તડ ને ફડ / સાવરકરને ભારત રત્નનો ખિતાબ, ઊહાપોહ થાય તે સ્વાભાવિક જ છે

tad ne fad on savarkar by nagindas sanghvi

  • સશસ્ત્ર ક્રાંતિના સૌથી પ્રખર અને સૌથી જાણીતા સમર્થક તરીકે સાવરકરનું નામ ગાજેલું હતું. ગાંધીજી છેક શરૂઆતથી જ વિરોધી વિચાર ધરાવનારને મળવા જતાં

નગીનદાસ સંઘવી

Oct 23, 2019, 08:10 AM IST

ગાંધી હત્યાના આરોપી વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની ભલામણ કરવાનું વચન મહારાષ્ટ્રની ભાજપ શાખાએ ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું અને ગાંધી જયંતીની ઉજવણીના વર્ષમાં અપાયું છે તેનો ઠીકઠીક ઉહાપોહ થઈ રહ્યો છે. ભારત સરકાર આ ભલામણનો સ્વીકાર કરી શકે નહીં, કારણ કે ફોજદારી ગુનામાં સજા પામેલા ગુનેગારને સરકારી ખિતાબો આપી શકતા નથી, પણ ભાજપી સરકાર ગમે તે કરી શકે છે.

ગાંધીજી અને સાવરકર વચ્ચેનાં સંબંધની એક કથાનો પુરાવો નથી. શક્યતા તો છે જ. હિંદ સ્વરાજમાં ગાંધીજીએ જે ક્રાંતિકારી જોડે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે (તેમણે નામ આપ્યું નથી) તે સાવરકર હોવા જોઈએ તેવું માનવામાં આવે છે. ગાંધીજીની લંડન મુલાકાતના વર્ષમાં સાવરકર પણ લંડનમાં હતા અને સશસ્ત્ર ક્રાંતિના સૌથી પ્રખર અને સૌથી જાણીતા સમર્થક તરીકે તેમનું નામ ગાજેલું હતું. ગાંધીજી છેક શરૂઆતથી જ પોતાનાથી વિરોધી વિચાર ધરાવનારને મળવા જતાં.

દરેક માણસમાં દેવ અને દાનવ એટલે કે જેકિલ એન્ડ હાઇડ સાથોસાથ વસે છે. તેમ સાવરકરની જીવનકથામાં પણ થયું છે. બંગાળના ભાગલા (1905) પછી આઝાદીની લડત માટે હથિયાર વાપરવાનો અનુરોધ કરનાર આંદોલનની શરૂઆત બંગાળથી થઈ. અરવિંદ ઘોષના ભાઈ બારીન્દ્ર તેમાં અગ્રભાગે હતા. તેનો પડઘો મહારાષ્ટ્રમાં પડ્યો અને અભિનવ ભારત મંડળી જોડે સાવરકરનું નામ જોડાયું. બેરિસ્ટર સાવરકરને ત્રાસવાદી ગણીને તેમની ધરપકડ થઈ. તેમણે ભારત લાવનાર આગબોટનું સંડાસ તોડીને દરિયામાં ઝંપલાવ્યું. ફ્રાંસનો કિનારો નજીક જ હતો, તેથી સાવરકર ફ્રાંસની જમીન પર પહોંચ્યા અને વિદેશી ભૂમિ પરથી બ્રિટિશ અમલદાર ધરપકડ કરી શકે નહીં તેવા ખ્યાલથી ખૂબ ખુશ હતા.

આંતરરાષ્ટ્રીય કાયદામાં હોટ પરસ્યુટ (પીછો પકડવાની જોગવાઈ)ની બાબત તેમના ખ્યાલમાં ન રહી. તેમનો ખટલો હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચાલ્યો અને બ્રિટિશ સરકારને સાવરકરનો કબજો સોંપાયો. ભારત આવ્યા પછી તેમને કાળા પાણીની સજા થઈ. આંદામાનની મહાભયંકર જેલમાં તેમણે ગાળેલા વર્ષો તેમણે ‘માઝી જન્મઠેપ’ નામે પ્રસિદ્ધ કર્યો છે. (આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ થયો છે તેવો મારો ખ્યાલ છે.) વાંચતા રુંવાડા બેઠા થઈ જાય તેવી આ કહાણી વાંચીએ ત્યારે સ્વાતંત્ર્ય વીર સાવરકર માટે અનહદ માન થયા વગર રહે નહીં.

વીર સાવરકર અંદામાન જેલમાં થી વહેલા છૂટીને બાકીના વર્ષ તેઓ રત્નાગીરી (કોંકણ)માં નજર કેદમાં રહ્યા હતા. સાવરકર શુદ્ધ રેશનાલિસ્ટ છે. પૂરેપૂરા નાસ્તિક છે અને મુસલમાનો માટે ઉગ્ર ધિક્કાર ધરાવે છે. સર્વધર્મ સમભાવી અને શ્રદ્ધાળુ ગાંધી માટે તેમનો વેરભાવ સમજી શકાય તેવો છે. બીજી વાત લોકો બોલતા નથી. આઝાદીની લડતમાં ગાંધી પહેલાંનો યુગ બંગાળી અને મહારાષ્ટ્ર આગેવાનોનો યુગ છે. ગાંધીજીએ અમારી આગેવાની છીનવી લીધી તેવા રોષના કારણે બંગાળ અને મહારાષ્ટ્ર બંને પ્રાંતના સવર્ણો ગાંધીજીને ધિક્કારે છે. ગાંધીજીના વિરોધીઓ આ બંને પ્રાંતમાંથી આવે છે.

બંગાળમાં નથી તે મહારાષ્ટ્રમાં છે. બ્રાહ્મણ પેશ્વાઓએ શિવાજીના વંશજોની રાજસત્તા પચાવી પાડી તેવા ખ્યાલના કારણે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો અને મરાઠાઓ વચ્ચે ઉગ્ર વૈમનસ્ય ઊભું થયું હતું. મરાઠી ભાષી બ્રાહ્મણો ગાંધીના અને ગાંધીની કોંગ્રેસના હાડવેરી છે તેથી મરાઠા સમાજના બે આગેવાનો (એકનું નામ જાધવ, બીજાનું નામ યાદ આવતું નથી.) એ આખા મરાઠા સમાજને કોંગ્રેસ સાથે જોડ્યા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ મરાઠાઓનો પક્ષ છે અને વિરોધ પક્ષના બધા (નાના સાહેબ ગોરેથી માંડીને મૃણાલભાઈ સુધીના) આગેવાનો બ્રાહ્મણ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના બ્રાહ્મણોએ કરી છે અને અત્યાર સુધીનાં તમામ સરસંઘચાલકો (બે અપવાદ સિવાય) બ્રાહ્મણો જ છે. બીજા બધા પ્રાંતોમાં ગાંધીની કોંગ્રેસના આગેવાનો સવર્ણ છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસી આગેવાનો પછાત વર્ગના છે અને 1960થી મહારાષ્ટ્રમાં કોંગ્રેસી રાજ રહ્યું ત્યાં સુધી એક પણ બ્રાહ્મણ મુખ્યમંત્રી થયો નથી. પ્રધાનમંડળમાં પણ બ્રાહ્મણો નથી. 1960થી 2019 સુધીમાં મનોહર જોશી અને દેવન્દ્ર ફડનવીસ જ બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ છે અને બંને બિનકોંગ્રેસી છે.

ગાંધી દ્વેષ મહારાષ્ટ્ર સમાજના સવર્ણોમાં આજે પણ ભારોભાર ભર્યો છે. (વિનોબાજી કે ગોખલે અપવાદ ગણવા પડે.) સાવરકરને ભારત રત્ન આપવાની દરખાસ્ત ભાજપની મહારાષ્ટ્ર શાખા કરે તેમાં નવાઈ પામવાનું કશું કારણ નથી. સામાજિક પરીબળોની ઉપેક્ષા કરવાના બદલે તેમને સમજવાની મહેનત કરવી જોઈએ. જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે મહારાષ્ટ્રમાં કેટલાક બ્રાહ્મણોએ ખુશાલીના પેંડા વહેંચેલા. તે વખતે બ્રાહ્મણ વિરોધી હુલ્લડો ભયંકર રૂપે ફાટી નીકળેલા અને પોતે તેની આગેવાની લીધેલી તેવું વસંતદાદા પાટીલ હંમેશાં ગૌરવભેર કહેતા.

ભારતીય સમાજ અને રાજકારણનું એક વિચિત્ર પાસું સમજાતું નથી. ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન ગ્રંથોની જાળવણી અને અભ્યાસ કરવામાં દક્ષિણ ભારતના બ્રાહ્મણો હંમેશાં આગળ રહ્યા છે. (કાશીના વખાણ શા માટે કરવામાં આવે છે તે સમજવું અઘરું છે) અને છતાં દક્ષિણ તરફ જતાં જઈએ તેટલા પ્રમાણમાં બ્રાહ્મણો માટેનો ધિક્કારનું પ્રમાણ સતત વધતું જાય છે.

કેરળના SNDP (સદ્ગુરુ નારાયણ ધર્મ પરિવાલય)ના સ્થાપક નારાયણ સ્વામી હોય કે તમિલનાડુમાં દ્રવિડ સંગઠન D.K.ના પ્રચારક રામસ્વામી પરિયાર હોય, પણ બ્રાહ્મણ દ્વેષ બધે જાવા મળે છે. રામસ્વામીના અનુયાયીઓ અન્ના દુરાઈ, કરૂણાનીધી, રામચંદ્રન કે જયલલીથાએ તો બ્રાહ્મણ દ્વેષના આધારે રાજ સત્તા ભોગવી છે. જયલલીથા જન્મે કર્ણાટકના બ્રાહ્મણ છે, પણ રામચંદ્રનના ઉપપત્ની તરીકે સંબંધ જોડ્યા પછી દ્રમુક અને અન્ના દ્રમુકને સમર્પિત થઈ ગયા હતા. તમિલનાડુ અને કેરળના હિંદુઓ ધાર્મિક અનુષ્ઠાનો અને વિધિ-વિધાનોમાં બધાથી આગળ છે અને છતાં હિંદુ વર્ણાશ્રમમાં શ્રેષ્ઠ ગણાયેલા. બ્રાહ્મણોને ધિક્કારે છે. આવું બનવાના કારણો તો હશે જ અને હોવા જ જોઈએ, પણ તેની સમજ મેળવવી અઘરી છે.

X
tad ne fad on savarkar by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી