દોષારોપણ / એકલા હાથે લડવું પડ્યું !

tad ne fad by nagindas sanghvi

 

  • કોંગ્રેસી આગેવાનોએ પોતાના દોષ કે ખામી શોધવાના બદલે બીજા પક્ષો અને આગેવાનો પર દોષનો ટોપલો ઠાલવ્યો
  • આ દોષારોપણની આદતમાંથી રાહુલ ગાંધી પણ બાકાત રહ્યા નથી

Divyabhaskar.com

Jul 10, 2019, 08:21 AM IST

ગ્રીક પુરાણોમાં હરક્યુલિસની સામે લડનાર એક ઢૂંઢા રાક્ષસની કથા છે. મહાબલી હરક્યુલિસના અથાગ પ્રયાસ છતાં રાક્ષસને જીતી શકાયો નહીં. પછી હરક્યુલિસને કહેવામાં આવ્યું કે આ રાક્ષસને વરદાન મળ્યું છે કે ધરતી પર પગ ટકે ત્યાં સુધી ધરતીનું બળ તેને મળતું રહેશે. તેને ઊંચકીને ધરતીથી અલગ પાડી દેવાય તો તે સતત નબળો પડીને આપમેળે મરી જશે.

આ કથા કોંગ્રેસને તંતોતંત લાગુ પડે છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ પક્ષને ધરતીથી અલગ કરી નાખ્યો. 1971 પછી કોંગ્રેસમાં કોઈ ચૂંટણી યોજવામાં અાવી નથી અને બધા નેતાઓની વરણી ઉપરથી કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ ઘડેલું અને સરદાર પટેલે ધરબેલું બંધારણ ફગાવી દેવામાં આવ્યું અને કોંગ્રેસની પડતીનો આરંભ થયો. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાના ભાવનાત્મક પ્રતીભાવના કારણે આ દોષ ઢંકાઈ ગયો, પણ કોંગ્રેસી સંગઠનની નબળાઈ છાવરી શકાઈ નહીં. 1989માં રાજીવ ગાંધીનો પરાજય થયો અને 1996માં નરસિંહરાવે હાર ખાધી. દસ વર્ષ ગાંધીકુટુંબનાં વનવાસનાં વર્ષ છે. 2004-2014માં ભાજપી મોરચાની ખાસ કરીને તેલુગુ દેશમ્્ની નબળાઈના કારણે કોંગ્રેસ સત્તાધારી પક્ષ બન્યો. વૃક્ષ હોય કે સંસ્થા હોય, પણ ધરતીથી અલગ થાય તેનું અવસાન નિશ્ચિત છે. માથું ભલે આસમાનને અડકે, પણ પગ તો ધરતી પર રહેવા જ જોઈએ.

1971 પછી કોંગ્રેસ હજુરિયાગીરીથી ઓતપ્રોત દરબારી પક્ષ બની ગયો. રજની કોઠારી, રાજેશ થાપર, માર્ક ટુલી જેવા બધા નિરીક્ષકોએ એકી અવાજે આ વાસ્તવિકતાનો ઉલ્લેખ કર્યો છે. રાજીનામાના નાટક કોંગ્રેસમાં ઘણાં થયાં છે, તેથી રાહુલ ગાંધીની પ્રામાણિકતા માટે વધામણાં કરવાં જોઈએ. રાહુલ-સોનિયા, રાજીવનું સાચું સંતાન છે. રાજીવની પ્રામાણિકતા અને સોનિયા ગાંધીનો ત્યાગ બંનેનો વારસો તેમણેે દીપાવ્યો છે, પણ કોંગ્રેસી આગેવાનોને પૂંછડી પટપટાવવાની જે ટેવ પડેલી છે તે જતી નથી અને ગાંધીકુટુંબ સિવાયના પ્રમુખના ખ્યાલથી હાહાકાર મચી ગયો છે.

પણ આ બધા અધૂરિયાની વાતને પડતી મૂકીએ તો રાહુલ ગાંધીની મક્કમતાના કારણે કોંગ્રેસમાં આંતરિક ચૂંટણીઓનો મારગ મોકળો થાય છે. પાયાના કાર્યકરોનો અવાજ ઉપર સુધી પહોંચી શકે તેવી સગવડ મળે છે અને કોંગ્રેસના પગ ધરતી પર ખોડાય પછી અનેક ફુટકળિયા નેતાઓની હકાલપટ્ટી થઈ શકે છે. લોકશાહી નાજુક તંત્ર દેખાય છે, પણ કરોળિયાનો તાંતણો લોખંડી તાર કરતાં મજબૂત હોવાનું કહેવામાં આવે છે.

રાહુલ ગાંધીની વિદાય પછીનાં પગલાં ભરવામાં ન આવે તો તેમણે કરેલા ત્યાગનું પરિણામ મસમોટા મીંડા જેવું જ આવે. કોંગ્રેસમાં તળિયાથી ટોચ સુધીના આગેવાનો ચૂંટાયેલા હોવા જોઈએ તેવો મહાત્મા ગાંધીનો આગ્રહ અપનાવવો જરૂરી છે. અઠવાડિયા પછી મળનારી કોંગ્રેસ કારોબારી નવા પ્રમુખની વરણી કરશે તેવું કહેવાયું છે. પ્રમુખે નીમેલી કારોબારી નવા પ્રમુખની વરણી કરે તે કુલડીમાં ગોળ ભાગ્યા જેવી વાત થઈ. કોંગ્રેસના બંધારણ મુજબ પ્રમુખની વરણીની સત્તા અખિલ ભારતીય મહાસમિતિને છે અને ગાંધીજીએ કોંગ્રેસ પ્રમુખને પોતાની કારોબારી પસંદ કરી લેવાની સત્તા આપી છે, તે અમેરિકન પ્રમુખશાહીનું અનુકરણ છે. મહાસમિતિ કોંગ્રેસી કાર્યકરોએ ચૂંટેલું સૌથી મોટું મંડળ છે અને વર્ષમાં બે ‌વખત તેની બેઠક મળવી જોઈએ તેવો નિયમ રાખવામાં આવ્યો છે, પણ છેલ્લાં પચાસ વર્ષથી તેનું પાલન કરવામાં આવતું નથી. કોંગ્રેસના સક્રિય કાર્યકરો પોતાના આગેવાનોને આડકતરી ચૂંટણીથી ચૂંટી કાઢે તે થોડું ખામીવાળું તો ગણાય, પણ ચૂંટણી થાય જ નહીં તેના કરતાં આડકતરી તો અાડકતરી, પણ આવી ચૂંટણીના કારણે કોંગ્રેસી આગેવાનોએ પોતાના વિસ્તારના કાર્યકરો સાથે સંપર્ક જાળવી રાખવો પડે અને ચૂંટણી વખતે બધા સાથે મળીને ઝુંબેશ ચલાવે.

ચૂંટણી પછી આત્મમંથન માટે મળેલા કોંગ્રેસી આગેવાનોએ પોતાના દોષ કે ખામી શોધવાના બદલે બીજા પક્ષો અને આગેવાનો પર દોષનો ટોપલો ઠાલવ્યો. આ દોષારોપણની આદતમાંથી રાહુલ ગાંધી પણ બાકાત રહ્યા નથી. પોતે બહુ મહેનત કરી બહુ પ્રચાર કર્યો, પણ પોતે મોટાભાગે એકલા હાથે મોદી અને ભાજપ સામે લડવું પડ્યું તેવું કહીને તેમણે કોંગ્રેસના બીજા આગેવાનોને હિણાવ્યા છે. પોતે વક્તા તરીકે તદ્દન નબળા છે. ભ્રષ્ટાચારનો એક પણ પુરાવો આપ્યા સિવાય રાહુલ ગાંધીએ દેશની જનતાએ ચૂંટી કાઢેલા વડાપ્રધાનને ચોર કહ્યા અને તેમના પ્રચારમાં ગાળાગાળી સિવાય બીજું કશું નક્કર હતું નહીં તે વાત રાહુલ ગાંધી કાં તો સમજ્યા નથી અથવા સમજવા છતાં સ્વીકારતા નથી. પોતાનો વાંક અને પોતાનો વાંસો કોઈને દેખાતો નથી. ડો. મનમોહન સિંહના દસ વર્ષમાં પ્રધાનો અને સત્તાધારીઓના ભ્રષ્ટાચારની જાહેરાત થઈ ન હોય તેવો એક મહિનો ગયો નથી અને એટલા બધા વરિષ્ઠ આગેવાનોને સર્વોચ્ચ અદાલતે તિહાર જેલમાં મોકલેલા કે કેબિનેટની બેઠક તિહાર જેલમાં ભરી શકાશે તેવી મજાક પ્રચલિત બનેલી. રાજા, કનીમોઝી, શીબુ સોરેન, લાલુપ્રસાદ જેવાં નામો તો લોકજીભે ચડેલાં નામ છે અને ખુદ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું કાર્યાલય કોલસા કૌભાંડમાં સંડોવાયાનું કહેવામાં આવતું હતું. 2014-2019નાં પાંચ વર્ષમાં મોદી કે મોદીના પ્રધાનમંડળનો એક પણ સભાદસ કૌભાંડમાં સંડોવાયો નથી.

પોતાના બેફામ પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ જીભને લગામ વગર છુટ્ટી મૂકી દીધી હતી. તેના પરિણામે તેમણે સર્વોચ્ચ અદાલતના આદેશથી સ્પષ્ટ અને બિનશરતી માફી માગવી પડી અને તેમની સામેના બદનક્ષીના ખટલા હજુ ચાલે છે. ટૂંકમાં કહીએ તો કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ પોતપોતાનાં ઘણાં પાપ ધોવાનાં છે. મુસ્લિમ સ્ત્રીઓએ ત્રિવાર તલાકના પરિણામે જે હાલાકી ભોગવવી પડે છે તે રાહુલ ગાંધી કદી સમજી શક્યા નથી, કારણ કે તેમનો પગ ધરતી પર નથી. કોંગ્રેસનો પરાજય નરેન્દ્ર મોદીના પ્રભાવના કારણે થયો તેના કરતાં તેની પોતાની ખામી અને અણઆવડતથી વધારે પ્રમાણમાં થયો છે.

નરેન્દ્ર મોદી પ્રખર વક્તા છે અને આમ જનતાને કલાકો સુધી બાંધી શકે છે, પણ 2019નો વિજય તેમની વક્તૃત્વ શક્તિના કારણે થયો તેવું કહેનાર લોકો વાસ્તવિકતા જોવા કે સ્વીકારવા તૈયાર નથી. 90 કરોડ મતદારોમાંથી નરેન્દ્ર મોદીના ભાષણ સાંભળનાર લોકો તો આંગળીના વેઢે ગણી શકાય અને વક્તાનું ભાષણ સમજનાર લોકોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. સભામાં તાળીઓ પાડનાર લોકો મોટાભાગે કશું સમજ્યા વગર જ તાળીઓ પાડે છે તેવો અનુભવ નાના-મોટા તમામ વક્તાઓને થતો હોય છે.

નરેન્દ્ર મોદી જીત્યા તેમના કામથી જીત્યા છે. નોટબંધી કે જીએસટી થોડા શહેરી લોકોની વાત છે. કરોડો મતદારો પાસે નોટ હોતી નથી અને તેમણે બેન્કમાં જવાનું બનતું નથી. મોદીની લોકપ્રિયતા ગેસના મફત બાટલાના કારણે છે. ઘણાં ખરાં ગામડાંઓનાં ઘણાં ખરાં ઘરોમાં બંધાયેલા સંડાસોમાં આબરૂભેર મળત્યાગ કરનાર સ્ત્રીઓ મોદીના મતદારો છે. પોતાને ઘરમાંથી કાઢી મૂકવામાં ન આવે તેવી મથામણ કરનાર મુસલમાન સ્ત્રીઓ મોદીની પ્રશંસક છે અને આ વખતની ચૂંટણીમાં મતદાન કરનાર પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે તેની નોંધ લેવી ઘટે છે. મોદીએ અનેક ઘરોમાં ગૃહપ્રવેશ કર્યો છે. કોંગ્રેસ અને બીજા પક્ષોના આગેવાનો ચોકમાં ઊભા રહીને બરાડતા રહ્યા છે. ભાજપનો વિજય તે ભારતનો પરાજય છે તેવો બકવાસ કરનાર ગુલામનબી આઝાદ ‘ઇન્દિરા ભારત છે અને ભારત ઇન્દિરા છે’ તેવું બોલનાર બારુઆનો નવો અવતાર છે. ભાજપ, કોંગ્રેસ કે તમામ આગેવાન ભારતના છે, ભારત નથી. પોતે જ દેશની જનતા છે તેવો અહંકાર અને અંધાપો તમામ રાજકીય પક્ષો અને આગેવાનોએ છોડવો પડશે. ભારતના મતદારો 1950-52માં અબુધ હતા, હવે 396 ચૂંટણીઓના ટપલા ખાઈ ખાઈને ઘડાઈ ગયા છે, પણ આગેવાનો જ અણઘડ રહ્યા છે.

X
tad ne fad by nagindas sanghvi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી