મુદ્દો / આ ચૂંટણી 2004નું પુનરાવર્તન નહીં હોય

Article by RajdeepSir Desai

DivyaBhaskar.com

Apr 12, 2019, 08:01 AM IST

એક પછી એક સરવેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએની સત્તામાં વાપસી દેખાયા પછી પણ વિપક્ષી નેતાઓ સૌને 2004ની યાદ અપાવી રહ્યા છે કે જ્યારે બધાં પૂર્વાનુમાન ધરમૂળથી ખોટાં સાબિત થયાં હતાં અને વાજપેયી સરકારને હરાવીને કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ સત્તા પર આવ્યું હતું. ‘2019નું ‘મોદી શાઇનિંગ’ 2004ના ‘ઇન્ડિયા શાઇનિંગ’ની સિક્વલ સાબિત થશે’ શું આ ભ્રમિત કરનારો પરપોટો છે કે જે ફાટવાનો જ છે? આ એક મોટો સવાલ છે. મારો જવાબ ‘હા’ પણ છે અને ‘ના’ પણ. 2004માં અટલજીની આસપાસ આભામંડળ બનાવવાનો પ્રયાસ કરાયો હતો.

તે જ રીતે આ વખતે મોદીની કદાવર નેતાની છબિ બનાવવાનો વધુ ચમકતો પ્રયાસ કરાઇ રહ્યો છે. બાયોપિક, વેબ સીરિઝ, નમો ટીવી, નમો એપ, પ્રાઇમ ટાઇમ ટીવીથી માંડીને લાઇવ ભાષણ સુધી બધે જ બ્રાન્ડ મોદી મોજૂદ છે. આ રીતે સતત મોદીકેન્દ્રિત પ્રચાર બેધારી તલવાર છે. તે એ મતદારને નારાજ પણ કરી શકે છે કે જે અંતહીન પ્રચારને શંકાથી જુએ છે. તે પછી પણ 2019ના મોદી શાઇનિંગના માર્કેટિંગ હુમલાની તુલના 2004ના ઇન્ડિયા શાઇનિંગ કેમ્પેનની ખામીઓ સાથે કરવી ગુમરાહ કરી શકે છે. એમ કહેવું 2004ના જનાદેશનો ખોટો અર્થ કાઢવા બરાબર છે કે વાજપેયી સરકારની આસપાસ બનાવાયેલો માહોલ હકીકત સાથે મેળ ખાતો નહોતો, જેના કારણે વાજપેયી સત્તા ગુમાવી બેઠા. તેઓ મુખ્યત્વે એટલે હાર્યા કે દક્ષિણમાં ટીડીપી અને AIADMK જેવા તેમના સહયોગીઓનો લગભગ સફાયો જ થઇ ગયો.

તેઓ વધુ વસતીવાળા ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ પાયો ગુમાવી બેઠા. આંશિક રૂપે એટલા માટે કે 2002નાં ગુજરાતનાં રમખાણો બાદ તેમની સરકાર વિરુદ્ધ જબરદસ્ત જ્ઞાતિગત એકસંપ હતો અને આ રાજ્યોમાં ભાજપનું સંગઠન નબળું થઇ ચૂક્યું હતું.2019માં આ વાત નથી. મોદી દેશના નેતા નંબર વન તરીકે યથાવત્ છે જ્યારે ભાજપ પણ ભારતીય રાજકારણની મુખ્ય ધરી બની ગયો છે. 15 વર્ષ અગાઉ ભાજપ માંડ અડધો ડઝન રાજ્યોમાં સત્તામાં હતો જ્યારે આજે 16થી વધુ રાજ્યોમાં તેની સરકાર છે. વિવિધ રાજ્યો ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમનાં મુખ્ય રાજ્યોમાં પક્ષનું તંત્ર તેના હરીફોથી ઘણું બહેતર છે. 2004માં ભાજપની ભૌગોલિક સીમાઓ સ્પષ્ટ હતી. આજે તે પૂર્વ અને ઉત્તર-પૂર્વના નવાં ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યો છે.

વાજપેયીના નેતૃત્વમાં ભાજપ એવો પક્ષ હતો કે જે બંધારણીય મર્યાદાઓમાં કામ કરતો હતો. હવે મોદી- અમિત શાહના નેતૃત્વમાં ભાજપ હરીફોને ખતમ કરવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. તેનાથી ઊલટું કોંગ્રેસ ત્યારની તુલનામાં આજે ઘણી નબળી છે. આંધ્ર અને મહારાષ્ટ્ર કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે મહત્વપૂર્ણ હતાં. વિભાજિત આંધ્રમાં કોંગ્રેસ હવે પ્રાદેશિક પક્ષોની પાછળ લાગી છે. મહારાષ્ટ્રમાં સતત ભાજપમાં જોડાઇ રહેલા કોંગ્રેસી નેતાઓની લાઇન વાસ્તવિક હકીકત જણાવે છે કે કોંગ્રેસના ગઢમાં હવે ભાજપ મુખ્ય ખેલાડી બનીને ઊભર્યો છે.

પરંતુ 2004 અને 2019માં એક મહત્ત્વનો ફર્ક છે અને તે ફર્ક છે દેશની વસતી પ્રમાણેના સામાજિક ચરિત્રનો. ત્યારે ભારતીય મધ્યમ વર્ગ આજની તુલનામાં એટલો પ્રભાવશાળી ન હતો અને ગ્રામીણ-શહેરી વિભાજન સ્પષ્ટ હતું. 2004 પછીના દસકામાં ભારતીય મધ્યમ વર્ગમાં વિસ્ફોટ થયો અને બમણો થઈને 60 કરોડે પહોંચી ગયો. ગ્રાહકવાદમાં આવેલો ઉછાળો તેની વધતી મહત્ત્વાકાંક્ષાને બળ પૂરું પાડી રહ્યો છે. મોબાઈલ ફોન ક્ષેત્રે આવેલી નાટકીય ક્રાંતિ તેનું ઉદાહરણ છે. 40 કરોડ યુઝર્સ સ્માર્ટફોન, 25 કરોડથી વધુ વૉટ્સએપ યુઝર્સ અને આશરે 30 કરોડ ફેસબુક યુઝર્સ સાથે ભારત ખૂબ ઝડપથી આગળ વધતો દેશ છે. કોમ્યુનિકેશન ક્રાંતિ ધીમેધીમે પરંપરાગત ઈન્ડિયા અને ભારત વચ્ચેનો તફાવત ભરી રહી છે.

તે કોઈ ભૌગોલિક વિસ્તાર સુધી સીમિત નથી પરંતુ તે લાખો મતદારો સુધી પહોંચી રહી છે. બાલાકોટના બાહુબલી રાષ્ટ્રવાદ, ભદ્દો ધાર્મિક બહુમતીવાદ અને વધતી આર્થિક મહત્ત્વાકાંક્ષા સાથે ઊભરી રહેલો મધ્યમ વર્ગ ભાજપના મોદીત્વ મહારથને ચલાવી રહ્યો છે. આ વર્ગમાં રાહુલ ગાંધીની લઘુતમ આવક ગેરંટી યોજનાને પ્રતિસાદ નથી મળી રહ્યો કારણ કે, તેમાંના મોટા ભાગના દર મહિને રૂ. 12 હજારથી વધુ કમાણી કરે છે. આ યોજનાએ કોંગ્રેસને ગરીબી રેખાથી નીચેના પરિવારોને મુદ્દો આપ્યો છે, જ્યારે કેશ ટ્રાન્સફર જેવાં પગલાંથી કોંગ્રેસે ગરીબ પરિવારોમાં વધતા જતા ભાજપના પ્રભાવને ઓછો કર્યો છે. લોકનીતિ-સીએસડીએસ રાષ્ટ્રીય ચૂંટણી સર્વેક્ષણ પ્રમાણે મતોની પેટર્ન પર વસતીના બદલતાં ચરિત્રનો પ્રભાવ 2014ની ચૂંટણીમાં સૌથી વધુ દેખાયો હતો.

ત્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોની તુલનામાં ભાજપ અને સાથી પક્ષોએ ગરીબોમાં આઠ ટકા, મધ્યમ વર્ગમાં 16 ટકા અને ગ્રામીણ ભારતમાં 13 ટકા વધુ લીડ મેળવી હતી. હકીકત તો એ છે કે નવા ભારતનું રાજકીય મોડલ ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું જ્યારે તેણે એક લહેર ધરાવતી ચૂંટણીને સાકાર કરી દીધી હતી. 2014ની ‘સુનમો’ દોહરાવવી હવે સરળ નથી, પરંતુ ભાજપને એકલો સૌથી મોટો પક્ષ બનતો રોકવા મોટા સ્વિંગની જરૂર પડશે. રસપ્રદ વાત એ છે કે, 2004માં ભાજપને મોટા પાયે એ જ મત મળ્યા હતા, જે તેને પાંચ વર્ષ પહેલાં મળ્યા હતા, પરંતુ ત્યારે તેને કોંગ્રેસથી ઓછી બેઠક મળી હતી. તો શું આ વિપક્ષ માટે તક છે? વિભાજિત વિપક્ષમાં આ સ્તરે પણ એકમાત્ર આશા એ છે કે, ઉત્તરપ્રદેશ જેવા મહત્ત્વના ચૂંટણી ક્ષેત્રમાં તે વ્યૂહાત્મક તડજોડની કેટલી ક્ષમતા બતાવી શકે છે.

કેમેસ્ટ્રી તો બ્રાન્ડ મોદી પાસે છે, હવે એકજૂટ વિપક્ષ જ આંકડાનો ફાયદો પોતાના પક્ષમાં કરી શકે છે. ઉપસંહાર: વિદર્ભ પ્રવાસમાં મેં નાગપુર જિલ્લામાં સંતરાના ખેડૂતો સાથે ચર્ચા કરી તો ખબર પડી કે, તેમને બાલાકોટ મુદ્દે પૂરતી જાણકારી ન હતી અને ‘ન્યાય’ વિશે પણ માહિતી ન હતી. તેના બદલે તેઓ પોતાની ઉપજની ઘટતી જતી કિંમતોથી ગુસ્સામાં હતા. તેમની ફરિયાદ હતી કે બધી સરકાર એક જેવી જ હોય છે. મેં પૂછ્યું કે, તો પછી કોને મત આપશો? તો તેમણે સુસ્ત જવાબ આપ્યો કે, મોદીજી તો છે બીજા કોને આપીએ? હવે વિપક્ષ પાસે છ અઠવાડિયાંનો સમય, એ નિરાશ ખેડૂતોને એ વિશ્વાસ અપાવવા માટે છે કે, ભાજપના શુભંકરનો વિકલ્પ પણ હોઈ શકે છે.
(આ વિચારો લેખકના છે.)

X
Article by RajdeepSir Desai
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી