તડ ને ફડ / ગાંધીજીનો આત્મા વેદના અનુભવતો હશે?

Will Gandhi's soul suffer?

નગીનદાસ સંઘવી

Oct 09, 2019, 07:59 AM IST

રાજકારણ એટલી હલકી કક્ષાએ પહોંચ્યું છે કે ગાંધીજીની જયંતી ઊજવવામાં પણ રાજકારાણના દાવપેચ ખેલવામાં આવે છે અને ગાંધી જયંતીની સરકારી ઉજવણીમાં ઊલટભેર ભાગ લેવાના બદલે કોંગ્રેસે પોતાનો અલગ ચીલો ચાતર્યો છે. અલગ પદયાત્રાઓ યોજી છે. દરેક વ્યક્તિ, સંસ્થા કે રાજકીય પક્ષને પોતપોતાની રીતે ગાંધી જયંતી ઊજવવાનો હક છે તે કબૂલ રાખીએ તો પણ સરકાર દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને ગાંધીજી હવે પક્ષાપક્ષીથી પર થઈ ગયા છે. તેથી સહુ કોઈએ સરકારી ઉજવણીમાં સામેલ થવું જોઈએ.


કોંગ્રેસ પક્ષે આ ઉજવણીમાં અલગ ચીલો ચાતર્યો છે. એટલું જ નહીં, પણ ગાંધી જયંતી ઊજવવાના ભાજપના પ્રયાસ અંગે કઠોર ટીકાઓ કરી છે. છેલ્લાં પાંચ-છ વર્ષમાં બની રહેલા બનાવોથી ગાંધીજી વેદના અનુભવતા હશે તેવી ટીકા કરી છે. આર.એસ.એસ.ની વિચારસરણીને અનુસરનાર ભારતીય જનતા પક્ષ અને ભાજપી સરકાર ગાંધીજીની વંદના કરે તેમાં પ્રામાણિકતાનો થોડોક અભાવ હોઈ શકે છે. ગાંધીજી જીવતા હતા ત્યારે કટ્ટરપંથી હિન્દુત્વના ઉપાસક સંઘ પરિવારે ગાંધીજીની વગોવણી કરવામાં કચાશ રાખી નથી. ગાંધીહત્યાના એક આરોપી તરીકે સંઘ પુરાવાના અભાવે નિર્દોષ ગણાયો છે, પણ ચુકાદો આવતા સુધી ગૃહમંત્રી સરદાર પટેલે સંઘ પરિવાર પર પ્રતિબંધ મૂક્યો અને સંઘના પૂજનીય ગુરુજી ગોળવેલકર લાંબો વખત કારાવાસમાં રહ્યા.


આ બધી ભૂતકાળની વાતો છે. સંઘ પરિવારના ખ્યાલ બદલાયા હોય અને ગાંધીજી અંગેની તેમની ભાવનામાં પરિવર્તન થયું હોય તો રાજી થવા જેવું ગણાય. ગાંધીજી પોતે હંમેશાં ટીકાકારોના હૃદય પરિવર્તનની અપેક્ષા રાખતા હતા અને પોતાના વિરોધીઓના માનસ પલટવા માટે મહેનત પણ કરતા હતા. સંઘના બીજા આગેવાનોના માનસનો ખ્યાલ મળતો નથી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉના મોદી રહ્યા નથી. તેમનો માનસિક બદલાવ નોંધપાત્ર છે, પણ એક વાત ચોક્કસપણે સ્વીકારવી પડે કે ગોડસે અને સાવરકરને સ્વીકારનાર લોકો ગાંધીજીની વંદના કરી શકે નહીં, કારણ તે તેમની વિચારધારા એકબીજાથી તદ્દન વિરુદ્ધ દિશાની છે.


ભારતની આજની પરિસ્થિતિથિ ગાંધીજીનો અાત્મા વેદના અનુભવતો હશે તેવી સોનિયા ગાંધીની ટીકા ખોટી નથી, પણ અર્ધસત્ય છે અને અર્ધસત્યો હંમેશાં જુઠ્ઠાણાં કરતાં વધારે ખતરનાક હોય છે. અત્યારના કોમી વિખવાદથી, મુસલમાનો પ્રત્યેના દ્વેષથી ગાંધીજીને વેદના જરૂર થાય, પણ ભ્રષ્ટાચારી અને ગુનાખોરીને પોષણ આપનાર કોંગ્રેસી આગેવાનો પણ ગાંધીજી માટે વેદનારૂપ જ છે. વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનોના ભ્રષ્ટાચાર અંગેની જે વિગતો બહાર આવી રહી છે તે કોંગ્રેસ માટે શરમજનક ગણાવી જોઈએ અને કોંગ્રેસી રાજવટ દરમિયાન આવા બીજા કેટલા આગેવાનોની કરમકથા છુપાઈ ગઈ હશે તે જાણવાનું કોઈ સાધન આપણી પાસે નથી.


કોંગ્રેસની અત્યારે અવદશા ચાલે છે ત્યારે કોંગ્રેસની કરણીની વાતો કરીએ તે પડ્યાને પાટું મારવા જેવી ગેરવાજબી વાત ગણાય, પણ કોંગ્રેસે પોતાની કામગીરી અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. કોંગ્રેસની પડતીનો જશ નરેન્દ્ર મોદીને આપવામાં આવે છે ત્યારે પ્રાચીન રોમના ઇતિહાસની એક કથાની યાદ આપવી જોઈએ.
રોમની લોકશાહીને ખતમ કરનાર જુલિયસ સીઝરને કોઈએ કહ્યું કે, તમે લોકશાહીની હત્યા કરી છે. સીઝરે જવાબ આપેલો કે, મેં લોકશાહીની હત્યા કરી નથી, પણ લોકશાહીનું મડદું ઘરમાં પડ્યું હતું તે મેં બારીમાંથી બહાર ફેંકી દીધું છે. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનો પરાભવ કર્યો છે, પણ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કોંગ્રેસના આગેવાનોએ જ કર્યું છે.


નરેન્દ્ર મોદી અને ભાજપની રાજવટમાં લોકશાહી સંસ્થાઓ ખતમ થઈ રહી છે અને ભાજપ આખા દેશમાં એકમાત્ર પક્ષ તરીકે છવાઈ જવાની કોશિશ કરે છે. તેવી ટીકા કોંગ્રેસી આગેવાનો કરી શકે નહીં, કારણ કે લોકશાહીનું ગળું ઘોંટી નાખવાનું પાપ ઇન્દિરા ગાંધીના હાથે થયું અને કોંગ્રેસ પક્ષે દેશના એકમાત્ર પક્ષ તરીકે દાયકાઓ સુધી સત્તા ભોગવી છે. ખરી રીતે જોઈએ તો આઝાદીની લડતમાં આગેવાની લેવાનો પૂરો લાભ કોંગ્રેસ પક્ષે ચાલીસ વર્ષ સુધી ઉઠાવ્યો છે અને આઝાદી કાળની કોંગ્રેસ અને આઝાદી પછીની કોંગ્રેસમાં નામ એકનું એક હોવા છતાં આસમાન-જમીનનો તફાવત છે.


કાળનો પ્રવાહ તેની પોતાની ગતિએ અને તેના પોતાના ધોરણે ચાલે છે અને આપણે તો માત્ર તેની નોંધ જ લઈ શકીએ. ભૂતકાળને બદલી શકાતો નથી અને તેની વિગતો બદલી નાખવાની મહેનત કરનાર લોકો હાંસીપાત્ર બને છે. ભારતનો ઇતિહાસ નવેસરથી લખાવો જોઈએ તેવી રાજનાથ સિંહની ઘોષણા સાચી હોય તો આ કામ ઇતિહાસ શાસ્ત્રના વિદ્વાનોનું છે. રાજકીય આગેવાનો કે સંઘોમાં આ કામ કરવાની કશી આવડત હોતી નથી અને તેમની લાયકાત પણ નથી. આજના યુગના વિચાર પ્રમાણે ભૂતકાળનું આલેખન કરી શકાય નહીં અને ભૂતકાળના આધારે વર્તમાન કાળનું ઘડતર થઈ શકે નહીં.


નદીનો અને ઇતિહાસનો પ્રવાહ હંમેશાં આગળ ચાલે છે, તેમાં પાછા ફરવાની કે જૂનો જમાનો ફરી સજીવન કરવાની વાત હંમેશાં હાસ્યાસ્પદ નુકસાનકારી નીવડે છે. દાખલો આપવો હોય તો ગાંધીજીનો આપવો જોઈએ, કારણ કે અત્યારે ચોતરફ ગાંધીની વાતો થઈ રહી છે. ગાંધીજીએ કાપડવણાટના મિલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના બદલે હાથ કંતાઈ અને હાથવણાટની ખાદી ઉપર ભાર મૂક્યો. ગાંધીજીના જમાનામાં પણ સુતર કાંતવાનું કામ કેટલાક આગેવાનોએ કર્યું છે, પણ મોટા ગજાના આગેવાનો ગાંધીજીને રાજી રાખવા માટે ખાદી અપનાવતા હતા. આઝાદી પછી તો ખાદી ઢોંગબાજીનો પર્યાય બની ગઈ છે અને સરકારની મોટી રકમની મદદ ન હોય તો ખાદી તરત જ ખતમ થઈ જાય તેમાં કોઈને કશી શંકા નથી.

આમાં કોઈનો દોષ નથી કાળના પ્રવાહને કોઈ બદલી શકે નહીં. ગાંધીજી પણ બદલી શકે નહીં. ગાંધીજી યુગપુરુષ છે, પણ પુરુષ છે, પરમાત્મા નથી અને બધા રાજકારણીઓ, બધા રાજકીય પક્ષો ગાંધીનો પોતપોતાની રીતે વપરાશ કરી રહ્યા છે, તેથી સોનિયા ગાંધી ગાંધીની ઉજવણીમાં રાજકારણ ઘુસાડે તે સ્વાભાવિક છે. સોનિયા ગાંધી માટે રાજકારણ તેમના જીવતરનું મુખ્ય અંગ છે. ગાંધીજી માટે રાજકારણ એક સાધન છે. સોનિયાજી પાસે રાજકારણ સિવાય બીજું કશું જ નથી. રાજકારણ તો અતિશય તકલાદી વસ્તુ છે. સતત ભાંગતું, ઘડાતું, બદલાતું રહે છે.


ગાંધીજીની જયંતીની ઉજવણી વખતે એક અપેક્ષા રાખવી જોઈએ. ગાંધીજી માટે મહાત્મા શબ્દ વાપરવાનું બંધ કરવું જોઈએ. મને કોઈ મહાત્મા કહે ત્યારે મને અતિશય વેદના થાય છે તેવું ગાંધીજી મરણ સુધી કહેતા રહ્યા, તેથી હવે આપણે તેમના આત્માને વેદના આપવાનું બંધ કરવું જોઈએ. આ બાબતમાં ગાંધીજીએ પોતે ચોખવટ કરી છે. તેમના મિત્ર અને સાથી કેલનબેકે ગાંધીને કહ્યું કે, ‘તમે રાજકારણી સંત છો.’ તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું કે, ‘હું રાજકારણી છું અને સંત થવાની મહેનત કરું છું.’


આપણે આપણી ભક્તિ સંતોષવા માટે ગાંધીજીને મહાત્મા કહીએ છીએ. તેમના મરણ પછી આપણી ફરજ છે કે આપણે તેમને અણગમતાં વિશેષણો ન વાપરવાં જોઈએ. ગાંધીજીને લાયક થવું હોય તો તેમને ગમતી વાતો અને ગમતાં વિશેષણો જ વાપરવાં જોઈએ.

X
Will Gandhi's soul suffer?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી