તડ ને ફડ / મહારાષ્ટ્રમાં સત્તાપ્રાપ્તિ માટે ભાજપનો જુગારી દાવ

tad ne fad by nagindas sanghvi

  • ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને બહુમતી સાબિત કરવા માટે ઓછામાં ઓછા 40 અથવા 45 વધારાના ધારાસભ્યોનો ટેકો તેમણે મેળવી લેવો પડે
  • ભારતના અખબારી અને વીજાણું માધ્યમોના પત્રકારો, મહારાષ્ટ્ર રાજકારણના નિષ્ણાતો હોવાનો દાવો કરતા વિદ્વાનો અને નિરીક્ષકો બધા ઊંઘતા ઝડપાયા છે

Divyabhaskar.com

Nov 27, 2019, 08:25 AM IST
2019ની પ્રાદેશિક વિધાનસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં સરકારની રચના લાંબા વખતથી ઘોંચમાં પડી છે અને ભાજપ સાથેનાં પચીસ વર્ષના સંબંધને તોડીને શિવસેનાએ મુખ્યમંત્રી પદ મેળવી લીધાનું લગભગ નિશ્ચિત થઈ ગયું હતું.
પણ અચાનક શિવસેનાના મોઢા સુધી આવેલો કોળિયો છિનવાઈ ગયો છે અને રાષ્ટ્રીય કોંગ્રેસના અજિત પવાર સાથે મળીને ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ફરી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમને સોગંદવિધિ કરાવનાર ગવર્નરે તેમને બહુમતી સાબિત કરવા માટે અઠવાડિયાનો સમય આપ્યો છે. ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને બહુમતી સાબિત કરવા માટે ઓછામાં ઓછા 40 અથવા 45 વધારાના ધારાસભ્યોનો ટેકો તેમણે મેળવી લેવો પડે. અપક્ષો અને નાનકડા પક્ષો 20 બેઠકો ધરાવે છે, પણ તે બધા ભાજપના ટેકેદારો નથી. નવા ટેકેદારો મેળવવાની રમતમાં ભાજપને સફળતા ન મળે તો કર્ણાટકમાં યેદ્દીયુરપ્પાએ આબરૂ ગુમાવવી પડે, પણ ભાજપના વ્યૂહ નિષ્ણાતોએ આ ગણતરી અગાઉથી મૂકી જ હોય અને ટેકો મળી રહે તેવી ગોઠવણ થઈ હોવી જોઈએ. આવી ગોઠવણ રાતોરાત અથવા ટૂંકા સમયમાં થઈ શકતી નથી, તેથી રાજરમતના આ દાવપેચ ઘણા વધારે લાંબા સમયથી ખેલાતા હોવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને કબજામાં રાખ્યા છે, તે દર્શાવે છે કે પક્ષમાં ભંગાણ પડવાની શક્યતા કદાચ તેમના ધ્યાનમાં હોય.
રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવારે જાહેરમાં કહ્યું છે તેમ અજિત પવારના ટેકેદારોની સંખ્યા 10-12થી વધારે નથી, પણ શિવસેના કે રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભંગાણ પાડવાનું કામ સહેલું નથી. પાટલી બદલું કાયદા અનુસાર પક્ષના ત્રીજા ભાગમાંથી ઓછા ધારાસભ્યો પક્ષપલટો કરે તો પોતાની બેઠક ગુમાવે છે અને મત આપવાનો અધિકાર પણ ગુમાવે છે. તેથી રાષ્ટ્રીય કોંગ્રેસના ઓછામાં ઓછા 18 અને શિવસેનાના ઓછામાં ઓછા 19 ધારાસભ્યોએ પક્ષ છોડવાની તૈયારી રાખવી પડે.
ભાજપે પોતાની સરકાર ટકાવી રાખવી હોય તો એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 40 ધારાસભ્યોનો ટેકો મેળવી લેવો પડે અને આ અઠવાડિયું મહારાષ્ટ્રમાં ઘોડા (ધારાસભ્યો) ખરીદીનું કામકાજ જોરશોરથી ચાલશે. શિવસેનાના સંજય રાઉતે અજિત પવાર પર દ્રોહનો આરોપ મૂક્યો છે અને તેમણે શિવસેનાની પીઠમાં ખંજાર ભોંકાયાનો આક્રોશ ઠાલવ્યો છે, પણ સત્તાલાલસાના આજના રાજકારણમાં આવો દ્રોહ નવી નવાઈનો નથી, કારણ કે ભારતીય રાજકારણમાંથી નીતિમત્તાનું તત્ત્વ ક્યારનુંય ભૂંસાઈ ગયું છે.
મહારાષ્ટ્ર સરકારની રચનામાં ગૂંથાયેલા મહાવિકાસ ગઠબંધનના ત્રણે પક્ષો- શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રીય પક્ષોએ પોતપોતાના સભાસદોને સાચવી લેવામાં ધ્યાન પરોવવું પડશે. ત્રિપક્ષી ગઠબંધનની સરકાર રચવાની ચર્ચા ઘણા લાંબા વખતથી ચાલતી રહી તે દરમિયાન માત્ર તમાશો જોઈ રહ્યાનો દેખાવ કરનાર ભાજપી આગેવાનોએ અંદર ખાનેથી પોતાની કારવાઈ ચાલુ રાખી હોવી જોઈએ.
આટલા મોટા તખ્ત પલટા અંગેની જરા સરખી ચણભણ પણ કોઈને આવી નથી. ભારતના અખબારી અને વીજાણું માધ્યમોના પત્રકારો, મહારાષ્ટ્ર રાજકારણના નિષ્ણાતો હોવાનો દાવો કરતા વિદ્વાનો અને રોજબરોજની ખબર રાખનાર નિરીક્ષકો બધા ઊંઘતા ઝડપાયા છે. હવે પછીના 8-10 દિવસ મહારાષ્ટ્રના રાજકારણ અને સામાજિક શાંતિ માટે અતિશય મહત્ત્વના અને જોખમી છે, કારણ કે હતાશ થયેલા પક્ષોના ટેકેદારો શેરીઓમાં ઊતરી આવીને તોફાનો જમાવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.
ભાજપે સત્તાપ્રાપ્તિ માટે જીવનમરણનો જુગારી દાવ લગાવ્યો છે અને જૂના કેસરિયા જૂથના મિત્રો, એકબીજાના બની ગયેલા જીવલેણ દુશ્મનોમાંથી એકનો પરાભવ નક્કી છે. ભાજપ આ દાવમાં નિષ્ફળ જાય તો પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભાજપની આબરૂનાં ચીંથરાં થઈ જાય અને શિવસેના અત્યારે છે તેના કરતાં અનેક ગણી વધારે પ્રબળ બનીને મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્ત્વનું પરિબળ બની જાય. ભાજપને સફળતા મળે તો મહારાષ્ટ્રના રાજકારણના બંને મુખ્ય પ્રાદેશિક પક્ષો- શરદ પવારનો રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને શિવસેના બંનેએ સૂર્યાસ્તનો અનુભવ કરવો પડે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું પદ હાંસલ કરી લેવાની ઉદ્ધવ ઠાકરેની મનીષા હાલ પૂરતી ઓઝપાઈ ગઈ છે. આ અંધારપટ અઠવાડિયા સુધી ચાલવાનો છે અને મહારાષ્ટ્ર વિધાનસભાની પહેલી બેઠક અતિશય તોફાની બની રહેવાની છે તેમાં શંકાને સ્થાન નથી.
ભાજપના આગેવાનોએ આ પ્રકારનું જોખમી અને આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય કર્યો છે તેનાં ઘણાં કારણોમાં એક કારણ મુંબઈ શહેર પણ હોઈ શકે છે. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરના ઉદ્યોગપતિઓ ચૂંટણી ફંડમાં સૌથી વધારે ફાળો નોંધાવે છે અને જેની રાજવટ હોય તેના ગલ્લામાં પોતાનો ફાળો આપે છે. ભારતનાં તમામ રાજ્યો અને પ્રદેશોમાં છવાઈ જવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ભાજપી આગેવાનો માટે ચૂંટણી ફંડમાં થનાર જરા સરખો પણ ઘટાડો નુકસાનકારી નીવડે. પોતાની સાથેનો લાંબો સંબંધ તોડી નાખીને અલગ પડી જનાર શિવસેનાને પાઠ ભણાવવાની ઇચ્છા પણ તેમાં કારણભૂત હોઈ શકે, પણ આ રાજરમતમાં અનિશ્ચિતતા પેદા કરનાર પરિબળોની સંખ્યા એટલી મોટી છે કે કોણ કોને પાઠ ભણાવશે તે કહેવું આજની ઘડીએ અશક્ય છે.
લોકશાહીમાં પક્ષો વચ્ચેના સંબંધો સતત બદલાતા રહે છે, તેથી શિવસેનાએ અપનાવેલા નવા સાથીઓ અંગે જે કહેવાય તેમાં તટસ્થતા જાળવી શકાય નહીં, પણ સત્તાની આ સોગઠાબાજીમાં શિવસેના જીતે કે હારે તો પણ તેણે ઘણી નુકસાની વેઠવાની છે. મહાવિકાસ ગઠબંધનની સરકારમાં શિવસેના મુખ્યમંત્રી પદ મેળવે અને સરકાર ઉદ્ધવ ઠાકરેની સરકાર કહેવાય, પણ નવા ઊભા થયેલા અવરોધને ઓળંગી જવા માટે શિવસેનાએ ઘણો વધારે ભોગ આપવો પડે તેવા સંજોગો ઊભા થયા છે. સેનામાં ફૂટ પડે કે રાષ્ટ્રીય કોંગ્રેસના ફાડચા થાય તે આજે નિશ્ચિત નથી, પણ જે તૂટે તેમાંથી મોટો ટુકડો તૂટશે તે નક્કી જ છે.
X
tad ne fad by nagindas sanghvi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી