તડ ને ફડ / 9/11 : જ્યારે અમેરિકા પણ ત્રાસવાદથી હેબતાઈ ગયું

tad ane fad by nagindas sanghvi

  • રશિયાની પીછેહઠ પછી મુજાહિદ્દીનોએ પોતાનો મોરચો અમેરિકા તરફ ફેરવ્યો. આરબોને ત્રાસ આપનાર યહૂદીઓનું ટેકેદાર અમેરિકા ત્રાસવાદીઓનું મુખ્ય નિશાન બન્યું

Divyabhaskar.com

Sep 11, 2019, 08:13 AM IST

‘દુ:ખનું ઓસડ દહાડા’ તે કહેવત બધે લાગુ પાડી શકાતી નથી. વ્યક્તિ કે સમાજને પડેલા કેટલાક ઘાવ એટલા ઊંડા હોય છે અને એટલા તીવ્ર હોય છે કે દાયકાઓ અને સદીઓ સુધી ભુલાતા નથી. લગભગ બે દાયકા થવા આવ્યા, પણ આજના સપ્ટેમ્બર માસની અગિયાર તારીખનો ગોઝારો દિવસ અમેરિકાની સરકાર કે અમેરિકાનો સમાજ ભૂલ્યો નથી, ભૂલી શકે તેમ નથી. વીસ વર્ષ અગાઉ આ દિવસે અલકાયદાના ત્રાસવાદીઓ ન્યૂ યોર્ક શહેરના ટ્વીન ટાવર્સ પર ત્રાટક્યા. લગભગ ત્રણ હજાર લોકોની હત્યા થઈ અને અમેરિકાન સંરક્ષણ ડિપાર્ટમેન્ટનું હેડ ક્વાર્ટર (પેન્ટાગોન) પણ ત્રાસવાદનો ભોગ બન્યું.

પોતાની જાતને સબ સલામત માની બેઠેલો અમેરિકન સમાજ હેબતાઈ ગયો અને દુનિયાભરમાંથી ત્રાસવાદને જડમૂળથી ઉખાડી નાખવાની પ્રતીજ્ઞા લઈને પ્રમુખ બુશે અમેરિકાની વિદેશનીતિમાં આમૂલાગ્ર પરિવર્તનનો આરંભ કર્યો. શરૂઆત તો પચાસ વર્ષ અગાઉ થઈ અને પશ્ચિમ એશિયાનો મુસ્લિમ સમાજ અમેરિકા અને અમેરિકન રાજનીતિનો કટ્ટર વિરોધી બન્યો.

પાપ યુરોપના ખ્રિસ્તીઓનું અને દંડ એશિયાના મુસલમાન સમાજે ભોગવ્યો. બીજા વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ પછી યુરોપના યહૂદીઓને પેલેસ્ટાઇનમાં વસાવવા માટે અને ઇઝરાયેલનું અલગ સાર્વભૌમ રાજ્ય ઊભું કરવા માટે અમેરિકાએ અને યુરોપના દેશોએ અઢળક નાણાં અને ઘાતક શસ્ત્રો યહૂદીઓને આપ્યાં અને પેલેસ્ટાઇનમાં રહેતા મુસલમાનોને દેશમાંથી ખદેડી મૂકીને નિરાશ્રિત બનાવ્યા. પોતાના ધર્મબંધુઓને મદદ કરવા માટે બે-ત્રણ વખત યુદ્ધે ચડેલા આરબો ભૂંડેહાલ હાર્યા અને પશ્ચિમ એશિયામાં ઇસ્લામી કટ્ટરતા અને ત્રાસવાદના પાયા નખાયા.

હિન્દુસ્તાન-પાકિસ્તાનના દરવાજા જેવા અફઘાનિસ્તાન પર રશિયાએ કબજો જમાવ્યો અને રશિયાને હાંકી કાઢવા માટે મુસ્લિમ આરબોએ લશ્કરી કારવાઈ અને ત્રાસવાદ જેવી બેવડી કારવાઈનો વપરાશ કર્યો. પોતાના દુશ્મન રશિયાને પછાડવા માટે અમેરિકાએ મુસ્લિમ સમાજનો ભરપૂર ઉપયોગ કર્યો અને આ મુજાહિદ્દીનના એક આગેવાન ઓસામા બિન લાદેનને અમેરિકાએ મોટું ભંડોળ અને ત્રાસવાદી પ્રવૃત્તિઓની તાલીમ આપી.

રશિયાની પીછેહઠ પછી મુજાહિદ્દીનોએ પોતાનો મોરચો અમેરિકા તરફ ફેરવ્યો અને આરબોને ત્રાસ આપનાર યહૂદીઓનું ટેકેદાર અમેરિકા ત્રાસવાદીઓનું મુખ્ય નિશાન બન્યું. અમેરિકાએ આ ત્રાસવાદીઓ સામે પગલાં તો ભર્યાં, પણ પારકા પ્રદેશમાં અમેરિકાની કારી ફાવી નહીં.

સપ્ટેમ્બરની અગિયાર તારીખની ઘટનાએ બાજી ફેરવી નાખી અને ન્યૂ યોર્કના ટ્વીન ટાવર પરનો ત્રાસવાદી હુમલો અમેરિકન વિદેશનીતિમાં આવેલા પલટાનું સીમાચિહ્્ન છે અને આખા એશિયામાં ભારત અને પાકિસ્તાનમાં પણ તેના પડઘા પડછંદા પડ્યા. અમેરિકાના નાગરિકોની સામૂહિક હત્યા કરનાર અને અમેરિકાની સલામતી વ્યવસ્થામાં ગાબડું પાડનાર ઓસામા બિન લાદેનને જીવતો કે મૂએલો પકડવાનો અથવા તેને ઠાર મારવાની પ્રમુખ બુશે જાહેરમાં પ્રતિજ્ઞા લીધી અને તે દિશામાં અમેરિકાના જાસૂસી તંત્રની કારવાઈ શરૂ થઈ.

બીજું, એશિયાના મુસ્લિમ દેશોમાં અગ્રણી તરીકે સ્વીકારાયેલા ઇરાકના સર્વેસર્વા સદ્દામ હુસૈન પર ભાતભાતના બનાવટી આક્ષેપો મૂકીને પ્રમુખ બુશે ઇરાકનો કબજો લેવા માટે અમેરિકન સેના મોકલી. રશિયાની પીછેહઠ પછી અફઘાનિસ્તાનમાં પગ જમાવીને પડેલા મુજાહિદ્દીનો સામે પણ અમેરિકન કારવાઈ શરૂ થઈ અને આખા એશિયામાંથી ત્રાસવાદની નાબૂદી માટે અમેરિકાએ કમર કસી. અમેરિકાના દબાણથી અને પોતાનો દરવાજો સાચવવા માટે ભારત અને પાકિસ્તાન બંનેએ અફઘાનિસ્તાનમાં વધારે સક્રિય રસ લેવાનું શરૂ કર્યું. ભારતે ત્રાસવાદને ગરીબી અને અરાજકતાનું પરિણામ લેખાવીને અફઘાનિસ્તાનમાં વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

પાકિસ્તાને લશ્કરી કારવાઈને મહત્ત્વ આપ્યું અને અમેરિકાના પગલે ચાલીને આખા અફઘાનિસ્તાનમાં હક્કણી જાસૂસી તંત્ર અને ત્રાસવાદી પ્રવૃત્તિઓ ચલાવી.
ત્રાસવાદના ઉચ્ચાટનની ઓથ લઈને અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પગદંડો જમાવ્યો. પરાજિત સદ્દામ હુસૈનને બદનામ કરીને ફાંસી આપવામાં આવી અને અફઘાનિસ્તાનમાં અમેરિકન લશ્કરની મદદ કરનાર પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનો ઝુકાવ વધ્યો. આ પરિસ્થિતિનો પૂરો ગેરલાભ પાકિસ્તાનના ભારત વિરોધી ત્રાસવાદીઓએ ઉઠાવ્યો અને અલકાયદાનું અનુકરણ કરીને મુંબઈ પર ત્રાસવાદી હલ્લાનું આયોજન કરવામાં આવ્યું. કાશ્મીરમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધી પડી અને ભારતના લશ્કરી મથકો પર ત્રાસવાદીઓના હલ્લાની સંખ્યા વધી.

અલકાયદાના સ્થાપક ઓસામા બિન લાદેન અમેરિકા પરના ત્રાસવાદી હલ્લામાં યશસ્વી બન્યા પછી સમસ્ત મુસ્લિમ સમાજમાં પ્રશંસાપાત્ર બન્યો અને ટચૂકડાં આરબ રાજ્યોએ તેના ભંડોળમાં મબલખ નાણાં ઠાલવ્યાં. અલકાયદા તમામ મુસ્લિમ ત્રાસવાદીઓને તાલીમ આપનાર અને જરૂર પડે તો નાણાં અને શસ્ત્રો પૂરાં પાડનાર સંસ્થા બની ગઈ અને વેર વાળવા માટે મથી રહેલી અમેરિકન સરકારની ચૂંગાલમાંથી તેનો બચાવ કરનાર રાજ્યો, સંસ્થાઓ અને મદદગારોની યાદી ઘણી લાંબીલચક છે. અફઘાનિસ્તામાં ઓસામા બિને લાંબા વખત સુધી આશરો લીધો અને છુપાઈ રહેવાનું આ સ્થાન ઉઘાડું પડી ગયું ત્યારે ઓસામાને પાકિસ્તાને આશરો આપ્યો.

પાકિસ્તાનના લશ્કરી કેન્દ્ર એલોટાબાદમાં ઓસામા બિન લાદેન પોતાની ચાર પત્નીઓ અને વીસ-પચીસ બાળકો જોડે રહે છે. તે અમેરિકન જાસૂસી ખાતાએ શોધી કાઢ્યું અને તેને ઠાર મારવા માટેનું તંત્ર અતિશય ઝીણવટથી ગોઠવવામાં આવ્યું. પાકિસ્તાનને ખબર પડે તો ઓસામા છટકી જશે તેવી ખાતરી હોવાથી અમેરિકન લશ્કરી ટુકડીનાં હેલિકોપ્ટરો એબટાબાદ પર ત્રાટક્યાં અને ટૂંકી ઝપાઝપીમાં ઓસામાને ઠાર મારવામાં આવ્યો. તેની ઓળખ પતાવ્યા પછી તેને વજનદાર સાંકળો પથ્થરોથી બાંધીને ઊંડા દરિયામાં ફગાવી દેવામાં આવ્યો. પાંચ વર્ષ સુધી ઓસામા પાકિસ્તાનમાં છુપાઈ રહ્યો.

લશ્કરી કેન્દ્ર જેવા સંવેદનશીલ વિસ્તારમાં રહ્યો અને છતાં અમને આ બાબતની કશી ખબર નથી તેવો પાકિસ્તાની સરકારનો દાવો કોઈ સમજદાર માણસના ગળે ઊતરે તેવો નથી અને અમેરિકાએ પાકિસ્તાન પરનો પોતાનો ભરોસો કાયમ માટે ગુમાવ્યો. આટલું જ નહીં, પણ અલકાયદા જેવી વિઘાતક ત્રાસવાદી સંસ્થાનું પોષણ કરનાર પાકિસ્તાન સરકાર ત્રાસવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે તે બાબતની દુનિયાના તમામ દેશોને ખાતરી થઈ. આ ખાતરીના પરિણામે પાકિસ્તાન ત્રાસવાદીઓનો અડ્ડો છે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર ઝુંબેશ અને જેહાદ પણ દુનિયાના તમામ દેશોએ સ્વીકારી લીધી. ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓના તહોમતદાર અઝહર મસુદ અને દાઉદ ઇબ્રાહિમ આજની ઘડી સુધી પાકિસ્તાનમાં ખુશખુશાલ મહાલી રહ્યા છે.

1954થી ભારતનો વિરોધ કરવા માટે અમેરિકા પાકિસ્તાનને શસ્ત્રો અને ભંડોળ છુટ્ટા હાથે આપતું રહ્યું છે, પણ એબટાબાદમાં ઓસામાને આશરો આપવાનું ષડ્યંત્ર ઉઘાડું પડ્યા પછી અમેરિકાએ ધીમે ધીમે પોતાનો હાથ સંકોચી લીધો છે અને અમેરિકાના ટેકાથી ચાલતી આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાએ પાકિસ્તાનને ધિરાણ આપવાનું બંધ કર્યું છે. પાકિસ્તાનની સ્થિતિ અત્યારે ઘણી કફોડી છે, પણ તેના માટે પાકિસ્તાન પોતે જ જવાબદાર છે. ‘હાથનાં કર્યાં હૈયે વાગે’ તે કહેવત કંઈ અમસ્તી પડી નથી અને પાકિસ્તાન તેની સચ્ચાઈનો પુરાવો છે.

X
tad ane fad by nagindas sanghvi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી