તડ ને ફડ / સર્વોચ્ચ અદાલત અને ત્રણ મહત્વના કેસ

tad ne fad by nagindas sanghvi

  • રાફેલ વિમાનની ખરીદીમાં ગરબડ
  • રાહુલ ગાંધી સામે ફોજદારી ગુનો
  • સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશની મનાઈ
  • અત્યંત ખાનગી ગણાય તેવા લશ્કરી વિમાનોની બાબતમાં ઉઘાડી પોલીસ તપાસ કરાવવાની માગણી કોઈ પણ જવાબદાર આગેવાન કરે નહીં

નગીનદાસ સંઘવી

Nov 20, 2019, 08:20 AM IST
વડા ન્યાયાધીશ રંજન ગોગોઈ પોતાની નિવૃત્તિ અગાઉ મહત્ત્વના બધા ચુકાદાઓ આપીને પોતાનું ટેબલ સાફ કરી ગયા છે. તેમણે એક સામટા ત્રણ મુદ્દાઓની ચોખવટ એક જ દિવસમાં કરી. તેમાં રાજકારણના ધોરણે સૌથી મહત્ત્વનો ફેંસલો લડાયક વિમાન રાફેલની ખરીદીની બાબતમાં અપાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારી અથવા મૂરખ ઠરાવવાના પ્રયાસો તેમના વિરોધીઓ સતત કરી રહ્યા છે. વરિષ્ઠ કાયદાશાસ્ત્રી પ્રશાંતભુષણ, વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરી અને વાજપેયી પ્રધાન મંડળમાં નાણામંત્રીનો હોદ્દો ભોગવનાર યશવંત સિંહા તેમાં સૌથી વધારે ખ્યાતનામ છે.
ફ્રાંસ પાસેથી ખરીદાયેલા અદ્યતન વિમાનોનાં સોદામાં ગરબડ થઈ છે અને વડાપ્રધાનની ભલામણથી અનિલ અંબાણીને કેટલાક સ્પેરપાર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાય છે તેવી ગાજવીજ કરનાર આગેવાનોએ કરેલી અરજી સર્વોચ્ચ અદાલતે અગાઉ રદ કરી હતી અને આવી આક્ષેપનો કોઈ નક્કર પુરાવો ન હોવાથી તેની ફેર તપાસ કરવાનો ઇન્કાર કર્યો હતો.
આ સોદાની વાટાઘાટો ચાલતી હતી ત્યારના કેટલાક સરકારી દસ્તાવેજોની ચોરી કરવામાં આવી. આ સોદા માટેના ઠરાવવામાં આવેલા સરકારી નિયમોનું ઉલ્લંધન થયાની નોંધ આ દસ્તાવેજોમાં છે. તેથી સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાની નવેસરથી વિચારણા (રિવ્યૂ) કરવી તેવી અરજીનો ફેંસલો વરિષ્ઠ ન્યાયાધીશોની ખડંપીઠે આપ્યો છે. સરકારની વહીવટી બાબતોમાં સર્વોચ્ચ અદાલત દખલગીરી કરી શકે નહીં અને રાફેલ વિમાનોના ભાવ વધારે અપાયા હોવાથી ભ્રષ્ટાચાર થયો છે તેવું પુરવાર થતું નથી. અદાલત સરકારી ખરીદીના ભાવતાલ ઠરાવી શકે નહીં, પણ કશી ગરબડ થયાનું દેખાતું નથી તેથી આ ખટલાની તપાસ સીબીઆઈ મારફતે કરાવવાનો આદેશ અદાલતે નકાર્યો છે. રાહુલ ગાંધીએ પોતાનું વલણ છોડ્યું નથી અને રાફેલની તપાસ પાર્લામેન્ટનાં બંને ગૃહોની સમિતિએ કરવી તેવી માગણી કરી છે. આ નિર્ણય પાર્લામેન્ટે કરવાનો છે અને ભાજપની પ્રચંડ બહુમતીના કારણે શક્ય નથી.
અત્યંત ખાનગી ગણાય તેવા લશ્કરી વિમાનોની બાબતમાં ઉઘાડી પોલીસ તપાસ કરાવવાની માગણી કોઈ પણ જવાબદાર આગેવાન કરે નહીં, પણ નરેન્દ્ર મોદીના ઉત્કર્ષ અને સિદ્ધિઓ અંગેના દ્વેષના કારણે આંધળાભીંત બની ગયેલા માજી નાણામંત્રી, પત્રકારોના અગ્રણી અને પીઢ કાયદાશાસ્ત્રી પણ આવી માગણી કરતાં અચકાયા નથી.
રાફેલ વિમાનોના સ્પેરપાર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ સરકારી પેઢીના બદલે બિનસરકારી ઉદ્યોગપતિ અપાયો તે સરકારી નીતિમાં આવેલા બદલાવની નિશાની છે. દુનિયાના તમામ આગેવાન દેશોમાં લશ્કરી શસ્ત્રો અને સરંજામનું ઉત્પાદન ખાનગી પેઢીઓ જ કરે છે, કારણ કે સરકારી પેઢીઓ નિયમોનાં જાળાં તોડીને આગળ જઈ શકતી નથી. ભારત એક જ એવો દેશ છે કે જ્યાં લશ્કરી સામગ્રીની શોધખોળ અને ઉત્પાદનની જવાબદારી સરકારી પેઢીઓ ઉપાડે છે અને કદાચ તેથી જ આપણે આ બાબતમાં આખી દુનિયામાં સૌથી પછાત છીએ. બિનસરકારીકરણનો પ્રવાહ ચાલ્યો છે અને સરકાર પોતાની તમામ પેઢીઓના કબજા ઉદ્યોગપતિઓને સોંપવા લાગી છે. સરકાર હોટલો ચલાવે, એરલાઇન્સનું સંચાલન કરે અને અનાજના વેપારમાં માથું મારે તેમાં જેટલી મૂર્ખાઈ છે તેટલી જ મૂર્ખાઈ લશ્કરી સરંજામની બાબતમાં પણ છે.
ભારત આઝાદ થયું ત્યારે આવા મોટા કામોની જવાબદારી ઉપાડી શકે તેવી પેઢીઓ જ આપણે ત્યાં હતી નહીં તેથી સરકારે બોકારો સ્ટીલની સ્થાપના કરવી પડી અને મુખ્ય દવાઓનું ઉત્પાદન પણ સરકારી સ્તરે થયું.
એક જમાનામાં આર્થિક પરિસ્થિતિમાં જે જરૂરી હોય તે બદલાયેલી આર્થિક સ્થિતિમાં બદલવામાં આવે તેમાં કશું ખોટું કે ખરાબ નથી. વીસમી સદીની વચ્ચે જે જરૂરી હતું તે તે જમાનાની (નહેરુ-શાસ્ત્રી-ઇન્દિરા) સરકારોએ કર્યું, પણ બાપના કૂવામાંથી પાણી પીવામાં વાંધો નથી, પણ કૂવો બાપનો છે તેથી તેમાં ડૂબી મરવાનું કોઈ કારણ નથી. ગાંધીજીએ કહ્યું છે તેમ પરંપરા પ્રવાહ છે. તેમાં તરનારો આગળ જાય છે, પણ તળીયે બેસવાનો આગ્રહ રાખે તે ડૂબી મરે છે. નરેન્દ્ર મોદીની કામગીરીનું મૂલ્યાંકન 2019ની પરિસ્થિતિના આધારે કરવું જોઈએ. નહેરુ-શાસ્ત્રી જેવા પૂરોગામીઓએ જે કર્યું તે તેમની પરિસ્થિતિ અને સમજ પ્રમાણે કર્યું. વડીલોને માન આપવું જોઈએ, પણ દરેક વાતમાં તેમનું અનુકરણ કરી શકાય નહીં. રાજકારણી દ્વેષથી પ્રેરાયેલા વિરોધીઓ જે કહે તે બધું આમજનતાએ માની લેવાની જરૂર નથી.
સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધીએ માગેલી માફીનો સ્વીકાર કર્યો છે. આ મુદ્દો રાફેલ વિમાનોની ખરીદી જોડે સંકળાયેલો છે અને 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’નો નાદ ગજાવ્યો. પોતાની નાદાનિયત અને અણસમજના કારણે તેમણે આ બાબતમાં સર્વોચ્ચ અદાલતને પણ સંડોવી અને સર્વોચ્ચ અદાલને નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારી કહ્યા છે તેથી અદાલત પણ ‘ચોકીદાર ચોર હૈ’ની વાત કબૂલે છે.
રાફેલ ખરીદી અંગે સર્વોચ્ચ અદાલતે અગાઉ આપેલા ફેંસલામાં આવી કોઈ વાત નથી અને અદાલતે આવું કશું કદી કહ્યું નથી. તેથી રાહુલ ગાંધી અદાલતના અપરાધી ઠર્યા અને માફી માગવામાં ન આવે તો રાહુલ ગાંધી સામે ફોજદારી ગુનો દાખલ કરીને તેમને સજા કરવામાં આવશે તેવી નોટિસ અદાલતે આપી, પણ શાહજાદા કંઈ માફી માગે! તેથી રાહુલ ગાંધીએ ચોખવટ કરી કે પોતે જે કંઈ કહ્યું તે ચૂંટણી ઝુંબેશ વખતના ઉશ્કેરાટના કારણે કહ્યું છે તેમાં અદાલતનું અપમાન કરવાનો મારો ઇરાદો ન હતો. અદાલતે આ માફીપત્ર સ્વીકારવાનો ઇન્કાર કર્યા અને રાહુલ ગાંધીએ સ્પષ્ટ રીતે સંપૂર્ણ માફી માગવી તેવો આદેશ આપ્યો.
રાહુલ ગાંધીએ આવી માફી માગવી પડી અને અદાલતે તેનો સ્વીકાર કર્યો છે, પણ ભવિષ્યમાં રાહુલ ગાંધી જેવા જવાબદાર આગેવાને વધારે સંભાળ રાખવાની સલાહ પણ અદાલતે આપી છે.
અદાલતે ત્રીજો મુદ્દો ઉઠાવ્યો છે, પણ કશો આખરી ફેંસલો આપવાના બદલે વધારે મોટી ખંડપીઠને નિર્ણય લેવાનું કામ સોંપાયું છે. બાબરી મસ્જિદની માફક આ મુદ્દો પણ ધર્મ શ્રદ્ધાને લગતો છે. કેરળમાં સબરીમાલ વિસ્તારની ટેકરીની ટોચે અયપ્પાનું મંદિર આવેલું છે. અયપ્પા બાળબ્રહ્મચારી ગણાય છે અને રજસ્વલા સ્ત્રીઓને મળતા કે જોતા નથી. મંદિરમાં આવનાર સ્ત્રી માસિકધર્મમાં છે કે નથી તે જાણી શકાય નહીં તેથી રજોદર્શનની ઉંમરની (દસ વર્ષથી મોટી અને પચાસ વર્ષથી નાની) સ્ત્રીઓને મંદિર પ્રવેશની મનાઈ છે. આવી મનાઈ સામાજિક ભેદભાવ છે તેવા આધારે કરવામાં આવેલી અરજીની બાબતમાં સર્વોચ્ચ અદાલતે તમામ સ્ત્રીઓને મંદિર પ્રવેશની છૂટ આપવાનો આદેશ આપ્યો. પણ શ્રદ્ધાળુઓ આવો આદેશ માનવા તૈયાર નથી અને મંદિર પ્રવેશ માટે આવનાર યુવાન સ્ત્રીઓને ટોળાબાજી કરીને અટકાવવામાં આવી. આ પ્રતિબંધ અને આદેશ અંગે સર્વોચ્ચ અદાલતમાં 65 અરજીઓ કરવામાં આવી અને આદેશની ફેર સુનાવણી અદાલતે કરવી પડી છે. પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે અપાયેલા ચુકાદાની સુનાવણી સાત ન્યાયાધીશોની ખંડપીઠ કરશે.
જૂની પરંપરા સામાજિક અસમાનતાનું પોષણ કરતી હોવાથી તેની નાબૂદી જરૂરી છે, પણ આ સામાજિક ઉપરાંત ધાર્મિક પણ છે, તેથી તેના આખરી ચુકાદામાં વધારે ગુંચવણ ઊભી થઈ છે.
એક દલીલ એવી છે કે સર્વોચ્ચ અદાલત પરવાનગી આપે તો પણ અય્યપ્પાની ભક્તિ કરનાર સ્ત્રીઓ દેવપુત્રનું બ્રહ્મચર્ય અખંડ જાળવી રાખવા માટે થઈને રજોદર્શનની ઉંમર સુધી મંદિરમાં આપમેળે જ જવાનું ટાળશે. અશ્રદ્ધાળુ સ્ત્રીઓ જ અદાલતના આદેશનું પાલન કરશે.
ભારતમાં ધાર્મિક પરંપરાની પકડ ઘણી મજબૂત છે તેથી આવા ખટલાઓ અવારનવાર સર્વોચ્ચ અદાલત સુધી પહોંચે છે.
X
tad ne fad by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી