ, ચંદ્રશેખર જેવા વિપક્ષી નેતાઓએ બુલંદ રીતે અવાજ ઉઠાવ્યો હતો.
ભાજપમાં પણ સંઘના નેટવર્કના કારણે લચીલાપણું હતું, જ્યારે ડાબેરીઓમાં આંદોલનનું જોશ હતું. એન.ટી. રામારાવ અને હેગડે જેવા સ્થાનિક નેતાઓને પણ ના ભૂલી શકાય, જેમણે રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને મજા ચખાડી હતી. નહેરુ અને ઈન્દિરા યુગમાં પણ આ‌વા વિપક્ષી નેતાઓ હતા, જે વિરોધમાં ચર્ચા-વિમર્શ ઊભો કરી શકતા હતા. આજના વિપક્ષની તુલના કરો. પાર્ટી અધ્યક્ષતા છોડવાના રાહુલના નિર્ણયે ખાલી સ્થાન ભરી લીધું છે, જેને આંતરિક ઊથલપાથલ વિના ભરવું મુશ્કેલ હતું. લોકસભામાં પક્ષ પાસે રાષ્ટ્રીય ઓળખ ધરાવતા દિગ્ગજ નેતાઓનો અભાવ છે, જ્યારે રાજ્યસભામાં આશ્વસ્ત લાગતી મનમોહન સિંહની શાંત છબિની ગેરહાજરી પણ ખટકશે. અન્ય વિપક્ષો પણ એટલા જ અનિશ્ચિત છે. આંદોલનકારી ડાબેરીઓ હવે ત્રણ સાંસદ પૂરતા સીમિત છે. તૃણમૂલ હજુ ભાજપ દ્વારા તેના કિલ્લામાં ઘૂસણખોરી કર્યાના આઘાતમાંથી બહાર આવી રહી છે. તેનાં નેતા મમતામાં ચિંતાના લક્ષણો દેખાઈ રહ્યાં છે. બસપા-સપા ગઠબંધન કોઈ વૈકલ્પિક શક્તિ બનતા પહેલાં જ તૂટી ગયું છે. સ્થાનિક પક્ષો જેવા કે YSR, કે ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને નવીન પટનાયકનું બીજુ જનતાદળ રાજ્યનાં હિતો માટે કેન્દ્ર સાથે સોદાબાજી કરવાની તક શોધી રહ્યા છે. આ બધાં કારણથી 17મી લોકસભા ‘વિપક્ષમુક્ત’ સંસદ જુએ છે, જેમાં સત્તાધારી પક્ષ અને તેના દબંગ નેતા જ ‘સબ કુછ’ છે. કેબિનેટ મંત્રીઓની પસંદગી કરીને વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા છે કે તેઓ શાસનની સંસદીય પ્રણાલી પર રાષ્ટ્રપતિ પ્રણાલી જેવા ચીફ એક્ઝિ. મોડલ થોપવા ઈચ્છે છે. સરકાર અને તેની બહાર કોઈ દેખાતું નથી, જે હાલની સત્તાને પડકારી શકે. કોઈ મંત્રી પાસે એવી અપેક્ષા ના રાખી શકાય કે વડાપ્રધાન કાર્યાલયથી આવેલા ફરમાન સામે સવાલ ઉઠાવે, ત્યારે પણ નહીં જ્યારે શરૂઆતમાં સરકારે ‘અધિકૃત રીતે’ નંબર 2 રાજનાથ સિંહને મહત્ત્વની સમિતિઓમાંથી બહાર રાખ્યા હોય. ત્યાં સુધી કે મહત્ત્વનાં મંત્રાલય ન આપવાથી બેચેન નીતીશકુમારનું જનતા દળ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે મૌન રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. વિપક્ષમુક્ત સંસદ કદાચ ઊંડા લોકતાંત્રિક સંકટનું લક્ષણ છે. જેવું 2009ના ચૂંટણી અભિયાનમાં દેખાયું હતું, જેમાં મીડિયાનો એક મોટો વર્ગ અરીસો બતાવવામાં નાકામ રહ્યો હતો. તેમાંથી અનેક એટલા ડરપોક અને સમાધાનકારી દેખાયા કે સત્તાને સાચું કહેવાની પ્રાથમિક જવાબદારી પણ ના નિભાવી શક્યા. કેટલાક લોકોને બંધારણીય નિષ્ઠા સુરક્ષિત રાખવા ન્યાયતંત્ર જ છેલ્લો સહારો લાગે છે, પરંતુ આજકાલ તેની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ છેે. કેન્દ્રીય નિર્ણય પ્રક્રિયાના આ સુપ્રીમ લીડર દ્વારા ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ના હાનિકારક પ્રભાવ 16મી લોકસભામાં જ અનુભવાયા હતા. એ વખતે બજેટ કોઈ ચર્ચા વિના જ પસાર થઈ ગયું હતું, આધાર જેવું મહત્ત્વનું બિલ નાણાંબિલની જેમ પસાર કરી દેવાયું, જ્યારે મંત્રીઓને પણ તેમના વિભાગના મહત્ત્વના મુદ્દે અંધારામાં રખાયા અને જ્યારે નોટબંધી જેવા મુદ્દે વિપક્ષ એક પણ લાંબુ આંદોલન ના છેડી શક્યા, ત્યારે બંધારણીય લોકતંત્ર ખરેખર અસહજતા અનુભવી રહ્યું હતું.
હવે પત્રકારો પર હુમલા થઈ રહ્યા છે ત્યારે તેમને જેલ મોકલાઈ રહ્યા છે, જ્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વસતી આધારિત ફેરફારના પરોક્ષ પ્રયાસ થઈ રહ્યા છે, જ્યારે અર્થતંત્ર ખોડંગાઈ ગયું છે તો કોણ લાલ ઝંડી બતાવશે? ભાજપ ધીમે ધીમે ઉપલા ગૃહમાં બહુમતી તરફ આગળ વધ્યું હોવાથી આવતા વર્ષ સુધી બદલાઈ જશે. આ સ્થિતિમાં સત્તાના સંભવિત દુરુપયોગ વિરુદ્ધ પડકાર કોણ ફેંકશે? રાજીવ ગાંધીના કાર્યકાળમાં આ પડકાર સરકારની અંદરથી આવ્યો હતો, જ્યારે 1987માં વી. પી. સિંહે વિદ્રોહનો ઝંડો ઉઠાવી લીધો હતો. 1971માં ઈન્દિરા ગાંધીની એકતરફી જીત પછી પહેલાં મોંઘવારીને લઈને પ્રજામાં વધી રહેલી બેચેનીથી વિપક્ષને થોડી તાકાત મળી અને પછી કટોકટી લાગુ થવાથી વિપક્ષ એકજૂટ આંદોલનમાં વ્યસ્ત થઈ ગયા.મોદી-2 તો ઈન્દિરા કાળથી પણ વધુ શક્તિશાળી છે અને વિપક્ષે પણ વિશ્વાસ ગુમાવી દીધો છે. સરકારી નીતિઓ સામે સવાલ-જવાબ હવે સિવિલ સોસાયટીએ કરવા જોઈએ. પછી ભલે તેમાં તેમના પર ‘રાષ્ટ્રવિરોધી’ લેબલ લગાડવાનું જોખમ હોય. આર્થિક પડકારો હોય કે બંધારણ સાથે છેડછાડના પ્રયાસ, સ્વતંત્ર અવાજ ઉઠાવવા જ પડશે અથવા બહુ લાંબા સમય સુધી ચૂપ રહેવાનું જોખમ ઉઠાવવું પડશે.
ફરીથી: 17મી લોકસભાના પહેલા દિવસે PM મોદીએ વિપક્ષને કહ્યું કે તેઓ પોતાની ઓછી સંખ્યા ભૂલીને સંસદમાં સ્વતંત્રતાથી પોતાની વાત કરે. એ બહુ જ સારા રાજનીતિજ્ઞ જેવી વાત હતી, પરંતુ જેવું એક વિપક્ષી સભ્યે કહ્યું કે મોદી દરેક સત્રની શરૂઆતમાં આવી સારી સારી વાતો જ કરે છે. શું વડાપ્રધાન આ વખતે પોતે બતાવેલા માર્ગ પર ચાલશે કે સંસદ પણ ગુજરાત વિધાનસભા જેવી થઈ જશે, જેવી મોદી મુખ્યમંત્રી હતા એ કાળમાં હતી? ફક્ત એક ઔપચારિકતા.

X
Democracy in the Parliament
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી