રાજકારણ / સીએએ-એનઆરસીનું લક્ષ્ય છે બંગાળની ચૂંટણી

CAA-NRC aims to hold Bengal elections

  • મમતા તેને બંગાળી ઉપ-રાષ્ટ્રવાદ વિરુદ્ધ હિન્દુત્વવાદી અને ગરીબ વિરુદ્ધ અમીર પર લાવવાના પ્રયાસમાં

Divyabhaskar.com

Dec 20, 2019, 08:01 AM IST
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનો બહુસંખ્યકવાદી ડગલો હંમશા ગર્વથી ધારણ કરે છે. અમદાવાદમાં હિન્દુ-મુસ્લિમોની મોટી સંખ્યા ધરાવતા સરખેજના ધારાસભ્ય રહેલા અમિત શાહે ક્યારેય એ અભિપ્રાય પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ નથી કર્યો કે આ વિસ્તારમાં તેઓ મૂળભૂત રીતે ગુજરાતી હિન્દુઓના પ્રતિનિધિ મનાય છે. મેં મારા નવા પુસ્તક '2019: હાઉ મોદી વોન ઈન્ડિયા'માં એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે કે 2002નાં ગુજરાત રમખાણોના અમુક અઠવાડિયાં પછી સરખેજમાં રહેતા એક પત્રકારે અમિત શાહને આ વિસ્તારમાં પ્રવર્તતા તણાવ વિશે માહિતી આપી તો અમિત શાહે તુરંત જ કહ્યું કે, 'તમે આટલા ચિંતિત કેમ છો. તમે જ્યાં રહો છો ત્યાં કશું નહીં થાય, જે પણ હિંસા થશે તે મુસ્લિમ વિસ્તારોમાં થશે.'
શાહની આ ભૂલને મતદારોએ પણ પુરસ્કૃત કરી અને તેઓ પોતાના ગઢમાં ક્યારેય ચૂંટણી ના હાર્યા. આ ઘટનાનાં 17 વર્ષ પછી શાહનો રાજકીય ગ્રાફ બહુ ઝડપથી ઉપર આવ્યો છે, પરંતુ તેઓ પોતાના વિચારો પર અડગ છે. નાગરિકતા સુધારા કાયદાની ભેદભાવયુક્ત પ્રકૃતિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા તોપણ તેઓ બિલકુલ ના ઝૂક્યા. તેમણે સ્પષ્ટતા કરી કે ભારતીય મુસ્લિમોએ તેનાથી બિલકુલ ડરવાની જરૂર નથી. ગૃહમંત્રીએ વારંવાર એ વાત પર જોર મૂક્યું કે મુસ્લિમ ઘૂસણખોરો અને હિન્દુ શરણાર્થીમાં ઘણો ફર્ક છે. આ એક રીતે હિન્દુત્વથી પ્રેરિત સાવરકરવાદી વિચાર છે, જે સંસ્કૃતિ અને સભ્યતાના સંદર્ભમાં ભારતને બહુસંખ્યક હિન્દુઓના દેશના રૂપમાં જુએ છે. નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) જોડવાથી નાગરિકતા અને ઓળખના રાજકારણનો સંબંધ વધુ સ્પષ્ટ થઈ ગયો છે.
તેનાથી સામાન્ય મુસ્લિમોનો ડર પણ સમજાય છે કે નવા કાયદાથી તેમનું નાગરિકત્વ છીનવાઈ શકે છે. બહુ ઓછા દેખાવકારોએ સીએએ વાંચ્યો હશે અને એનઆરસી તો હજુ ફક્ત વૈચારિક સ્તરે છે, પરંતુ સત્તાધારી નેતાઓના રાજકીય સંકેત એવા છે કે તેનાથી જમીન પર થઈ રહેલા ધ્રુવીકરણને ટાળી ના શકાય. સીએએ અને એનઆરસીની પહેલ એવા સમયે થઈ રહી છે જ્યારે દેશના એકમાત્ર મુસ્લિમ બહુમતી રાજ્યને તોડીને બે કેન્દ્રશાસિત રાજ્યમાં વહેંચી દેવાયું. સુપ્રીમકોર્ટે અયોધ્યામાં વિવાદિત જમીન રામજન્મભૂમિ ન્યાસને આપી દીધી અને ત્રણ તલાકને ગુનો જાહેર કરી દેવાયો. આ કારણસર મુસ્લિમોને લાગે છે કે, સરકાર તેમની વિરુદ્ધ છે અને ડર વધવાની સાથે તેમનો ગુસ્સો પણ વધી રહ્યો છે. પછી તે જામિયા હોય કે અલીગઢ, પૂર્વ દિલ્હીનું સિલમપુર હોય કે પ. બંગાળ, લઘુમતીની વસતી ધરાવતા વિસ્તારોમાં થયેલા દેખાવોથી ફક્ત રાજકીય પ્રોપેગેન્ડા મશીનનું પેટ ભરાયું છે, જે રાજકીય લાભ માટે હિન્દુ-મુસ્લિમોમાં ભાગલા ઈચ્છે છે. સીએએ મુદ્દે ચર્ચા કરતી વખતે સંસદમાં ગેરહાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુમકામાં કરેલું વિવાદાસ્પદ નિવેદન જુઓ- 'જે લોકો જાહેર સંપત્તિને નુકસાન કરી રહ્યા છે, તેમને ટીવી પર જોઈ શકાય છે. તેમને તેમનાં કપડાંથી ઓળખી શકાય છે.' શું ચૂંટણી વખતે આવું ઝેરી રાજકારણનું કોઈ બીજું ઉદાહરણ હોઈ શકે?
હાલના સમયમાં બે કથા એકસાથે ચાલી રહી છે. પહેલીમાં મુસ્લિમોને વિભાજનકારી રાજકીય એજન્ડાનો શિકાર બતાવાઈ રહ્યા છે, જેમાં સરકારી શક્તિનો ઉપયોગ આ સમુદાયને અલગ-થલગ પાડવા કરાઈ રહ્યો છે. જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીથી મુસ્લિમો પ્રત્યે તેમના વલણની ઝલક દેખાય છે. બીજી કથા એ છે કે મુસ્લિમો વિભાજનકારી છે. તેઓ કાયદો અને વ્યવસ્થા માટે ખતરો છે. આ વાતના સમર્થનમાં સળગતી બસો અને તૂટેલા રેલવે ટ્રેકના વીડિયોનો સતત પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. આ બંને કથા એ નક્કી કરે છે કે સાંપ્રદાયિકતાની ગરમી જળવાઈ રહે અને તે સુવિધા પ્રમાણે ચાલુ બંધ કરી શકાય.
અત્યંત નૈતિક અને ધ્રુવીકૃત ચર્ચાવિમર્શમાં એ વાત ભુલાઈ ગઈ કે હકીકતમાં સીએએ-એનઆરસીની સૌથી વધુ અસર ઉત્તર-પૂર્વમાં થઈ રહી છે. આ સિવાય ધાર્મિક રીતે પીડિત પાકિસ્તાનની હિન્દુ લઘુમતીને નાગરિકતા આપવાની વાત પણ ફક્ત સાંકેતિક જ છે કારણ કે ત્યાં તો ફક્ત ત્રણ ટકા હિન્દુ જ બચ્યા છે. પરંતુ બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકત્વ આપવાની વાતને સમગ્ર પૂર્વોત્તર ભારતમાં એક અશુભ સંકેતના રૂપમાં જોવાઈ રહી છે. આસામમાં થઈ રહેલા દેખાવોને દિલ્હીની હિંસાની સરખામણીએ બહુ જ ઓછું મીડિયા કવરેજ મળ્યું છે. હકીકત તો એ છે કે સીએએ-એનઆરસી 1985ના આસામ કરારનું પણ ઉલ્લંઘન છે કારણ કે, તેમાં હિન્દુ કે મુસ્લિમ વચ્ચે ભેદભાવ નહીં રાખીને તમામ બાંગ્લાદેશી પ્રવાસીઓ માટે 1971ને 'કટ ઓફ યર' મનાયું હતું. હવે તે આસામ અને બંગાળના ફક્ત હિન્દુ પ્રવાસીઓ સુધી જ પહોંચ્યું છે. ભાજપે હિન્દુ અને મુસ્લિમ શરણાર્થીઓમાં ફર્ક રાખવાનો રસ્તો પસંદ કર્યો છે અને હિન્દુઓને ઝડપથી નાગરિકતા આપે છે, પછી તેની અસર અહીંના જાતીય સંઘર્ષ પર ગમે તેટલી સાંપ્રદાયિક કેમ ના હોય!
દોઢ વર્ષ પછી એપ્રિલ-મે 2021માં આસામ અને બંગાળ બંને રાજ્યમાં ચૂંટણી થવાની છે. ભાજપ આસામમાં સત્તામાં છે અને બંગાળમાં લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન છતાંયે તેમનો છેલ્લો પ્રહાર બાકી છે. અહીં ભાજપે ખૂલીને હિન્દુ કાર્ડ રમ્યું છે. સીએએ-એનઆરસીએ ભાજપને અહીં વધુ એક ટોકિંગ પોઈન્ટ આપ્યો છે. દેશના બાકીના વિસ્તારોમાં લાગેલી આગ આ રાજકીય રમતની અસર છે, પરંતુ તેનું લક્ષ્ય 2021માં બંગાળ ચૂંટણીના મોટા યુદ્ધને જીતવાનું છે. એવી જ રીતે, જેમ વર્ષો પહેલાં ગુજરાતના સરખેજમાં ચૂંટણી જીતી હતી.
ફરી એકવાર: સરકારની સીએએ-એનઆરસી ચાલનો ઉકેલ શોધવા વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ મમતા બેનરજી એકલાં વિપક્ષી નેતા છે જેમણે આ મુદ્દે યોગ્ય વલણ અપનાવ્યું છે. તેઓ દેખાવો કરીને એનઆરસી મુદ્દે ચેતવણી આપે છે કે ફક્ત ગરીબ બંગાળીએ પોતાની નાગરિકતા માટે દસ્તાવેજો શોધવા સંઘર્ષ કરવો પડશે. મમતાએ આ ચર્ચામાં એક નવી કથા જોડી દીધી છે: બંગાળી ઉપરાષ્ટ્રવાદ વિરુદ્ધ હિન્દુત્વવાદી રાષ્ટ્રવાદ, ગરીબ વિરુદ્ધ અમીર. નહીં કે, હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ. (આ વિચારો લેખકના છે.)
X
CAA-NRC aims to hold Bengal elections
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી