મુદ્દો / ભાજપ પાક. મુદ્દાનો લાભ લઇ શકશે?

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 10:24 AM
Article by Rajdeep Sardesai

નરેન્દ્ર મોદી જ્યારે તેમની ‘જન્મભૂમિ’ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા હોય છે તો તેમની આક્રમક શૈલી વધુ નાટકીય થઇ જાય છે. અચરજ નથી કે હાલમાં અમદાવાદની એક રેલીમાં તેમણે પાક. સ્થિત આતંકી ઠેકાણાંઓ પર વધુ હવાઇ હુમલાની ધમકી આપતાં ‘ઘરમાં ઘૂસીને મારીશું’ની ગર્જના કરી દીધી. તેમની પ્રશંસક ભીડ ત્યાં સુધી થોડી ઢીલી-ઢીલી હતી પણ તેમણે આમ કહેતાં જ ઉત્સાહમાં આવી ગઇ. આ રાજકીય પ્રયાસ ભાવનાઓનો લાભ લેવાનું ક્લાસિક ઉદાહરણ છે, જેમાં પરમાણુ હથિયારોથી સજ્જ પડોશી સાથે યુદ્ધની કિંમત ભૂલાવી દેવાઇ.
પાક.વિરોધી કર્કશ સ્વર ગુજરાતના રાજકીય મેદાનમાં નવો નથી. ગોધરાકાંડ અને તેમાં કથિત પાકિસ્તાની લિન્કની પૃષ્ઠભૂમિમાં થયેલી 2002ની વિધાનસભા ચૂંટણીમાં મોદીએ ‘મિયાં મુશર્રફ’ને મુખ્ય શત્રુ બનાવ્યા હતા. પાક.ની તાનાશાહ માટે ‘મિયાં’ સંબોધનમાં ગુજરાતી મુસ્લિમ માટે પરોક્ષ સંદેશ હતો. 2017ના પ્રચારમાં તો તેમણે એક રીતે પાક.પર કોંગ્રેસ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવતાં ત્યાં સુધી કહી દીધું કે ડૉ. મનમોહન સિંહ સરહદ પારથી આવેલા હાઇ પ્રોફાઇલ મહેમાનો સાથે ડિનર દરમિયાન ષડ્યંત્રમાં લાગ્યા હતા. તે અંગે ડૉ. મનમોહને તેમને માફી માગવા કહ્યું, જે મોદીએ ક્યારેય ન માગી. પાક.નો સંદર્ભ જાણીજોઇને અપાઇ રહ્યો છે તેની પુષ્ટિ ત્યારે થઇ કે જ્યારે ગુજરાતના સરહદી શહેરમાં આયોજિત રેલી દરમિયાન મોદીએ દાવો કર્યો કે પાક.ના એક રિટાયર્ડ જનરલ સોનિયા ગાંધીના રાજકીય સચિવ ‘મિયાં’ અહેમદ પટેલને ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનાવવામાં લાગ્યા છે. તેમાં કથિત ફેસબુક પોસ્ટનો હવાલો અપાયો હતો, જે ક્યારેય અસ્તિત્વમાં હતી જ નહીં. સુરતમાં રહસ્યમય રીતે રાતોરાત પોસ્ટર લાગ્યાં જેમાં પટેલનું ભાવિ મુખ્યમંત્રી તરીકે સ્વાગત કરાયું હતું. આને ડૉ. મનમોહન પર લગાવાયેલા દેશદ્રોહના આરોપ સાથે જોઇએ તો આ ઝેરી પ્રચાર અભિયાનનું નવું ગગડતું સ્તર હતું.
સવાલ એ છે કે શું પાક.ની આતંકીઓ અને તેમની ‘સ્થાનિક’ લિન્કનો ખૌફ 2019ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરે અસર બતાવશે? ગુજરાતની સરહદ પાક. સાથે જોડાયેલી છે અને ત્યાં કોમી રમખાણોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. શહેરી ગુજરાતની વસતીનું મિશ્રિત ચરિત્ર અને શહેરોમાં એકલા થઇ ચૂકેલા સમુદાયોના માહોલમાં બહુમતીઓને સંગઠિત કરવાનું રાજકારણ નિર્લજ્જતા સાથે કરાય છે પણ શું બાકીનું ભારત મોદીના આ પરોક્ષ સંકેતનો સ્વીકાર કરશે કે ‘પાક. સમર્થક’ વિપક્ષ તેમને હટાવવા પાક. સાથે મળીને કામ કરી રહ્યો છે, કેમ કે તેમણે પાક.ની અંદર ઘૂસીને હુમલો કરવાની ઇચ્છાશક્તિ બતાવી? 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણી યાદ કરો કે જ્યારે ભાજપપ્રમુખ અમિત શાહે મતદારોને ચેતવણી આપી હતી કે જો વિપક્ષી ‘મહાગઠબંધન’ જીત્યું તો પાક.માં ફટાકડા ફૂટશે. પોતાના વિરોધીઓ (જેમાં એ નીતીશકુમાર પણ સામેલ હતા કે જે હવે તેમના સહયોગી છે)ને સરહદ પારના ‘શત્રુ’ સાથે જોડવાનો પ્રયાસ ‘બિહારી હિન્દુ’ મતદારોની ચિંતાઓ અને અસલામતીનો લાભ લેવા માટે હતો પણ તે પ્રયાસ મહાગઠબંધનના વ્યાપક જાતિગત ગણિત સામે નિષ્ફળ રહ્યો.
પોતાના જનસંઘના પૂર્વ અવતારમાં સંઘ પરિવારે અખંડ ભારતની ધારણા રાખતાં પાક.ના ખાત્માને મુખ્ય એજન્ડો ગણાવ્યો હતો તો મતદારોએ કોઈ ખાસ ઉત્સાહ બતાવ્યો નહોતો. 1999ના કારગિલ યુદ્ધ બાદ આયોજિત ચૂંટણીમાં પણ તેના સમર્થનમાં કોઈ નાટકીય વધારો ન થયો. ન દિલ્હીના મતદારો 2008માં મુંબઈ આતંકી હુમલાના થોડા સમય બાદ ચૂંટણીમાં ભાવનાઓમાં તણાઈ ગયા હતા. જોકે મતદાનના દિવસે ભાજપે જાહેરાત આપીને કોંગ્રેસને આંતરવા વેપારીઓને રોકવામાં નિષ્ફળતાની દોષિત ગણાવી હતી. તેમ છતાં જો ભાજપને વિશ્વાસ છે કે આ વખતે તે પાકિસ્તાન પર સતત હુમલા કરી ચૂંટણી માહોલ પોતાના પક્ષમાં કરી લેશે તો આંશિકરૂપે નબળા તથા વિભાજિત વિપક્ષનું તેમાં યોગદાન છે. હવાઈ હુમલામાં થયેલા નુકસાનના પુરાવા માંગી વિપક્ષી નેતાઓએ મોદી-શાહની જાળમાં ફસાવાનું કામ કર્યું છે. ટીઆરપીના ભૂખ્યા પ્રાઈમ ટાઈમ ટીમ ન્યૂઝ ચેનલોના રહેતા હાથ ધ્રૂજાવતાં રાષ્ટ્રવાદ હિન્દુત્વની રાજનીતિ તથા મોદીને માફક આવે છે કે ખાસ કરીને હિન્દી પ્રદેશોમાં જ્યાં 2019ની હાર-જીત નક્કી થશે. 1990 બાદના દાયકામાં રામજન્મભૂમિ મુદ્દે હિન્દુત્ત્વની લહેર પેદા કરી હતી. હવે ઈસ્લામિક પાકિસ્તાનને પડકારતાં મજબૂત હિન્દુ રાષ્ટ્રની ધારણાની આજુબાજુ રાષ્ટ્રવાદી હાઉ ઊભો કરવા માટે વર્દીધારીઓનો ઉપયોગ કરાઇ રહ્યો છે. પાક.સેના તથા આતંકી મશીન સાથે રાજદ્વારી રીતે નિપટવાથી કંટાળી ચૂકેલા નવા મતદાતા ‘મોદી છે તો મુમકિન છે’ના યુદ્ધોન્માદી સ્વરના લક્ષ્ય છે.
કદાચ વધારે એકજૂથ તથા વૈચારિક રૂપે મજબૂત વિપક્ષ મોદી બ્રાન્ડના હિન્દુત્ત્વવાદી રાષ્ટ્રવાદને સાર્થક પડકાર ફેંકી શકે જેમ તેણે 1990 બાદના દાયકામાં ફેંક્યો હતો જ્યારે મંદિર ત્યાં જ બનાવીશુંવાળી કેસરિયા સેનાને યુપીમાં અટકાવી દીધી હતી. પણ ત્યારે પડકાર ફેંકનારા ચૂંટણી સમયના અનુભવી નેતાજી મુલાયમસિંહ યાદવ અને બસપા ઝડપથી વધી રહેલી રાજકીય શક્તિ હતી. શું થાકી ચૂકેલા તથા સમાધાનવાદી માયાવતી અને અત્યાર સુધી ન અજમાવેલા અખિલેશ સાથે રાહુલ-પ્રિયંકાની જોડી મોદી મહારથને એવો પડકાર ફેંકી શકશે એ નક્કી નથી. પછી જ્યાં 1990ના બાદના દાયકામાં વાજપેયી-અડવાણી પેઢીના ભાજપ નેતાઓને વ્યાપક સંસદીય શિષ્ટાચારનો ખ્યાલ હતો ત્યાં મોદી-શાહ વફાદારોને રાજકીય રૂપે યોગ્ય હોવા કે બંધારણીય ઝીણવટો માટે વધારે સમય નથી. જ્યારે યુદ્ધરેખાઓ દેશભક્ત અને દેશદ્રોહીઓ પણ આધારિત હોય તો રાજકીય વાતાવરણ તો ઝેરીલું બનવાનું છે.
આખરે : પાકિસ્તાન પર પ્રહારની રાજનીતિ શિવસેના પ્રમુખ બાલ ઠાકરેની ટ્રેડમાર્ક હતી. 1991માં જ્યારે શિવસૈનિકોએ ભારત-પાક. મેચ વિરુદ્ધ પિચ ખોદી તો તેમણે અમને કહ્યું હતું કે મને મારા છોકરાઓ પર ગર્વ છે જેમણે પાક.ને પાઠ ભણાવ્યો. મુંબઈમાં ક્રિકેટ પિચ ખોદી ઠાકરેએ જે હાંસલ કર્યાનો દાવો કર્યો હતો તે મોદીને બાલાકોટ પર હવાઈ હુમલાથી પ્રાપ્ત થવાની આશા છે.

X
Article by Rajdeep Sardesai
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App