જીવન-પથ / જીવનમાં તપસ્યા અને સત્સંગ બન્ને મહત્ત્વના

Important in life, both ascetics and satsang

પંડિત વિજયશંકર મહેતા

Nov 27, 2019, 07:28 AM IST
બધાને ઘણું બધું મેળવવાની ઇચ્છા હોય છે. જીવનમાં બધાને બધું નથી મળતું છતાં લોકો બધું જ મેળવવા ઇચ્છે છે. બધું તો એ જ આપી શકે કે જેની પાસે બધું જ હોય અને તે તો માત્ર ઇશ્વર જ છે. તો પછી તેની પાસેથી જ માગવું જોઇએ. જેવા તમે તેની પાસે માગવા જાવ છો, તમારો તે ઇશ્વર બે ભાગમાં વહેંચાઇ જાય છે- આરાધ્ય અને ઇષ્ટ. આરાધ્ય એટલે કે જેની આરાધના કરાય છે, જેની ઉપાસનામાં તપ થતું હોય, જે તપસ્યાનું પરિણામ હોય. જ્યારે આરાધનાથી આરાધ્ય મળી જાય અને પછી તેની પાસેથી કંઇક ઇચ્છીએ તો તે ઇષ્ટમાં બદલાઇ જાય છે. ઇષ્ટનો અર્થ જ કોઇ એવા દેવતા છે કે જેની ઉપાસના આપણે એટલા માટે કરીએ છીએ કે તે આપણી કામના પૂરી કરે.
સરળતાથી સમજવું હોય તો એમ માની શકો કે આરાધ્ય પિતા સમાન છે અને ઇષ્ટ મા સમાન. આરાધ્ય માટે તપ કરવું પડશે, ઇષ્ટનું કામ સત્સંગથી ચાલી જશે. જીવનમાં તપસ્યા અને સત્સંગ બન્નેનું મહત્ત્વ છે. વશિષ્ઠ ઋષિ કહેતા કે સત્સંગનો લાભ છે, વિશ્વામિત્ર કહેતા કે તપથી મળશે. આ બન્નેએ તો એક વાર શેષનાગ પાસે પોતાની કસોટી પણ કરાવી લીધી. શેષનાગે કહ્યું કે મારા મસ્તક પર ધરતી છે, તમે બન્ને ઊઠાવી લો. વિશ્વામિત્રએ તપના આધાર પર ઉપાડવાનો પ્રયાસ કર્યો પણ ન ઉપાડી શક્યા. વશિષ્ઠજીએ સત્સંગનું પરિણામ આપ્યું અને તેઓ પૃથ્વીને ઊઠાવી શક્યા. કુલ મળીને આરંભ તપથી કરો પણ તેમાં સત્સંગનું માન રહે. સત્સંગ બહુ સરળતાથી મળે છે અને તપમાં બહુ પ્રયાસ કરવા પડે છે.
X
Important in life, both ascetics and satsang

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી