રાજકારણ / દેશ નહીં, હાલ દિલ્હી પૂરતા બરાબર છે કેજરીવાલ

Delhi is enough for Kejriwal, not the country

  • સ્થાનિક ચહેરાઓને આગળ લાવવા પ્રત્યે ‘આપ’ પ્રમુખની અનિચ્છાના કારણે રાજ્યોમાં સંગઠન બનાવવું પડકાર

Divyabhaskar.com

Feb 14, 2020, 07:54 AM IST
અરવિંદ કેજરીવાલના ઉદયને ભારતીય રાજનીતિમાં છેલ્લા દાયકાનો સ્ટાર્ટ અપ કહી શકાય છે, જેવી રીતે નરેન્દ્ર મોદી આ સમયગાળાની સૌથી મોટી બ્રાન્ડ ક્રાંતિ છે. બંનેની ખાસ સ્ટોરી છે, જે મધ્યમ વર્ગ અને આકાંક્ષી ભારતને લલચાવે છે. એક આઈઆઈટીમાંથી ભણેલા ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા કેજરીવાલે દેશની રાજકીય સંસ્કૃતિને બદલવાના વચન સાથે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, આરએસએસના પ્રચારક રહેલા મોદીએ નેહરુવાદી સંસ્થાઓને બદલવાનું વચન આપ્યું છે. પોતાના સમર્થકો માટે બંને જુદી-જુદી રીતે આશા અને પરિવર્તનના પ્રતીક છે. આમ આદમી પાર્ટીના નેતા સામાજિક રીતે વધુ જાગૃત અને સમતાવાદી ભારતના સ્વપ્નોને પ્રદર્શિત કરે છે. જ્યારે મોદી હિન્દુત્વની રાજનીતિના ધ્વજવાહક છે, જેમાં ધાર્મિક અને રાષ્ટ્રવાદી ઉત્સાહ નવા ભારતના વિઝનનું મૂળ છે. બંને નેતા લોકપ્રિય અને કલ્યાણકારી શાસન આપે છે અને તેઓ પોત-પોતાની પાર્ટીઓમાં એકાધિકારવાદી છે.
એટલા માટે જ કેજરીવાલના દિલ્હીમાં ફરીથી વિજય પછી એ સવાલ વારંવાર પુછવામાં આવી રહ્યો છે કે, શું તેઓ ભવિષ્યમાં વડાપ્રધાન મોદીને પડકાર આપી શકશે? તેનો નાનકડો જવાબ ‘હા’ અને ‘ના’ છે. લાંબા જવાબ માટે ભારતીય ચૂંટણીલક્ષી રાજનીતિના વિસ્તૃત વિશ્લેષણની જરૂર છે. દિલ્હી વિધાનસભા અને ગયા વર્ષે લોકસભા ચૂંટણીના પરિણામોમાં મોટો વિરોધાભાસ સ્પષ્ટ થઈ ગયો છે કે, મતદારો હવે રાજ્ય અને દેશની ચૂંટણીમાં અંતર કરવા લાગ્યા છે. લોકસભા ચૂંટણી નેતૃત્વના મુદ્દે હતી અને મોદી આ સવાલને સારી રીતે ઉઠાવવામાં સફળ રહ્યા હતા કે, મોદીની સામે કોણ? તેનાથી વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી સ્થાનિક મુદ્દા પર લડાય છે અને જરૂરી સુવિધાઓની સ્થિતિ નિર્ણાયક હોય છે. કેજરીવાલે વીજળી-પાણી, સ્કૂલ-મહોલ્લા ક્લનિક દ્વારા લોકોને આકર્ષિત કરવામાં વધુ સફળ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં બાલાકોટ પછી જન્મેલા રાષ્ટ્રવાદે જિંદગીની રોજિંદી જરૂરિયાતોને નગણ્ય બનાવી હતી.
લોકસભામાં મોદીની જેમ જ રાજ્ય સ્તરે કોઈ હરીફ ન હોવાના કારણે કેજરીવાલનું કામ વધુ સરળ થઈ ગયું. સાથે જ કેજરીવાલે ચતુર પ્રચાર અભિયાન ચલાવીને સરકારની દરેક યોજના સાથે ખુદને જોડ્યા છે. તેનાથી કેજરીવાલ દિલ્હીનો એક વિશ્વસનીય ચહેરો બની ગયા હતા. જોકે, તેણે તેમની બ્રાન્ડ વેલ્યુને સાત લોકસભા સીટવાળી દિલ્હી સુધી જ મર્યાદિત કરી દીધી છે. ઉદાહરણ માટે શિવસેનાએ અનેક દાયકા સુધી સ્થાનિક સ્તરે કામ કરવાની ભૂમિકા નિભાવી છે. તેના શાખા પ્રમુખોનું નેટવર્ક એક ક્ષેત્રે સંપર્ક સ્થાપિત કરવામાં સક્ષમ હતું, જેણે પૈસાવાળા બૃહદ મુંબઈ નગર નિગમમાં પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો. શું કેજરીવાલ પોતાના શિક્ષણ-આરોગ્ય મેડલથી ભ્રષ્ટાચારમાં ડૂબેલી બીએમસીનો કોઈ વિકલ્પ આપી શકે છે?
‘આપ’ની મર્યાદા 2017માં ગોવા અને પંજાબમાં જોવા મળી ચુકી છે, જ્યાં પાર્ટીએ વિસ્તારનો પ્રયાસ કર્યો હતો. પંજાબમાં શરૂઆતમાં પાર્ટીના ભ્રષ્ટાચાર વિરોધી એજન્ડાને તો સમર્થન મળ્યું, પરંતુ ત્યાર પછી કોઈ સ્થાનિક શીખ નેતૃત્વને ઓળખવા અને તેને અધિકાર આપવામાં પાર્ટીની અક્ષમતાના કારણે તે લીડ મેળવી શકી નહીં. પંચાયત સંચાલિત ગ્રામ્ય સમિતિઓ ધરાવતા ગોવામાં પણ ‘આપ’ને એક બહારની પાર્ટી તરીકે જ જોવામાં આવી હતી.
‘આપ’એ ખુદને દિલ્હીના એક મુખ્ય રાજકીય પક્ષ તરીકે સ્થાપિત કરી દીધો છે તો શું તે ખરેખર મુખ્યધારાની રાજનીતિથી નિરાશ થઈ ચુકેલા લોકો માટે રાષ્ટ્રીય સ્તરે એક આકર્ષક વિકલ્પ બની શકે છે? ‘આપ’ના વિજયી થયેલા ધારાસભ્યોમાં અનેક યુવાન અને ચમકદાર ચહેરા છે, પરંતુ તેમાં પણ અનેક પક્ષપલટુ અને પૈસાદાર પણ છે. ચૂંટણીલક્ષી રાજકારણની વાસ્તવિક્તાઓએ અન્ના આંદોલનના આદર્શવાદને સમાપ્ત કરી દીધો છે. પાર્ટીમાં બીજા ક્રમના નેતૃત્વને આગળ લાવવા પ્રત્યે કેજરીવાલની અ્નિચ્છાએ ‘આપ’ પર અન્ય સ્થાનિક પક્ષોની જેમ એક નેતાના પ્રભાવવાળી પાર્ટીનો સિક્કો લગાવી દીધો છે. જોકે, રાજનીતિ છેલ્લી ભૂલોમાંથી શીખનારા લોકોને બીજી તક આપે છે. કેજરીવાલ 2.0 અગાઉની સરખામણીએ વધુ ગંભીર, ધીરજવાન અને ચિંતલશીલ જોવા મળી રહ્યા છે. 2017થી તેઓ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન પર ટિપ્પણી કરવાથી પણ બચી રહ્યા છે. જોકે, કેજરીવાલનો નવો અવતાર (370 પર તેનું વલણ), એક સાંસ્કૃતિક હિન્દુવાદી (વારંવાર હનુમાનનો ઉલ્લેખ) અને એક ગરીબ સમર્થક કલ્યાણકારી યોજનાવાળો છે.
કેજરીવાલનો આ ચૂંટણી વિજય એવા મહત્ત્વના સમયે થયો છે, જ્યારે કોંગ્રેસ સંગઠન અને નેતૃત્વના સ્તરે ગંભીર સંકટમાં છે અને તેનું હાલ કોઈ સમાધાન દેખાતું નથી. ખાસ કરીને રાહુલ ગાંધીની એક વિરોધ પક્ષના નેતા તરીકે ઉભરવામાં અક્ષમતાનો સ્પષ્ટ અર્થ છે કે, વિરોધ પક્ષના નેતૃત્વની ખુરશી સંપૂર્ણપણે ખાલી છે. એવું લાગતું તો નથી કે મમતા અને શરદ પવાર પોતાનાથી જુનિયર કેજરીવાલ માટે આ સ્થાન છોડશે, પરંતુ મોદી વિરોધી ગઠબંધન 2024 સુધી એક વિશ્વસનીય વિકલ્પ આપવાનો પ્રયાસ કરતો રહેશે. આ વખતે તેમણે આવો કોઈ પ્રયાસ કરતા પહેલા થોડો વિરામ લેવો જોઈએ.
મોદી-કેજરીવાલની સ્ટોરીમાં હવે વધુ એક રોજક કડી છે મુખ્ય રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર, જે હવે મજબુતી સાથે કેજરીવાલના કેમ્પમાં છે. કિશોરના ગ્રાહકોમાં હવે મમતાથી માંડીને ડીએમકે સુધીના અનેક મોદી વિરોધી છે. શું, તેઓ આ બધાને ભેગા કરીને એક મોટું રાષ્ટ્રીય ગઠબંધન બનાવશે? જોતા રહો.
X
Delhi is enough for Kejriwal, not the country

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી