તડ ને ફડ / મોદી સરકાર વેરનાં વળામણાં કરે છે! આ આક્ષેપ કેટલો સાચો?

tad ane fad by nagindas shanghvi

  • વયોવૃદ્ધ કોંગ્રેસ પક્ષ તદ્દન ખખડી ગયેલી હાલતમાં છે. છ-સાત દાયકાથી સત્તાના ભોગવટાના કારણે તેના આગેવાનોએ પોતાની નિષ્ઠા અને પ્રતિષ્ઠા બંને ગુમાવ્યાં છે. નરેન્દ્ર મોદી આવા આગેવાનો સામે ખટલા કરી શકે છે, કારણ કે એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે

Divyabhaskar.com

Sep 18, 2019, 07:55 AM IST

ભાજપી સરકારે કેન્દ્રમાં સત્તા મેળવ્યા પછી નાના-મોટા આગેવાનો સામેના ભાતભાતના અને મોટાભાગે ભ્રષ્ટાચારના ખટલાઓ શરૂ થયા છે. મોદી સરકાર વેરનાં વળામણાં કરી રહી છે અને આવા ઉપાય અજમાવીને પોલીસ ખાતાનો તથા આવકવેરા અને CBIનો દુરુપયોગ કરીને કોંગ્રેસ પક્ષને અને બીજા તમામ વિરોધપક્ષોને ખતમ કરી નાખવા ચાહે છે તેવો આરોપ એક જમાનાના મહારથી કોંગ્રેસ આગેવાન ગુંડુ રાવના દીકરા દિનેશે કર્યો છે. આવા જ આક્ષેપો કોંગ્રેસ પક્ષના મોવડીમંડળના સભાસદો અને ખુદ રાહુલ ગાંધીએ પણ કરેલા છે. આ આક્ષેપ સાચો ઠરે તો ભાજપના આગેવાનો લોકશાહીના ઘાતક ઠરે, પણ આ વાત અદાલતમાં સિદ્ધ થવી જરૂરી છે. માત્ર આક્ષેપના કારણે કોઈને ગુનેગાર ઠરાવી શકાય નહીં.

આ વર્ષની શરૂઆતમાં સરકાર રચવાના સ્વપ્ન જોઈ રહેલાં પ્રાદેશિક આગેવાનો માયાવતી, મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ અને રાષ્ટ્રીય પક્ષો- કોંગ્રેસ, માર્ક્સવાદી પક્ષનાં જડબાં તૂટી જાય તેવી જબરદસ્ત પછાડ મળી અને તેના પરિણામે પક્ષો અને આગેવાનો જાગ્યા છે, પણ સુધર્યા નથી. પોતાની વર્ષો જૂની શૈલીના પરિણામે થયેલું નુકસાન નજરોનજર જોવા છતાં તેમાં કશો ફેરફાર કરવાની તેમની તૈયારી નથી અથવા કદાચ આવા ફેરફાર કરવાની શક્તિ તેમનામાં રહી નથી, કારણ કે પોતાના દોષ જોવા, કબૂલ કરવા અને સુધારવા માટે મહાત્મા ગાંધી જેટલી સાફ નજર અને મક્કમ મનોબળની જરૂર પડે છે.

માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથેનું જોડાણ તોડી નાખ્યું છે, પણ દલીતોનું હિત સાધવાના બદલે પોતે અને પોતાને ફાયદો થાય તેવી કામગીરી ચાલુ રાખી છે.
આ ચૂંટણીનું દુરગામી અને કાયમી પરિણામ દેખાવા લાગ્યું છે અને ચૂંટણી કમિશને પોતાની ભૂલ સુધારી છે. રાષ્ટ્રીય કક્ષાએ જેમનો પ્રભાવ નથી અને પોતપોતાના વિસ્તારમાં જેમની હાક વાગે છે તેવા માર્ક્સવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ, બહુજન સમાજ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસને અત્યાર સુધી રાષ્ટ્રીય પક્ષો ગણવામાં આવતા હતા. ચૂંટણીપંચે આ માન્યતા રદ કરવાની નોટિસ આપી છે. તેમાં મોદીએ કશું કર્યું નથી અને કશું કરવાની સત્તા પણ મોદી પાસે નથી છતાં આનો દોષ પણ મોદીના માથે જ ઢોળવામાં આવે છે. આગેવાને ગાળ ખાવાની તૈયારી રાખવી પડે તે લોકશાહીનું લક્ષણ છે.

ઉપરાછાપરી મળેલા પછડાટથી હેબતાઈ ગયેલો કોંગ્રેસ પક્ષ પોતાની દિશા ઠરાવવાની કોશિશ કરી રહ્યો છે, પણ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. કોંગ્રેસ પક્ષમાં પ્રવેશેલી નબળાઈ બે કારણસર છે. એક તો આઝાદી સંગ્રામની લડતનો લાભ કોંગ્રેસે અત્યાર સુધી લીધો છે. આધુનિક ભાષામાં કહીએ તો આઝાદીની લડતમાં કરેલા મૂડીરોકાણમાંથી કોંગ્રેસ પક્ષને વર્ષો સુધી સારું ડિવિડન્ડ મળતું રહ્યું છે, પણ હવે આ મૂડીરોકાણ ઘસાઈ ગયું છે.

આઝાદી પછી લોકશાહી શાસનની શરૂઆત થઈ ત્યારે ભારતમાં માતબર અને આખા રાષ્ટ્રમાં ફેલાયેલો એક જ પક્ષ હતો. બીજા પક્ષો ટગુમગુ ભાખોડિયાભર ચાલતા હતા. કોંગ્રેસનો વિરોધ કરનાર સમાજવાદી પક્ષના આગેવાન જયપ્રકાશ નારાયણે છાપામાં માગણી કરેલી કે લોકશાહીની સુરક્ષા માટે વડાપ્રધાન નેહરુએ વિરોધ પક્ષોને પ્રોત્સાહન આપવું જોઈએ તેના જવાબમાં નેહરુએ કહેલું કે, ‘મારે શું કરવાનું છે? હું કંઈ વિરોધ પક્ષના ઉમેદવારોની વરણી કરવા બેસું? હું કોઈને રોકતો-અટકાવતો નથી. કોંગ્રેસનો વિરોધ કરનાર આગેવાનોએ બીજા પક્ષો ઊભા કરવા જોઈએ.’

આજે આ વયોવૃદ્ધ કોંગ્રેસ પક્ષ તદ્દન ખખડી ગયેલી હાલતમાં છે. લાંબા વખતથી, છ-સાત દાયકાથી સત્તાના ભોગવટાના કારણે તેના આગેવાનોએ પોતાની નિષ્ઠા અને પ્રતિષ્ઠા બંને ગુમાવ્યાં છે. નરેન્દ્ર મોદી આવા આગેવાનો સામે ખટલા કરી શકે છે, કારણ કે એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે. જે થોડા શુદ્ધ આગેવાનો બચ્યા છે - ડો. મનમોહન સિંહ કે એન્થની કે મમતા બેનર્જી - તેમને હાથ લગાડવાનું ભાજપી સરકાર માટે શક્ય નથી. મોદી કેસ કરી શકે, આરોપ લગાવી શકે, પણ કોઈને ગુનેગાર ઠરાવવાની કે કોઈને જેલમાં મોકલવાની સત્તા સરકાર પાસે નથી. આ કામ માત્ર અદાલતો જ કરી શકે છે અને અદાલતોના આદેશ મોદી સરકારે પણ પાળવા જ પડે છે.
પોતાની ઢળતી ઉંમરના કારણે કોંગ્રેસનું પ્રમુખ પદ પોતાના દીકરાને આપવાની સોનિયા ગાંધીની જહેમત નકામી ઠરી છે. બે વર્ષ પછી સોનિયા ગાંધીએ ફરી વખત કોંગ્રેસ પ્રમુખ થવું પડ્યું છે. 2019નો પરાજય મુખ્યત્વે કોંગ્રેસની નબળાઈના કારણે છે અને રાજવંશી વ્યવસ્થાના કારણે છે તેવી કબૂલાત કરીને રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું અને પોતાના કુટુંબ સિવાયના આગેવાનને પ્રમુખ બનાવવાનો અનુરોધ કર્યો.

મહિના સુધી મથામણ કરી અને ગાંધી કુટુંબી ન હોય તેવા આગેવાન શોધવાની મથામણ પણ કરવામાં આવી, પણ છેવટે ગોરીયો ગમાણે જ આવ્યો અને સોનિયા ગાંધીએ ફરીથી પ્રમુખ થવું પડ્યું. સોનિયા ગાંધીની ઉંમર થઈ છે અને કોઈ મોટા રોગથી પીડાય પણ છે છતાં પક્ષમાં બીજો કોઈ આગેવાન પ્રમુખ થઈ શકે તેવું રહ્યું નથી.

સોનિયા ગાંધી કે તેમનાં બાળકો આ પરિસ્થિતિ માટે જવાબદાર નથી. 1971માં કોંગ્રેસ પક્ષમાં સર્વેસર્વા બન્યા પછી ઇન્દિરા ગાંધીએ વ્યવસ્થિત અને કોંગ્રેસમાંથી મહત્ત્વના તમામ આગેવાનોની હકાલપટ્ટી કરી અથવા તેમની તાકાત તોડી નાખી. કોંગ્રેસ પક્ષ માત્ર ખુશામતખોરોનો પક્ષ બન્યો અને આજે પણ છે. રાહુલ ગાંધી વક્તા તરીકે ઘણા નબળા છે. પુખ્ત રીતે વિચાર કરવાના બદલે આવેશથી દોરવાઈ જાય છે. કોઈ પુરાવો ન હોવા છતાં નરેન્દ્ર મોદી ચોર છે તેવા બરાડા ગમે તેટલા પાડીએ, પણ લોકો તે સાંભળવા કે સ્વીકારવાના નથી તેટલું સમજવાની શક્તિ તેમનામાં દેખાતી નથી. ગુજરાત તેનો નક્કર પુરાવો છે. પાટીદારોને ઊંધે રવાડે ચડાવનાર અનેક ફોજદારી ગુનાના આરોપી હાર્દિક પટેલ ચૂંટણી લડવા માટે ગેરલાયક છે તેટલું સમજ્યા વગર તેમણે આ ભાઈને ટિકિટ આપી એટલું જ નહીં, પણ હાર્દિક પટેલ જીતી જશે તેવી બેસમજ આશા પણ જાહેર રીતે દર્શાવી.

રાહુલ ગાંધીના દોષ જોવાની કે તેની કબૂલાત કરવાની શક્તિ જ ખુશામતીયા કોંગ્રેસીઓમાં રહી નથી. જેને રાજકારણના કક્કાની ખબર નથી તેવાં શ્રીમતી પ્રિયંકા વાડ્રા માટે ગાજોવાજો કરનાર કોંગ્રેસી આગેવાનો માટે કોઈ સારું વિશેષણ શોધી શકાય તેમ નથી. 1971 પછી છેલ્લાં પચાસ વર્ષથી કોંગ્રેસી કાર્યકરોના મોઢે તાળાં ઠોકાયાં છે અને તમામ કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ નહીં, પણ ઉપરથી ઠોકી બેસાડવામાં આવેલા લોકો છે. આ પક્ષ 2014 સુધી સત્તામાં ટકી રહ્યો તે પોતાની તાકાતથી નહીં, પણ અન્ય પક્ષોની નબળાઈથી ટક્યો.

હજુ આજે પણ નરેન્દ્ર મોદીને ગાળ દીધા સિવાય બીજું કશું કોંગ્રેસી આગેવાનોને સૂઝતું નથી. વડાપ્રધાન મોદીને ગાળ દેવામાં કશો વાંધો નથી. લોકશાહીમાં ગમે તેવો ચમરબંધી પણ ગાળ ખાવા જોગ છે, પણ બીજું શું છે તે કોંગ્રેસી આગેવાનો કહેતા નથી. આંતરિક લોકશાહીનો અભાવ કોંગ્રેસ પક્ષને વળગેલો મહારોગ છે તેવું બધા કહે છે, પણ તેનો ઉપાય કરવા કોઈ તૈયાર નથી. છેક તળિયાના કોંગ્રેસી કાર્યકરો આગેવાનોની ચૂંટણી કરે તો અત્યારે બની બેઠેલા સંખ્યાબંધ આગેવાનોનાં હાંડલા અભડાઈ જાય તેવા ડરથી મોવડીમંડળ આવી ચૂંટણી થવા દેતું નથી. સોનિયા ગાંધીના પતિ વડાપ્રધાન રાજીવ ગાંધીએ આંતરિક ચૂંટણીઓ શરૂ કરવાનાં ઘણાં ફાંફાં માર્યાં, પણ તેમની વાત હંમેશાં એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવામાં આવી.

X
tad ane fad by nagindas shanghvi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી