તડ ને ફડ / બંધારણ ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે, નિરાશ્રિતોને નહીં

tad ane fad by nagindas sanghvi

નગીનદાસ સંઘવી

Dec 25, 2019, 08:21 AM IST
ભારત સરકારે ઘડેલા કાયદામાં મુસલમાનો પ્રત્યે ભેદભાવ દાખવવામાં આવ્યો છે તે દલીલ તદ્દન ખોટી છે, કારણ કે બંધારણ ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે
આખા દેશને વલોવી નાખનાર નાગરિકતા પ્રદાન કાયદો બંધારણીય છે કે નથી તેની ચકાસણી કરવાનું સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું છે, પણ અદાલતી નિર્ણય ન થાય ત્યાં સુધી આ કાયદાનો અમલ અટકાવી દેવા માટેનો જરૂરી સ્ટે ઓર્ડર આપ્યો નથી. સર્વોચ્ચ અદાલતનો આખરી નિર્ણય આવતાં 4-5 વર્ષ લાગી જાય તેવી રસમ આપણે ત્યાં દૃઢ રીતે સ્થપાઈ ચૂકી છે અને આ સમયગાળા દરમિયાન ભાજપી સરકાર કાયદાનો અમલ કરીને તમામ બિનમુસ્લિમ નિરાશ્રિતોને ભારતના નાગરિક જાહેર કરે તો અદાલતનો ફેંસલો આપોઆપ નકામો બની જાય, કારણ કે અદાલત આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરે તો પણ જે થઈ ગયું છે તેને મિથ્યા કરી શકાય નહીં. એકાદ કરોડ જેટલા બિનમુસ્લિમ નિરાશ્રિતો લાંબા સમય સુધી ભારતના નાગરિક બને તો તેમનું નાગરિકત્વ રદ કરવાનું અશક્ય થઈ પડે. સ્ટે ઓર્ડર આપવાનો ઇન્કાર કરીને સર્વોચ્ચ અદાલતે સરકારનો માર્ગ મોકળો કરી દીધો છે. આવી પરિસ્થિતિ માટે અંગ્રેજી ભાષામાં ફેટ એકોંપ્લી શબ્દ વપરાય છે. આ બાબતમાં સર્વોચ્ચ અદાલતે પોતાનાં કાંડાં કાપી આપ્યાં છે.
બંધારણમાં ભારતના નાગરિકો વચ્ચે ભાષા, ધર્મ, જાતિ, લિંગ કે જન્મ સ્થાન પર આધારિત ભેદભાવ કરવાની મનાઈ કરવામાં આવી છે અને ભારત સરકારે ઘડેલા કાયદામાં મુસલમાનો પ્રત્યે ભેદભાવ દાખવવામાં આવ્યો છે તે દલીલ તદ્દન ખોટી છે, કારણ કે બંધારણ ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે. નિરાશ્રિતોને લાગુ પાડી શકાય નહીં. ભેદભાવ થયો છે તેમાં કશી શંકા નથી, પણ ભેદભાવ નિરાશ્રિતો વચ્ચે થયો છે, ભારતીય નાગરિકોને આ કાયદો અને આ ભેદભાવ લાગુ પડતા નથી.
બીજો મુદ્દો મોટાભાગે ધ્યાનમાં લેવામાં આવતો નથી. નિરાશ્રિતો હવે પછી આવવાના નથી અથવા અત્યારે આવી રહ્યા નથી. 1947માં જે પરિસ્થિતિ હતી તે આજે નથી. આ નિરાશ્રિતો વર્ષોથી ભારતમાં વસવાટ કરે છે અને તેથી આ કાયદો તો માત્ર વાસ્તવિકતાને સ્વીકારીને તેના આખરી અંજામે પહોંચાડે છે. દેશમાં વર્ષોથી વસવાટ કરતા ઘૂસણખોરોને નાગરિકત્વ આપવાનું કામ અમેરિકામાં અવારનવાર કરવામાં આવે છે. અલબત્ત, તેમાં કશો ભેદભાવ રાખવામાં આવતો નથી. ભારતે આવો કાયદો પહેલી વખત કર્યો છે, પણ તેમાં ધાર્મિક ભેદભાવનો દોષ દાખલ કરવામાં આવ્યો છે.
આવો ભેદભાવ સૈદ્ધાંતિક રીતે ગેરવાજબી કહેવાય અને માનવતાના ધોરણે અનીતિમાન ગણાય, પણ અદાલતો નીતિ કે સિદ્ધાંતના આધારે નહીં, પણ કાયદા અને બંધારણ પ્રમાણે ચાલવાની છે.
અમે આ કાયદો પાળવાના નથી અને નાગરિકત્વ બક્ષવાનો કાયદો માત્ર મારું શબ પડ્યા પછી જ બંગાળમાં લાગુ થશે તેવી વાતો કેટલાંક રાજ્યો- પંજાબ, બંગાળ, કેરળ, ત્રિપુરા કરી રહ્યાં છે, પણ આવું કશું કરવાની સત્તા રાજ્યો પાસે નથી. આપણા સમવાયી બંધારણમાં કાયદા ઘડવાની અને કરવેરા ઉઘરાવવાની સરકારી સત્તાઓનું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિભાજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સત્તા, રાજ્ય સરકારોની સત્તા અને કેન્દ્ર અને રાજ્ય બંને વાપરી શકે તેવી સત્તા તેવી ત્રણ યાદીઓ બંધારણમાં છે. રાજ્ય અને કેન્દ્ર બંને વાપરી શકે તેવી સત્તાની યાદીના છેડે ચોખવટ કરવામાં આવી છે કે કેન્દ્રનો કાયદો ન ઘડાય ત્યાં સુધી રાજ્ય સરકારોએ ઘડેલા કાયદાનો અમલ કરી શકાય, પણ કેન્દ્ર સરકાર કાયદો ઘડે તો રાજ્યનો કાયદો આપોઆપ નાબૂદ થયો ગણાય. આ ત્રણ યાદીઓ લાંબીલચક અને સ્પષ્ટ છે છતાં આ યાદીમાં ન હોય તેવી તમામ સત્તાઓ કેન્દ્ર સરકારને આપવામાં આવી છે.
દેશનું નાગરિકત્વ આપવાનો કે રદ કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર જ ધરાવે છે. રાજ્યો આ બાબતમાં દખલગીરી કરી શકે નહીં અથવા અલગ કાયદો ઘડી શકે નહીં. નાગરિકત્વ આપવાની સત્તાનો કેન્દ્ર સરકારે ઉપયોગ પણ કર્યો છે. રાજ્ય સરકાર આ બાબતમાં કશું કરી શકે તેમ નથી. તેથી તો બંગાળમાં ઘૂસણખોરોના વિરોધમાં 13-14 વર્ષ આંદોલન ચાલ્યું, પણ આસામની સરકાર ઘૂસણખોરોને પોતાની જાતે હાંકી કાઢી શકે નહીં.
પણ નાગરિકતાનો સવાલ અહીં પૂરો થતો નથી. દેશમાંથી તમામ ઘૂસણખોરોને શોધીને, અલગ તારવીને, તેમને દેશની બહાર હડસેલી મૂકવાનો સંઘ સરકારનો ઇરાદો ગૃહમંત્રી અમિત શાહે પાર્લામેન્ટમાં અને જાહેર સભામાં દર્શાવ્યો છે અને તે માટે દેશનાં તમામ રાજ્યો અને વિસ્તારોમાં નાગરિકોની યાદી તૈયાર થવાની છે. આ કામ 2024 અગાઉ પૂરું કરી દેવામાં આવશે તેવી અમિત શાહની મનીષા નર્યું શેખચલ્લીપણું છે. આસામમાં આવી યાદી તૈયાર કરવામાં 10 વર્ષ લાગ્યાં અને 19 લાખ ઘૂસણખોરોને અલગ તારવવામાં આવ્યા છે, પણ યાદી તૈયાર થયાને ત્રણ વર્ષ થવા આવ્યાં છે છતાં એક પણ ઘૂસણખોરને બહાર મોકલાયો નથી. અલગ પાડવામાં આવેલા ઘૂસણખોરોને અલગ વિસ્તારમાં રહેવાની ફરજ પાડી શકાય, તેમનો મતાધિકાર રદ કરી શકાય, સ્થાવર મિલકત ખરીદવાનો તેમનો અધિકાર રદ થાય.
આખા દેશમાં કેટલા ઘૂસણખોર છે અને કેટલા વખતથી ઘૂસી આવ્યા છે તેના આંકડા કોઈની પાસે નથી, પણ આ સંખ્યા લાખો અને કદાચ કરોડોની હોઈ શકે છે. આટલા બધા લોકોને બીજો કોઈ દેશ સંઘરવા તૈયાર નથી અને આટલા બધા લોકોને અટકાયતમાં રાખવાનું ભારત સરકાર માટે શક્ય પણ નથી.
આવી યાદી તૈયાર કરવા માટે ભારત સરકારે રાજ્યોનાં અધિકારીઓ મારફતે જ કામ કરવું પડે. ભારત સરકાર પાસે તેમના પોતાના અધિકારીઓ અને તંત્ર નથી. ભારત સરકારે કોઈ ગુનેગારને અટકમાં લેવો હોય અથવા તેના ગુનાની તપાસ કરવી હોય તો રાજ્યોના પોલીસોને કામ સોંપવું પડે છે. તેથી ઘૂસણખોરોની યાદી બનાવવાનું કામ રાજ્યોનાં અમલદારો મારફતે જ થઈ શકે. રાજ્યો આ કામ અટકાવી શકે નહીં, પણ તેમાં નાના-મોટા અવરોધ ઊભા કરીને યાદી બનાવવામાં વિલંબ કરી શકે. તેથી 2024માં આ યાદી તૈયાર થવાની કોઈ શક્યતા નથી અને 2024ની ચૂંટણી પછી ભાજપની સરકાર હોય કે ન હોય તે અત્યારથી કહી શકાય નહીં. ભાજપનો વિજયરથ ઘણાં રાજ્યોમાં- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં અટવાઈ પડ્યો છે અને આ વર્ષે અને આવતા વર્ષે કુલ મળીને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.
અદાલત નાગરિકત્વના કાયદાને બંધારણીય ઠરાવે કે ન ઠરાવે, પણ દેશના યુવાન વિદ્યાર્થીઓએ તેને અસ્વીકાર્ય ઠરાવી દીધો છે. યુવાનો, મુસલમાનો અને વિરોધ પક્ષોના આગેવાનો દેશમાં આંદોલનો ચલાવી રહ્યા છે. આ આંદોલનો હિંસક છે તેવી ટીકા કરવાનો કશો અર્થ નથી, કારણ કે ભારતમાં થતાં, થયેલાં તમામ આંદોલનો હિંસક જ હોય છે. શાંત અને શિસ્તબદ્ધ આંદોલન ચલાવવાનું આપણને ફાવતું નથી અને આવડતું પણ નથી. ગમે તેટલાં આંદોલનો થાય અને હિંસાખોરી થાય, પણ અમે ડગવાના નથી તેવું વડાપ્રધાને જાહેરમાં સ્પષ્ટ રીતે કહ્યું છે. હિંસક આંદોલનો લાંબો વખત ચાલતા નથી તે ખરું છે, પણ હર પ્રકારનું આંદોલન ચૂંટણીના પરિણામ પર અસર કરે છે. ઘરઆંગણાનો દાખલો લેવો હોય તો પાટીદાર અનામત આંદોલનના કારણે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં હતાં ત્યારે ભાજપના વરિષ્ઠ આગેવાનોનો જીવ તાળવે ચોંટી ગયો હતો તેની યાદ આપવી પડે.
લોકસભાની ચૂંટણી તો હજુ 4-5 વર્ષ પછી થવાની છે ત્યાં સુધીમાં અત્યારે ચાલી રહેલાં આંદોલનોની અસર ભૂંસાઈ જશે અને આ વાત પણ ભુલાઈ જશે તેવી ભાજપી આગેવાનોની ગણતરી તદ્દન સાચી છે. આંદોલનો લાંબો વખત ચાલતાં નથી અને લોકો થોડા વખતમાં બધી વાતો ભૂલી જાય છે, પણ બીજી વખત સત્તા મળ્યા પછી નરેન્દ્ર મોદી, અમિત શાહની જોડીએ એક પછી એક ચર્ચાસ્પદ નિર્ણયો લેવા માંડ્યા છે. તેથી બીજા મુદ્દે આંદોલન નહીં થાય તેવું ધારી લેવાનું યોગ્ય નથી. કાશ્મીર અંગે સરકાર ગમે તેટલાં બણગાં ફૂંકે, પણ કાશ્મીરની પરિસ્થિતિ રાબેતા મુજબની નથી અને સ્થાનિક આગેવાનોને હજુ પણ અટકાયતમાં રાખવા પડે છે. આ ઉપરાંત આર્થિક મંદીનો ફેલાવો અટકતો નથી. મંદીનો માર સહન કરનાર આમજનતા બધું ભૂલી જાય, પણ બેકારી અને ભૂખમરો કદી ભૂલી શકે નહીં.
X
tad ane fad by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી